The Next Chapter Of Joker - Part - 22 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Next Chapter Of Joker - Part - 22

The Next Chapter Of Joker

Part – 22

Written By Mer Mehul

સાડા દસ થયાં હતાં. રાતનાં આરામ બાદ અમદાવાદ શહેર ફરી દોડતું થઈ ગયું હતું, લોકો પોતાનાં કામમાં એટલા વ્યસ્ત થઈ જતાં કે જો બાજુમાંથી કોઈ ઓળખીતું પસાર થાય તો પણ એકબીજાની સામે જોવાની ફુરસત નહોતી. બાપુનગર ચાર રસ્તા નજીક જ પોલીસ સ્ટેશન હતું. અત્યારે ચાર રસ્તાની બાજુમાં આવેલા કિટલી સ્ટોલ પર હિંમત, ચાવડા, સાગર અને રમીલા તથા અન્ય બે કૉન્સ્ટબલો ઊભા હતાં. ગઈ રાત્રે દિવસ આથમી ગયો હતો, જેને કારણે શાંતાનાં બંગલાની તપાસ અધૂરી રહી ગઈ હતી. જુવાનસિંહે સવારની મિટિંગમાં બધાને પોતાનાં કામ સોંપી દીધાં હતાં.
હિંમત આજે પૂરો દિવસ વ્યસ્ત રહેવાનો હતો, મોટાભાગનાં કામો અને બીજાને સોંપાયેલાં કામોનો ફોલો અપ હિંમતે જ લેવાનો હતો. ચાવડાને ‘માધવ જ્યોત’ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોનું સ્ટેટમેન્ટ લેવાનું હતું. ત્યારબાદ ઇકબાલને પણ શોધવાનું કામ ચાવડાને જ સોંપવામાં આવ્યું હતું. તેની મદદ માટે રમીલા અને એક અન્ય કૉન્સ્ટબલ હતો. હિંમત પોતે શાંતાનાં બંગલે જઈને નવેસરથી તપાસ હાથ ધરવાનો હતો. જુવાનસિંહ રમણિક શેઠનાં’ ભત્રીજાને મળવા જવાનાં હતાં. RTO ઑફિસરનાં કથન મુજબ જે બે વ્યક્તિનાં મર્ડર થયાં છે તેઓ બિઝનેસ પાર્ટનર હતાં અને મિસિસ બલરનાં કથન મુજબ રમણિક શેઠે પોતાનો ધંધો આરવને સોંપી દીધો હતો. આરવ પણ હવે શંકાનાં પરિઘમાં આવીને ઉભો રહી ગયો હતો.
કિટલી સ્ટોલ પર અત્યારે જુદો જ માહોલ હતો.
“શું લાગે છે સાહેબ ?, આ બંને મર્ડર કોણ કરી શકે ?” ચાવડાએ હિંમત તરફ જોઈને પૂછ્યું. હિંમત અત્યારે સારા મૂડમાં હતો. સવારે જુવાનસિંહે, RTO ઑફિસરને જે રીતે જવાબ આપ્યો હતો એ સાંભળીને જ હિંમત ગેલમાં આવી ગયો હતો.
“મર્ડર કોણ કરી શકે એનું અનુમાન લગાવવું થોડું મુશ્કેલ છે પણ મર્ડર પાછળનાં મનસૂબા વિશે વિચારી શકાય છે” હિંમતે કંઈક વિચારીને કહ્યું, “રમણિક શેઠ અને RTO ઑફિસર બંને મિત્રો હતાં, સાથે બંને ધંધામાં પણ ભાગીદાર હતાં. હવે જે વ્યક્તિએ મર્ડર કર્યું છે તે આ બંનેનો દુશ્મન હોવો જોઈએ અથવા બંનેના મરવાથી ત્રીજાને ફાયદો થવો જોઈએ”
“બરોબર…” ચાવડા કંઈ સમજ્યો નહિ પણ તેણે હકારાત્મક ઢબે માથું ધુણાવ્યું. બધાએ ચા પુરીને ડસ્ટબીનમાં કપ ઠાલવ્યાં, ત્યારબાદ હિંમતે બધાને રાઉન્ડમાં.ભેગા કર્યા અને કહ્યું,
“ટિમ…કાલે સવારે આપણી હાથમાં કશું નહોતું, ના કોઈ સસ્પેક્ટ અને ના તો કોઈ એવિડન્સ. એક જ દિવસમાં આપણે ઘણા લોકોને ઇન્ટ્રોગેટ કરીને કેસમાં હરણફાળ ભરી છે. આજે પણ આપણે એટલી જ મહેનત અને વિશ્વાસથી કામ કરવાનું છે. બીજું કંઈ નહીં તો એક સ્ટેપ તો આગળ વધવાનું છે”
“યસ સર…” બધાએ જોશ અને ઉત્સાહ સાથે કહ્યું.
“ચાલો લાગી જાવ કામ કર…” હિંમતે કહ્યું. બધા સ્ટેશન તરફ આગળ વધ્યા. થોડી મિનિટ બાદ સ્ટેશનમાંથી બે જીપ નીકળી અને વિજય ચોક તરફ અગ્રેસર થઈ.
જીપ સ્ટેશનની બહાર નીકળી ત્યારબાદની દસ મિનિટ પછી એક શટલ સ્ટેશન બહાર આવીને ઉભી રહી. શટલમાંથી બંસી અને તેજસ નીચે ઉતર્યા. તેજસે ભાડું ચૂકવ્યું એટલે શટલ રાઉન્ડ ફરીને જતી રહી. બંને સ્ટેશનમાં દાખલ થયાં. બહાર એક કૉન્સ્ટબલ ઉભો હતો. બંનેને આવતાં જોઈ તેણે તેઓને અટકાવતાં પૂછ્યું, “કોને મળવું છે ?”
“અવિનાશને…સ્ટેશનમાંથી જુવાનસિંહ સરનો કૉલ આવ્યો હતો” બંસીએ કહ્યું.
“આવો…” કૉન્સ્ટબલે કહ્યું અને અંદરની તરફ ચાલવા લાગ્યો.
“બેસો અહીં…હું સાહેબને જાણ કરું છું” કૉન્સ્ટબલે જુવાનસિંહની ઑફિસ બહારનાં બાંકડે બેસવાનો ઈશારો કર્યો અને પોતે જુવાનસિંહની ઑફિસ તરફ આગળ વધ્યો. બે મિનિટ બાદ એ બહાર આવ્યો અને કહ્યું,
“જાઓ અંદર…સાહેબ બોલાવે છે”
બંને ઉભા થઈને ઓફિસમાં પ્રવેશ્યાં.
“આવો બેસો.…” જુવાનસિંહે કહ્યું. બંને સામેની બે ખુરશી પર બેસી ગયા.
“તમારા માટે એક ગુડ ન્યૂઝ છે, અવિનાશ ખૂની નથી.” જુવાનસિંહે કહ્યું. તેઓની વાત સાંભળીને બંનેના ચહેરા પર ખુશીનું મોજું ફરી વળ્યું.
“અમે તો ત્યારે પણ કહેતા જ હતાં સર….અવિનાશ આવું ના કરી શકે” બંસીએ કહ્યું.
“તમારી વાત સાચી છે, અવિનાશને પહેલીવાર જોયો ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે આ છોકરો કોઈનું ખૂન ના કરી શકે પણ જ્યાં સુધી એ કસૂરવાર નથી એ સાબિત ન થાય ત્યાં સુધી શંકાસ્પદ તો ગણાય જ ને..!” જુવાનસિંહે કહ્યું, “થોડીવાર બેસો તમે, હું તમારી મુલાકાત ગોઠવી આપું છું”
“થેંક્યું સર..” બંને એકસાથે બોલ્યા અને ઊભા થયા.
જુવાનસિંહે સ્મિત સાથે ગરદન ઝુકાવી. બંને બહાર તરફ ચાલતાં થયાં. બંનેના ગયા પછી જુવાનસિંહે કૉન્સ્ટબલને બોલાવ્યો અને અવિનાશને મિટિંગ રૂમમાં લઈ જવા આદેશ આપ્યો.
કૉન્સ્ટબલનાં ગયા પછી જુવાનસિંહે પોતાની નાની ડાયરી કાઢી અને તેમાં ઇન્ડિયા કોલોની રોડ પર આવેલી રમણિક શેઠની જ્વેલરી શોપનું એડ્રેસ તપાસ્યું. ત્યારબાદ ટેબલ પરથી પાણીની બોટલ લઈ, થોડા ઘૂંટ પેટમાં ઠાલવીને એ ઉભા થયા અને દરવાજા તરફ ચાલ્યાં. બહાર બાંકડા પર બંસી અને તેજસ બેઠા હતા.
“મારી પાછળ આવો…” જુવાનસિંહે ચાલતાં ચાલતાં જ કહ્યું. બંને ઊભા થઈને જુવાનસિંહ પાછળ ચાલવા લાગ્યા. જુવાનસિંહ બંનેને મિટિંગ રૂમમાં લઈ ગયા. અવિનાશને હજી મિટિંગ રૂમમાં લાવવામાં નહોતો આવ્યો.
“થોડીવાર રાહ જુઓ…કૉન્સ્ટબલ અવિનાશને લઈને આવતો જ હશે” જુવાનસિંહે કહ્યું અને દરવાજો વાસી દીધો. લોબીમાં અવિનાશ અને કૉન્સ્ટબલ ચાલ્યાં આવતા હતા. જુવાનસિંહને જોઈને અવિનાશે આંખો દ્વારા જ તેઓનો આભાર માન્યો અને સામે જુવાનસિંહે પણ આંખો દ્વારા જ અવિનાશની અભિવાદન કર્યું.
અવિનાશ મિટિંગ રૂમમાં ચાલ્યો ગયો. બહાર જુવાનસિંહ અને કૉન્સ્ટબલ ઉભા હતાં.
“તમે કંટ્રોલ રૂમમાં જાઓ અને આ લોકોની વાતો સાંભળો…શંકાસ્પદ જેવું લાગે તો મને ફોન કરજો” જુવાનસિંહે કહ્યું.
“જી સાહેબ…” કૉન્સ્ટબલે કહ્યું અને કંટ્રોલ રૂમ તરફ ચાલતો થયો. જુવાનસિંહે ઘડિયાળ પર નજર ફેરવી. સવા અગિયાર ઉપર થોડી મિનિટ થઈ હતી. જુવાનસિંહ ચોકીની બહાર નીકળ્યાં અને જીપ કાઢીને ઇન્ડિયા કોલોની રોડ તરફ દોરી લીધી.
બીજી તરફ અવિનાશ મિટિંગ રૂમમાં પહોંચ્યો એટલે બંસી અને તેજસ ઉભા થઇ ગયાં, બંને દોડીને અવિનાશને ગળે વળગી ગયાં. છુટા પડતી વેળાએ અવિનાશને ખ્યાલ આવ્યો કે બંસી રડી પડી હતી.
“હેય…રડે છે શા માટે ?, હું નિર્દોષ સાબિત થયો છું” અવિનાશે બંસીને સમજાવતા કહ્યું.
“એ રાત્રે મેં તને ટાસ્ક ના આપ્યો હોત તો આ બધું થાત જ નહીં, બધું મારા કારણે થયું છે” બંસીએ રડતાં રડતાં કહ્યું.
“તને ખબર હતી કે આવું થવાનું છે અને ગાંડી, તારા કારણે જ તો અંકિતા મળી છે. મારે તારો આભાર માનવો જોઈએ” અવિનાશે હળવું હસીને કહ્યું, “તું હવે રડવાનું બંધ કર અને સ્માઈલ કર”
થોડીવાર પછી બંસી શાંત થઈ. બધા ખુરશી પર બેઠાં.
“તું આ જમેલામાં કેવી રીતે ફસાયો અને અમે તને શિવરંજની એપાર્ટમેન્ટમાં મોકલ્યો હતો, તું અંકલનાં બંગલે કેવી રીતે પહોંચી ગયો ?” બંસીએ પૂછ્યું.
“લાંબી સ્ટૉરી છે, અહીંથી બહાર નિકળીશ પછી જણાવીશ…અત્યારે તું એટલું સમજ કે જે થયું છે એ ખૂબ જ સારું થયું છે” અવિનાશે કહ્યું અને તેજસ સામે નજર કરી, તેજસ પણ અવિનાશ સામે જ જોતો હતો, “બોલ ભાઈ, તું કેમ ચૂપ છે ?”
“તારા વિના મજા નથી આવતી…” તેજસે ઉદાસ અવાજે કહ્યું, “ક્યારે બહાર આવીશ તું ?”
“બાર દિવસ પછી મારી રિમાન્ડની મુદ્દત પુરી થશે. પછી કોર્ટમાં મારા કેસની સુનવણી છે, જુવાનસિંહ સર મારા તરફેણમાં સ્ટેટમેન્ટ આપશે એટલે મને છૂટો કરી દેવામાં આવશે” અવિનાશે કહ્યું.
“હજી બાર દિવસ ?” બંસીએ અણગમા સાથે કહ્યું, “આટલા દિવસ કેસ પસાર થશે યાર..!”
“તમારી તો ખબર નહિ, મને તો અહીં મામાનાં ઘર જેવું ફિલ થાય છે. સમય પર જમવાનું મળી જાય છે, બધા કૉન્સ્ટબલો પાસેથી અવનવી વાતો જાણવા મળે છે અને દિવસમાં બે-ત્રણવાર જુવાનસિંહ સર પણ મને મળવા આવે છે”
“તારે તો જલસા છે પણ તારા વિના પંક્તિને ગમતું નથી, પૂરો દિવસ ઉદાસ રહે છે” બંસીએ અવિનાશ સામે આંખ મારીને કહ્યું.
“એને જણાવી દેજે કે હવે બીજો કોઈ શોધી લે, અવિનાશને એની રાજકુમારી મળી ગઈ છે” અવિનાશે પણ આંખ મારીને જવાબ આપ્યો.
“કોણ ?, પેલી બુરખાવાળી ?” તેજસે પૂછ્યું.
“ઓ હેલ્લો…હું અહીં બેઠી છું..” બંસીએ ચિડાઈને કહ્યું, “કોણ મળી ગઈ છે અને આ બુરખાવાળી કોણ છે ?”
“તું આને બધું સમજાવી દેજે, અત્યારે લાંબી વાતો કરવાનો સમય નથી. ગમે ત્યારે કૉન્સ્ટબલ આવશે અને જવાનું કહેશે” અવિનાશે તેજસ તરફ જોઈને કહ્યું.
“સારું…તું મારા સવાલનો તો જવાબ આપી દે” તેજસે કહ્યું.
“હા…એ બુરખાવાળી જ અંકિતા છે અને એ બુરખો ધર્મને ધ્યાનમાં રાખીને નથી પહેરતી, તેનું કારણ બીજું છે” અવિનાશે કહ્યું.
“એ કારણ પણ બહાર નિકળીને જ જણાવજે” બંસીએ મોઢું બગાડીને કહ્યું.
સહસા રૂમનો દરવાજો ખુલ્યો. કૉન્સ્ટબલે સમય પૂરો થઈ ગયાની જાણ કરી. અવિનાશે બંસી સામે જોઇને ખભા ઉછાળ્યા.
“પપ્પાને કહેજે પોતાનું ધ્યાન રાખે અને મારી ચિંતા ના કરે” અવિનાશે ઊભા થતા કહ્યું, “તમે લોકો પણ કારણ વિના બહાર ના નીકળતાં અને આની પાછળનું કારણ પણ હું બહાર આવીને જણાવીશ”
“તું પણ ધ્યાન રાખજે તારું…” બંસીએ કહ્યું. અવિનાશે હકારાત્મક ઢબે માથું ધુણાવ્યું. કૉન્સ્ટબલે બીજીવાર દરવાજો ખખડાવ્યો. ત્રણેય ફરી ગળે મળ્યા, ત્યારબાદ બંસી અને તેજસ રૂમની બહાર નીકળી ગયાં. કૉન્સ્ટબલ પણ અવિનાશને તેની સેલમાં છોડી આવ્યો.
*
વિજય ચોકથી પૂર્વ દિશા તરફ ઇન્ડિયા કોલોનીનો રસ્તો શરૂ થાય છે જે ઉત્તમનગર થઈને નિકોલ તરફ લઈ જાય છે. જુવાનસિંહ પણ પૂર્વ દિશા તરફ વળીને ઇન્ડિયા કૉલોની વાળા રસ્તે ચડ્યા હતા. તેઓની જીપની સ્પીડ એકદમ ધીમી હતી, જુવાનસિંહ કાચમાંથી રમણિક શેઠની શોપ શોધતાં આગળ વધતાં હતાં. થોડે દૂર જતાં તેઓની નજર ‘આરવ જ્વેલર્સ’ પર પડી. જુવાનસિંહે પાર્કિગ માટે જગ્યા શોધી અને સાઈડમાં જીપ પાર્ક કરીને બહાર આવ્યાં. આરવ જ્વેલર્સ પાસે પહોંચીને એ ઊભા રહ્યા. કાચના પાટેશનની અંદર સોનના ઘરેણાં દેખાતાં હતાં, જુવાનસિંહ કાચનો પારદર્શક દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યાં.
અંદર રોલિંગ ચેર પર એક ત્રીસેક વર્ષનો યુવાન બેઠો હતો. તેણે બ્લેક પેન્ટ પર સફેદ શર્ટનું ઇનશર્ટ કરેલું હતું, તેનાં હાથમાં સોનાની મોંઘી ઘડિયાળ હતી, ચાર આંગળીઓમાં વીંટી હતી તથા ગળામાં પણ દળદાર ચેન પહેર્યો હતો.
“શેઠ આરવ ?” જુવાનસિંહે પૂછ્યું.
“જી બોલો…” આરવે કહ્યું.
“હું નાયબ પોલીસ અધિક્ષક જુવાનસિંહ જાડેજા, રમણિક શેઠ મર્ડર કેસ વિશે પૂછપરછ કરવા આવ્યો છું” જુવાનસિંહે કહ્યું.
“બેસો…” આરવે સામેની રોલિંગ ચેર તરફ ઈશારો કર્યો.
“થેંક્યું…”કહેતાં જુવાનસિંહે ચેર ખેંચી.
“પૂછો…શું પૂછવાનું છે…”
“રમણિક શેઠે તમને આ શોપ સોંપી તેને કેટલો સમય થયો ?” જુવાનસિંહે શરૂઆત કરી.
“ચાર વર્ષથી વધુ….”
“ત્યારબાદની બધી જ ડિલસ્ તમે કરો છો ?”
“હા…પણ જરૂર પડે ત્યાં હું અંકલની સલાહ લેતો..”
“જે.જે. રબારી સાથે તમારી પાર્ટનરશિપ હતી ?”
“ના.. એ તો અંકલનાં ફ્રેન્ડ હતાં” આરવે કહ્યું, “ગઈ રાત્રે તેઓનું પણ મર્ડર થઈ ગયું એવું સાંભળવા મળ્યું છે..”
“હા…કોઈએ તેનાં ઘરમાં જઈને જ તેઓની હત્યા કરી છે” જુવાનસિંહે કહ્યું, “ખેર, એ તો અમે શોધી લેશું…તમે એ બંને વિશે વાત કરો…બંનેની દોસ્તી કેવી હતી ?”
“બંને અંકલ ક્લોઝ ફ્રેન્ડ હતા, બંને ઘણીવાર અહીં બેસવા આવતાં..”
“એ બંને વિશે શું વાતચીત થતી એ જણાવી શકશો ?”
“વાતચીત તો નોર્મલ જ થતી પણ એક વાત છે જે હું આજ સુધી નથી સમજી શક્યો. જે.જે. અંકલને સોના વિશે વધુ માહિતી નથી એનો મને ખ્યાલ છે, કારણ કે ઘણીવાર હું અને રમણિક અંકલ કોઈ ડિલ પર ચર્ચા કરતાં ત્યારે જે.જે. અંકલ ચૂપ થઈ જતાં અને ‘મને આમા કઈ ખબર નથી પડતી’ એવું કહેતાં. હવે અંકલને આ ધંધા વિશે માહિતી નથી તો પણ બંને વચ્ચે સોનાની ડિલને લઈને ચર્ચા થતી. ક્યાંથી કેટલું સોનુ આવવાનું છે અને ક્યાં મોકલવાનું છે એની ચર્ચા થતી. હું જ્યારે તેઓને પૂછતો ત્યારે તેઓ વાત મજાકમાં ઉડાવી દેતા”
“તમે એ બાબતે જાણવાની કોશિશ કરેલી ?”
“હા.. મેં ઘણીવાર અંકલને પૂછ્યું પણ કોઈને કોઈ બહાનું બનાવીને તેઓ વાત બદલી નાંખતા” આરવે કહ્યું.
“સમજ્યો…આ શોપ તમારા નામ પર રજીસ્ટર છે કે રમણિક શેઠનાં નામ પર ?”
“અંકલનાં નામ પર છે અને મારું નામ વારસદારમાં છે” આરવે કહ્યું.
“ક્યાંક તમે જ શોપ માટે….” જુવાનસિંહે આરવને શંકાનાં કુંડાળા વચ્ચે લાવતાં સીધો પ્રશ્ન પૂછ્યો.
જુવાનસિંહની વાત સાંભળીને આરવનાં કપાળે કરચલીઓ ઉપસી આવી, તેનું શરીર એકદમથી રિએક્શન આપવા લાગ્યું.
“શું.. શુ…વાત કરો છો સર…આ શોપ અંકલનાં નામ હતી પણ ઓથોરિટી તો અમારી બંનેની સરખી જ હતી અને જો મેં આ મર્ડર કર્યું હોય તો વારસદારમાં મારું નામ હતું એવું હું સામેથી જ શા માટે જણાવું ?, તમને પાછળથી આ વાતની જાણ થાય તો તમને મારા પર ડાઉટ થાય એમ વિચારીને જ મેં વારસદારી વિશે જણાવ્યું” આરવે ગભરાઈને કહ્યું.
“એ વાત પણ સાચી છે” જુવાનસિંહે કહ્યું, “જો તમે આ મર્ડર નથી કર્યા તો તમારે ચિંતિત થવાની જરૂર નથી. તમે પ્રામાણિક જવાબ આપ્યા એ મને પસંદ આવ્યાં. તમારો કોન્ટેક્ટ નંબર આપી દો…જરૂર પડશે તો હું તમારો કોન્ટેક્ટ કરીશ..”
આરવે પોતાનો મોબાઈલ નંબર લખાવ્યો. જુવાનસિંહ રજા લઈને બહાર નીકળ્યા. બહાર આવી તેણે પોતાની ડાયરી કાઢી અને જે ટેલિકોમ કંપની પાસેથી કૉલ ડિટેઇલ્સ લેવામાં આવતી તેનો નંબર શોધીને ફોન જોડ્યો.
“જુવાનસિંહ વાત કરું…તમને એક નંબર મોકલું છું તેની કૉલ ડિટેઇલ્સ કાઢવાની છે અને ગઈ કાલે થતા તેનાં બે દિવસ પહેલાં બે નંબર મોકલવામાં આવ્યા હતાં. તેની કૉલ ડિટેઇલ્સ આવી ગઈ હોય તો મને ફોરવર્ડ કરી આપો” જુવાનસિંહે કહ્યું. સામે છેડેથી સંતોષકારક જવાબ મળતાં જુવાનસિંહે કૉલ કટ કરી દીધો.
કૉલ કરીને જુવાનસિંહ હજી જીપ તરફ આગળ વધ્યાં. માણસ સહજ સ્વભાવે જુવાનસિંહે જમણી તરફથી આવતાં વાહનો પર નજર કરી. સહસા તેની આંખો એક રીક્ષા ચાલક પર સ્થિર થઈ, એ રીક્ષા ચાલકનાં ખભા સુધી લાંબા વાળ હતાં તથા છાતી સુધીની દાઢી હતી. રીક્ષાચાલકે પણ જુવાનસિંહ તરફ નજર ફેરવી અને પછી પોતાની ધૂનમાં હોય એવી રીતે રીક્ષાને લીવર આપીને ભગાવી મૂકી.
જુવાનસિંહ જીપ તરફ દોડ્યાં. જીપ સ્ટાર્ટ કરીને તેઓએ રીક્ષા પાછળ જીપ ભગાવી. પાછળ પોલીસની જીપ આવતાં રીક્ષા ચાલકે રિક્ષાની ગતિમાં વધારો કર્યો. ટ્રાફિક હોવાને કારણે રીક્ષા અને જીપ વચ્ચે બે કાર તથા એક રીક્ષા હતી. જુવાનસિંહે ચાવડાને કૉલ લગાવ્યો. ચાવડાએ કૉલ રિસીવ કર્યો એટલે જુવાનસિંહે ઉતાવળથી કહ્યું, “એક રીક્ષા એ તરફ આવે છે, રીક્ષા નંબર ×××× છે, તમે રોડ બ્લૉક કરો..”
જુવાનસિંહે ફોન શરૂ જ રાખ્યો. આગળ ઠક્કરનગર એપ્રોચનો બ્રિજ હતો, એપ્રોચની બાજુમાંથી જે રસ્તો જતો એ ઇન્દ્રજીત સોસાયટી તરફ જતો હતો ત્યારે બ્રિજ પસાર કરીને ઉત્તમનગર તરફ જવાતું હતું. રીક્ષા બ્રિજ પર ચડી.
“રહેવા દો…રસ્તો બદલાય ગયો છે..” કહેતાં જુવાનસિંહે કૉલ કટ કરીને હિંમતને ફોન જોડ્યો.
“પીળા રંગની એક રીક્ષા બ્રિજ પાસ કરીને ઉત્તમ નગર તરફ આવે છે…મને એ ઇકબાલ હોવાની શંકા છે..તમે જલ્દીથી બસ સ્ટોપ રોડ બ્લૉક કરો..રિક્ષાનો નંબર ×××× છે” કહેતાં જુવાનસિંહે બ્રિજ પર જીપ ચડાવી. આગળ રહેલી એક રીક્ષા અને એક કાર નીચેના રસ્તે નીકળી ગઈ હતી. હવે માત્ર એક કાર જ વચ્ચે હતી અને ટ્રાફિક પણ ઓછું હતું. જુવાનસિંહે એક્સીલેટર પર દબાણ આપ્યું એટલે જીપની ગતિમાં વધારો થયો. બ્રિજ ક્રોસ કરીને રીક્ષા ઉત્તમનગર તરફ જ આગળ વધતી હતી. જુવાનસિંહ હોર્ન વગાડતાં હતાં પણ કારવાળો સાઈડ નહોતો આપતો. બ્રિજ ક્રોસ કરીને વચ્ચે ડિવાઈડર નહોતાં, જુવાનસિંહે જમણી બાજુથી આવતાં વાહનો પર નજર કરી. રસ્તો ખાલી દેખાતાં જુવાનસિંહે કારને ઓવરટેક કરી લીધી. ઉત્તમનગર પણ હવે સો મીટરની દુરી પર જ હતું. રીક્ષા બસ સ્ટોપ પહેલાં આવતાં સ્પીડ બ્રેકર પાસે રીક્ષા ધીમી પડી, એ જ સમયે એક સાથે બે ઘટનાં બની. બસ સ્ટોપ પાસે દોડીને પહોંચેલા હિંમતની નજર રીક્ષા પર પડી અને એ રોડ વચ્ચે આવવા દોડ્યો અને જુવાનસિંહ મોકો જોઈને રિક્ષાને ઓવરટેક કરી લીધી.
રીક્ષા ચાલકનો રસ્તો હવે બ્લૉક થઈ ગયો હતો. તેણે રિક્ષાને બ્રેક મારી એટલે રીક્ષા થોભાઈ ગઈ. એક તરફથી હિંમત અને બીજી તરફથી જુવાનસિંહ રીક્ષા પાસે પહોંચ્યા.
“રીક્ષા સાઈડમાં લગાવ ચલ…” હિંમતે બરાડીને કહ્યું.
“શું થયું સાહેબ ?” રીક્ષા ચાલકે ડઘાઈને પૂછ્યું, “મારી કોઈ ભૂલ થઈ છે”
“પહેલા રીક્ષા સાઈડમાં લગાવ અને બહાર આવ” જુવાનસિંહ હિંમતની સરખામણીમાં શાંત હતી. રીક્ષા ચાલકે ડાબી તરફ રીક્ષા લીધી અને બંધ કરીને બહાર આવ્યો.
“શું નામ છે તારું ?” જુવાનસિંહે પૂછ્યું.
“રાજુ…” રીક્ષા ચાલકે કહ્યું.
“રાજુ કે ઇકબાલ ?”
“મારું નામ રાજુ છે…આ જુઓ..” કહેતાં તેણે હાથમાં લખેલું ‘જય માતાજી’ નું ટેટુ બતાવ્યું.
“આ દાઢી-વાળ કેમ વધારેલા છે ?”
“સાહેબ… ઉપરાઉપરી ત્રણ દિકરોએ આવી છે…, દીકરા માટે માનતા રાખેલી છે”
“સાચું બોલે છે ને તું ?, ખોટું બોલ્યો છે તો બરડો ફાડી નાંખીશ”
“માતાજીના સમ…સાચું બોલું છું સાહેબ…” રાજુએ અંગૂઠા અને તર્જની આંગળી વડે ગળાની ચામડી ખેંચીને કહ્યું. ડરનાં કારણે તેનો હાથ ધ્રૂજતો હતો.
“સાહેબ…આ ઇકબાલ નથી લાગતો…” હિંમતે કહ્યું.
“થયું છે શું સાહેબ ?” રાજુએ સહેજ રાહતનો શ્વાસ લઈને પૂછ્યું.
“મર્ડર થયું છે અને તારી જેવા લાંબા દાઢી-વાળવાળા વ્યક્તિએ તેમાં સાથ આપેલો છે..” હિંમતે કહ્યું.
“સાહેબ…” રાજુએ ચમકીને કહ્યું, “હજી એક લાંબા દાઢીવાળવાળો વ્યક્તિ છે…મારી જેવો જ દેખાય છે”
“શું નામ છે એનું ?” જુવાનસિંહે પૂછ્યું, “તું ઓળખે છે એને ?”
“હા સાહેબ ઓળખું છું…પણ એનું નામ નથી ખબર મને..” રાજુએ કહ્યું, “હું વિજય ચોકે લાઈનમાં રીક્ષા ઉભી રાખીને બેઠો હોઉં ત્યારે એ ઘણીવાર મને ભાડું ભરવા માટે કહે છે”
“ક્યાનું ભાડું ભરવા કહે છે એ તને ?”
“મેઘાણીનગર પહેલાં ડાબી બાજુએ આવેલી સાંઈબાબા સોસાયટીમાં…” રાજુએ કહ્યું.
“રોજનું બાંધેલું હતું કે ક્યારેક જતો તું ?”
“રોજનું સાહેબ….એક માડીને હું રોજ મંદિરે લઈ જતો..”
“બરાબર…એ વ્યક્તિ અત્યારે ક્યાં હશે ?”
“થોડાં દિવસથી તો દેખાયો નથી પણ તમે કહો તો તેનાં ઘરનું સરનામું હું શોધી આપું…મારો દોસ્ત તેને સારી રીતે ઓળખે છે” રાજુએ કહ્યું.
“હા ભાઈ…સરનામું શોધી આપ તો તારી મોટી મહેરબાની…” જુવાનસિંહે કહ્યું. રાજુએ કોઈને કૉલ લગાવ્યો.
“હા…પેલો મારી જેવી દાઢીવાળો વ્યક્તિ ક્યાં રહે છે…અરે તારો દોસ્ત છે ને એ જ…હા ઠીક છે…” કહેતાં રાજુએ કૉલ કટ કરી દીધો.
“મીરાજ સિનેમાની બાજુમાં નેમિનાથ પ્રોવિઝન સ્ટોર છે, એને પૂછશો એટલે એ ઘર બતાવી દેશે સાહેબ…” રાજુએ કહ્યું, “સાથે આવું હું ?”
“ના ભાઈ આભાર…અમે શોધી લઈશું…તારો નંબર આપ…કામ પડશે તો કૉલ કરીશું” જુવાનસિંહે કહ્યું. રાજુએ પોતાનું નંબર લખાવ્યો.
“સાહેબ…હું નીકળું હવે ?” રાજુએ પૂછ્યું.
“હા…” જુવાનસિંહે કહ્યું એટલે રાજુ રીક્ષા તરફ આગળ વધ્યો અને રીક્ષા શરૂ કરીને નીકળી ગયો.
“તમને કંઈ સમજાય છે હિંમત ?” જુવાનસિંહે હિંમત તરફ જોઈને પૂછું.
“ના સર…તમે જ સમજાવો..” હિંમતે કહ્યું.
“ઇકબાલ માઈન્ડ ગેમ રમ્યો છે…રાજુ જેવો ચહેરો અને એનાં જેવા જ દાઢીવાળ છે એટલે રાજુને એ દરરોજ મિસિસ બલરને મંદિરે લઈ જવા માટે મોકલતો, જેથી સોસાયટીનાં બધા લોકો રાજુને ઓળખે….ઇકબાલ રમણિક શેઠનાં બંગલે છોકરીઓને લઈને જતો ત્યારે જો કોઈ જોઈ જાય તો બધાને એ રાજુ જ લાગવાનો છે”
“સમજ્યો સર…” હિંમતે કહ્યું.
“માધવ જ્યોતમાં કોઈ એવિડન્સ મળ્યું ?” જુવાનસિંહે વાત બદલતાં પૂછ્યું.
“હા સર…વહેલી સવારે મેં બધી વસ્તુઓ તપાસી હતી પણ ટેબલ પર રહેલું કોમ્પ્યુટર શરૂ નહોતું કર્યું. અત્યારે શરૂ કર્યું તો એમાં પાસવર્ડ માંગે છે…મેં એક્સપર્ટને બોલાવ્યો એટલે તેણે કોશિશ કરી પણ કોમ્પ્યુટર શરૂ ના થયું. તેણે કોમ્પ્યુટરનો બધો ડેટા એક હાર્ડડિસ્કમાં ટ્રાન્સફર કરી દીધો છે…આપણે ચોકીએ જઈને એ તપાસવાનો છે”
હાર્ડડિસ્કનું નામ સાંભળીને જુવાનસિંહને જૈનીત યાદ આવી ગયો. જૈનીતને પણ આમ જ એક પ્રોફેસર પાસેથી સેક્સ રેકેટનો ડેટા મળ્યો હતો.
“વાંધો નહિ…અત્યારે આપણે ઇકબાલને શોધવા જઈએ છીએ…જો ઇકબાલ પેલી છોકરીનું નામ જણાવી દે તો એ રાત્રે શું થયું હતું એ ખબર પડી જાય” જુવાનસિંહે કહ્યું.
“જી સર..” હિંમતે કહ્યું. બંને જીપ તરફ આગળ વધ્યાં. હિંમત ડ્રાઇવર સીટ પર બેઠો અને મીરાજ સિનેમા તરફ જીપ દોરી લીધી.
(ક્રમશઃ)