The Next Chapter Of Joker
Part – 34
Written By Mer Mehul
“મેરી બાત સુનો હેરી, કલ શામ તક તુમ્હારા કામ હો જાયેગા.” અનુપમ દીક્ષિતે કહ્યું. દીક્ષિત અને હેરી વચ્ચે જે ડીલ થઈ હતી એ મુજબ દીક્ષિતનો ત્રણસો છોકરીઓ હેરી સુધી પહોંચાડવાની હતી. પણ હસમુખની ધરપકડ થવાથી દીક્ષિત ત્રણસો છોકરીઓની વ્યવસ્થા નહોતો કરી શક્યો. ઉપરાંત અન્ય છોકરીઓને પણ કોઈએ રહસ્ય રીતે બચાવી લીધી હતી તેથી દીક્ષિતને બહાના પેટે લીધેલી રકમ પરત આપવી પડી હતી અને અત્યારે હેરી દ્વારા તેની ઝાટકણી થઈ રહી હતી.
“મુજે કુછ નહિ સુનના, તુમ્હારી વજાહ સે મેરા કરોડો કા નુકસાન હોય ગયા હૈ.” હેરી ગુસ્સામાં બરાડતો હતો.
“લૂક હેરી, હમ તીન સાલ સે સાથ કામ કર રહે હૈ. તુમ્હે મેરે બારે મેં પતા હૈ ના, મેં કિસીકા નુકસાન નહિ કરવાતા. તુમ્હારા જીતના ભી નુકસાન હુઆ હૈ મેં સબ કી ભરપાઈ કર દુંગા. મુજે બસ એક દિન કા ટાઈમ દો.”
“ઠીક હૈ, કલ શામ તક તુમને ડીલ ખતમ નહિ કી તો મુજસે બુરા કોઈ નહિ હોગા.” કહેતાં હેરીએ ફોન કાંપી નાંખ્યો.
આ તરફ દીક્ષિત રઘવાયો થયો હતો. આજ દિવસ સુધીમાં કોઈએ તેની સાથે આવી રીતે વાતો નહોતી કરી. તેણે હિનાને કહીને ફજલને બોલાવવા કહ્યું. હિનાએ ફોન કરીને ફજલને બોલાવી લીધો. અડધી કલાકમાં ફજલ દીક્ષિત સામે હાજર થયો.
“કમજાત હસમુખનાં કોઈ સમાચાર મળ્યા ?” દીક્ષિતે ગુજરાતીમાં પૂછ્યું.
“ના બોસ, એનો ફોન બંધ આવે છે અને હજી સુધીમાં એનાં કોઈ ખબર નથી મળ્યા.” ફજલે કહ્યું.
“શોધો એને અને મારી નજર સામે હાજર કરો.” દીક્ષિતે તરડાઈને કહ્યું, જો હસમુખ અત્યારે તેની નજર સામે હોય તો તેને મારીમારીને દીક્ષિતે અધમુઓ કરી દીધો હોત.
“ઑકે બોસ.”
“અને રાતોરાત છોકરીઓને કોણ લઈ ગયું એની પણ તપાસ કરો.” દીક્ષિતે ઉમેર્યું. ફજલે યંત્રવત ડોકું ધુણાવ્યું.
હિનાએ વ્હીસ્કીનાં બે ગ્લાસ ટેબલ પર રાખ્યાં. દીક્ષિતે ફજલને ઈશારો કરીને એક ગ્લાસ ઉઠાવવા કહ્યું. ફજલ ગ્લાસ ઉઠાવ્યો અને એક જ શ્વાસે પૂરો ગ્લાસ પેટમાં રેડી દીધો.
*
“બોલ કમજાત ! કોણ કોણ તારી સાથે છે ?” હિંમતે કઠોર અવાજે પૂછ્યું. સામે હસમુખ બેઠો હતો. હિંમત છેલ્લી દસ મિનિટથી હસમુખ પાસેથી માહિતી મેળવવાની કોશિશ કરતો હતો પણ હસમુખ એક હરફ નહોતો બોલતો.
“તું ગમે એટલી કોશિશ કરી લે ઇન્સ્પેક્ટર, હું એક શબ્દ પણ નથી બોલવાનો.” હસમુખે શાંત અવાજે કહ્યું.
“તારા બધા સાથી અમારી ગિરફ્તમાં છે અને થોડાં સમયમાં તારો બોસ પણ આવી જશે. પછી તારો આ અહમ ચકનાચૂર થઈ જવાનો છે.” હિંમતે કહ્યું.
હિંમતની વાત સાંભળીને હસમુખ હળવું હસ્યો, “એને ગિરફ્તાર કરવાની વાત તો દૂર રહી, થોડીવારમાં હું પણ તારી નજર સામેથી બહાર નિકળીશ અને તું કશું નથી કરી શકવાનો.”
“એ તો સમય આવતા જ ખબર પડશે કે કોણ અંદર જવાનું છે અને કોણ બહાર.”
સહસા દિપકે રૂમનું બારણું ખોલ્યું.
“તમારા માટે કૉલ છે.” હિંમતને ઉદ્દેશીને દિપકે કહ્યું. દિપકનાં ચહેરા પર ચિંતાનાં ભાવ તણાઈ આવ્યાં હતાં. હિંમત એ જોઈને કોઈ ઉપરી અધિકારીનો ફોન છે એવું સમજી ગયો હતો.
“જાવ જાવ ઇન્સપેક્ટર, મને છોડવા માટેનો ઓર્ડર આવી ગયો છે.” હસમુખે હસીને કહ્યું.
હસમુખની વાત અવગણીને હિંમત બહાર નીકળી ગયો.
*
જુવાનસિંહ અને જૈનીત મસ્જિદ-એ-અમન નામની મસ્જિદની ડાબી શેરીમાં પ્રવેશ્યા હતાં. આ વિસ્તાર વધુ ગીચતાંવાળો હતો, ઠેર ઠેર દુકાન પર લોકો ખરીદી કરી રહ્યા હતાં. રસ્તાની બંને બાજુએ બાઈકો પાર્ક કરેલી હતી. કેટલી બાઈકો નડતર રૂપે પણ હતી. બંને આ રસ્તાને ચીરીને છેલ્લી દુકાને પહોંચ્યા. દુકાનનાં મથાળે ‘કબીર જનરલ સ્ટોર’ નું બોર્ડ લાગેલું હતું. જુવાનસિંહ આગળ ચાલીને દુકાનમાં બેઠેલાં વ્યક્તિ પાસે પહોંચ્યા, અલબત્ત હજી તેઓ દુકાનની બહાર જ ઊભાં હતાં. જુવાનસિંહે એ વ્યક્તિને ઊડતી નજરે જોયો.
પિસ્તાલીસેક વર્ષનો એ વ્યક્તિ શરીરમાં ભારેભરખમ હતો. તેણે ગોઠણ સુધીનું કથ્થાઈ રંગનું લાંબુ કુર્તુ અને કાળો પાયજામો પહેર્યો હતો. એ વ્યક્તિની દાઢી લાંબી અને અસ્તવ્યસ્ત હતી. આ ઉસ્માનભાઈ છે એ નક્કી કરવામાં જુવાનસિંહે વધુ સમય ન લીધો.
“ઉસ્માનભાઈ ?” જુવાનસિંહે પૂછ્યું.
“હાંજી !” ઉસ્માનભાઈએ કહ્યું.
“હું ઇન્સપેક્ટર જુવાનસિંહ, અનુપમ દીક્ષિતનાં સિલસિલામાં આપની મદદની આશાએ આવ્યો છું.”
“હું કોઈ અનુપમ દીક્ષિતને નથી ઓળખતો, તમે ખોટી જગ્યાએ આવી ગયા છો.” ઉસ્માનભાઈએ જુવાનસિંહની વાત હવામાં ઉછાળી દીધી અને પોતે કામમાં વ્યસ્ત છે એવું જતાવ્યું.
“તમે અમને ગલત સમજો છો ઉસ્માનભાઈ” જૈનીતે આગળ આવીને કહ્યું, “તમારી સાથે શું થયું છે એની અમને જાણ છે. અમે માત્ર તમારી મદદ લેવા માટે જ નથી આવ્યા, એક રીત અમે તમારી મદદે પણ આવ્યા છીએ”
“તમે જૈનીત જોશી છો ને ?” ઉસ્માનભાઈએ પૂછ્યું.
“હા, તમને કેવી રીતે ખબર પડી ?” જૈનીતે આશ્ચર્ય ભર્યા અવાજે પૂછ્યું.
“વિક્રમ દેસાઈ અને અનુપમ દીક્ષિત બંને સાથે કામ કરતાં હતાં. જ્યારે તમે લોકોએ વિક્રમ દેસાઈને ખુલ્લો પાડ્યો ત્યારે તમારું નામ અમારી રેડ લિસ્ટમાં આવેલું” ઉસ્માનભાઈએ ખુલાસો કર્યો.
“સમજ્યો” જૈનીતે કહ્યું, “તો તમે અમને મદદ કરવા માટે સહમત છો ને ?”
“હા, એ નરાધમને ખુલ્લો પાડવામાં હું તમારી મદદ કરીશ” ઉસ્માનભાઈએ કહ્યું, “પણ મારું નામ ક્યાંય નહીં આવે એની તમે લોકો બાંહેધરી આપો તો જ !”
“એ બાબતે તમે નિશ્ચિંત રહો.” જુવાનસિંહે કહ્યું.
“અનુપમ દીક્ષિત સુધી પહોંચતા પહેલા એનાં વિશે જાણકારી મેળવવી જરૂરી છે. મુંબઈ વેસ્ટમાં દીક્ષિતનાં ચાર ક્લબ છે. આ ક્લબની આડમાં જ એ બીજા બધા ધંધા કરે છે. જો તમારે એનાં સુધી પહોંચવું છે તો અનુપમ દીક્ષિતને આ કલબથી દુર કરવો પડશે. ક્લબનાં સ્ટાફ વિના અનુપમ દીક્ષિત કશું જ નથી કરી શકવાનો.”
“તમે તો એની સાથે કામ કરેલું છે ને, એ કેવી રીતે બધી સપ્લાય પુરી પાડે છે એની માહિતી આપો.” જુવાનસિંહે કહ્યું.
“આ એક મોટી ચેઇન છે. અનુપમ દીક્ષિત આ ચેનનો મુખ્ય મણકો છે. વિદેશી લોકો, સેલિબ્રિટીઓ, ઉદ્યોગકારો, નેતાઓ સાથે દીક્ષિતનાં કોન્ટેક્ટ છે. દીક્ષિત આ લોકો સુધી છોકરીઓ પહોંચાડે છે અને બદલામાં મોટી રકમ મેળવે છે.” ઉસ્માનભાઈ થોડીવાર અટક્યા, ત્યારબાદ ફરી પોતાની વાત આગળ ધપાવી, “એ લોકો પાસેથી ઓર્ડર મળે એટલે દીક્ષિત પોતાનાં માણસોને એક્ટિવ કરે છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દીક્ષિતનાં માણસો કામ કરે છે. છોકરીને ફસાવવાથી લઈને દીક્ષિત સુધી પહોંચાડવામાં અનેક મણકાઓ જોડાય છે અને છેલ્લે દીક્ષિત પેલાં લોકો સાથે ડીલ કરે છે.”
“સમજ્યો.” જુવાનસિંહે કહ્યું, “આ ચેઇન તોડવા માટે કોઈ રસ્તો ?”
“સયાલી પાટીલ.” ઉસ્માનભાઈએ કહ્યું, “ડ્રોપ ક્લબની માલિક છે અને દીક્ષિતની અંગત છે.”
“તમારી દીકરી ક્યાં છે અત્યારે ?, એનું નામ શું છે ?” જૈનીતે પૂછ્યું, “એ અમને કોઈ મદદ કરી શકશે ?”
“મારી દીકરી…” ઉસ્માનભાઈનું વાક્ય અધૂરું રહી ગયું. એ જ સમયે ગોળી છૂટવાનો અવાજ ત્રણેયનાં કાને પડ્યો.
ત્રણેયનું ધ્યાન જે બાજુથી અવાજ આવ્યો હતો એ તરફ ગયું. સામે એક કોમ્પ્લેક્ષની છત પર એક વ્યક્તિ ઉભો હતો, તેનાં હાથમાં પિસ્તોલ હતી. એ વ્યક્તિ ‘કબીર જનરલ સ્ટોર’ તરફ નિશાન લઈને ઉભો હતો. જુવાનસિંહએ પરિસ્થિતિનો તાગ મેળવી લીધો, તેઓનાં પર હુમલો થઈ રહ્યો હતો.
“આ બાજુ આવો.” કહેતાં ઉસ્માનભાઈ બહાર નીકળીને દોડવા લાગ્યાં. જુવાનસિંહ અને જૈનિત પણ તેઓની પાછળ દોડ્યા. એ જ સમયે બીજીવાર ગોળી છૂટવાનો અવાજ આવ્યો. બંનેએ દોડવાની ઝડપ વધારી. ઉસ્માનભાઈ આગળ દોડીને એક ખાંચામાં વળી ગયાં હતાં. જુવાનસિંહ અને જૈનીત પણ તેઓની પાછળ પાછળ દોડતાં હતાં. આગળ જતાં ત્રણ-ચાર ખાંચામાં વળાંક લઈને ઉસ્માનભાઈ એક દુકાન પાસે ઊભા રહી ગયા. એ દુકાન પણ કિરાણાની જ હતી. ઉસ્માનભાઈ ત્યાં ઉભા રહીને હાંફતા હતા. દોડવાને કારણે તેઓની શ્વાસની ગતિ એકદમથી વધી ગઈ હતી.
“કોણ હતા એ લોકો ?” જૈનીતે ઉસમાનભાઈની નજીક ઊભા રહીને પૂછ્યું.
“તમારા વિશે એ લોકોને જાણ થઈ ગઈ છે, તમને ડરાવવા માટે અત્યારે ગોળી છોડવામાં આવી છે. અહીં તમે સુરક્ષિત નથી.” ઉસ્માનભાઈ કહ્યું અને દુકાન તરફ ફર્યા. ઉસ્માનભાઈને જોઈને સ્ટોર પર બેઠેલો છોકરો ઊભો થઈને બહાર આવી ગયો હતો.
“આદિલ, આ લોકોને સુરક્ષિત જગ્યાએ છોડી આવ.” ઉસ્માનભાઈએ કહ્યું.
ઉસ્માનભાઈનાં કહેવાથી આદિલ નામનાં છોકરાએ એક ઓટો રીક્ષા રોકી. જુવાનસિંહ અને જૈનિતને એમાં બેસવાનો ઈશારો કર્યો. બંને રિક્ષામાં બેઠા એટલે આદિલ પણ આગળની સીટમાં ડ્રાઇવર પાસે બેસી ગયો.
“ક્યાં જવાનું છે ?” આદિલે ગરદન ઘુમાવીને પૂછ્યું.
“હોટેલ વિસ્ટા” જુવાનસિંહે કહ્યું એટલે ડ્રાઇવરે રીક્ષા ચાલવી લીધી.
(ક્રમશઃ)