રુદયમંથન - 6 Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદયમંથન - 6

ધર્મસિંહના અવસાન બાદ એમની સવાસો કરોડની પ્રોપર્ટીની લાલચે દેસાઈ પરિવાર રતનપુરા જવા તૈયાર થઈ ગયો છે, પરંતુ કોઈ દિવસ ગામડું જ ના જોયેલ સૌને ત્યાં જવામાં મુશ્કેલી પડી રહી છે એ આપણે જોયું,બસમાં જુવાનિયાઓની વાતો અને શિખાની કેસરીભાઈ સાથેની નોકઝોક સૌને વાતોમાં વળગાડી રાખે છે.
આકાશ અને માધવીમાં ધર્મસિંહના ગયા બાદ બે ચાર દિવસમાં જ બદલાવ જોવા મળે છે, એમનો સકારાત્મક પ્રભાવ દેસાઈ પરિવારને કદાચ બાંધી રાખશે!
નવ કલાકની મુસાફરી આશરે અર્ધાવસ્થામાં પહોંચી, સુરતથી આગળ બસની સફર આગળ વધી, સુરત ગયું ત્યાર બાદ લીલી વનરાજીથી ખીલેલા વૃક્ષો જાણે દેસાઈ પરિવારનું સ્વાગત કરતા હોય એમ ઉભેલા હતા, રસ્તાની બન્ને બાજુ આંબાવાડી અને ચિકુવાડી જાણે એમની સુંદરતાના મધુર ગીતો ગાતાં હતાં.
બારડોલીથી આગળ વધતા ધરતીની સુંદર ઉભાર સમાન નાની ટેકરીઓ અને વાંકાચૂકા રસ્તા જાણે સાપુતારાની યાદ અપાવતાં હતા પરંતુ અંહી સૌને અફસોસ હતો કે તેઓ રતનપુરા જતાં હતાં, આની જગ્યાએ સાપુતારાની સફર હોત તો સૌનો મિજાજ જ અલગ હોતે!
ખબડખુબડ રસ્તાઓ હવે થાકેલા મુસાફરની માફક આળસ કરતાં હતાં, એના કારણે મુસાફરીની ગતિમાં બ્રેક લાગી રહી હતી, સિંગલ પટ્ટી રસ્તો એમાંય વરસાદી મોસમ બંનેએ મિલીભગત આદરી દેસાઈ પરિવારને હેરાન કરવાનું બીડું ઝલ્યું હોય એમ લાગતું હતું. સોનગઢ આવતાં આવતાં તો બસમાં ઉપાહોહ થઈ ગયો, હજીય નવાપુર આવવામાં વાર હતી, ત્યાંથી એકાદ કલાક દૂર છેવાડે પડેલું રતનપુરા તો જાણે કયા ભવે આવશે એવા સૌ નિસાસા નાખવા લાગ્યા.
એમ કરતાં કરતાં ભૂખ પણ સૌને કકડીને લાગી હતી, ફાસ્ટફૂડમાં ટેવાયેલા જુવાનિયાઓને તો ઠેપલા અને સુખડી જોઈને મોઢાં બગડી ગયા, બહાર આવતી રેકડીઓ પણ હવે દેખાતી બંધ થઈ ગઈ, એકલદોકલ દુકાન આવતી પરંતુ વરસાદે એનું જોર એવું પકડ્યું હતું કે નીચે ઉતરવું પણ ભારે થઈ ગયું હતું, ડ્રાઈવરે આગળથી આવતાં સાધનો દ્વારા તપાસ કરી તો ખબર પડી કે ઉપરવાસમાં વરસાદ ભારે છે એટલે આગળ રસ્તા એનાથીય વધારે ખરાબ છે, આ વાતની બસમાં બધાને ખબર પડતાં બધા હિંમત હરતાં ગયા!
બપોરે બે વાગ્યાની બદલે સાંજ પડી જશે! અહી તો બાર સાંધતા તેર તુટે એવી પરિસ્થિતિ થઈ ગઇ હતી, એવામાં કેસરીભાઈ અને મુનીમજી સૌને હિંમત આપતા ગયાં, માધવીએ લાવેલા ડબ્બાઓમાંથી બધાને ડિસ્પોઝેબલ ડિશમાં ઠેપલા અને સુખડી પીરસતા ગયાં, ભૂખના લીધે પહેલી વાર સૌને થેપલા સુખડી કોઈ ફાઈવ્સ્ટાર હોટલના ભાણાથીય મીઠા લાગવા માંડ્યા,ખાવામાં હંમેશા કકળાટ કરતી સ્વીટીએ પણ ઠેપલાના બટકા ગપાગપ ખાઈ લીધા. આ વસિયતે તો સૌને એવા મજબુર કરી દીધા કે રતનપુરા પહેલાં જ બધાયને રતનપુરાનો રંગ લાગવા માંડ્યો.
આખરે રતનપુરાનું પાટિયું દેખાયું, બારીના કાચ બંધ હોવા છતાંય રતનપુરા દેખાતા ચાલુ વરસાદે વિધાને કાચ ખોલ્યો ને, "હવે સાત કિલોમીટર!" કહેતાં હરખાઈ ગયો.
બધાના મોઢાં પર ખુશાલી ચલાવી ગઈ, જાણે ઈડરિયો ગઢના જીતી લીધો હોય!
"હજી સાત કિલોમીટર?" મુનીમજીએ વળતો સવાલ કર્યો.
" કેમ? હવે તો આવી જશેને દસેક મિનિટમાં?" વિધાને એની ગાડીની સ્પીડને અનુમાન કરતાં કહ્યું.
"આ તો તારી કાર નથી કે દસ મિનિટમાં આવી જાય, હજી તો અડધો કલાક તો થશે જ, રસ્તા તો જો અહી નાં!" મુનિમજી પણ હવે કંટાળ્યા હતા, એમનાં અવાજમાં હવે થાક વર્તાતો હતો.
"હાય રામ! એના કરતાં તો સ્વર્ગે જવું સીધું છે!" માળા ગુમાવતા ગુમાવતા તૃપ્તિ બોલી, સવારથી એક જ જગ્યાએ પલાઠી વાળીને બેસેલી એની પણ હવે કમર અને પગ દુખાવા માંડ્યા છે!
"તો શું? દાદા તો જતાં રહ્યા પણ આપણને ઊંઘે રસ્તે ચડાવીને ગયા શું કરીએ?" બિરવા બોલી, એની વાતોમાં એના દાદા પ્રત્યે રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
"ભલે તને અત્યારે આ ઊંધો રસ્તો લાગી રહ્યો પણ એમનાં માટે આ સીધો રસ્તો જ હતો!" કેસરીભાઈએ એમનાં મિત્રસમ ધર્મસિંહનો પક્ષ લીધો.
વાતો વાતોમાં સફર આગળ વધી ગઈ, ગામના સીમ સુધી બસ પહોંચી ગઈ, કહેવામાં તો રતનપુરા ગામ હતું પરંતુ એને જોતાં જરાય ગામડું લાગી નહોતું રહ્યું, છૂટાછવાયા દસેક મકાન, કોઈ પાકી ગણી શકાય એવી ઈમારત સુદ્ધાં નહોતો! અંતરીયાળ ગામડામાં આદિવાસી પ્રજાને માળખાકીય સુવિધા શું છે એનો ખ્યાલ હોય તો તેઓને ફરક દેખાય ને! એમને મન માત્ર બે ટંક જમવાનું મળી જાય અને રાતે સુવા છત! એમાં જ એમની જિંદગી પૂરી થઈ જતી હતી, રસ્તાઓ પણ હતા નહિ, પગદંડી એ જ એમનાં પાકા રસ્તા! ગામમાં પેટ્રોલવાળી ગાડી ભાગ્યે જ કોઈ વાર આવે બાકી તો બળદગાડા અને સાયકલ જ હતા.
ગામડું કહેવું મુશ્કેલ એવી વસ્તીમાં દેસાઈ પરિવાર આવી પહોંચ્યો, વિલાયતી ગામડાં તો એમણે ક્યાંક અમદાવાદની આજુબાજુ જોયેલા હતાં, તેઓ ત્યાં રહેવા નહોતા માંગતા તો અહી સંપર્કવિહોણા નાના કબીલાના કઈ રીતે પાર પડશે?
બસ ગામની પાદરે આવીને ઉભી રહી, વરસાદમાં નીતરતી બસ હવે કાદવના રંગે રંગાઈ ગઈ હતી, એનો સફેદ કલર હવે ધૂળીયો થઈ ગયો હતો અને એમાં બેસેલા બધાય રંગીન માણસોના ફિકા!
છૂટા છવાયેલા ઘરોથી આગળ નજર લંબાવતા બે માળની બે હવેલી જેવા મકાનો દેખાતાં હતાં, આ ગામના કદાચ સૌથી પાકા અને વિશાળ હતાં, પરંતુ એમાં એક વર્ષોથી બંધ અવસ્થામાં હોવાથી જર્જરિત થઈ ગયું હતું, એમાં લખેલી મોટા અક્ષરવાળી તકતીમાં શંતિસદન લખેલું હતું!
ધર્મસિંહ ધર્મપત્ની શાંતિબાનાં નામનો ઉલ્લેખ જોતાં આકાશને ખ્યાલ આવી ગયો કે એ સૌને અહીં જ રોકાવાનું હશે! ધર્મસિંહએ અહી એવા કબિલામાં આવી હવેલી જેવું મકાન બનાવ્યું એ જાણીને એમને આનંદ થયો હતો, ઘણીવાર તેઓ શાંતિસદન જવું કહીને જતાં હતા, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે તેઓ અહીંના શાંતિસદન વિશે કહેતાં હશે!
એની બાજુમાં પણ એના જેવી જ એક હવેલી બીજી હતી પરંતુ એની ચમક અલગ હતી, એમાં બધા રહેતા હોય એવું જણાતું હતું, કદાચ એ આખા વિસ્તારમાં સૌથી ધનવાન હોય એવું લાગી રહ્યું હતું, વિરાન જંગલમાં આવી હવેલી એટલે વટ જ પડે ને! એમાં લખેલી તકતીમાં લખેલું નામ સ્પષ્ટ દેખાઈ નહોતું રહ્યું પરંતુ માતૃછાયા જેવું જણાઈ રહ્યું હતું.

ક્રમશ:
રતનપુરા પહોંચેલી દેસાઈ પરિવારની સવારી રતનપુરાના ઘરોને જુએ છે....
એ બધી વસાહતોની દૂર બે હવેલી જુએ છે, શાંતિસદન અને માતૃછાયા....શું વ્યવહાર છે રતનપુરા સાથે આ બન્ને હવેલીનો?
શું શંતિસદન જ દેસાઈ પરિવારનું રહેઠાણ બનશે? કે એમાં પણ કઈ નવું ગતકડું લાવશે કેસરીભાઈ અને મુનીમજી?