The Next Chapter Of Joker - Part - 25 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Next Chapter Of Joker - Part - 25

The Next Chapter Of Joker

Part – 25

Written By Mer Mehul

જુવાનસિંહ ટેબલ ઉપર રહેલા ફોન પર નજર સ્થિર કરીને બેઠાં હતાં. દસ ઉપર પંદર મિનિટ થઈ ગઈ હતી પણ હજી સુધી ગઈ રાત્રે જે અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો તેણે ફરી કૉલ નહોતો કર્યો. સહસા ફોન રણક્યો એટલે જુવાનસિંહે ઉતાવળથી ફોન હાથમાં લઈને ડિસ્પ્લે પર નજર કરી. જુવાનસિંહનાં ચહેરા પર નિરાશ છવાઈ ગઈ. તેઓએ ફોન રિસીવ કરીને કાને રાખ્યો.
“ડિસ્ટર્બ તો નથી કર્યાંને તમને…!” સામે છેડે જૈનીત હતો.
“ના…બસ એક કૉલની રાહ જોઇને બેઠો છું..” જુવાનસિંહે કહ્યું.
“તો હું થોડીવાર પછી કૉલ કરું…” જૈનીતે કહ્યું.
“ના.. કૉલ આવશે ત્યારે હું જણાવી દઈશ અને આમ પણ આ કેસ વિશે તમારી સાથે થોડી ચર્ચા કરવાની હતી..” જુવાનસિંહ આટલા વર્ષોમાં જૈનીતને માન આપવાથી ટેવાઈ ગયા હતાં.
“બોલોને જુવાનસિંહ….” જૈનીતે કહ્યું.
“જે.જે. રબારી નામનાં RTO ઑફિસરની હત્યા કરવામાં આવી છે અને તેની પાસે પણ જોકરનું કાર્ડ મળ્યું છે..?”
“શું..?” જૈનીતે ચોંકીને કહ્યું, “એની પાછળ પણ કોઈ નામ લખ્યું છે ?”
“હા..”
“કોનું તમારું ?”
“ના…ખુશાલનું…”
“કોણ છે આ મર્ડરર અને આપણાં બધાનાં નામ લખીને એ શું જતાવવા માંગે છે ?” જૈનીતે વિચારમગ્ન અવાજે કહ્યું.
“હજી એક વાત જાણવા જેવી છે…” જુવાનસિંહે પોતાની વાત આગળ ધપાવી, “કાલે રાત્રે મને એક કૉલ આવ્યો હતો અને આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવા જણાવ્યું છે…”
“હવે આ વ્યક્તિ કોણ છે ? અને ધરપકડ કોની કરવાની છે ?” જૈનીતે ગુંચવાઈને કહ્યું.
“એણે પોતાનું નામ નથી કહ્યું અને નચીકેતન હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલની ધરપકડ કરવાની વાત કરી હતી…”
“ધરપકડ કરવાનું કારણ ?”
“એ કારણ અત્યારે દસ વાગ્યે કૉલ કરીને જણાવશે એમ કહ્યું હતું, સાડા દસ થવા આવ્યા તો પણ હજી એનો કૉલ નથી આવ્યો..” જુવાનસિંહે કહ્યું.
થોડી પળ માટે બંને બાજુએથી ચૂપકીદી છવાઈ ગઈ. ત્યારબાદ કંઈક વિચારીને જૈનીતે કહ્યું, “જુવાનસિંહ, શું તમે પણ એ જ વિચારો છો ?”
“હા…મને પણ એવું જ લાગે છે..” જુવાનસિંહે કહ્યું, “જે બે વ્યક્તિનાં મર્ડર થયાં છે તેઓ એકબીજા સાથે સંકળાયેલા હતાં. ઉપરાંત, આ હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ પણ તેની સાથે સંકળાયેલા હશે એવું માનીએ તો ખોટું નથી. બીજીવાત, જૉકરનાં કાર્ડ પર જુદા જુદા નામ લખવામાં આવે છે એનો મતલબ એમ જ થાય છે કે સુરતમાં જેવી રીતે તમે લોકોએ મિશન જોકરને અંજામ આપ્યું હતું એવી જ રીતે આ વ્યક્તિ પણ કંઇક કરવા માંગે છે”
“સાચું અનુમાન લગાવ્યું તમે…” જૈનીતે કહ્યું, “અને તમારું અનુમાન ગલત ના હોય તો આ મર્ડરનો સિલસિલો અટકવાનો નથી અને હવે પછીનાં મર્ડરમાં જે કાર્ડ મળશે એમાં મારું, નિધીનું તથા ક્રિશાનું નામ આવે તેની સંભાવનાને પણ નકારી ન શકાય”
“વાત તો તમારી પણ સાચી છે…”
“હું અમદાવાદ આવી જાઉં ?” જૈનીતે કહ્યું.
“હાલ જરૂર નથી પણ જ્યારે તમારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ બોલાવી લઈશ” જુવાનસિંહે કહ્યું, “અત્યારે નિધિબેનને તમારી જરૂર છે”
સહસા જુવાનસિંહનાં ફોનમાં બીજા કૉલની નોટિફિકેશન આવી.
“કૉલ આવી ગયો લાગે છે…” જૈનીતે પણ વચ્ચે પડેલી ખલેલને સમજીને કહ્યું, “તમે વાત કરી લો..”
“સારું…” કહેતાં જુવાનસિંહે બીજો કૉલ રિસીવ કર્યો.
“ગુડ મોર્નિંગસર…” ગઈ કાલે રાત્રે જે આવાજ હતો એ જ અવાજ જુવાનસિંહનાં કાને પડ્યો.
“મોર્નિંગ…” જુવાનસિંહે કહ્યું, “પ્રિન્સિપાલની ધરપકડ કરવાનું કારણ જણાવો…”
“નચીકેતન હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલનું નામ એસ.કે. વાટલીયા છે અને એ નરાધમ પોતાની સ્કૂલની છોકરીઓ સાથે….” કહેતાં શખ્સ અટકી ગયો, થોડીવાર પછી તેણે વિચારીને વાત આગળ વધારી, “સર…એ હરામી સ્કૂલની છોકરીઓનો સોદો કરે છે, જેમાં રમણિક શેઠ અને રબારીને પણ એ છોકરીઓ વેચતો હતો. તેનાં વિરુદ્ધ પુરાવા મારી પાસે છે…જેમાં એ છોકરીઓને પોતાની ઓફિસમાં બોલાવીને અશ્લીલ વાતો કરે છે અને કેવી રીતે પોતાની જાળમાં ફસાવે છે એનું રેકોર્ડિંગ છે. તદુપરાંત.., તેણે આજ સુધીમાં ઘણીબધી છોકરીઓ સાથે બળજબરી કરેલી છે તેનાં સબુત પણ હું તમને મેઈલ દ્વારા તમારા સુધી પહોંચાડું છું”
“આ બધી માહિતી તમારી પાસે કેવી રીતે આવી ?” જુવાનસિંહે પૂછ્યું.
“હાલ પૂરતું એટલું સમજી લો કે તમને સામેથી આ કેસમાં સબુત મળવાનું છે, જો તમે મને સવાલ પૂછવામાં સમય બરબાદ કરશો તો વાટલીયા સચેત થઈ જશે અને તમારાં પહોંચતા પહેલા બધું સમેટીને રફુચક્કર થઈ જશે”
“સારું…” જુવાનસિંહે કહ્યું, “બીજી કોઈ જાણકારી ?”
“હા સર…તમે જે વ્યક્તિની ધરપકડ કરો છો એ માત્ર એક પ્યાદો છે, વજીર અને રાજા તો કોઈ બીજું જ છે અને હું તમને એનાં સુધી પણ પહોંચાડીશ…”
“તમે પોલીસની મદદ કરો છો તો પોતાની ઓળખાણ શા માટે છુપાવો છો ?” જુવાનસિંહે પૂછ્યું.
“મેં કહ્યુંને સર…સમય આવશે ત્યારે હું સામેથી મારો પરિચય આપીશ….અત્યારે તમે ધરપકડ કરવામાં વિલંબ ના કરો…જય હિંદ…” કહેતાં કૉલ કટ થઈ ગયો. જુવાનસિંહે કંટ્રોલ રૂમમાં ફોન જોડીને ટ્રેક કરેલા મોબાઈલનું લોકેશન મંગાવી લીધું. ત્યારબાદ મેઈલ ચૅક કરીને શખ્સે મોકલેલા પુરાવા તપસ્યા. પુરાવા જોઈને જુવાનસિંહનો ચહેરો તંગ થઈ ગયો. એટલામાં હિંમત દોડીને આવ્યો અને કહ્યું, “વાપીમાં જ છે સર…”
“ઓહ…” જુવાનસિંહે હુંકાર ભર્યો, “ચાલાક છે આ વ્યક્તિ…ચાલો જીપ કાઢો…આપણે નરોડા જઈએ છીએ”
ત્રીસ મિનિટ બાદ નારોડામાં સ્થિત નચીકેતન હાઈસ્કૂલની બહાર જીપ આવીને ઊભી રહી. જીપમાંથી ક્રમશઃ જુવાનસિંહ, હિંમત અને રાઠોડ ઉતાર્યા. ત્રણેય દરવાજા પર પહોંચ્યા એટલે પોલીસની વર્દી જોઈને પટ્ટાવાળાએ સલામી ભરી.
“પ્રિન્સિપાલની ઑફિસ કંઈ બાજુ છે કાકા ?” હિંમતે પૂછ્યું.
“સામેની બિલ્ડીંગમાં બીજા માળે જમણી બાજુએ…” કાકાએ કહ્યું.
“પ્રિન્સપાલ અત્યારે હાજર છે ?”
“હા…”
ત્રણેય લોકો સામેની બિલ્ડીંગમાં પ્રવેશ્યાં અને બીજો માળ ચડીને જમણી તરફ વળ્યાં. સામેની ઓફિસનાં દરવાજા પર ‘એસ.કે. વાટલીયા’ નાં નામની પ્લેટ હતી અને નીચે ‘પ્રિન્સિપાલ’ લખેલું હતું. હિંમતે આગળ ચાલીને દરવાજો નૉક કરવાની કોશિશ કરી, પણ એ પહેલાં જુવાનસિંહે તેનાં ખભા પર હાથ રાખીને હિંમતને અટકાવ્યો અને પોતે આગળ ચાલીને દરવાજે કાન રાખ્યાં. અંદરથી પચાસેક વર્ષનાં વ્યક્તિનો અવાજ જુવાનસિંહને સંભળાયો, જે વાટલીયાનો જ હતો.
“તારા ઘરમાં કોણ કોણ છે બેટા ?” વાટલીયાએ કોઈને પૂછ્યું.
“મમ્મી-પપ્પા અને નાનો ભાઈ…” એક છોકરીનો ડરેલો અને દબાયેલો અવાજ જુવાનસિંહે સાંભળ્યો.
“તું રાત્રે ક્લાસ માટે આવી શકીશ ?” વાટલીયાનાં અવાજમાં પારાવાર સ્નેહ ટપકતું હતું, “તું હોશિયાર છોકરી છો…તને હું અલગથી અભ્યાસ કરાવીશ…”
“રાત્રે મમ્મી-પપ્પા બહાર નીકળવાની ના પાડે છે..” પૂર્વવત દબાયેલા અવાજે છોકરી બોલી. તેનો અવાજ સહેજ ભારે પણ થઈ ગયો હતો.
“તું તારી બહેનપણીનાં ઘરે જાય છે એવું કહેવાનું બેટા…પુરી રાત હું તને મારા ઘરે ભણાવીશ અને સવારે તારા ઘર પાસે છોડી જઈશ..”
“પ્લીઝ સર…હું નહિ આવી શકું” કહેતાં છોકરી રડવા લાગી.
“તારે સારા ગુણથી પાસ થવું છે ને…જો તું સ્કૂલમાં જ ભણીશ તો સારા માર્ક કેમ આવશે ?”
“પ્લીઝ સર…” કહેતાં છોકરીએ ફરી એક હિબકુ ભર્યું.
જુવાનસિંહનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. તેઓએ દરવાજાનાં હેન્ડલ પર હાથ રાખ્યો અને બીજી જ સેકેન્ડે હેન્ડલ નીચે કરીને દરવાજાને ધક્કો માર્યો. જુવાનસિંહની નજર સામે જે દ્રશ્ય હતું એ જોઈને જુવાનસિંહનો ગુસ્સો લાવા જેમ ફાટી ગયો.
સામે પ્રિન્સપાલ છોકરીની બાજુમાં ખુરશી ખેંચીને બેઠો હતો અને તેનો એક હાથ છોકરીનાં સાથળ પર હતો. પોલીસને નજર સામે જોઇને તેણે સિફતથી સાથળ પર રહેલો હાથ છોકરીનાં ગાલ પર લઈ લીધો અને છોકરીનાં આંસુ લૂછવાનું નાટક કરવા લાગ્યો. જુવાનસિંહે આગળ ચાલીને પોતાનાં જમણા પગને હવામાં ઉછાળ્યો અને પ્રિન્સપાલનાં પેટમાં લાત મારી. પ્રિન્સિપાલ ફંગોળાઈને ફર્શ પર પડ્યો.
“હિંમત…” જુવાનસિંહે કહ્યું, “છોકરીને બહાર લઈ જાઓ”
હિંમત એ છોકરીને લઈને બહાર નીકળી ગયો.
“હરામી, સાલા…પૌત્રીની ઉંમરની દીકરીઓ પર નજર બગાડતાં જીવ કેમ ચાલે છે તારો ?” કહેતાં જુવાનસિંહે વાટલીયાને કોલરેથી પકડીને ઊંચો કર્યો અને દીવાલે ટેકવ્યો.
“તમારી ભૂલ થાય છે ઇન્સ્પેક્ટર, દીકરી રડતી હતી એટલે હું તેને આશ્વાસન આપતો હતો” વાટલીયાએ કહ્યું.
“સાથળ ઉપર હાથ ફેરવીને કોણ આશ્વાસન આપે કમજાત..!, અને શું કહેતો હતો…પુરી રાત ભણાવીશ અને સવારે છોડી જઈશ…”
જુવાનસિંહની વાત સાંભળીને વાટલીયાનાં ચહેરાનો રંગ ઉડી ગયો. તેની હાલત કાપો તો પણ લોહી ના નીકળે જેવી થઈ ગઈ હતી. તેનાં કપાળે પરસેવો વળી ગયો.
“ભ..ભ..ભૂલ થઈ ગઈ મારી…” વાટલીયા મહામહેનતે બોલી શક્યો.
“ભૂલ થઈ તો સજા પણ મળશે” કહેતા જુવાનસિંહે વાટલીયાનાં બે પગ વચ્ચે લાત મારી. વાટલીયાનાં દીવાલ પર ટેકવેલા હાથ આપોઆપ બે વચ્ચે આવી ગયાં, દર્દને કારણે તેનાં મોંમાંથી ચીસ નીકળી ગઈ અને એ દીવાલને ટેકો આપીને નીચે સરકી ગયો. એટલામાં હિંમત રૂમમાં પ્રવેશ્યો.
“ખુરશી પર બેસારો આ કમજાતને…” જુવાનસિંહે કહ્યું. હિંમતે અને ચાવડાએ મળીને વાટલીયાને ઉભો કર્યો અને તેની ખુરશી પર લઈ ગયા. વાટલીયાને હજી કળ નહોતી વળી એટલામાં જુવાનસિંહે તેનાં ગાલ પર બીજો લાફો ચોડી દીધો. હવે વાટલીયાનો એક હાથ બે વચ્ચે અને બીજો હાથ ગાલ પર હતો.
“દસ મિનિટ છે તારી પાસે…” જુવાનસિંહે કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું, “આ દસ મિનિટમાં તારાં બધા ગુન્હા કબૂલ કરી લે નહીંતર હું મારા હાથે જ તારું એન્કાઉન્ટર કરી નાંખીશ…તારી જેવા નારાધમને સ્વધામ પહોંચાડવા હું એક સેકેન્ડનો પણ વિલંબ નહિ કરું”
વાટલીયા નર્યાનીતાર્યા ચહેરે જુવાનસિંહ સામે તાંકી રહ્યો. જુવાનસિંહની આંખોમાં તેને પોતાનો કાળ દેખાતો હતો.
“હું બધું જ જણાવું છું ઇન્સ્પેક્ટર….મહેરબાની કરીને મને મારશો નહિ…” વાટલીયાએ બે હાથ જોડીને કહ્યું.
“બકવા મંડ જલ્દી…” જુવાનસિંહે આંખો લાલ કરીને કહ્યું.
“હું મારી શાળામાં ભણતી સોળ-સત્તર વર્ષની છોકરીઓને અભ્યાસનાં બહાને મારા ઘરે લઈ જાઉં છું અને તેને ફોસલાવી, ધાક-ધમકીથી પોતાની વાસના શમાવું છું” વાટલીયાએ ધ્રુજતાં અવાજે કહ્યું.
“તું પૂરું સત્ય નથી બોલતો…તું માત્ર પોતાની હવસ શમાવવા જ છોકરીઓનો ઉપયોગ નથી કરતો, તેની પાસે ધંધો કરાવીને તું કમાણી પણ કરે છે…”
“આ વાત તદ્દન ખોટી છે…હું એવું કશું જ નથી કરતો…”વાટલીયાએ કહ્યું. જુવાનસિંહે ઉભા થઈને વાટલીયાનાં ગાલ પર ફરી એક લાફો ચોડી દીધો. ત્યારબાદ તેના જમણા હાથની ટચલી આંગળી હાથમાં લઈને સહેજ મરડી. વાટલીયાનાં મોંઢામાંથી ફરી એકવાર ચીસ નીકળી ગઈ.
“હિંમત…પેલો વીડિયો બતાવ એને…” જુવાનસિંહે કહ્યું. હિંમતે ગજવામાંથી મોબાઈલ કાઢીને રસ્તામાં જુવાનસિંહે આપેલો વીડિયો પ્લે કર્યો. વીડિયો આ જ ઑફિસનો હતો. તેમાં વાટલીયાનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો જ્યારે સામે બેસેલા વ્યક્તિની માત્ર પીઠ જ દેખાતી હતી. એ વ્યક્તિએ માથાં પર ફ્લેટ હેટ પહેરેલી હતી એટલે તેને ઓળખવો વધુ મુશ્કેલ હતું. વીડિયોમાં બંનેનો વાર્તાલાપ કંઈક આ મુજબ હતો.
“આજે રાત્રે એક બસ મુંબઈ મોકલવાનો ઓર્ડર છે…સો છોકરીઓ મોકલવાની છે…તારી પાસેથી ચાલીસની ગણતરી કરી છે મેં…” હેટવાળા વ્યક્તિએ કહ્યું.
“ચાલીસ છોકરીઓ કેમ થાય એ ખબર છે ?” વાટલીયાએ સહેજ ઊંચા અવાજે કહ્યું, “અને દર વખતે વિશ જ છોકરીઓ આપવાની હોય છે તો અચાનક બે ગણી છોકરીઓ કેમ ?”
“પેલાં બે કમજાત કમોતે માર્યા ગયાં છે એટલે તેનો કોઠો બાકીનાં સપ્લાયરને પૂરો કરવો પડશે. તું સૌથી મોટો સપ્લાયર છે એટલે તારી પાસે મોટી આશા છે”
“એક સાથે આટલી બધી છોકરીઓની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે અને આજે રાત્રે તો બિલકુલ સંભવ નથી”
“હું તને પૂછતો નથી, ઓર્ડર આપું છું. અને મારી વાત સાંભળ, આ ડિલમાં કમિશનનાં ત્રણ ગણા રૂપિયા મળવાના છે એટલે જેટલી છોકરી સાચવીને તું બેઠો છે એ બધીને મોકલી આપીશ તો તારો જ ફાયદો થશે”
આ વાત સાંભળીને વીડિયોમાં વાટલીયાનો ચહેરો ખીલી ગયો હતો.
“થઈ જશે…” વાટલીયાએ પોતાની ટાલમાં હાથ ફેરવીને કહ્યું.
“ગુડ…હવે છોકરીઓને કેવી રીતે મોકલવાની છે એ સાંભળ…આ વખતે આપણે CTMનાં રસ્તેથી નથી જવાનું…તારે એસ.પી. રિંગ રોડે થઈને વડોદરા સુધી છોકરીઓ મોકલવાની રહેશે. એનું વળતર તને અલગથી આપવામાં આવશે. વડોદરા પહોંચીને ફજલનો કોન્ટેક્ટ કરજે…એ બધી છોકરીઓને કન્ટેનર શિફ્ટ કરી દેશે”
“એ બધું તો થઇ જશે પણ મારી પાસે બેહોશીની ગોળીઓ ખાલી થઈ ગઈ છે…એની વ્યવસ્થા થઈ શકે એમ હોય તો તાત્કાલિક કરાવજો”
“થઈ જશે.. “ કહેતાં એ વ્યક્તિએ ગજવામાંથી એક વિઝિટિંગ કાર્ડ કાઢ્યું, “આ વ્યક્તિને કોન્ટેક્ટ કરીને મારું નામ આપજે…”
“સારું…”
વીડિયોમાં ફ્લેટ હેટવાળો વ્યક્તિ ઉભો થાય છે અને બહાર ચાલ્યો જાય છે.
હિંમતે વીડિયો પ્લેયર બંધ કરીને ફોન હાથમાં લીધો.
“બોલ હવે…આના વિશે શું કહેવું છે તારું ?, અને સાચું બોલજે નહીંતર આવા ઘણાબધા વીડિયો અમને મળ્યા છે જેમાં છોકરીને ઓફિસમાં બોલાવીને તું જે હરકતો કરે છે એ સાફસાફ દેખાય છે અને જો એ વીડિયો વાઇરલ થયા તો તારી સાથે તારા પરિવારની પણ બદનામી થશે” જુવાનસિંહે કહ્યું, “જો એવું થાય એમ તું ના ઇચ્છતો હોય તો આ વીડિયોમાં કોણ હતું અને આ ગેંગમાં કોણ કોણ શામેલ છે એ જણાવી દે”
“તમે ભૂલ કરો છો ઇન્સ્પેક્ટર…” વાટલીયાએ કહ્યું, “તમે જે લોકોને શોધો છો એ માણસ નથી, રાક્ષસ છે”
“એ બધું અમે જોઈ લેશું…તું ખાલી નામ જણાવ…” જુવાનસિંહે કહ્યું.
વાટલીયાએ દરવાજા તરફ નજર કરી અને કહ્યું, “યસ…પ્લીઝ કમ ઇન…”
વાટલીયાની વાત સાંભળીને બધાનું ધ્યાન દરવાજા તરફ ગયું. એ જ તકનો લાભ ઉઠાવીને વાટલીયાએ ટેબલનું ખાનું ખોલ્યું અને તેમાંથી પિસ્તોલ કાઢીને જુવાનસિંહ તરફ તાંકી.
“ખબરદાર….એક ઇંચ પણ હલ્યા તો ગોળી શરીરની આરપાર થઈ જશે…” વાટલીયાએ તાડુકીને કહ્યું. બધાનું ધ્યાન વાટલીયા તરફ ગયું. વાટલીયાનાં હાથમાં પિસ્તોલ જોઈને હિંમત અને રાઠોડ ડરી ગયા અને બંનેએ હાથ ઊંચા કરી લીધા. જુવાનસિંહ હજી એમ જ શાંતચિત્તે ઊભા હતા.
“ચલાવ ગોળી…હું પણ જોઉં છું…” જુવાનસિંહ પણ તડુક્યા, “હિંમત…આ મને ગોળી મારે એટલે આને વીંધી નાંખજો અને ત્યારબાદ તેનાં પરિવારને આ કેસમાં ઇનવોલ્વ કરીને જેલમાં ફેંકી દેજો...”
જુવાનસિંહની વાત સાંભળીને હિંમત અને ચાવડામાં હિંમત આવી, બંનેએ હાથ નીચે કરી લીધાં.
“હા…ચલાવ ગોળી…” બંનેએ એકસાથે કહ્યું.
વાટલીયાનાં હાથ ધ્રુજવા લાગ્યાં. તેનું પૂરું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું.
“મારી વાત સાંભળો ઇન્સ્પેક્ટર….જો હું તમને વાત જણાવીશ તો એ લોકો મને મારી નાંખશે અને નહિ જણાવું તો તમે મને ચેનથી જીવવા નહીં દો…એ વ્યક્તિ કોણ છે એ મને નથી ખબર પણ મહિનામાં એકવાર છોકરીઓથી ભરેલી બસ મુંબઈ મોકલવામાં આવે છે. અમદાવાદમાં બધા સપ્લાયર મળીને આ રેકેટ ચલાવે છે. જેમાં હસમુખ બધાનો લીડર છે. હસમુખ ક્યાં રહે છે એ હું નથી જાણતો પણ એ મહિનાની દર પંદર તારીખે સુરત કોઈ મોહનલાલ નામનાં વ્યક્તિને મળવા જાય છે એટલી ખબર છે. એ રાત્રે ઇકબાલને મારવામાં પણ હસમુખની જ ચાલ હતી અને આ હેટવાળો વ્યક્તિ પણ હસમુખ જ છે. તેનાં સુધી પહોંચવા માટે રાકેશ નામનાં ફિલ્મ ડિરેક્ટરને મળો, એ અમદાવાદમાં જ રહે છે, તેનો કોડ P – 8 છે અને તેનાં ડ્રાઇવરનું નામ કમલ છે” વાટલીયા શ્વાસ લેવા અટક્યો, “કમલ સુધી પહોંચી જશો એટલે રાકેશ પણ હાથમાં આવી જશે”
“એક….એક મિનિટ” કહેતાં જુવાનસિંહે પોકેટમાંથી ડાયરી કાઢી. ડાયરીમાંથી પેજ પલટાવીને એક પેજ પર તેઓ અટક્યા, “તારો કોડ કયો છે ?”
“P – 5” વાટલીયાએ કહ્યું.
“અને જે ડ્રાઇવર છોકરીઓને લઈ જાય છે એનું નામ ?”
“મોહન…”
“બરાબર…” જુવાનસિંહે કહ્યું, “તો અમદાવાદમાં તમે કુલ આઠ સપ્લાયર છો અને નવમો હસમુખ છે. તમને બધાને એક ડ્રાઇવર આપવામાં આવ્યો છે જે છોકરીઓને મુંબઈ સુધી પહોંચાડવાનું કામ કરે છે…બરાબર ને ?”
“હા.. પણ અમારાં ડ્રાઇવર હસમુખે કહેલાં એડ્રેસ પર છોકરીઓ પહોંચાડે છે…ત્યાંથી એક બસ મુંબઈ જવા રવાના થાય છે…” વાટલીયાએ કહ્યું.
“તમને બધાને કોડ આપવામાં આવ્યાં છે અને તમે બધા એ કોડથી જ ઓળખાઓ છો…”
“હા…”
“તો આ રમણિક તથા રબારીનો કોડ શું છે ?”
“રમણિકનો P – 1 અને રબારીનો P – 2 છે…બંને આ કામમાં સૌથી જુના છે એટલે તેને શરૂઆતનાં કોડ મળેલા છે”
“શાંતાને ઓળખે છે ?” જુવાનસિંહે પૂછ્યું.
“હા…તેનો કોડ P – 3 છે અને તેનો ડ્રાઇવર પણ ઇકબાલ જ હતો” વાટલીયાએ કહ્યું.
“શાંતાનાં બંગલેથી અને રબારીનાં ઘરેથી પણ અમને આ કોડ મળેલા છે પણ શાંતાનાં બધા કોડ આગળ ‘C’ લખેલું અને રબારીનાં બધા કોડ આગળ ‘D’ લખેલું છે…એનો શો અર્થ છે ?”
“બધાનાં કોડ એક સરખા છે પણ આગળનો કોડ તેનાં કામનાં આધારે આપવામાં આવ્યા છે.. હું પ્રિન્સપાલ છું તેથી મારે કોડ પહેલા ‘P’ આવે છે, શાંતા કસ્ટમરને સીધી મળે છે એટલે તેનાં કોડ આગળ ‘C’ છે, રાકેશ ફિલ્મ ડિરેક્ટર છે તેથી તેનાં કોડ પહેલા ‘F’ આવે છે…”
“બરાબર…હવે 1, 2, 3, 5, 8 અને 9 નંબરનાં કોડ વિશે તો અમને જાણ થઈ ગઈ છે, બાકીનાં ત્રણ કોડ કોનાં છે ?”
“એનાં માટે રાકેશને મળવું પડશે ઇન્સ્પેક્ટર….અમે એકબીજા સાથે કોડથી જ વાત કરીએ પણ મેં જેટલા લોકોની માહિતી આપી તેની સાથે લાંબી વાતચીત થવાથી તેઓનાં નામ જાણવા મળ્યા છે”
“સમજ્યો..” જુવાનસિંહે કહ્યું, “તારી સ્કૂલમાં એટલી છોકરીઓ નથી તો મહિને વીસેક છોકરીઓ કેવી રીતે ભેગી થઈ રહી છે અને તમે લોકો બધીને જ છોકરીઓને કેવી રીતે મનાવી લો છો ?”
“તમે સમજ્યા નથી ઇન્સ્પેક્ટર….ગુજરાતમાં છોકરીઓ લાપતા થવાનાં રોજ કેટલા કેસ નોંધાય છે ?”
“મતલબ આ સ્કેમ પુરા ગુજરાત રાજ્યમાં ફેલાયેલું છે ?”
“હા…આ સ્કેમ કારોળિયાનાં જાળ જેવું છે…એક એક તાંતણા ભેગા મળીને પૂરું જાળું બનાવે છે..તમે અમને જુદા જુદા ડિપાર્ટમેન્ટનાં સ્ટેટ હેડ ગણી શકો છો…” વાટલીયાએ કહ્યું.
“હવે એ જાળું સાફ થઈ જશે…” જુવાનસિંહે કહ્યું.
“હું પણ એવું જ ઈચ્છું છું અને એટલે જ તમને બધી માહિતી આપી છે” વાટલીયાએ કહ્યું, “મારું એક કામ કરશો ?”
“શક્ય હશે તો જરૂર કરીશ…” જુવાનસિંહે કહ્યું.
“મારાં પરિવારને મારા આ કામ વિશે ખબર નથી…મારી દીકરી મને આદર્શ પિતા સમજે છે, મારી પત્ની મને ખુબ જ પ્રેમ કરે છે…જો તેઓને આ વાતની ખબર પડશે તો તેઓ આઘાતમાં સરી પડશે..” વાટલીયાએ ભારે અવાજે કહ્યું.
“અને તું જે છોકરીઓને ઉઠાવીને કાદવમાં ફેંકે છો એનાં કોઈ આદર્શ પિતા નહિ હોય ?, એ સ્ત્રીને પ્રેમ કરવાવાળો તેનો પતિ નહિ હોય ?, જો પરિવારનું એટલું જ દાજે છે તો બીજાનાં પરિવારનું ખરાબ કરતાં પહેલાં એકવાર પણ વિચાર ના કર્યો ?”
“માણસ જ્યારે પોતાનાં અંતિમ સમયમાં હોય છે ત્યારે જ તેને પ્રાશ્ચિત કરવાનું સુજે છે ઇન્સ્પેક્ટર…આશા રાખું છું મેં આપેલી માહિતિ તમને કેસ સોલ્વ કરવામાં મદદરૂપ થશે” કહેતાં વાટલીયાએ પોતાનાં લમણે પિસ્તોલ ટેકવીને ટ્રીગર પર આંગળી રાખી, ટ્રિગર દબાવ્યો.
જુવાનસિંહે સ્ફૂર્તિ બતાવીને વાટલીયાને રોકવાની કોશિશ કરી પણ જુવાનસિંહ મોડા પડ્યા હતાં. વાટલીયાનાં લમણામાં ગોળી ખૂંચી ગઈ હતી, જુવાનસિંહે એ જ સમયે તેને ધક્કો માર્યો હતો એટલે વાટલીયા ખુરશી પરથી ફંગોળાઈને ફર્શ પર પડ્યો. તેનાં લમણેથી લોહી નીકળવા લાગ્યું હતું, એ મૃત્યુ પામ્યો હતો.
(ક્રમશઃ)