The Next Chapter Of Joker - Part - 38 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Next Chapter Of Joker - Part - 38

The Next Chapter Of Joker

Part – 38

Written By Mer Mehul

પોપકો કોલોની રોડ,
સમય – 10:38pm
મહેતા સાહેબની સૂચના મળતા ખુશાલે બધાને આગળ વધવા ઈશારો કર્યો. સાત ફૂટની દીવાલ કૂદીને અવાજ કર્યા વિના બધા લોકો બગીચામાં પ્રવેશી ગયા. મહેતા સાહેબે બગીચામાં રહેલા પાંચ લોકોનું લોકેશન આપી દીધું હતું. ખુશાલે બધાને છુટા થઈ જવા કહ્યું. પહેરેદારી કરતાં પાંચ લોકો પોતાની ધૂનમાં જ મસ્ત હતાં. તેઓનાં હાથમાં હથિયાર તો હતાં પણ જો કોઈ હુમલો કરે તો સામે પ્રતિક્રિયા આપવા માટે સમય લાગી જાય એવી સ્થિતિમાં એ હથિયારો હતાં.
પાંચેય લોકો થોડા અંતરે આમતેમ આંટા મારી રહ્યા હતાં. ખુશાલનાં કહેવાથી વિખેરાયેલા કમાન્ડોએ પાંચેય લોકોથી દૂર એક થડની પાછળ છુપાઈ ગયા હતાં. ખુશાલે હાથ વડે ઈશારો કર્યો એટલે બધા લોકો પેલા પાંચ લોકો તરફ આગળ વધ્યા. ત્રણ મિનિટમાં પાંચેય ગાર્ડને બેહોશ કરીને બગીચામાં છુપાવી દેવામાં આવ્યાં. ગાર્ડનાં કપડાં બદલી ખુશાલ અને અન્ય ચાર લોકો એ વેશમાં આવી ગયા હતાં. પહેલું પગલું સફળતાપૂર્વક ભરાયું એની જાણ મહેતા સાહેબને કરવામાં આવી.
ત્યારબાદ ખુશાલે જે તરફ બસોને પાર્ક કરવામાં આવી હતી એ તરફ આગળ વધવાની સૂચના આપી. બગીચાને ત્રણ ફૂટ ઊંચી ઝાળી વડે કોર્ડન કરવામાં આવેલો હતો. બગીચો પૂરો થતાં એક મોટો પાણીનો ટાંકો આવતો હતો. ખુશાલ અને તેની ટુકડી એ પાણીનાં ટાંકા પાસે જઈને છુપાઈ ગયા. અહીંથી ડોકિયું કરતા બધી બસો દેખાય રહી હતી. ફજલ જ્યારે બસમાં ચડ્યો ત્યારે ખુશાલે એક કમાન્ડોને સૂચના આપીને ‘સ્નાઈપર ગન’ સેટ કરવા કહ્યું.
“હું આ તરફથી આગળ વધુ છું, તમે લોકો મારા ઇશારાની રાહ જોજો. હું હાથ વડે ઈશારો કરું એટલે બસમાં રહેલા માણસને ખતમ કરી દેજો.” કહેતાં ખુશાલ બગીચા તરફ ચાલ્યો. ખુશાલ ગાર્ડનાં પહેરવેશમાં હતો એટલે તેને કોઈ ઓળખી શકવાનું નહોતું. એ બિન્દાસ થઈને બસો તરફ આગળ વધ્યો. જ્યારે એ બસોની બીજી તરફ રહેલા લોકો પાસે પહોંચ્યો ત્યારે તેણે હાથ વડે ઈશારો કરીને ગોળી મારવા કહ્યું. કમાન્ડોએ એ જ સમયે ફજલનાં કપાળનું નિશાન લીધું અને ટ્રિગર પર આંગળી રાખી.
કાચ તોડીને ગોળીને સીધી ફજલને કપાળે લાગી. ફજલ ત્યાં જ ઢળી ગયો હતો. કાચ તૂટવાનો અવાજ એટલે બધા સચેત થઈ ગયાં. એ સમયે ખુશાલે બાજી સાંભળી લીધી હતી. બસ બહાર ઉભેલા લોકો પાસે જઈને તેણે કહ્યું,
“આવા અવાજ તો થોડીવાર માટે આવવાનાં છે. બોસે આજે છૂટ આપી છે, પહેલા પોતાની ભૂખ સંતોષવાની અને પછી કામ કરવાનું. પહેલા માળે ઘણીબધી છોકરીઓ ઊભી છે. પસંદ આવે એ છોકરીઓને લઈને બગીચા તરફ ચાલ્યા જાઓ.”
ખુશાલની વાત સાંભળીને જેમ છૂટતી ટ્રેન પકડવા લોકો દોડે એમ બધા આગળની તરફ દોડવા લાગ્યાં. ખુશાલ હળવું હસ્યો અને ઉતાવળથી બસમાં ચડી ગયો. ફજલ જે બસમાં ચડ્યો હતો એ જ બસમાં ક્રિશાને બેસારવામાં આવી હતી. ખુશાલ ઝડપથી એ બસમાં ચડી ગયો અને ક્રિશા પાસે પહોંચી ગયો.
“હું છું ક્રિશા !” એ વ્યક્તિએ ક્રિશાનાં ખભા પર હાથ રાખીને કહ્યું. ક્રિશાએ આંખો ખોલી અને ખુશાલ સામે આંખ મારી.
“નાટક બંધ કર, પેલા લોકો ગમે ત્યારે આવી જશે. આપણે આ બંનેને ઠેકાણે લગાવવાનાં છે.” ખુશાલે કહ્યું.
ફજલ સ્વધામ પહોંચી ગયો હતો એટલે બંનેએ તેને ઢસડીને પાછળની સીટ નીચે ધકેલી દીધો. હસમુખને કળ વળે એ પહેલાં ખુશાલે તેનાં હાથ પગ અને મોઢું બાંધી દીધું હતું. સાથે જ બેહોશીનું એક ઇન્જેક્શન લાવીને પણ લગાવી દીધું હતું. હવે હસમુખ આઠ કલાક સુધી ઉઠવાનો નહોતો.
“તું અહીં જ રહેજે. અમે લેવા આવીશું તમને.” ખુશાલે ક્રિશાનાં ગાલ પર હાથ ફેરવીને કહ્યું.
“જેમ તમે કહો એમ.” ક્રિશાએ નટખટ અદામાં કહ્યું. ખુશાલે હળવું સ્મિત વેર્યું, પછી એ ત્યાંથી બહાર નીકળી ગયો.
*
કાર્નેશન એપાર્ટમેન્ટ
સમય – 10:40 pm
મહેતા સાહેબે સૂચના આપી એટલે જુવાનસિંહે પોતાની ટુકડીને સક્રિય કરી દીધી હતી. એપાર્ટમેન્ટની છત પર જુદી જુદી જગ્યાએથી ફાર્મહાઉસ પર નજર રાખવામાં આવી રહી હતી. જુવાનસિંહે ફાર્મહાઉસનાં ગેટ પર નજર દોડાવી. અનુમાન મુજબ દસેક લોકો હતાં. બધા ટોળું વળીને વાતો કરી રહ્યા હતાં. જુવાનસિંહે એક યુક્તિ અજમાવી. બે લોકોને ગેટ પાસે જઈને ઝઘડો કરવા કહ્યું જેથી બધાનું ધ્યાન એ તરફ ખેંચાય. જુવાનસિંહ અને તેની ટુકડી એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં જઈને છુપાય ગયા અને રવિ તથા જય નામનાં પ્રજ્વલ્લા સંસ્થાનાં બે કાર્યકર નશાની હાલતમાં હોય એવું નાટક કરતાં કરતાં એકબીજા સાથે અથડાયા. બંને વચ્ચે મોટા અવાજે બનાવટી ઝઘડો થયો. ગેટની અંદર ઊભેલા ગાર્ડનું ધ્યાન એ તરફ ગયું. બધા દોડીને બહાર આવી ગયા.
“શું થયું ભાઈઓ ?, કેમ ઝઘડો છો ?” એક ગાર્ડે પૂછ્યું.
“આ વ્યક્તિ દારૂ પીને ગાળો બોલે છે.” પોતે નશામાં ધૂત હોય એવું નાટક કરતાં એવી બોલ્યો.
“આ પણ ગાળો બોલે છે.” જયે પણ એવા જ અવાજે કહ્યું.
“તમારો ઝઘડો બાજુમાં જઈને કરો, આ ગેટથી દૂર ચાલ્યા જાઓ.” ગાર્ડ બોલ્યો. બંનેએ માથું ધુણાવ્યું.
“મારું દસ હજાર રૂપિયાનું બંડલ અહીં અંધારામાં પડી ગયું છે. શોધી આપોને.” નશાની હાલતમાં જ જય બોલ્યો.
‘દસ હજાર રૂપિયા’ સાંભળીને બધા ગાર્ડની આંખોમાં લાલચની ચમક આવી ગઈ.
“કંઈ બાજુ પડ્યા ?” એક ગાર્ડે પૂછ્યું.
“પેલી દિવાલ પાસે.” જયે ફાર્મહાઉસની દિવાલ તરફ આંગળી ચીંધીને કહ્યું. બધા ગાર્ડ એ તરફ દોડ્યા અને નોટનું બંડલ શોધવા લાગ્યાં. એ જ સમયે જુવાનસિંહ અને તેની ટુકડી બહાર નીકળી. બધાએ મળીને દસ ગાર્ડને દબોચી દીધા. રાતનો સમય હતો એટલે લોકોની અવરજવર ઓછી હતી અને આમ પણ આ એરિયો થોડો સુમસામ હતો. બધા ગાર્ડને ઉઠાવીને એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં લઇ જવામાં આવ્યાં. ત્યાં બધાનાં હાથ-પગ અને મોં બાંધી દેવામાં આવ્યાં. ખુશાલની જેમ જ અહીં પણ બધાએ ગાર્ડનાં કપડાં પહેરી લીધાં હતાં.
હવે પછીનું કામ ચપટી વગાડવા જેવું હતું. દસ લોકોએ ગાર્ડનો પોશાક ધારણ કર્યો હતો તેઓ ફાર્મહાઉસમાં પ્રવેશ્યાં. જે ગાર્ડ વૃક્ષનાં થડે ઊભા રહીને પહેરો આપી રહ્યાં હતા, તેઓને પણ વારાફરતી કોઈને કોઈ બહાને બહાર મોકલવામાં આવ્યાં. ધીમે ધીમે કરતાં જુવાનસિંહ અને અને તેની પુરી ટિમ ગાર્ડનાં પોશાકમાં આવી ગઈ.
પહેલા જે જગ્યાએ ગાર્ડ ઉભા હતાં ત્યાં એટલા જ લોકો રોકાયા અને બાકીનાં લોકો પરસાળમાં થઈને બંગલા પાછળ ચાલ્યા ગયા.
*
નાળિયેરીનો બગીચો,
સમય – 10:40 pm
જૈનીત અને તેની ટુકડી દિવાલ કૂદીને બગીચામાં પ્રવેશ્યા હતાં. તેઓને મન આ બગીચો પૂરો થશે પછી ગાર્ડ પહેરેદારી આપતાં હશે પણ એ લોકો જ્યારે બગીચાની મધ્યમાં પહોંચ્યા ત્યારે સામે એટલા જ લોકોએ તેઓનાં પર હુમલો કરી દીધો. દીક્ષિતે બગીચામાં પણ ગાર્ડ રાખ્યા હતાં એની જાણ કોઈને નહોતી. અચાનક થયેલા હુમલાને કારણે આગળ ચાલતાં ત્રણ લોકોનાં પગ પર જોરદાર પ્રહાર થયા હતાં. સામે પક્ષે કોઈ ગાર્ડનાં હાથમાં રાઇફલ કે રિવોલ્વર નહોતી. તેઓનાં હાથમાં લકડી, બેટ, સળિયા જેવા હથિયાર હતાં. તેઓની હુમલો કરવાની રીત પરથી એ બધા અહીંનાં લોકલ ગુંડાઓ હશે એવું માલુમ પડતું હતું.
જૈનીતની ટુકડીએ પણ સામે પ્રહાર કર્યા હતાં. બધા વચ્ચે ભીષણ જંગ ચાલી રહી હતી. એક વ્યક્તિએ આવીને જૈનીત પર લાકડી ઉગામી. જૈનીતે ચાલાકીથી તેનો પ્રહાર નિસ્તેજ કરી દીધો અને જવાબમાં એ વ્યક્તિને પેટમાં લાત મારીને જમીન દોસ્ત કરી દીધો હતો.
જૈનીતની ટુકડીનાં એક વ્યક્તિને સામેની ટુકડીનાં ત્રણ આદમીએ પકડી રાખ્યો હતો અને ચોથો તેનાં પગ પર લાકડીઓનાં પ્રહાર કરતો હતો. જૈનીત તેને બચાવવા આગળ વધ્યો. બરાબર એ જ સમયે નાળિયેરીનાં થડ પાછળથી એક વ્યક્તિ દોડીને આવ્યો અને જૈનીતને પાછળથી પકડી લીધો. જૈનીત કોઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં બીજા બે વ્યક્તિએ પહોંચીને જૈનીતને નીચે પટકી દીધો.
સહસા એક કમાન્ડો જૈનીતની મદદે ચડ્યો. તેણે પોતાની રાઇફલનું નાળચુ પકડીને એક વ્યક્તિનાં માથા પર ઝીક્યું હતું. એ વ્યક્તિ તમ્મર ખાયને નીચે પટકાયો હતો. વારાફરતી કમાન્ડોએ બધાને જૈનીતથી દુર કર્યા.
“તમારી રાઇફલ આપો.” જૈનીતે હાંફતા હાંફતા કહ્યું. કમાન્ડોએ પોતાની રાઇફલ આપી એટલે જૈનીતે ગર્જના કરી અને સૌને હાથ ઊંચા કરી લેવા કહ્યું. જૈનીતની ગર્જના સાંભળીને ‘પોઝ બટન’ દબાવ્યા સીન અટકી જાય એમ સૌ જે સ્થિતિમાં હતાં એમ જ અટકી ગયાં.
“કોઈએ પણ હલનચલન કર્યું છે તો અમારી ટીમનાં બધા મેમ્બર પાસે રાઇફલ છે. એક જ મિનિટનાં ગોળીબારમાં તમે બધા સ્વધામ પહોંચી જશો.” જૈનીતે કહ્યું.
“આપણાં લોકો આ બાજુ આવી જાઓ.” એક કમાન્ડોએ સૂચના આપી. એક મિનિટમાં જ બંને ટુકડી અલગ પડી ગઈ.
“તમે લોકો દીક્ષિતનાં માણસો નથી દેખાતાં,” જૈનીતે કહ્યું, “તમને અહીં કોણે મોકલ્યા છે ?”
“કોણ દીક્ષિત ? અમે કોઈ દીક્ષિતને નથી ઓળખતાં. અમને એક રાત માટે આ બગીચાની રખેવાળી માટે રૂપિયા આપવામાં આવ્યા હતાં.”
“તમે લોકો બની શકે એટલી જલ્દી આ જગ્યા છોડીને નાસી જાઓ. થોડીવારમાં પોલીસ આવશે તો કારણ વિના તમે લોકો ફસાઇ જશો.”
જૈનીતની વાત સાંભળીને બધા પંચ રોડની દિવાલ કૂદીને નાસી ગયા. રસ્તો સાફ હતો જૈનીત અને તેની ટુકડી આગળ વધ્યા. નાળિયેરીનાં બગીચા અને ફાર્મહાઉસ વચ્ચે પણ સાતેક ફૂટની દિવાલ હતી. બધા એ દિવાલને ઓથારે આગળ વધ્યા અને બંગલાની પાછળની તરફનાં ખૂણે પહોંચ્યા. જૈનીતે ડોકિયું કરીને જે બાજુ બસો પડી હતી ત્યાં નજર દોડાવી.
સહસા તેનાં કાને મહેતા સાહેબનો અવાજ પડ્યો. કોનફરન્સમાં મહેતા સાહેબ બોલતાં હતાં, “આપણે ફસાય ગયા છીએ. બની શકે એટલી ઉતાવળે અહીંથી નીકળો.”
જૈનીત કાંઈ સમજે એ પહેલાં બસમાંથી ખુશાલ અને ક્રિશા નીચે ઉતરતાં દેખાયા. બંનેનાં હાથમાં અધ્ધર હતાં. બીજી તરફ બંગલાનાં પાછળનાં બગીચામાંથી પણ જુવાનસિંહ અને તેની ટુકડી બહાર નીકળતી દેખાય, તેઓનાં હાથ પણ અધ્ધર હતાં. ધીમે ધીમે દીક્ષિતનાં માણસો બહાર આવ્યાં. જુવાનસિંહ પક્ષ તરફથી જેટલા માણસો હતાં તેનાથી બે ગણા માણસો હાથમાં હથિયાર લઈને બહાર આવ્યા. જૈનીતે કાંઈ સમજાયું નહીં.
સહસા કોઈએ તેની પીઠ પર હાથ રાખ્યો. જૈનીતે પાછળ ફરીને જોયું તો એ કોઈ બિઝનેસમેન જેવો આધેડ વયનો પુરુષ હતો. તેની બાજુમાં જે વ્યક્તિ ઊભી હતી જૈનીત તેને ઓળખતો હતો. એ હિના હતી. હિના જૈનીતની સામે જોઇને કટાક્ષમાં હસી રહી હતી. બિઝનેસમેન જેવો લાગતો વ્યક્તિ અનુપમ દીક્ષિત હતો.
“લુકાછુપીની રમત રમી લીધી હોય તો બેસીને વાત કરીએ.” દીક્ષિતે જૈનીતનાં ખભા પર હાથ રાખીને કહ્યું.
આ બધું કેવી રીતે અને કોના કારણે થયું હતું એ જૈનીત સમજી ગયો હતો. હિનાની વાતો પર વિશ્વાસ કરીને પોતે ભૂલ કરી હતી એવું અત્યારે જૈનીતને લાગી રહ્યું હતું.
“આ બધું કેવી રીતે થયું એ નથી જાણવું તારે ?” દીક્ષિતે પૂછ્યું. જૈનીતે કોઈ જવાબ ન આપ્યો એટલે દીક્ષિતે પોતાની વાત શરૂ રાખી.
“ડ્રોપ ક્લબમાં તમને લોકોને બેહોશ કરવામાં આવ્યા ત્યારે હું તમને બંનેને ખતમ કરી દેવાનો હતો, પણ તમારા ગ્રૂપને ઝડમૂળમાંથી ખતમ કરી દેવા ઇચ્છતો હતો અને એટલે જ તમને છોડવામાં આવ્યાં હતાં.”
“તે ભૂલ કરી દીક્ષિત.” જૈનીતે કહ્યું, “વિક્રમ દેસાઈએ પણ આવી જ ભૂલ કરી હતી.”
“હું વિક્રમ દેસાઈ નથી જૈનીત. હું અનુપમ દીક્ષિત છું અને આજ સુધી અનુપમ દીક્ષિત હાર્યો નથી.” દીક્ષિતે અહમ સાથે કહ્યું.
થોડીવારમાં બધાને બંગલાનાં પરસાળમાં લાવવામાં આવ્યાં. સાડા અગિયાર વાગ્યા સુધીમાં બધી જ છોકરીઓને બીજી બસમાં ખસેડી લેવામાં આવી હતી. જુવાનસિંહ, જૈનીત, ખુશાલ બધા જ દ્રશ્ય જોઈ રહ્યા હતાં પણ તેઓ કશું નહોતાં કરી શકતાં.
બગીચા તરફથી બે ગાર્ડ મહેતા સાહેબને ધક્કા મારતાં મારતાં પરસાળમાં લાવ્યાં.
“આ વ્યક્તિ દીવાલ કૂદીને અંદર આવતો હતો.” ગાર્ડે કહ્યું.
“મહેતા સાહેબ, હવે તમારી ઉંમર થઈ ગઈ છે. તમારે ઘરે આરામ કરવાની જરૂર હતી. ખેર, અહીં સુધી આવી જ ગયા છો તો લાઈનમાં ઊભા રહી જાઓ. થોડીવાર પછી હું બધાને મળવા આવું છું.” દીક્ષિતે કહ્યું.
ત્યારબાદ દીક્ષિત અને હેરી વચ્ચે થોડી ચર્ચા થઈ. હેરીએ આંખોનાં ઈશારાથી દીક્ષિતને બીજી ડીલ વિશે કહ્યું.
“હિના, હેરી તને પસંદ છે ?” બાજુમાં ઊભેલી હિના તરફ ફરીને દીક્ષિતે પૂછ્યું.
“દીક્ષિત ! તારી બીજી ડીલ આ હતી ?” હિનાનો ચહેરો તરડાઈ ગયો. હેરી હળવું હસ્યો.
“હા હિના, હેરી તને પસંદ કરે છે. એ તને ખુશ રાખશે.” દીક્ષિતે કહ્યું. જવાબમાં હિનાએ દિક્ષિતનાં ગાલ પર તમાચો ચોડી દીધો. દીક્ષિતે બમણા જોરથી હિનાને તમાચો માર્યો અને તેનાં માણસોને કહીને હિનાએ લઈ જવા કહ્યું. હેરી પણ હિના સાથે જતો રહ્યો. ત્રણ બસો સાથે હેરીએ ફાર્મહાઉસ છોડી દીધું.
આ તરફ દીક્ષિત જુવાનસિંહ તરફ ફર્યો હતો. તેણે એક ગાર્ડનાં હાથમાંથી રાઇફલ લીધી.
“કોને કોને મને એક્સપોઝ કરવાની ઈચ્છા છે હજી,” દીક્ષિતે કહ્યું, “તમે લોકોએ અહીં સુધી પહોંચવા માટે આટલી મહેનત કરી છે તો તમને હકીકત જણાવવી મારી ફરજ બને છે. શું કહ્યું હતું જૈનીત તે ?, વિક્રમ દેસાઈ જેવી ભૂલ મેં કરી. અરે વિક્રમ દેસાઈ મારો જ માણસ હતો. એ માણસ આદર્શવાદી હતો એટલે તે બચી ન શક્યો. હું આદર્શવાદી નથી. હું પોતાનાં બચાવ માટે કંઈ પણ કરી શકું છું. ઉદાહરણ તમારી સામે જ છે. હિના મને અનહદ પ્રેમ કરતી હતી. મારા માટે એ કોઈની સાથે પણ સુઈ જતી. એ મારી સાથે લગ્ન જોવાનાં સપના જોતી હતી તો પણ મેં એને વેચી દીધી. માત્ર હિના નહિ આવી અનેક છોકરીઓને મેં વેચી દીધી છે.
આપણી સંસ્કૃતિને ઉઠાવી લો. દરેક યુદ્ધનું કારણ એક ઔરત જ રહી છે અને વર્ષોથી ઔરતનાં કારણે જ ઝઘડા થાય છે. એનું કારણ કહું તમને, ઔરતને જેટલી માથા પર ચડાવો એટલી જ એ નાચે છે. એની જગ્યા રસોડામાં અને બેડ પર જ છે. તેઓની પાસે જે ચીજ છે એનાં માટે પુરુષ પાગલ છે પણ એ ચીજને એ સાથ કોઠામાં કેદ કરીને રાખી હોય એવા નાટક કરે છે.
હું વર્ષોથી આવી ઔરતને તેની જગ્યા બતાવતો આવ્યો છું. આજ સુધી મને કોઈ રોકી નથી શક્યું અને કોઈ રોકી પણ નહીં શકે. ભવિષ્યમાં પણ આવી જ રીતે છોકરીઓ ગાયબ થશે, તેની કિંમત લગાવવાવાળા અઢળક લોકો આ દુનિયામાં છે. એ લોકો તેને ખરીદશે અને પછી પોતાની હવસ….”
દીક્ષિતનું વાક્ય અધૂરું રહી ગયું. દીક્ષિતની આવી વાતો ક્રિશાથી સહન ના થઇ. એ દીક્ષિત નજીક આવી અને દીક્ષિતનાં નાક પર જોરદાર મુક્કો માર્યો. આ સાથે જ જૈનીત અને ખુશાલ પણ વિફર્યા હતાં. તેઓએ બાજુમાં ઉભેલા ગાર્ડનાં હાથમાંથી રાઇફલો છીનવી લીધી અને દીક્ષિત તરફ તાંકી.
“કોઈએ હલનચલન કરી છે તો આનું ભેજું ઉડાવી દઈશ.” જૈનીતે ત્રાડુકીને કહ્યું.
“ચલ ઓય છોકરીબાજ, તારાં પંટરોને કહે કે રાઇફલ નીચે મૂકી દે. નહીંતર તું સ્વધામ પહોંચી જઈશ.” ખુશાલે કહ્યું.
“બધા પોતાનાં હથિયાર નીચે મૂકી દો.” દીક્ષિતે બંને હાથ ઊંચા કરીને હસ્યો. દિક્ષિતની વાત સાંભળીને ત્યાં ઉભેલા બધા ગાર્ડ પણ હસવા લાગ્યાં.
“તમે લોકો અમને આટલા મૂર્ખ સમજશો એવું નહોતું વિચાર્યું. આવી રીતે માત્ર ફિલ્મોમાં બચાવ થાય છે અહીં નહિ. મારા પર ગોળી ચલાવતાં પહેલા એક વાત સાંભળી લો. જે બસમાં છોકરીઓને બેસારવામાં આવી છે એમાં અમે રિમોટ બૉમ્બ રાખેલા છે. અને એનું રિમોટ મારી પાસે છે.” કહેતાં દીક્ષિતે પોતાનાં ગજવામાંથી રિમોટ કાઢ્યું.
“હવે તમે લોકો ચુપચાપ હથિયાર નીચે રાખીને હતાને ત્યાં જ ઊભા રહી જાઓ, નહીંતર રિમોટની સ્વીચ દબાવતાં મને ખુશી થશે.”
“જૈનીત, પાછા આવી જાઓ બંને.” મહેતા સાહેબે કહ્યું. જૈનીત અને ખુશાલે રાઇફલો ફેંકી દીધી અને પોતાની જગ્યા પર આવીને ઊભા રહી ગયાં.
“આ છોકરીએ મારી વાતોમાં ભંગ પાડી દીધો.” કહેતાં દીક્ષિતે ક્રિશાને તમાચો માર્યો. ક્રિશાનો ચહેરો ગુસ્સામાં વધુ લાલ થઈ ગયો. ખુશાલ પણ આગળ વધવા જતો હતો ત્યાં જૈનીતે તેનો હાથ પકડીને તેને અટકાવી દીધો.
“મુદ્દાની વાત પર આવીએ,” દીક્ષિતે કહ્યું, “તમને લોકોને મારા વિશે જાણ થઈ ગઈ છે એટલે તમારામાંથી કોઈ બચવાનું નથી એ નક્કી છે. પણ હું વિચારું છું શરૂઆત કોનાથી કરું ?”
દીક્ષિતે જુવાનસિંહ તરફ રાઇફલ ઘુમાવી. ત્યાંથી લાઈનમાં જેટલા લોકો હતાં તેઓનાં તરફ રાઇફલ ફેરવી અને અંતે એ ખુશાલ પર આવીને અટક્યો.
“તું જ મને સ્વધામ પહોંચાડવાની વાત કરતો હતો ને !” દીક્ષિતે કહ્યું અને પછી ખુશાલનાં સાથળનાં ભાગમાં ગોળી ચલાવી. ક્રિશા સાથે મહેતા સાહેબનાં મોઢામાંથી પણ ચીસ નીકળી ગઈ.
“એટલી આસાનીથી કોઈને મૌત નહિ મળે. બધાને ખૂબ જ તડપાવીશ અને એક જ બૉમ્બથી બધાનાં ચીંથરા ઉડી જશે. આવતી કાલની હેડલાઈનમાં તમે બધા આવશો.” કહેતાં દીક્ષિત જોરજોરથી હસવા લાગ્યો.
દીક્ષિતનું આ હાસ્ય લાંબો સમય સુધી ન ચાલ્યું. સહસા ફાર્મહાઉસનાં દરવાજા પાસે એક સફેદ કાર ઊભી રહી. કારમાંથી એક મહિલા અને ચાર વર્ષની બાળકી નીચે ઉતરી. બધાનું ધ્યાન એ તરફ દોરાયું હતું. એ મહિલા અને બાળકીને જોઈને દીક્ષિતનાં ચહેરાનો રંગ ઉડી ગયો. કોઈએ તેનાં શરીરમાંથી બધું લોહી ચૂસી લીધું હોય એવી રીતે તેનો ચહેરો કન ભગદેવની ભાષામાં કહીએ તો ધોળો પૂણી જેવો થઈ ગયો હતો.
એ ઔરત જેમ જેમ દીક્ષિત નજીક આવતી જતી તેમ તેમ દીક્ષિતની હાલત કફોડી થતી જતી હતી. તેનાં હાથમાં રહેલી રાઇફલ જેમ ગરમ સળિયો હાથમાં લેતાં છૂટી જાય એમ છૂટીને નીચે પડી પડી ગઈ. બધા ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા હતાં. દીક્ષિત આ ઔરતથી કેમ આટલો ડરતો હતો એ કોઈને સમજાતું નહોતું.
ઔરત દીક્ષિતની એકદમ નજીક આવી ગઈ અને પવનવેગે પોતાનો હાથ હવામાં ઉછાળીને દીક્ષિતનાં ગાલ પર તમાચો ચોડી દીધો.
“મનુ…” દીક્ષિત દબાયેલાં અવાજે બોલ્યો.
“મરી ગઈ તમારી મનુ !” એ ઔરત બરાડીને બોલી.
“મારી વાત તો સાંભળ મનુ.”
“શું સાંભળું ? સાંભળવા જેવું છે શું ? જે બોલાવનું હતું એ તો થોડીવાર પહેલા બધુ બોલી ગયા. હું પણ તમારા માટે રસોડામાં કામ કરવાવાળી અને બેડ પર તમારી હવસ સંતોષવાવાળી જ ઔરત છું. મને પણ વેચી દો તમે.”
“એવું ન બોલ મનું. હું તને પ્રેમ કરું છું, તું મારી પત્ની છે.” દીક્ષિત વિલાયેલા મોઢે બોલ્યો.
“જો મને પ્રેમ કરતાં હોત તો આવા ધંધા તમે ન કરતાં હો. તમે જે બહેનોને ઉઠાવો છે એને પણ કોઈક પ્રેમ કરતું હશે, એ પણ કોઈની પત્ની હશે. તમારી આ ચાર વર્ષની દીકરી છે. આ મોટી થશે પછી એની સાથે કોઈ આવું કરશે તો તમને કેવું થશે ?” મનીષા(મનુ)એ કહ્યું.
“મને મારી ભૂલ સમજાય છે મનુ. હું પોતાનો ગુન્હો કબૂલ કરું છું. મહેરબાની કરીને તું આવી ન કર !” દીક્ષિત પોપટ જેમ બોલતો હતો.
“તમારા જરા પણ શરમ હોય તો જેટલી બહેનોને અત્યારે વેચી છે એને બચાવી લો અને પોતાને પોલીસને હવાલે કરી દો.” મનીષાએ કહ્યું.
“હું બધું જ બરાબર કરી દઈશ.” દીક્ષિતે કહ્યું, “ ઇન્સ્પેક્ટર, એ લોકો દૂર નહિ ગયા હોય.”
“એ લોકો ક્યાંય નહીં જાય. એ બસોમાં અમારા ડ્રાઇવર જ છે.” જુવાનસિંહે કહ્યું, “તમે તમારો ગુન્હો કબૂલ કરો છો ને ?”
“હા ઇન્સ્પેક્ટર, હું મારા બધા જ ગુન્હા કબૂલ કરું છું.” દીક્ષિતે કહ્યું.
“મી. દીક્ષિતને હાથકડી પહેરાવો.” જુવાનસિંહે હુકમ કર્યો. દીક્ષિતને હાથકડી પહેરાવામાં આવી. ત્યારબાદ અંધેરી વેસ્ટની પોલીસ જતી રહી. હવે બંગલાનાં પરસાળમાં જુવાનસિંહ, જૈનિત, મહેતા સાહેબ અને ખુશાલ-જૈનીત ઊભા હતાં. બધા જુવાનસિંહ અને જૈનીતને પ્રશ્નોભરી નજરે જોઈ રહ્યા હતાં.
“આ બધું કેવી રીતે થયું ?” મહેતા સાહેબે પૂછ્યું, “દીક્ષિતની પત્ની કેવી રીતે અહીં પહોંચી ? દીક્ષિત તેની પત્નીથી આટલો ડરે છે એ વાતની જાણ તમને કેવી રીતે થઈ ?”
“તમારા બધા જ સવાલોનો જવાબ એક જ છે.” જુવાનસિંહે કહ્યું, “આપણો શુભચિંતક.”
“શુભચિંતક !” મહેતા સાહેબે કહ્યું.
“હા, આ કેસમાં જ્યાં જ્યાં હું અટક્યો છું ત્યાં નવો રસ્તો બનીને મારા શુભચિંતકે મને મદદ કરી છે. ઇકબાલને મારી નાંખવામાં આવ્યો પછી આ સિલસિલો શરૂ થયો હતો. તેણે મને વાટલીયા વિશે માહિતી આપી, ત્યારબાદ રાકેશ શર્મા વિશે જણાવ્યું, જ્યારે મિસિસ. બલરે અમને પરાસ્ત કર્યા હતા ત્યારે તેણે જ હસમુખ વિશે માહિતી આપી હટી. હું અને જૈનીત જ્યારે મુંબઈ આવ્યા ત્યારે મારો શુભચિંતક પણ મુંબઈ આવી ગયેલો. પડછાયાની જેમ એ મારી સાથે રહ્યો હતો અને દીક્ષિતની પુરી જન્મકુંડળી પણ તેણે જ શોધી આપી હતી. આજે પણ જ્યારે આપણે અહીં આવવા નીકળ્યાં હતા ત્યારે મારા શુભચિંતકે જ મને દીક્ષિતની જુબાને બધું કબૂલ કરાવવાની સલાહ આપેલી. એ માટે મેં મારી કૉલરે માઈક્રોફોન ગોઠવેલો. દીક્ષિતે જે-જે વાતો કહી છે એ બધી જ રેકોર્ડ થઈ ગઈ છે અને હેડક્વાર્ટરમાં પણ આ વાત સાંભળવામાં આવી છે. ટૂંકમાં અમદાવાદનાં આ શુભચિંતકે જ દીક્ષિતનાં સામ્રાજ્યને પડકાર આપેલો.”
“તમારા શુભચિંતકે તમને દરેક પગલે સાથ આપેલો પણ એ વ્યક્તિ કોણ છે એનાં વિશે કોઈ માહિતી મળી ?”
“એ કોણ છે એ તો મને એ જ દિવસે ખબર પડી ગયેલી. તેનાં કૉલનું લોકેશન વાપીનું બતાવતાં હતાં. મેં બીજા દિવસે વાપીનાં મારા મિત્ર રામદિન સાગરને કોલ કરેલો અને જે નંબર પરથી કોલ આવ્યો હતો એને લોકેશન દ્વારા શોધવા કહ્યું. બીજા જ દિવસે એ વ્યક્તિને શોધવામાં આવ્યો અને તેણે કોની સાથે કોનફરન્સમાં વાત કરાવી હતી એની માહિતી મેળવવામાં આવી હતી.”
“કોણ છે એ વ્યક્તિ ?” મહેતા સાહેબે ઉત્સાહિત થઈને પૂછ્યું.
“તમે જાતે જ જોઈ લો.” કહેતાં જુવાનસિંહે ફાર્મહાઉસનાં ગેટ તરફ નજર કરી. ફાર્મહાઉસનાં ગેટ પર બે વ્યક્તિ ઊભાં હતાં. જુવાનસિંહ સિવાય કોઈ તેઓને ઓળખતું નહોતું. ધીમે ધીમે બંને આગળ વધ્યા. જુવાનસિંહ પાસે આવીને તેઓ ઊભા રહ્યાં.

(ક્રમશઃ)