Blessings books and stories free download online pdf in Gujarati

આશીર્વાદ

આશીર્વાદ

આમ તો કહેવાય છે કે માતાપિતા માટે દીકરો દીકરી એક સમાન જ હોય અને પોતાના બંને સંતાનો માટે આશીર્વાદ એકસરખા જ હોય છે. છતાંપણ સંતાનો ક્યારેક ને ક્યારેક પોતાને મળતા પ્રેમની સરખામણી કરતા હોય છે તો બીજી તરફ માતાપિતા પણ જાણે અજાણ્યે સંતાનો પ્રત્યે એવો ભાવ રાખતા જ હોય છે. માતાપિતા ને એવું પણ લાગતું હોય છે કે મારો આ દીકરો કે આ દીકરી નબળા છે માટે એમને મારા આશીર્વાદની વધુ જરૂર છે. બાકી બીજો દીકરો કે દીકરી તો લડી ને પણ જીવી લે એવા છે.

આયુષ ને હમેશાં એવું જ લાગી રહ્યું હતું કે તેને જે પણ પ્રેમ આશીર્વાદ મળ્યા એ નાની બહેન ઉર્વી કરતા ઓછા મળ્યા અને એના જ કારણે એ જિંદગીમાં સતત મહેનત કરવા છતાં, પોતે હોશિયાર હોવા છતાં ધારી સફળતા મેળવી શક્યો નથી. કદાચ એના નસીબનો પણ વાંક હોઈ શકે છતાં સતત આયુષના મનમાં સતત આ વાત રમ્યા કરતી હતી. આયુષને ક્યારેક લાગતું નસીબનો વાંક છે તો ક્યારેક લાગતું એના કોઈ ખરાબ કર્મોનો તો ક્યારેક લાગતું એને માતાપિતાના આશીર્વાદ પણ ક્યાં મળ્યા છે! આ જ આયુષ આજે માનસિક સંતુલન ગુમાવી ઘરે ઘરે ભીખ માંગીને પેટ ભરતો થઈ ગયો હતો.

આયુષ જ્યારે માત્ર એકવર્ષનો થયો ત્યારથી એના કાકાકાકી ના ત્યાં મોટો થયો. એના પિતા ઘરમાં વડીલ હતા અને ઘરની જવાબદારી એટલે કમાવવા ગામડેથી દૂર ખેતરોમાં રહેતા આથી આયુષને એ જીવનથી દૂર રાખ્યો. થોડા વર્ષોમાં આયુષની બહેન ઉર્વિનો જન્મ થયો. ઉર્વિ નાની અને લાડકવાયી હતી અને આમપણ દીકરીની જાત એટલે આયુષના માતાપિતાએ ઉર્વિને એકદિવસ પણ અળગી રાખી નહોતી. આ તરફ આયુષ માટે માતાપિતાનો પ્રેમ કેવો હોય, સંબંધ કેવો હોય, લાગણીઓ કેવી હોય એ બધું જ એક સ્વપ્ન સમાન હતું. અથવા કહેવા જઈએ તો આ બધું જ બાળમૃત્યું પામ્યું હતું.

ધીમે ધીમે આયુષ અને ઊર્વી મોટા થતાં ગયાં. માતાપિતાના પ્રેમથી સિંચેલી ઊર્વિ હોશિયાર અને લાગણીશીલ બનતી ગઈ. જ્યારે આ તરફ આયુષ ઉધ્ધત, બેજવાબદાર, લાગણીહીન એ છતાં પણ લાગણીભૂખ્યો બનતો ગયો. આયુષ ને સંબંધ બનાવતા ફાવતું, સંબંધોમાં પોતાનો હંમેશા એ પોતાનો ફાયદો શોધતો પણ હંમેશા સંબંધ સિચવામાં એ પાછો પડતો. કોઈ વખતનો અણમોલ સંબંધ એ પળભરમાં, નાની અમથી વાતમાં તોડી નાખતો હતો. કદાચ એના મનમાં સતત ચાલતું એક યુદ્ધ કે મને અન્યાય થયો છે લાગણીઓ મળવામાં, હું અયોગ્ય છું, હું સારો વ્યક્તિ નથી, હું કોઈને ખુશ ના રાખી શકું કદાચ એટલે જ અળગો રાખ્યો ભગવાને માતાપિતા અને એમના આશીર્વાદથી.

સતત આયુષના જીવનમાં અણમોલ સંબંધો આવતા ગયા અને આયુષ એ સંબંધોમાં ઉષ્મા શોધતો રહ્યો. સંબંધો બનાવવા, છોડવા જાણે આયુષ માટે રમત થઈ ગઈ હતી, ક્યારેય આયુષ પોતાના સ્વાર્થ થી આગળ કશું જ વિચારી નહોતો શકતો. કદાચ એનામાં એ સૂઝ જ નહોતી કે સંબંધ શું કહેવાય અને સંબંધ કેમના સચવાય! સતત એને એવું જ લાગતું કે એને માતાપિતા તરફથી જે આશીર્વાદ મળ્યા એમાં જ ક્યાંક ઉણપ રહી ગઈ છે.

બહુ બધું ભણ્યા પછી, બહુ બધી મહેનત કર્યા પછી પણ ધંધામાં સારી સફળતા ના મળતા હવે એ એકાકી જીવવા લાગ્યો હતો. હજુ પણ એને યાદ હતું અથવા ખૂંચી રહ્યું હતું કે એકવખત એના પિતાથી વાતવાતમાં કહેવાઈ ગયું લાગતું નથી તું સફળ થઈશ! ત્યારથી આયુષે બસ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે એકદિવસ હું પિતાને બતાવીશ કે જુઓ હું સફળ છું.

આમને આમ સમય વીતતો જતો હતો સંબંધો થી લઇ ધંધામાં પણ આયુષ નિષ્ફળ થઈ રહ્યો હતો. પોતાના પિતાને થયેલો જીવલેણ અકસ્માત આયુષ માટે પણ જીવલેણ થઈ ગયો હતો. આયુષ જીવતો તો હતો પણ જીવવું એને મૌત સમાન લાગ્યું હતું. આયુષ ને પણ ખબર નહોતી કે એને પિતાના મોતનું દુઃખ છે કે દુઃખ એ વાતનું છે કે એ એની સફળતા પિતાને બતાવી શકશે નહિ. માતાની ઈચ્છાથી પિતાના ગયા પછી માતાપિતાની સંપત્તિનો એકભાગ પરણીને સાસરે ગયેલી બહેન ઉર્વીને આપવામાં આવ્યો. એ સંપત્તિ કરતા પણ આયુષને માતાનું પોતાની પુત્રી ઉર્વિનું ધ્યાન રાખવું, આશીર્વાદ આપવા ખુંચ્યું હતું. ઉર્વિની હજું પણ આટલી ફિકર! આટલા આશીર્વાદ! આટલી ચિંતા! મેં ક્યારેય માતા કે પિતા વિરુદ્ધ કંઇજ કર્યું નથી, સતત એમની ચિંતા કરી છે, કહ્યું માન્યું છે છતાં હું કેમ એ સ્થાને ના આવી શક્યો? આયુષ એ વિચારી ચૂપ થઈ ગયો હતો.

સમય સાથે આયુષ ને પણ લાગી રહ્યું હતું કે પોતે નિષ્ફળ છે. સંબંધ કહો કે ધંધો એ ક્યાંય સફળ થયો નથી, થવાનો નથી. જ્યારે માતાપિતાના આશીર્વાદ જ નથી તો બીજું તો શું બાકી રહ્યું જીવનમાં. આ બધા વિચારો અને ભાવોમાં આયુષ માનસિક સંતુલન ખોઈ બેઠો હતો અને જતી જિંદગી લોકોના ઘરે ઘરે ભટકી માંગીને ખાવામાં પૂરી કરી રહ્યો હતો. ખરાબ માનસિક સ્થિતમાં પણ આયુષના આંસુ બસ એક જ સવાલ પૂછી રહ્યા હતા મારી ભૂલ શું થઈ? મારા કયા કર્મોનો હિસાબ થઈ રહ્યો છે? હું કેમ ક્યારેય આશીર્વાદ ને યોગ્ય ના થઈ શક્યો?

તમે અથવા તમારા કોઈ પણ આવી અવસ્થામાંથી પસાર થયા હશે અથવા આવું ક્યાંક અનુભવ્યું હશે. આશીર્વાદ મેળવવા કોને ના ગમે? તો બસ આશીર્વાદ આપતા રહો સામે આશીર્વાદ મેળવતા રહો. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :-  feelingsacademy@gmail.com  અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.

જય ભોળાનાથ...

Feelings Academy...

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED