I love you books and stories free download online pdf in Gujarati

આઈ લવ યુ

આઈ લવ યુ



બહુ દિવસથી કાવ્યાનું મન અધીરું બની ઉઠયું હતું. એ જેને ઓળખતી નહોતી એની સાથે પ્રેમ થઇ ગયો હતો. જે સાંભળ્યું હતું એ અને એવું જ અદ્દલ થઈ રહ્યું હતું. જોયા જાણ્યા વગરનો પ્રેમ થઈ રહ્યો હતો.


જેમ જેમ કાવ્યા ફેસબુક પેજના લેખો વાંચી રહી હતી એમ એમ એ શબ્દો થકી લેખકના પ્રેમમાં પડી રહી હતી. કાવ્યાને લાગ્યું આ એ જ તો છે મારો કાન્હા જેની સાથે મારે પ્રેમ કરવો છે. જેના મારે બની જવું છે. જેને મેળવવા દુનિયા સાથે લડવું છે. એટલેજ એના મનમાંથી આજે સરી પડ્યું.


"તારા પ્રેમમાં છું કાન્હા તું સમજી જા ને પ્રીત,
બસ રાધા બનાવી લે તું મને આ જ મારી રીત."


બહું દિવસથી કાવ્યા વિચારતી હતી કે આજે એને કહી દઉં બની જા ને મારો કાન. પહેલા ક્યારેય વાત કરી નહોતી છતાં એના લેખમાં એ પોતાને જોતી હતી અને જાણે વર્ષોથી ઓળખતી હોય એમ લાગતું હતું.


આખરે હિંમત કરી કાવ્યાએ મેસેંજર માં મેસેજ કર્યો કે "આઈ લવ યુ" બસ આટલું જ બોલી શકી. અપલક બસ જવાબ આવવાની રાહ જોઈ બેસી રહી. અધીરું મન બની રહ્યું હતું અને અધુરું કાન્હા વિના જીવન લાગી રહ્યું હતું.


કવિશ પોતાના મેસેંજરમાં આવો મેસેજ જોઈ બહું બધા ભાવો, વિચારો સાથે ઘેરાઈ ગયો. આ કોણ છે! મારો કોઈ ભૂતકાળ સળવળી ઉઠ્યો કે શું! આટલા વર્ષો શાંતિથી પસાર થયા, હવે પાછો કયો ઝંઝાવાત આવ્યો! આ બધું વિચારતા કવિશે પૂછ્યું. "તમે કોણ છો?, હું ઓળખું છું તમને?"


"ના, તમે નથી ઓળખતા. પણ હું ઓળખું છું તમે મારા કાન્હા છો. મને પ્રેમ છે તમારાથી." કાવ્યા એ મનમાં જે આવ્યું એટલું અને એવું કહી નાખ્યું.


"તો હું કહી દઉં હું પરિણીત છું અને મને વાતોમાં એવું લાગે કે તમે ઘણા નાના છો મારાથી. તો પ્રેમ તમારો ને મારો શક્ય નથી." કવિશ હાશકારા સાથે બોલી ઉઠ્યો.


"પ્રેમ ક્યાં ઉંમર જોવે છે બસ થઈ ગયો તો થઈ ગયો." કાવ્યા પણ દ્રઢ મનથી બોલી.


"હા, એ પણ છે. છતાં પ્રેમ આમ ના થાય. તમને કેમ પ્રેમ થયો?" કવિશ બોલ્યો.


"તમે બહુ સરસ લખો છો, બસ એમ જ થાય વાંચતી જ જાઉં, હંમેશા તમારી વાર્તાની નાયિકા હું બનું છું ને નાયક માં તમને જોવું છું." કાવ્યા એ કહ્યું.


"ઓહ્... એટલે તમે મારા નઈ મારા શબ્દોના પ્રેમમાં છો." કવિશ વાત સમજી ગયો.


"એ મને નથી ખબર. પણ સાચું કહું તો મને માત્ર તમારા જ વિચારો આવે છે. હું તમને જ મારી સાથે આજીવન જોવા ઈચ્છું છું. તમારા આલિંગનમાં સમર્પિત થવા ઈચ્છું છું."


"હા, થાય જીવનમાં કોઈવાર આવું. પણ આ પ્રેમ નથી માત્ર પાત્ર પ્રત્યેનું આકર્ષણ છે. જે કોઈવાર આવું તીવ્ર થઈ જાય." કવિશ સમજાવતા બોલ્યો.


"તો હું હવે શું કરું? મને તો નથી ગમતું એકપળ પણ તમારા વિના. તમને મે મારા કાન્હા માન્યા છે." કાવ્યા બધીજ સંવેદના ભેગી કરી બોલી.


"વિચારો આવવા કોઈ નવી વાત નથી. તમને પણ આવ્યા. હું પરિણીત છું એટલે એ સવાલ જ નથી કે તમારી સાથે પ્રેમ સંબંધમાં આવું. સાચું કહું તો સારું થયું તમે મારી પાસે આવ્યા. બાકી બીજું કોઈ તમારા પ્રેમનો, તમારી લાગણીઓનો ફાયદો પણ ઉઠાવી શકે." કવિશ સમજાવતા બોલ્યો.


"હા, એ પણ છે." કાવ્યા પણ સમજી રહી હતી પોતાની ભૂલ. કવિશના આ શબ્દો પછી કાવ્યના મનમાં કવિશ પ્રત્યે માન વધી ગયું હતું. કાવ્યાને લાગ્યું કે એણે જેને પ્રેમ કર્યો એ સાચે જ એના પ્રેમને લાયક જ છે. બહું જ સારો છે. એ જે કહે એ પણ પ્રેમ હતો અને રહેશે. મારો કાન્હા હતો અને રહેશે. પામી તો રાધા એ નહોતી શકી તો હું વળી શું છું!


"બસ તો કાવ્યા. તમે આ વાત ભૂલી જાઓ અને જીવનમાં આગળ વધો." કવિશ બોલ્યો.


"તમારે મારા મિત્ર બનીને રહેવું પડશે. હું તમને ખોવા નથી માંગતી. આટલું તો શક્ય છે જ ને?" કાવ્યા જીવનભર સાથે રાખવાના ભાવ સાથે બોલી ઉઠી.


"હા, એ શક્ય છે પણ સાચું કહું તો મારી એજ અત્યારે ૪૫ છે એ કહી દઉં." કવિશ કંઈ ખોટું બોલી છૂપાવવા નહોતો માંગતો.


"મારી ઉંમર ૨૨ છે છતાં તમારી સાથે દોસ્તી કરવી છે. ગમશે મને આજીવન તમારા દોસ્ત બનવું જો તમને વાંધો ના હોય તો." કાવ્યા આ ઉંમરના તફાવતને પળવારમાં ઓગળતા બોલી.


"તને જે ઠીક લાગે તે પણ હું ક્યારેય કોઈ સંબંધ અસત્ય બોલીને બંધાય નથી ઈચ્છતો." કવિશ બોલી ઉઠ્યો.


"મજા આવી ગઈ જિંદગીમાં તમને એક સપનાંને મેળવી. મારે મેળવવા હતા મેળવી લીધા." કાવ્યા પણ બોલી ઉઠી.


હજું પણ આ સંબંધ અકબંધ છે. કાવ્યા ના લગ્ન થઈ ગયા અને કાવ્યા હજુપણ પોતાના જીવનની દરેક વાતો કવિશને શેર કરે જ છે. સંબંધ ભલે મિત્રતા નો રહ્યો પણ કાવ્યા હજુ પણ કવિશ ને કહે જ છે આઈ લવ યુ દોસ્ત મજા આવી ગઈ જિંદગીમાં. પ્રેમ પણ આવો મળ્યો ના હોત જે તે આપ્યો.

*****


ફરી મળીએ આવી જ કોઈ સ્ટોરી સાથે. તમે પણ આવું ક્યાંક અનુભવ્યું હશે અથવા આવું કોઈ માટે લાગ્યું હશે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.


જય ભોળાનાથ...


Feelings Academy...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED