Ruday Manthan - 4 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 4

સવારની મોર્નિંગ વોકમાં થોડી ચહલપહલ થવા માંડી,સૂરજદાદા હજી દેખા દેતા વાર હતી ને ધર્મવિલાની બધી બત્તીઓ ચાલુ હતી, આમ તો આખી રાતથી ચાલુ હતી પરંતુ હવે એ રોશની ઝળહળવા બદલે પ્રકાશ માત્ર ઓકી રહી હતી, એનું તેજ બધા પર પડતું હતું પણ બધાય નિસ્તેજ લાગી રહ્યા હતા!
રતનપુરા જવાના વિચાર માત્રથી જેઓ ગઈકાલે આગબબુલા થઈ ગયા હતા તેઓને આજની સવાર તો ઝેરથીય વધારે ઝેરી લાગી રહી હતી, મોડાં ઉઠવા ટેવાયેલા બાળકો હજીય ઊંઘમાં હતા, તેઓ એમનાં એમનાં વેસ્ટર્ન કપડાં પહેરીને સોફા પર એવી રીતે પડ્યાં હતા કે તૈયાર થઈને પાછા સૂઈ જવાનું છે, તન્મયને ઊંઘ નહોતી આવી રહી તો એના મોબાઈલમાં કશુંક સ્ક્રોલ કરતાં કંટાળો અનુભવી રહ્યો હતો, ત્રિશાની આંખમાં ઊંઘ હતી પરંતુ ચિંતા વધારે દેખાઈ રહી હતી કે ગામડે કઈ રીતે બધું મેનેજ કરશે? મહર્ષિ એનો સમાન બધો બરાબર લેવાઈ ગયો છે કે નહિ કે ચેક કરીને બધું સરખું કરી રહ્યો હતો, બધામાં માત્ર એનામાં જ થોડો ઉત્સાહ જોવા મળ્યો હતો.
અહી માધવી રસ્તામાં ખાવા માટેના નાસ્તાની વ્યવસ્થા કરાવડાવી રહી હતી, હંમેશ માટે ફસ્ટફૂડ ખાવા ટેવાયેલા સૌને માટે ઢેબરા અને સુખડી બની હતી, બધાને ભાવશે કે નહિ એ બળાપો કરતાં એ બધાં ડબ્બા એક બસ્કેટમાં મધુ જોડે મુકાવડવતી હતી. શિખાને જાણે ફેશન શોમાં જવાનું હોય એમ એની નેઇલપોલિશના શેડને એની લિપસ્ટિકના શેડ સાથે મેચિંગ કરી રહી હતી, તૃપ્તિ એની ધૂનમાં બેસીને એની માળાના જાપ કરી રહી હતી, એને આ બધાથી કઇ લેવાદેવા જ ના હોય એમ બધું ઈશ્વરને હવાલે કરી દીધું! ઘરમાં એ સૌથી ઓછું બોલતી, એને અઠવાડિયામાં ત્રણ દિવસ તો મૌનવ્રત હોય, એને ભક્તિમાં બહુ રસ હતો, આખો દિવસ પથ્થર એટલા પૂજે દેવ એવી એની છાપ! ઘણી વાર એની શ્રધ્ધા સાચી હોય પરંતુ એનું વધારે પડતું એમાં રચી જવું એની અંધશ્રધ્ધા બની જતું, ઘરમાંય એના કારણે એને કોઈ ગણકારતું નહિ!
મેઘ એના ખટપટિયા સ્વભાવને કારણે બધાને બધું યાદ કરાવી કરાવી બધાયના સમાન પેકિંગમાં ધ્યાન દોરતો હતો, હવે તો એની વાતોથી બધા અકળાયા હતા, પવન એની બધી ફેવરિટ ગાડીઓ સાફ કરાવડાવી ગેરેજમાં મુકાવડવતો હતો,એક મહિનામાં બધાની સારી રીતે સારસંભાળ રાખવા માટે વિનોદને સૂચનો આપતો હતો, એના જીવ કરતાંય વધારે વહાલી ગાડીઓ એને વાપરવા નહિ મળે એનો અફસોસ એના મોઢે દેખાઈ રહ્યો હતો.આકાશ ધર્મવિલાને આખા મહિનામાં કઈ રીતે મેનેજ કરવું એ માટે નટવરને શાંતિથી સમજાવી રહ્યો હતો, નટવર વર્ષોથી ધર્મવિલમાં કામ કરતો હતો માટે એક વિશ્વાસુ હતો, એને ભરોસે આખું ધર્મવીલા રહેવાનું હતું માટે આજે બધાનાં સુર એના માટે બદલાઈ ગયા હતા, બધા પોતપોતાના સામાનની અને રૂમની કાળજી રાખવા મસ્કા મારી રહ્યા હતા!
પાર્કિગમાં બસ આવ્યાનો અવાજ આવ્યો, બધાય સફાળા થઈ ગયા, પડેલા મોઢાં જાણે જેલની કારાવાસ ભોગવવા જતાં હોય એવા જણાઈ રહ્યા હતા, માત્ર મહર્ષિ અને આકાશ સકારાત્મક પ્રભાવ સાથે હતાં!
"જય શ્રી કૃષ્ણ!" - સવારની મીઠાશ સાથે મુનીમજી ઘરમાં પ્રવેશ્યા!
"જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ!" ઘરમાં આંટા મારતા મેઘે જેસંગજીને આવકાર્યા!
"વકીલ સાહેબ ક્યાં?" - આકાશે મુનિમજીને હાથ જોડી નમસ્કાર સાથે પૂછ્યું.
" એ તો ક્યારના તૈયાર છે! રાહ જોવે છે બસમાં બધાયના! તમે સૌ તૈયારને?" - એમણે એમની ચકોર નજર ઘરમાં ફેરવી જોઈ લીધું.
"તૈયાર જ ને! આમેય ક્યાં કોઈ પિકનિક પર જવું છે કે તૈયાર થવું?" શિખાએ ટોણો માર્યો.
" આવો તો ખરી રતનપુરા! એ કંઈ પિકનિકથી ઓછું થોડી છે?"- મૂનીમજીએ હકારાત્મક જવાબ આપ્યો. શીખાએ એની ટેવ પ્રમાણે મોઢું મચકોડ્યુ, પણ મુનીમજીને એનો કોઈ ફરક ન પડ્યો, એમને આ મહામાયાના નખરાની ખબર હતી. એ જાણતા હતા કે રતનપુરાની માટીમાં એનો બધો આડંબર કચડાઈ જવાનો હતો.
"ચાલો કાકા, અમે પણ તૈયાર છીએ!" - મહર્ષિએ હસતાં વદને એની તૈયારી બતાવી.
"આવ્યો મોટો તૈયાર વાળો! બહુ હરખપદુડો બને છે એમાં!" - શિખા મનોમન બડબડી.
"હા ચાલો ત્યારે! ગોઠવાઈ જાઓ બસમાં!" મુનીમજીએ ઉત્સહસભર કહ્યું.
બધાય ઘરની બહાર નીકળ્યા, ધર્મવિલાને એક દિવસ માટે પણ દૂર ના કર્યું હોય એવા દરેક માટે એનાથી એક મહિનો દૂર રહેવું મુશ્કેલ હતું. સૌને આજે એ હવેલીની કદર થઈ! બહાર અજવાળું થઈ ગયું હતું, વાતાવરણ ઠંડુ હતું. ધર્મદાદાના બગીચામાં પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો, ઘરના સદસ્યોએ એમની બિઝી લાઇફમાં કદાચ આજે જ સંભાળ્યો હતો, એને અનુભવે એ પહેલાં કેસરીભાઈએ બસના ડ્રાઈવરને હોર્ન મારવાનો ઈશારો કર્યો.ડ્રાઈવરે જોરથી હોર્ન વગાડ્યો, બધાનું ધ્યાન એ તરફ ગયું.
"ચાલો, શેની રાહ જોવો છો?તમારી ભેગી કઈ આ હવેલી નથી આવવાની રતનપુરા!" - કેસરીભાઈએ બસમાંથી સૌને બૂમ પાડી.
બધા વીલા મોઢે બસ આગળ આવ્યા, મીની બસમાં કોઈ દિવસ ના બેઠેલ સૌને આજે અજીબ લાગ્યું, હંમેશ માટે લક્ઝરિયસ ગાડીમાં બેસવા ટેવાયેલા સૌને મીની બસમાં એડજેસ્ટ થવું પડશે. બધા બસમાં ગયા અને એની નાની સીટ જોઈને સાવ નિરાશ થઈ ગયા!
"ઓહ શીટ!! આમતો એસી જ નથી!" - વિધાને માર્ક કર્યું અને નિસાસો નાખ્યો.
"અને આ નાની નાની ચેરમાં કેવી રીતે બેસવાનું?" બીરવા બબડી!
" એ તો આખી દુનિયા ફરે જ છે! આપણે નથી બેઠાં એટલે એવું લાગે, બેસીશ એટલે સેટ થઈ જશે!" આકાશે એને સાંત્વના આપી.
"પણ આટલો મોટો રુટ છે, થોડી મોટી બસ લવાયને કેસરીકાકા!" - પવને કહ્યું.
" એ તો બેટા સાંજે કોઈ વ્યવસ્થા ન થઈ એટલે! અને રતનપુરા જેવા અંતરીયાળ ગામમા કોઈ આવવા તૈયાર જ નહોતું ને!"
" એ તો પૈસા આપીએ તો ભલભલા આવે!" - એણે એના પૈસાનો રૂઆબ બતાવ્યો.
"પણ આપણી પાસે બજેટ નહોતું, આપણાં બજેટમાં માત્ર આ જ સારામાં સારી છે! બાકી તો દાદાએ આપેલા બજેટમાં તો એસટી જ થાય એમ હતું, પણ મને ખબર છે કે તમને સૌને નહિ ફાવે એમાં એટલે મે આ કર્યું!" કેસરીભાઇએ ચોખવટ કરતાં બધાયને બોલતાં બંધ કરાવી દીધા.
"સારું! દાદા તમે તો સવાસો કરોડ પાછળ એમને શું શું કરાવશો?" - સ્વીટી એ આકાશમાં જોતાં કહ્યું, જાણે એના ધર્મદાદા આવીને આ બધું કેન્સલ કરી નાખે!
" હજી તો બેટા આ શરૂઆત છે!લે તું માળા કર! બધું સારાવાના થશે!" - તૃપ્તિએ એની માળા ફેરવતા કહ્યું.
"તું રહેવા દે મમ્મી! તને તો શું ફરક પડવાનો છે? કઈ સમજ તો પડતી નથી ખાલી માળામાં જ રહેવું છે!" - સ્વીટીને તૃપ્તિએ ઉતારી પાડી.
"સારું તમતારે કર જે કરવું હોય એ!" - તૃપ્તિ ખૂણાની બારી પાસેની એક સીટમાં ગોઠવાઈ ગઈ એને એની માળા કરવા માંડી.
રસ્તો ધર્મવિલાથી આશરે ચારસો કિલોમીટર દૂર હતો, આગળ જતાં પથરાળ અને ડુંગરાળ વિસ્તારમાં થઈને જવાનું હતું એટલે ધાર્યા કરતાં વધારે સમય જવાનો હતો એ માટે મુણીમજી એ સૌને ચેતવ્યા હતાં, રસ્તામાં આવનારી તકલીફો માટે સૌ સજ્જ રહે એ કહ્યું હતું, બધા પોતપોતાના ફાવે એમ ગોઠવાઈ ગયા, બસ ઉપડી!

ક્રમશ:

જુઓ આગળના ભાગમાં.....
દેસાઈ પરિવારની મુસાફરી...
અને રતનપુરા ગામ!













બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED