પરિતા - ભાગ - 3 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 3

પરિતાએ પોતાની ઓફિસમાં વધારે દિવસની રજા મૂકી દીધી. પપ્પાની સારવારમાં, ઘર સાચવવામાં ને આર્થિક રીતે મદદરૂપ થવામાં એ મમ્મીની સાથે ખડેપગે ઊભી રહી. જ્યાં સુધી પપ્પા હોસ્પિટલથી ઘરે આવી ગયાં ત્યાં સુધી એણે હોસ્પિટલની અને ઘરની મોટાભાગની તમામ જવાબદારીઓમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. શિખા નાની હોવાથી અને દાદી અશક્ત હોવાથી પરિતાએ એકલે હાથે જ બધું કામ પૂરું પાડ્યું હતું. જો કે શિખા અને દાદીએ પરિતાને નાનાં - નાનાં કામોમાં મદદ કરવામાં પાછી પાની રાખી ન હતી.
પપ્પાની તબિયત હવે એકદમ બરાબર થઈ ગઈ હતી ને એટલે જ હવે એમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તેમ છતાં એક મહિના સુધી એમનું બરાબર ધ્યાન રાખવાનું સૂચન ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. પરિતાએ ભણવામાંથી ડ્રોપ લઈ લીધો ને કંપનીએ આટલા બધાં દિવસ માટે રજા નામંજૂર કરી એટલે એણે પોતાની સારા પગારની નોકરી છોડવી પડી.
એનાં પપ્પા જ્યારે એકદમ સ્વસ્થ થઈ ગયાં ત્યારે એણે ધીરે રહીને મનિષની વાત ઉચ્ચારી અને એનાં વિશે જણાવવા કહ્યું. પહેલાં તો એના પપ્પાએ ખૂબ જ આનાકાની કરી પણ પરિતાનાં વધારે જોર સામે એમણે ઝૂકાવ્યું અને એમણે પોતાની અને મનિષ વચ્ચે થયેલી દોસ્તીની વાત કરી, "હું એકવાર ધંધાનાં કામ અર્થે નજીકનાં શહેરમાં ગયો હતો, કામ પતાવીને પાછા ફરતી વખતે રસ્તામાં મારું સ્કૂટર બગડી ગયેલું, ત્યારે મનિષ મારી મદદે આવ્યો હતો, એ પોતાની કારમાં મને ઘર સુધી મૂકી ગયો હતો. રસ્તામાં વાતો કરતાં - કરતાં અમારી વચ્ચે દોસ્તીનાં સંબંધની શરૂઆત થઈ, એકબીજાનાં મોબાઈલ નંબરોની આપ - લે થઈ, પછી તો રોજનાં મેસેજ, રોજની વાતો ને એમ કરતાં પાક્કી દોસ્તી થઈ ગઈ. અમને એકબીજા સાથે ખૂબ જ ફાવવા લાગ્યું. અમે એક - બીજાનાં સુખ - દુ:ખનાં સાથી બની ગયાં. આપણાં ધંધાની મંદીમાં એણે મને પૈસાની મદદ કરી હતી. થોડાંક દિવસો પછી એણે મને પોતાનાં ધંધાની મંદી વિશે વાત કરી ત્યારે મેં એને પૈસાની મદદ કરી. મેં તો એની પાસેથી લીધેલાં પૈસા ચૂકવી દીધેલાં પણ મારી પાસેથી લીધેલાં પૈસા એ છેલ્લા એક વર્ષથી ચૂકવી નથી રહ્યો. માંગવા પર ગલ્લા - તલ્લા કર્યે રાખે છે."

"ઓહ...! તો એમ વાત છે..., "

"હા....,"

"આટલી નાની બાબતમાં તમને આટલી બધી ચિંતા થઈ આવી ને એ પણ તબિયત ખરાબ કરે એવી..."

"આ નાની વાત નથી, એ પૈસા મેં તારાં લગ્ન માટે બચાવીને રાખ્યા હતાં ને હવે...એ પૈસા મેં મનિષને આપીને ગુમાવી દીધાં છે, હમણાં એક - બે વર્ષમાં તારાં લગ્ન લેવાશે તો હું આટલા બધાં પૈસા એકસાથે કેવી રીત જમા કરી શકીશ? બસ આ જ વાતની ચિંતા મને સતત સતાવ્યા કરે છે."

"પપ્પા...., મેં તમને કેટલી વખત કીધું છે કે મને લગ્ન કરી લેવાની કોઈ ઉતાવળ નથી. હજી તો મારે ભણવાનું બાકી છે, ભણીને ઉચ્ચ હોદ્દા પર નોકરી કરવી છે."

"ત્યાં સુધીમાં તો ન્યાતનાં બધાં સારાં - સારાં છોકરાઓ પરણી જશે....,"

"તો.....?"

"તો...., હવે આગળ ભણવાનું રહેવા દે, નોકરી કરવાની માથાકૂટ મૂકી દે અને હવે સારાં ઘરમાં લગ્ન કરી પોતાનું ઘર વસાવી લે."

"આ વાત તમે અત્યારે કહો છો જ્યારે મારું એંશી ટકા ભણવાનું પતી ગયું છે ને હું તો અત્યારે પણ નોકરી કરતી જ હતી ને ત્યારે તો તમને કોઈ વાંધો નહોતો...!"

"હા...., હું પણ ઈચ્છતો જ હતો કે, તું ખૂબ ભણે અને સારાં પગારની નોકરી કરે પણ એ પહેલાં એક બાપ તરીકે હું ઈચ્છું છું કે તારાં લગ્ન એક ઉત્તમ છોકરા સાથે સારાં ઘરમાં થઈ જાય. તારી બરોબરીનાં ભણેલા છોકરાઓ શોધવામાં ક્યાંક તારી લગ્ન કરવાની ઉંમર ન વીતી જાય અને તારી પાછળ તારી નાની બેન છે એનો પણ તો વિચાર કરવાનો ને...."

પપ્પાની વાત સાંભળી પરિતા વિચારમાં પડી ગઈ. એક બાજુ અણીએ આવેલું એનું ભણતર અને પછી ઉચ્ચ પદની નોકરી અને બીજી બાજુ લગ્ન. શાને વધારે મહત્વ આપવું એ નક્કી કરી શકાતું નહોતું..!

(ક્રમશ:)