ઋતા બધાને મળી, ઓળખાણ થઈ પરંતુ ઋતાની ઓળખાણ હજી બાકી હતી, બધાંને એક રહસ્યની જેમ ઋતા લાગી રહી હતી, એને જાણવું બધાનાં માટે થનગનાટ હતો.
" મુનીમજી, આપે બધાની ઓળખાણ તો ઋતાને કરાવી દીધી, પરંતુ ઋતાની ઓળખાણ તો કરવો એમને!" - માધવીએ મુનીમજીને કહ્યું.
"માધવી દીકરા, ઋતાને તો ઓળખવા માત્ર એની જોડે રહેવું પડે, એને સમજવી પડે!" - મુનીમજીએ માધવીને હેલે ચડાવી.
"જોતાં તો કાઠી લાગે છે,બોલીમાં પણ કાઠિયાવાડી મીઠાશ છલકાય છે પરંતુ આ આદિવાસી ભેગી કઈ રીતે?" - કેસરીભાઈએ એનો અનુભવ કહ્યો.
"હા અંકલ,હું છું તો કાઠિયાવાડની જ!" - ઋતાએ હસતાં હસતાં કહ્યું.
"સાચે? કયાં જિલ્લાથી આવો છો?" કેસરીભાઈએ કાઠિયાવાડી લહેકામાં એને પુછ્યું.
"મારું મૂળ વતન તો ગીરની બાજુમાં શેધિયા ગામે થાય, પરંતુ મારા પપ્પા વર્ષોથી સુરત રહેલાં એટલે મારું ભણતર દક્ષિણ ગુજરાતમાં! પણ રહેણીકરણી સોરઠી!" - ઋતાએ થોડા શબ્દોમાં એની ઝાઝી ઓળખ કરાવી દીધી.
"ઠે...ત્યારે આપણે નજીકના ભેરુઓ થયા! હું પણ કાલા ગળબાનો વતની છું, ગીર એટલે તો ગીર!" કેસરીભાઈએ ગીરની ગાથા ગાતા કહ્યું.
" હા સાચી વાત, પરંતુ અહીંની ટેકરીઓ પણ ગીરની બહેનપણીઓ જ છે!" - ઋતાએ એનો પ્રકૃતિ પ્રેમ જાહેર કર્યો.
"ને એમાંય ઋતા જેવી ચારણકન્યા અહી ભળે એટલે આ ધરા પણ ગીર જ બની જાય!"- મુનીમજી બોલ્યાં.
"શું કાકા..તમે પણ!" ઋતા શરમાતા શરમાતા બોલી.
"પણ આ કાઠીયાવાડ અને તાપી જિલ્લાનું કનેક્શન મેળ કઈ રીતે પડે?" - વિધાને એના રસના વિષયને ભેગો કરીને સવાલ પૂછ્યો.
"બોલો ઋતાબેટા, અમારા ગૂગલ મેપને જવાબ આપો."
"અરે એની તો બહુ મોટી કહાની છે, અત્યારે કહેવા રહીશ તો સાંજ પડી જશે, પરંતુ એટલું સમજો કે આ તાપી મને અહી એની જોડે ખેચી લાવી છે, આ તાપીનો લગાવ મને એના ખોળેથી મને ક્યાંય જવા જ નથી દેતી!" - ઋતાની આ ફિલોસોફીમાં વિધાનને ટપ્પો ના પડ્યો, એ માથું ખંજવાળતો રહી ગયો.
"દીદી, આઇ કાન્ટ અંડરસ્ટેન્ડ!"- વિધાને સ્પષ્ટતા કરી.
"અલ્યા ગૂગલમેપ, એના માટે અહી તારો પનો ઓછો જ પડશે, એના માટે તો તમને અહી લઈ આવ્યા છે તમારા ધર્મદાદા!" - કેસરીભાઈએ કહ્યું.
"હું ઋતા રૂપાણી, આ માતૃછાયા એ મારા દાદાની ધરોહર છે,જેને હું સાંભળું છું, ઘરનાં બધાં સુરત રહે છે અને ત્યાં હું આવતી જતી રહું છું." - ઋતાએ કહ્યું.
"આઈ મીન,તમે એકલા જ રહો છો અહી?"- બિરવાએ પૂછ્યું.
"હું ક્યાં એકલી છું? આખું રતનપુરા મારી જોડે જ તો રહે છે!" - ઋતાએ ઉમેર્યું.
"ઋતા અહી રહીને ગામવાસીઓની સેવા કરે છે, એની ડોકટરની ડીગ્રીનો સાચો ઉપયોગ કરે છે અને સાથે સાથે નાના ભૂલકાઓને રાતના સમયે ભણાવે છે!" - મુનીમજીએ એનું અહી રહેવાનું સાચું કારણ જણાવ્યું.
"બહુ સુંદર કાર્ય કરી રહ્યા છો આપ,સચ એ ગ્રેટ જોબ!" - મહર્ષિએ એના વખાણ કરતા કહ્યું.
"થેંકયું,પણ એ માટે ધર્મદાદાની પ્રેરણા અને સહકાર હતો તો કરી શકી, બાકી હું તો સાવ શહેરી રંગે જ રંગાઈ હતી!"- ઋતાએ ઉમેર્યું.
" ઓહ એવું છે? જુઓ છોકરાઓ તમે પોતાના થઈને તમારા દાદાને ના ઓળખ્યાં અને આ ઋતા એમનાં થકી અહી સમાજને ઉજાગર કરે છે!" - કેસરીભાઈએ બધાને જોતાં કહ્યું.
ત્રિશા અને સ્વીટીએ મોઢાં બગડ્યા, જાણે એમને આ વાત ન ગમી હોય! વળી શિખાએ એની ઇર્ષ્યા ઓકી,"એ તો ડુંગરા દૂરથી જ રળિયામણા!"
"સાચે, એટલે જ ડુંગરાની સાચી ઓળખ કરાવવાં રતનપુરા આવ્યા છો નહિ?" - કેસરીભાઈએ એ ઈર્ષ્યાને ત્યાં જ અટકાવી દીધી.
"ચાલો કાકા! હું રજા લઉં, મારે હવે સાંજની ઓપીડીમાં જવું પડશે! આજે ભિમલખા જવાનું છે,આવતાં મોડું થશે, તમે બધા જમીને આરામ કરજો."- ઋતાએ રજા લેતાં કહ્યું.
"ભલે, પણ એકલી જઈશ? આવા વરસાદી વાતાવરણમાં?" - કેસરીભાઈએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.
"ના, મારી જોડે મારી એક ફ્રેન્ડ ઉર્વી આવશે, અમે એક્ટિવા લઈને જઈશું!"
"સારું, જાવ ત્યારે બેટા! જય શ્રીકૃષ્ણ !" - મુનિમજી એ કહ્યું.
"જય શ્રી કૃષ્ણ!" ઋતા દીવાનખંડમાંથી એના રૂમ તરફ ગઈ,બધા એની આટલી નાની ઉંમરમાં થઈ રહેલા સામાજિક કાર્યોથી અવાક્ રહી ગયા.
એ ગઈ,દેસાઈ પરિવાર ઠોયાની માફક ઊભો રહ્યો હતો, જિંદગીમાં એશોઆરામ સિવાય પણ અલગ દુનિયા હોય છે એની ભાળ આજે એમને થઈ, જો કે હજી તેઓના મનમાં એમની શહેરી વિચારધારા ભરાઈ રહી હતી.
"ઓએમજી, બ્લડી સ્ટૂપીડ! આવી રીતે થોડી કોઈ પોતાની લાઈફ સ્પોઇલ કરે?" - તન્મય એની ફાંકડી અંગ્રેજી સાથે ગુજરાતીમાં બબડ્યો.
"મારી બિરવાને તો હું આવી રીતે ના મુકી શકું આવા આદિવાસીઓ જોડે!" - શિખાએ ટાપસી પૂરી.
"આવી રીતે ડૉકટર બનીને સુરતમાં પૈસા કમાવવાના હોય કે ગામડીયાઓ ભેગા ગમાર બનાય?" - વિધાન બોલ્યો.
"આપણાથી તો ના થાય હા આવું, એમાં કરતાં તો આપણાં બિઝનેસ જે સારા!"- મેઘ એના લઢણમાં બોલી ઉઠ્યો."
"અહી તો એકેય મંદિર પણ નથી, મારે ક્યાં પૂજા કરવી?"- તૃપ્તિએ એની માળાને આંખનું અલોચન કરતાં કહ્યું.
"બધા પોતાના ફાંકા રહેવા દો, કાલથી જે તમારી જીવનશૈલી છે એની સૂચનાઓ મેં બારણાની બહાર લગાવી દીધી છે, વાંચી લેજો એનો અમલ તમારે આવતી કાલ સવારથી કરવાનો છે."- કેસરીભાઈએ બધાની બોલતી બંધ કરતાં કહ્યું.
"શું? નિયમો? આ શું ગાંડપણ છે?" - પવન તાડુક્યો.
"એ તો કર્યે છૂટકો જ નથી તો!" - કહીને મુનીમજી હવેલીની બહાર નીકળી ગયા, જો ઊભા રહે તો બધા વાંધા ઉઠાવે.
" ચાલો મળીએ કાલે સવારે, મારે થોડું કામ છે, તમે તૈયાર થઈ જજો વાંચીને અને આઠ વાગ્યે જમવાનું તૈયાર થઈ જશે, જમી લેજો" - કેસરીભાઈએ પણ છટકબારી શોધી લીધી.
"પણ આમ એકલાં મૂકીને ક્યાં ચાલ્યાં?" - શિખા બોલી.
"અમારે થોડી વ્યવસ્થા કરવાની છે તો જવું પડે એમ જ છે, આજનો દિવસ મેનેજ કરી લેજો પ્લીઝ!"
"ભલે કાકા, હું જોઈ લઈશ એ તો!" - આકાશે અનુમતિ આપી.
"સારું, જય શ્રી કૃષ્ણ!" - કેસરીભાઈએ વિદાય લીધી, એ નીકળી ગયા, દેસાઇ પરિવાર રતનપુરાથી સાવ અજાણ, અજાણ્યા માણસો વચ્ચે હતો, અહીંના લોકોની ભાષા પણ માંડ ટપ્પો પડે એવી, એમાં એક રાત કઢાવી કઠિન હતી,પણ આકાશની સમજદારી એમને મદદ કરી શકે એમ છે, બાકી આ શહેરી પ્રજાને દુઃખ જોઈને એનો સામનો કઈ રીતે કરવો એ ક્યાં આવડે છે? દુઃખ શું હોય એ જોયું હોય તો ખબર પડે ને?
ક્રમશઃ
જુઓ આગળના ભાગમાં...
એકલા દેસાઈ પરિવાર અને રતનપુરા ગામ...
કાલ સવારથી લાગુ પડતાં નિયમો...
અને એ નિયમોના પ્રતિભાવો...