પતિનો પ્રેમપત્ર Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિનો પ્રેમપત્ર

પતિનો પ્રેમપત્ર

-રાકેશ ઠક્કર

પ્રિય પત્ની,

સામાન્ય રીતે પત્ની પિયર જાય ત્યારે પતિ ખુશ થતો હોવાના જોક્સ મેં સાંભળ્યા છે. એક જોક એવો છે કે પિયરથી ઘણા સમય પછી આવેલી પત્નીને જોઇ પતિ હસવા લાગ્યો. એ જોઇ પત્નીએ કારણ પૂછ્યું કે કેમ આટલા હસી રહ્યા છો? ત્યારે પતિએ કહ્યું કે મારા ગુરૂએ કહ્યું છે કે મુસિબત આવે ત્યારે હસતાં રહીને સામનો કરવો જોઇએ. એ ખરેખર જોક્સ જ હોય છે અને તેમાં કોઇ સચ્ચાઇ નથી એનો અનુભવ મને હવે થઇ રહ્યો છે. ચાતકની જેમ હું તારી રાહ જોઇ રહ્યો છું. મેં લગ્ન પહેલાં પ્રેમી તરીકે ઘણા પત્ર લખ્યા છે પણ પતિ તરીકે આ પ્રેમપત્ર લખતાં એક અનન્ય આનંદ થઇ રહ્યો છે. સામાજિક કારણથી તારે પિયર જવાનું થયું એ પછી મને એમ લાગી રહ્યું છે કે હું હું રહ્યો નથી. તારી યાદ હરપળ મને સતાવી રહી છે. પ્રેમી-પ્રેમિકા જેવો જ આપણો વ્યવહાર લગ્ન પછી પણ રહ્યો છે. એટલે જ આ પ્રેમપત્ર લખી રહ્યો છું. લગ્ન પહેલાં પ્રેમપત્ર લખવાની જરૂર પડી ન હતી. લગ્ન પછી પ્રેમને વ્યક્ત કરવા પત્ર લખવો મને જરૂરી લાગ્યો છે.

આપણા લગ્નને હજુ ચાર જ મહિના થયા છે. ત્યાં મારા માટે 'ચાર દિન કી ચાંદની અને પછી અંધારી રાત' જેવો અનુભવ થઇ રહ્યો છે. તારા વિનાની એક-એક પળ કીડીના ચટકા સમાન બની રહી છે. મારી દરેક ધડકનની માળામાં તારું જ નામ ગુંજે છે. તું મારી રગરગમાં રક્ત બનીને વહી રહી છે. આ જમાનામાં ફોન, વોટસએપ, ફેસબૂક, ઝૂમ જેવા માધ્યમો હોવા છતાં મને લાગે છે કે આપણી વચ્ચે જોજનોનું અંતર છે. ગમે તે નેટવર્કથી વાત તો થઇ શકે છે પણ સામસામે બેસીને આંખોનું જે તારામૈત્રક રચાતું એને મિસ કરી રહ્યો છું. તારા હાથને મારા હાથમાં લઇને જે લાગણી અનુભવાતી હતી એનો અભાવ સાલે છે. જુદાઇના આ દિવસો કેવી રીતે પૂરા થશે એની ખબર નથી.

હું ઘણી વખત ગૂમસૂમ થઇને બેસી રહું છું. તારી સાથેની વાતોને-પ્રસંગોને મનમાં ઘૂંટયા કરું છું. મારી નોકરીને કારણે આપણે લગ્ન કરીને એક જ સપ્તાહમાં ગામથી દૂરના પ્રદેશમાં અહીં એકલા આવવું પડ્યું હતું. તેં પહેલા જ દિવસે કહ્યું કે મને રસોઇ બનાવતાં આવડતું નથી. ત્યારે મેં હસીને કહ્યું હતું કે એ વાત મેં પણ તારાથી છુપાવી છે! અને રસોઇ આવડતી ના હોય એટલે વાસણ ઘસતાં પણ આવડતું ના હોય એ સ્વાભાવિક હતું!

એક સપ્તાહ સુધી આપણે ઓનલાઇન ઓર્ડર કરીને જમવાનું મંગાવ્યું. એક દિવસ હું સાંજે આવ્યો ત્યારે તેં કહ્યું કે બહારનું ખાઇને હવે કંટાળી છું. ત્યારે હું માથું ખંજવાળવા લાગ્યો. તું હસીને મને રસોડામાં લઇ ગઇ. ત્યાં પાણીપુરી જોઇને મારા મોંમાં પાણી આવી ગયું હતું. પણ જ્યારે ખાધી ત્યારે આંખમાં પાણી આવી ગયું! પાણીમાં તારાથી મરચું વધારે પડી ગયું હતું. પછી આપણે પાણીપુરીને બદલે ભેળપુરી બનાવીને ખાધી હતી. તું ધીમે ધીમે યુટ્યુબ પર જોઇને નવી નવી વાનગીઓના પ્રયોગ કરવા લાગી હતી. હું પણ એમાં જોડાયો. એક મહિના સુધી આપણે વધારે ખાટી, તીખી, ફિક્કી અને કડવી વાનગીઓ ખાધી. એ વિશે કોઇએ કોઇને ફરિયાદ ના કરી. લગભગ બે મહિનામાં તો તું અને હું બંને રસોઇ બનાવતાં શીખી ગયા છે. આ દિવસોમાં તું નથી ત્યારે પણ હું મારી રીતે રસોઇ બનાવીને ખાઇ લઉં છું. પણ ભોજનમાં તારા હાથનો એ સ્વાદ કેમ કરીને લાવું? બસ, તારું કામ પતે એટલે તરત આવી જા. નહીંતર હું તારા હાથના ભોજન વિના નહીં પણ તારી યાદમાં સુકાઇ જઇશ!

લિ.તારો વ્હાલો પતિ