The Next Chapter Of Joker
Part – 36
Written By Mer Mehul
“દીક્ષિત, તારા દુશ્મનોને બાનમાં લઈ લીધા છે,” સયાલીએ ફોનમાં કહ્યું, “સાંજ સુધીમાં તને મળી જશે.”
“થેંક્યું સો મચ જાન.” દીક્ષિતે ખુશ થઈને કહ્યું.
“આજે હિસાબ ચૂકતે થઈ ગયો, હવે આપણે બંને પોતાનાં રસ્તે.” સયાલીએ કહ્યું.
“બિલકુલ, હવે તું આઝાદ છે.” કહેતાં દીક્ષિતે કોલ કટ કરી દીધો. સયાલીએ મોબાઈલ બાજુમાં રાખ્યો. તેનો ચહેરો પડી ગયો હતો.
“સૉરી દોસ્તો, હું મજબૂર છું.” ખૂણામાં બેહોશ પડેલા જુવાનસિંહ અને જૈનીત તરફ નજર ફેરવીને સયાલીએ કહ્યું.
એક સમય હતો જ્યારે સયાલી મધ્યમ વર્ગની છોકરી હતી. પોતે મહત્વકાંક્ષી હતી, તેનાં માટે રૂપિયા જ સર્વસ્વ હતાં. સયાલી જોબ કરી અને તેની સાથે સાઈડ ઇન્કમ માટે સિલેક્ટેડ પૈસાદાર લોકો સાથે સંભોગ કરીને પોતાની મહત્વકાંક્ષાઓને સંતોષતી. એ જ સમયમાં તેની મુલાકાત દીક્ષિત સાથે થઈ હતી. દીક્ષિતે ઘણીવાર સયાલીને આર્થિક રીતે મદદ કરી હતી. બદલામાં એ પોતાની હવસ શમાવતો.
એકવાર કોઈ વ્યક્તિ દ્વારા સયાલીને બ્લેકમેલ કરવામાં આવી અને ત્યારે દીક્ષિતે તેણીને મદદ કરેલી. બદલામાં જ્યારે જરૂર પડે ત્યારે દીક્ષિત તેની પાસે કામ કરાવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું.
ધીમે ધીમે બંને વધુ નજદીક આવતાં ગયા, સાથે જ બંને સારા મિત્ર બની ગયા. આખરે દીક્ષિતે ડ્રોપ ક્લબમાં સયાલીને પાર્ટનર બનાવી લીધી હતી.
હસમુખ જ્યારે પોલીસનાં શિકન્જામાંથી છૂટ્યો હતો ત્યારે દીક્ષિતને બધી ઘટનાથી વાકેફ કર્યો હતો. દીક્ષિતે પોતાનાં માણસોને સૂચના આપીને બંને પર ધ્યાન રાખવા કહ્યું હતું. રઘુરામે આ વાત જુવાનસિંહને ઇશારામાં પણ સમજાવી હતી.
બંને જ્યારે ઉસ્માનભાઈને મળવા ગયેલા ત્યારે દીક્ષિતે જ ગોળી ચલાવવા કહ્યું હતું. જુવાનસિંહ અને જૈનિત ડ્રોપ ક્લબમાં જવાના છે એ વાત જાણીને દીક્ષિતે સયાલીને ફોન કરેલો અને પૂરું ષડયંત્ર રચેલું.
હાલ જુવાનસિંહ અને જૈનીત દીક્ષિતનાં બાનમાં હતાં. તેનો માણસો આવવાનાં હતાં અને બંનેને ઉઠાવીને લઈ જવાના હતાં.
*
જુવાનસિંહે આંખો ખોલી ત્યારે તેની સામે ભૂરું આકાશ હતું. સૂરજનાં ત્રાંસા કિરણો અને કુણા કિરણોને કારણે થોડીવાર માટે તેઓની આંખ બંધ થઈ ગઈ હતી. દરિયાનાં મોજાં પથ્થર સાથે અથડાવવાનો અવાજ તેઓનાં કાને પડી રહ્યો હતો. થોડી ક્ષણ માટે જુવાનસિંહ એ જ સ્થિતિમાં આંખો બંધ કરીને સૂતાં રહ્યા. જ્યારે તેઓને થોડી કળ વળી ત્યારે તેઓએ આજુબાજુ નજર ફેરવી.
જુવાનસિંહ કોઈ દરિયાકિનારે રેતીમાં સુતા હતા. જુવાનસિંહથી થોડે દુર અંતરે જૈનીત હજી સૂતો હતો. સૂરજનાં કિરણો પરથી સવારનો સમય હશે એવું અનુમાન લગાવાતું હતું.
જુવાનસિંહ ઉભા થઈને જૈનીત પાસે ગયા અને તેને ઢંઢોળ્યો. થોડી મહેનત બાદ જૈનીતે આંખો ખોલી એટલે જુવાનસિંહે રાહતનાં શ્વાસ અનુભવ્યા. જૈનીતને પણ જ્યાં સુધી કળ ના વળી ત્યાં સુધી જુવાનસિંહ તેની બાજુમાં બેસી રહ્યા.
“આપણે અહીં કેવી રીતે પહોંચ્યા ?” જૈનીતે પૂછ્યું.
“એ તો હું પણ નથી જાણતો.” કહેતાં જુવાનસિંહે આગળની રાતની ઘટના યાદ કરી, “આપણે ડ્રોપ ક્લબમાં હતાં, તમે મને ઈશારો કરીને તમારી પાછળ આવવા કહ્યું હતું. તમે લોકો વોશરૂમ તરફ આગળ વધતાં હતાં. હું પણ એ તરફ આવતો હતો અને એ સમયે જ બે લોકો પગથિયાં પાસેથી નીકળ્યા અને મને ઝડપી લીધો.”
“મારી સાથે પણ એવું જ થયું હતું,” જૈનીતે કહ્યું, “હું વોશરૂમમાં પ્રવેશ્યો એટલે બારણાં પાછળ છુપાયેલા બે માણસોએ પાછળથી મને ઝડપી લીધો હતો.”
“હું એમાંથી એક વ્યક્તિને ઓળખતો હતો,” કહેતાં જુવાનસિંહે પોતાનાં મગજ પર જોર આપ્યું, “હા, યાદ આવ્યું. એ ફજલ હતો.”
“આ ફજલ એટલે ઇકબાલનો દોસ્ત અને ઇકબાલને ગોળી મારીને નાસી ગયો હતો એ જ ને ?”
“હા, એ જ.” કહેતા જુવાનસિંહ ઊભા થયાં. તેઓએ આજુબાજુ નજર ફેરવી તો કેટલાક માછીમાર ભાઈઓ દરિયામાં ખેડાણ કરવાની તૈયારી કરતાં નજરે ચડ્યા.
“પેલા લોકોને પૂછીએ.” કહેતાં જુવાનસિંહે જૈનીતને હાથ આપ્યો. જૈનીત ઉભો થયો એટલે બંને માછીમાર ભાઈઓ તરફ આગળ વધ્યા.
“આ ક્યા વિસ્તારનો દરિયાકિનારો છે ?” જુવાનસિંહે એક વ્યક્તિ પાસે જઈને પૂછ્યું.
એ વ્યક્તિએ પહેલાં જુવાનસિંહ અને જૈનીતનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ એ પોતાનું કામ કરતાં જ બોલ્યો, “વર્સોવા બીચનો જમણો કાંઠો.”
“અંધેરી વેસ્ટ તરફ જવા માટે કંઈ બાજુ રસ્તો છે ?”
એ વ્યક્તિએ હવે અણગમા સાથે બંને સામે જોયું. તેણે માત્ર હાથ વડે જ ઈશારો કર્યો અને પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયો. જુવાનસિંહ અને જૈનીત એ તરફ આગળ વધ્યા. જુવાનસિંહે પોતાનો મોબાઈલ કાઢવા માટે ગજવામાં હાથ નાંખ્યો. મોબાઈલ સાથે તેનાં ગજવામાંથી એક કાગળ પણ જુવાનસિંહનાં હાથમાં આવ્યો. જુવાનસિંહ કુતૂહલવશ એ કાગળને જોઈ રહ્યાં. જૈનીત પણ એ કાગળને જોઈ રહ્યો હતો.
જુવાનસિંહે કાગળ ખોલીને મોટેથી વાંચવાનું શરૂ કર્યું,
“અનુપમ દીક્ષિતની જન્મકુંડળી મારા હાથમાં છે, મને આજે સાંજે સાત વાગ્યે મસ્જિદ-એ-અમન રોડ પર આવેલા ‘શેખ યતિમખાના’ માં મળો. તમારી શુભચિંતક.”
“અહીં પણ શુભચિંતક !” જૈનીતે કહ્યું.
“હા, જેણે આ કાગળ લખ્યો છે એણે જ આપણને બચાવ્યા છે.” જુવાનસિંહે કહ્યું.
“આપણે આ યતિમખાનામાં જવું જોઈએ.”
જુવાનસિંહે હકારમાં માથું ધુણાવ્યું. બંને બીચ પરથી ચાલીને રોડ તરફ આવ્યા. ત્યાંથી રીક્ષા મારફતે બંને હોટેલ પહોંચ્યા. હવે આગળની મંજિલ ‘શેખ યતિમખાના’ હતી.
***
“શું બકવાસ કરે છે ? એ લોકો કેવી રીતે છટકી ગયા ?” દીક્ષિતે ગુસ્સામાં બરાડીને કહ્યું. દીક્ષિત અત્યારે ડ્રોપ ક્લબમાં હતો. તેની સામે સયાલી હતી. સયાલીએ ગઈ રાત્રે જુવાનસિંહ અને જૈનીત નાસી ગયાનાં સમાચાર આપ્યા હતાં. આ સમાચાર સાંભળીને દીક્ષિતનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
“મોડી રાત સુધી હું અહીં જ હતી. એ લોકોને પેલા ડોઝ આપીને તેઓને એક રૂમમાં કેદ કરી દીધા હતાં અને બે માણસોને પહેરેદારી માટે રાખ્યા હતાં. તે કહ્યું હતું એ મુજબ સવારે તારા માણસો એ બંનેને લેવા માટે આવવાનાં હતાં પણ જ્યારે તારા માણસો અહીં પહોંચ્યા ત્યારે પહેરેદારી કરતાં બંને માણસો બેહોશ અવસ્થામાં પડ્યા હતા અને પેલા બંને નાસી ગયા હતાં.” સયાલીએ પુરી ઘટનાં કહી સંભળાવી.
“તારા પહેરેદારોએ શું કહ્યું ? કોણે તેઓને બેહોશ કર્યા હતાં ?”
“એ જ તો રહસ્ય છે. કોણ આવ્યું, ક્યાંથી આવ્યું એ જ નથી ખબર. કેમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.”
“આ કામ અંદરનાં જ કોઈ માણસનું છે.” દીક્ષિતે કહ્યું.
“હવે આગળ શું કરીશું ?” સયાલીએ પૂછ્યું.
“પહેલીવાર કોઈએ મને શિકસ્ટ આપી છે. પહેલીવાર કોઈ ટક્કરનું મળ્યું છે. મજા આવશે આ રમતમાં.” કહેતાં દીક્ષિતે મોબાઈલ હાથમાં લીધો.
“દીક્ષિત બોલું,” કોઈને કોલ જોડીને દીક્ષિતે કહ્યું, “બે માણસો વિશે માહિતી મેળવવાની છે. સાંજ સુધીમાં કામ થઈ જવું જોઈએ.”
*
જુવાનસિંહ અને જૈનીત મસ્જિદ-એ-અમનની સામે ઊભા હતાં. ગઈ કાલે સવારે પણ તેઓ અહીં આવ્યા હતા એટલે જગ્યાનાં ભૂગોળથી તેઓ વાકેફ હતાં. સાત વાગતાં સુધીમાં બંને ‘શેખ યતિમખાના’ વિશે પૂછતાં પૂછતાં ત્યાં પહોંચી ગયા હતાં. યતિમખાનાનાં સંચાલકે બંનેને માન આપીને આવકાર્યા.
“આ કાગળ તમે લખેલો છે ?” જુવાનસિંહે સવારે મળેલો કાગળ સંચાલકનાં હાથમાં આપીને પૂછ્યું. સંચાલકે કાગળ પરનું લખાણ વાંચ્યું ત્યારબાદ જુવાનસિંહ તરફ જોઈને નકારમાં માથું ધુણાવ્યું.
“કાગળમાં અમને સાત વાગ્યે અહીં આવવા જણાવેલું છે.”
“તમે બેસો. થોડીવારમાં એ વ્યક્તિ તમને મળવા આવશે.” કહેતાં સંચાલકે યતિમખાનાનાં બગીચા તરફ ઈશારો કર્યો. બંને ત્યાં જઈને બાંકડા પર બેઠક લીધી.
થોડીવાર પછી ગેટમાં એક યુવતી પ્રવેશી. એ યુવતીએ બુરખો પહેર્યો હતો. જુવાનસિંહ અને જૈનીત એ યુવતીને જોઈ રહ્યા. એ યુવતી બગીચા તરફ જ આગળ વધી રહી હતી. બગીચામાં પ્રવેશી તેણે બાજુનાં બાંકડા પર બેઠક લીધી. જુવાનસિંહનાં હાથમાં પેલો કાગળ હતો.
“મેં જ તમને કાગળ લખેલો,” યુવતીએ કહ્યું, “અને મેં જ તમને લોકોને ડ્રોપ ક્લબમાંથી બહાર કાઢ્યા હતાં.”
“તમે કોણ છો બેન ?, અમારી મદદ કરવા પાછળનો હેતુ જણાવશો.” જુવાનસિંહે કહ્યું.
યુવતીએ પોતાનાં ચહેરા પર રહેલો બુરખો દૂર કર્યો. તેનાં સુંદર ચહેરા પર એક ઉદાસીનતા હતી, બેરુખી હતી.
“મારું નામ હિના ભોહારિયા છે. દીક્ષિત માટે હું હિના સાંગલે છું, એની રખાત છું અને ગઈ કાલે સવારે તમે જે વ્યક્તિને મળ્યા હતા એની દીકરી છું.” હિનાએ પોતાની ઓળખાણ આપતાં કહ્યું.
“ઓહ ! તો તમે જ ઉસમાનભાઈની દીકરી છો.” જુવાનસિંહે કહ્યું.
“હા, એ બદનસીબ બાપની દીકરી હું જ છું. મારી વાર્તા સાવ ટૂંકી છે અને પપ્પાએ તમને કહી જ હશે. દીક્ષિતે ધાકધમકીથી મને પોતાની સાથે રાખી છે અને અત્યારે નાછૂટકે હું તેની તરફેણમાં રહું છું. પણ જ્યારથી તમે લોકોએ એનાં કામમાં ખલેલ પહોંચાડી છે ત્યારથી એનું પતન જલ્દી જ થશે એ બાબતે હું નિશ્ચિંત છું.”
“અમે ડ્રોપ ક્લબમાં ઝડપાયા છીએ એ વાતની જાણ તમને કેવી રીતે થઈ ?” જૈનીતે પૂછ્યું.
“ગઈકાલે રાત્રે તમને લોકોને બંદી બનાવવામાં આવ્યા પછી સયાલીએ દીક્ષિતને કૉલ કરેલો. એ બંને વચ્ચે જે વાતચીત થઈ હતી એ મેં સાંભળી હતી. સયાલીને ડ્રોપ ક્લબ આપવામાં આવ્યો એ પહેલાં દીક્ષિતે એ ક્લબ મને આપેલો. ક્લબનાં બધા જ માણસો મારું માને છે. મેં કાલે રાત્રે તમને લોકોને છોડાવીને દૂર દરિયાકાંઠે છોડી આવવા કહ્યું હતું અને સાથે આ કાગળ તમારા ગજવામાં રાખવા કહ્યું હતું.” હિનાએ કહ્યું.
“સમજ્યો !” જુવાનસિંહે કહ્યું, “દીક્ષિતને રોકવા માટે અમારે શું કરવું પડશે ?”
“દીક્ષિત સુધી હું તમને પહોંચાડીશ. તમે લોકોએ હસમુખને કેદ કરીને ત્યાં અટકાયત કરી હતી, એ સમયે મેં પણ અહીં કેદ કરેલી છોકરીઓને છોડાવી દીધી હતી. મને એમ હતું કે દીક્ષિત બીજી છોકરીઓની વ્યવસ્થા કરવામાં બે અઠવાડિયા જેટલો સમય લઈ લેશે પણ તેણે બેંગ્લોર અને કલકત્તા સંપર્ક સાધ્યો હતો. બે દિવસ ત્રણસો જેટલી છોકરીઓ મુંબઈમાં આવશે અને પછી એને વેંચી દેવામાં આવશે.”
“એક સાથે આટલી મોટી ડીલ કેવી રીતે થશે ?” જૈનીતે પૂછ્યું.
“હેરી નામનો એક ફિરંગી છે. તેની સાથે જ ડીલ થઈ છે. તમારી પાસે ત્રણ દિવસનો સમય છે. જો આ ડીલ થઈ ગઈ તો દીક્ષિત ભારત છોડીને જતો રહેવાનો છે. પછી એ ક્યારેય હાથમાં નહિ આવે.”
“આ ડીલ ક્યાં થવાની છે ?” જુવાનસિંહે પુછ્યું.
“એ તો હજી નક્કી નથી થયું, જ્યારે મને સ્થળ વિશે માહિતી મળશે ત્યારે હું તમને જાણ કરી દઈશ. તમે લોકો તૈયારીમાં રહેજો.”
જુવાનસિંહ અને જૈનીતે હકારમાં માથું ધુણાવ્યું.
“હું હવે નીકળું, કોઈ મને અહીં જોઈ જશે તો પ્રોબ્લેમ થશે” કહેતાં હિના ઊભી થઈ, “આ યતિમખાનાનાં સંચાલકનાં સંપર્કમાં રહેજો. એ જ હવે તમને મારા વતી બધી માહિતી આપશે.”
“આભાર બહેન..” જુવાનસિંહે કહ્યું. હિનાએ સ્મિત વેર્યું અને બહાર નીકળી ગઈ. જુવાનસિંહે સંચાલકનો મોબાઈલ નંબર લીધો. ત્યારબાદ સામાન્ય ચર્ચા કરીને બંને ત્યાંથી નીકળી ગયા.