સ્પર્શ સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્પર્શ

સ્પર્શ

કહેવાય છે કે લાગણીની શરૂઆત મા ના સ્પર્શથી થાય છે. અઢળક, અવિરત લાગણી અને પ્રેમ મા સિવાય કોણ રેડી શકે જીવનમાં. હેત, હૂંફ વરસાવી લાગણીથી તરબોળ કરી નાખે જિંદગી એ જ છે આ મા. જો જીવનની શરૂઆતમાં મા નો આવો અઢળક સાથ, પ્રેમ, લાગણી, હૂંફ મળે તો જીવન ધન્ય થઈ જાય. પણ જો નાનપણમાં આ જ મા ના પ્રેમથી અલિપ્ત રહી જવાય તો! માનો લાગણી વરસાવતો સ્પર્શ અને ખોળો જ ના રહે તો!

આવું જ હતું કંઇક આદિત્યના જીવનમાં. એ હજુ તો માંડ એકાદ વર્ષનો થયો ત્યાજ જીવનમાંથી મા નો છાયો દૂર થઈ ગયો હતો. હંમેશાં એ જ્યારે પણ કોઈ મા ને પોતાના બાળક પર હેત વરસાવતાં જોતો, ભાવવિભોર થઇ એકદમ એકાંકી શાંત થઈ જતો હતો. એકતરફ મા નું દૂર થવું અને પપ્પાનું પૈસા કમાવવાની હોડમાં ગામથી દૂર શહેરમાં રહેવું આદિત્યને અકળાવી નાખતું હતું. મા નો ખોળો ના મળ્યો તો કઈ નઈ પણ આદિત્યને પપ્પાનું આલિંગન પણ જોઈતું હતું. પણ સમય આદિત્ય માટે આવું કંઇજ આપવા નહોતો ઈચ્છતો. એટલે જ આદિત્ય મિત્રતા, પ્રેમ, લગ્ન એવા કોઈપણ સંબંધમાં ગયો ત્યારે એ આવી જ કંઇક માંગણી કરી બેસતો.

નીરુ પણ એ જ ગડમથલમાં પડી હતી કે આ શું થઈ રહ્યું છે મારા જીવનમાં. હું આદિત્યને આખું શરીર સોંપી રહી છું, મારે આદિત્ય ની છાતી ઉપર માથું રાખી સૂવું છે અને આ આદિત્ય ખોળા માં સૂવાની માંગણી કરી રહ્યો છે. શું આ પાગલ છે કે અસ્થિર મગજનું વ્યક્તિત્વ!

નીરુ પોતાના લગ્નજીવનની વ્યથિત, પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી દુઃખી થઈ એક એવું આલિંગન શોધી રહી હતી જ્યાં હૂંફ સાથે એક એવી છાતી મળે જ્યાં પોતાનું માથું ઢાળી શાંતિ થી સૂઈ શકે, રડી શકે. પણ આજે તો આદિત્ય એ એવું કહી નાખ્યું કે નીરુ હચમચી ઉઠી. આદિત્ય એ કહ્યું મારે તું જોઈએ છે. આખા જીવન માટે તું જોઈએ છે. બસ મને તારા ખોળામાં માથું રાખી સુવા દેજે ને! નીરુ ને અહી પણ જોઈતું મળી શકે એવું લાગ્યું નહિ. છતાં હા કહી.

આદિત્ય માટે નીરુ કંઈપણ કરવા તૈયાર હતી. આદિત્ય એ બસ આ જ તકનો લાભ ઉઠાવ્યો અને પોતાના જીવન માટે જીવનભર સુવા નીરુ નો ખોળો માંગી લીધો. નીરુ ને થોડું વિચિત્ર લાગ્યું છતાં હા પાડી દીધી. નીરુ એના માટે આશરો શોધી રહી હતી અને આદિત્ય એના માટે. શું આ સંબંધ હતો કે કોઈ છૂપો સ્વાર્થ આવું કઈજ વિચાર્યા વગર સંબંધ આગળ વધી રહ્યો હતો.

નીરુ નો પતિ પોતાની પ્રેમિકા સાથે ગોવા ગયો હતો અને લગભગ ત્રણ દિવસ ત્યાં રોકાઈ મોજમજા કરવાનો હતો. નીરુ એ આદિત્યને પોતાના ઘરે બોલાવ્યો. બહુ સમયથી બંને ફોન પર વાત કરતા પણ મુલાકાત તો આજે જ હતી. ભલે આ પહેલી મુલાકાત હતી પણ બંનેને એકબીજા માટે લાગણીઓ એવી હતી કે બહુ સમયથી સાથે જ રહેતા હોય.

નીરુ એ ઓક્સફોર્ડ બ્લ્યુ કલરનું સ્લીવલેસ ટોપ પહેર્યું હતું. એના કર્લી વાળ એના ગાલને સ્પર્શી ચૂમી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. એના કાનને ડિઝાઈનર ઈયરિંગ શોભાવી રહ્યા હતા. એના હોઠ અને ગાલની લાલિમા કોઈને પણ મોહિત કરી હોઠ સ્પર્શવા મજબૂર કરે એવી લાગી રહી હતી. નીરુ જાણે આજે આદિત્ય ની થવા જવાની હોય એવી લાગી રહી હતી.

આદિત્ય એ નીરુ ને કપાળમાં ચુંબન કર્યું અને નીરુ સાથે સોફામાં એની બાજુમાં બેસ્યો. નીરુ આદિત્ય માટે પાણી લઈ આવી. આદિત્યએ થોડું પાણી પી નીરુ ને પણ પાણી પીવડાવ્યું. ગ્લાસ ત્યાજ ત્રીપોઈ પર રાખ્યો. નીરુ આદિત્યના આલિંગનમાં ભીંસાઈ પોતાનું સર્વસ્વ આદિત્યનું કરી આદિત્યની થવા માંગતી હતી. ત્યાજ આદિત્યએ નીરુ ને પૂછ્યું "શું હું તારા ખોળા માં સુઈ શકું!"  નીરુ ની હા પડતા જ આદિત્ય ત્યાં જ સોફામાં નીરુ ના ખોળા માં સુઈ ગયો.

નીરુ આદિત્યને નિહાળી રહી હતી. જાણે કેટલાયે વર્ષો થી સૂતો ના હોય એમ આદિત્ય પળભરમાં સૂઈ ગયો. નીરુ એ આદિત્યના કપાળમાં હળવું ચુંબન કર્યું. અને બસ આદિત્યના ચહેરા પર જોવા મળતો સંતોષનો ભાવ માણી રહી રહી. આટલા સમયમાં આજે નીરુ સમજી શકી હતી કે આદિત્યને કેમ એનો ખોળો જોઈતો હતો. સતત વ્યગ્ર રહેતા આદિત્યને આટલો શાંત, સૌમ્ય, પ્રેમાળ આજે પહેલીવાર એણે જોયો હતો. અપલક એ આદિત્યને જોઈ રહી હતી.

આખરે અડધા કલાક બાદ આદિત્યની આંખ ખુલી. આંખ ખુલતા જ રોકી રાખેલી ધસમસતી લાગણીઓ એ નીરુ ને જાણે ધક્કો માર્યો હોય એમ નીરુ એ આદિત્યના હોઠ ને એના હોઠ સાથે બીડી નાખ્યા.

તમે પણ આવી અવસ્થામાંથી પસાર થયા હશો અથવા આવું ક્યાંક અનુભવ્યું હશે. વ્યક્તિ, સંબંધ કોઈપણ હોય લાગણીઓ સ્થિર છે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :-  feelingsacademy@gmail.com  અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. અમારી સાથે જોડાયેલા રહો.

જય ભોળાનાથ...

Feelings Academy...