The Next Chapter Of Joker - Part - 16 books and stories free download online pdf in Gujarati

The Next Chapter Of Joker - Part - 16

The Next Chapter Of Joker

Part – 16

Written By Mer Mehul

સાંજનાં છ થયાં હતાં. જુવાનસિંહ પોતાની ઓફિસમાં બેઠાં હતાં. હિંમત દરવાજો ખોલીને ઓફિસમાં પ્રવેશ્યો. તેનાં હાથમાં એક ફાઇલ હતી.
“સર…” જુવાનસિંહે સલામી ભરીને કહ્યું.
“બેસો હિંમત…” જુવાનસિંહે ખુરશી તરફ ઈશારો કરીને કહ્યું. હિંમતે ખુરશી પર બેઠક લીધી.
“શું થયું કોર્ટમાં ?” જુવાનસિંહે પૂછ્યું.
“એ જ જે આપણે વિચાર્યું હતું….અવિનાશની કોઈ ફ્રેન્ડનાં પપ્પા એમ.એલ.એ. છે. તેઓએ આ કેસ લડવા નામચીન વકીલ મૌલિક ચાવડાને હાયર કર્યા છે. મૌલિક ચાવડાનું નામ અત્યારે પુરા અમદાવાદનાં વકીલોમાં.ટોચનાં સ્થાને છે. તેઓએ બેલ માટે અરજી કરી હતી પણ જજ સાહીબાએ અરજી ના મંજુર કરી છે અને આપણને ચૌદ દિવસની કસ્ટડી સોંપી છે. ચૌદ દિવસમાં ચાર્જશીટ તૈયાર કરવાની છે સર…” હિંમતે વાત પૂરી કરી ત્યારે તેનાં ચહેરા પર તણાવનાં ભાવ ઉપસી આવ્યાં હતાં.
“ચાર્જશીટની ચિંતા ના કરો…એ થઈ જશે…મને એક અગત્યની માહિતી મળી છે…જે સમયે રમણિક શેઠનું ખૂન થયું હતું એનાં અડધા કલાક પહેલાં તેનાં ઘરની બહાર એક ઓટો રીક્ષા ઉભી હતી. રીક્ષા ચાલકનું નામ રાજુ છે, ઉંમર પચીસેક વર્ષ છે તથા તેણે દાઢી અને વાળ વધારેલા છે. તમારાં ખબરીઓને એક્ટિવ કરો અને રાજુ નામનો કોઈ આવો રીક્ષા ચાલક છે કે નહીં તેની તપાસ કરો”
“જી સર…” હિંમતે કહ્યું અને હાથમાં રહેલી ફાઇલ ટેબલ પર રાખી, “ફોરેન્સિક રિપોર્ટ આવી ગયાં છે સર..”
“શું છે રિપોર્ટમાં ?” જુવાનસિંહે ફાઇલ હાથમાં લઈને મુખ્ય પેજ પલટાવ્યું.
“હત્યા કરવામાં જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એમાંથી એક પણ હથિયાર પર અવિનાશનાં ફિંગરપ્રિન્ટસ્ નથી. એક પણ બ્લડ સેમ્પલ અવિનાશનાં બ્લડ ગ્રૂપ સાથે મેચ નથી થતાં. અજીબ કહેવાય નહીં સર…”
જુવાનસિંહે ફાઈલનાં બધાં પેજ ફેરવીને કાગળો પર નજર ફેરવી.
“વાત તો તમારી સાચી છે” જુવાનસિંહ વિચારમગ્ન અવસ્થામાં સરી ગયાં, થોડીવાર વિચારવાનો સમય લઈને તેઓએ વાત આગળ વધારી, “મને અવિનાશ ગુન્હેગાર નથી લાગતો. અવિનાશ કોઈને બચાવે છે અથવા કોઈએ તેને વાત ન જણાવવા પ્રેશર આપેલું છે. કોઈએ બ્લેકમેલ કર્યો હોય એ ટાઈપ…”
“બની શકે સર…” હિંમતે કહ્યું. થોડીવાર બંને વિચારમગ્ન અવસ્થામાં બેસી રહ્યાં. જુવાનસિંહ આગળની કાર્યવાહી ક્યાંથી શરૂ કરવી એનાં વિશે વિચારી રહ્યાં હતાં, હિંમતનાં મગજમાં પણ એ જ વિચારો ઘુમતાં હતાં. જુવાનસિંહે ટેબલ પર રહેલી પાણીની બોટલ ઉઠાવી અને પાણીનાં બે ઘૂંટ ગળા નીચે ઉતાર્યા. સહસા તેઓ પાણી પીતા અટકી ગયાં, પાણીની બોટલ ટેબલ પર રાખીને તેઓ હળવું હસ્યાં.
“શું થયું સર…કોઈ નવો આઇડિયા મગજમાં આવ્યો છે ?” હિંમતે કન્ફ્યુઝ થઈને પૂછ્યું.
“હા…મારી પાસે એક એવો પ્લાન છે..જેને જાણીને તમે પણ ખુશ થઈ જશો” જુવાનસિંહ ઉત્સાહમાં આવી ગયાં હતાં. તેઓનાં ચહેરા પરનાં ભાવ એકદમથી બદલાય ગયાં હતાં.
“જલ્દી જણાવો સર…” હિંમતે પણ ઉત્સાહિત અવાજે કહ્યું.
“સાંભળો તો આપણે કરવાનું છે કંઈક આવી રીતે….” કહેતાં જુવાનસિંહે પૂરા પ્લાનનો નકશો હિંમત સામે રાખ્યો. જુવાનસિંહ દ્વારા બોલવામાં આવેલા શબ્દોને હિંમતે ધ્યાનથી સાંભળ્યા, ત્યારબાદ સમજીને તેણે તેનું પૃથ્થકરણ કર્યું.
“વાહ સર…શું આઈડિયા છે..” વાત પૂરી થઈ એટલે હિંમતે કહ્યું.
“ચાલો તો લાગી જાવ કામ પર…કાલ સાંજ સુધીમાં છેલ્લાં પંદર દિવસમાં અવિનાશ કોને કોને મળ્યો હતો અને એમાંથી કોનાં દ્વારા અવિનાશને ઇમોશનલ બ્લૅક મેઈલ કરી શકાય એ જણાવો…ત્યાં સુધીમાં હું અવિનાશને હિન્ટ આપવાનું કામ કરી લઉં” જુવાનસિંહે કહ્યું.
“જી સર…” કહેતાં હિંમત ઉભો થયો.
“અને પેલાં રાજુ નામનાં વ્યક્તિની પણ શોધ કરવાની છે” જુવાનસિંહે ફરી કહ્યું.
“થઈ જશે સર…” કહેતાં હિંમતે છાતી ફુલાવીને રજા લીધી.
*
સવારનાં નવ થયાં હતાં. હિંમત તેનાં કાફલા સાથે બાપુનગર પોલીસ સ્ટેશનની બહાર ઉભો હતો.
“ચાવડા…” હિંમતે કેયુર ચાવડાને સંબોધીને કહ્યું, “શું કરવાનું છે એ સમજાય ગયું ને ?”
“જી સાહેબ… બે કૉન્સ્ટબલ સાથે મારે મેઘાણીનગર જવાનું છે, ત્યાં કાનો અને પખુ મળશે, એ બંને રીક્ષા જ ચલાવે છે અને આપણાં ખબરી છે. તેઓને લઈને રાજુ નામનાં વ્યક્તિને શોધવાનો છે”
“રાજુ કેવો દેખાય છે એ યાદ છે ને ?”
“હા સાહેબ…લાંબી દાઢી અને લાંબા વાળ..” ચાવડાએ કહ્યું.
“બરોબર…રાજુ નામનાં વ્યક્તિની કોઈ પણ ખબર મળે એટલે પહેલાં મને જાણ કરજે”
“જી સાહેબ…” કહેતાં ચાવડાએ સલામી ભરી. બે કૉન્સ્ટબલને સાથે લઈને ચાવડાએ મેઘાણીનગર તરફ જીપ મારી મૂકી.
“સાગર, અવિનાશનાં દોસ્તોનું જે સ્ટેટમેન્ટ લીધું છે ને એ ફાઇલ લઈ આવ” હિંમતે સાગર નામનાં કૉન્સ્ટબલને સંબોધીને કહ્યું.
“જી સર…” સાગરે કહ્યું અને અંદર ચાલ્યો ગયો. થોડીવાર પછી એ એક ફાઇલ હાથમાં લઈને બહાર આવ્યો. હિંમતે ફાઇલ તપાસી. બધાનાં સ્ટેટમેન્ટ વાંચીને તેણે એક કાગળ પર હાથ રાખ્યો અને કહ્યું, “બંસી અને તેજસથી શરૂઆત કરીએ…સાગર અને રમીલા, તમે બંસીને ઈટ્રોગેટ કરશો…એક વાત યાદ રાખજો, આપણે બધાને એક સરખા જ સવાલો પુછવાનાં છે. પછી એ જ સવાલોનું ક્રોસ એક્ઝામીનેશ કરવાનું છે. જોઈએ કેટલાનાં જવાબ એક સરખા આવે છે”
“જી સર…” બંનેએ કહ્યું.
હિંમતે ફાઇલમાં પંચ કરેલો એક કાગળ બહાર કાઢ્યો અને રમીલા તરફ ધરીને કહ્યું, “આમાં જે સવાલો પૂછવાનાં છે એ લખેલાં છે. એકવાર વાંચી લેજો”
બંનેએ સહમતીપૂર્વક માથું ધુણાવ્યું. બધાં જીપમાં બેસીને શ્યામશિખર પાસેની ‘રાધે-શ્યામ’સોસાયટીમનાં ગેટે પહોંચ્યા. સાગર અને રમીલાનાં ગેટ પાસે ઉતારી હિંમત તેજસનાં ઘર તરફ આગળ વધ્યો.
*
બીજી તરફ ચાવડાએ મેઘાણીનગર પહોંચીને કાનાનો કોન્ટેક્ટ કર્યો હતો. કાનાએ ફોન કરીને પખુને બોલાવી લીધો હતો. બધાં ભેગાં થયાં એટલે ચાવડાએ વાત શરૂ કરી,
“ભાઈઓ તમારી મદદની જરૂર પડી છે…ત્રણ દિવસ પહેલાં રમણિક શેઠ નામનાં વ્યક્તિનું મર્ડર થયું એનાં સમાચાર તમને મળી જ ગયાં હશે. આ મર્ડરનો કેસ સુરતનાં સાહેબને સોંપવામાં આવ્યો છે. એ સાહેબે તમારાં બંને માટે ભેટ મોકલાવી છે” કહેતાં ચાવડાએ ગજવામાંથી બે પાંચસોની નોટ કાઢીને બતાવી. કાનાએ બંને નોટ લઈ લીધી અને કહ્યું, “સાહેબને સલામ કહેજો”
“સલામ કહેવાથી કામ નહીં થાય…સાહેબ એક રીક્ષા ડ્રાઇવરને શોધે છે. એનું નામ રાજુ છે તથા દાઢી-વાળ વધારેલા છે. તમે બંને ઓળખો છો એને ?”
“ના સાહેબ…લાંબી દાઢીવાળો આપણો ચીમનો છે પણ એ ટાલિયો છે અને આવા ધંધામાં એ કોઈને સાથ આપે એવો નથી” કાનાએ કહ્યું અને પછી પખુ સામે જોઇને પૂછ્યું, “તું કોઈને ઓળખે છે ?”
“ઓળખતો તો નથી પણ ત્રણ દિવસ પહેલા જ મેં એને જોયો હતો” પખુએ કહ્યું.
“ક્યાં જોયો હતો ?” ચાવડાએ જિજ્ઞાસુ અવાજે પૂછ્યું.
“મર્ડર થયુ એ રાતે જ સાહેબ…” પખુએ કહ્યું, “હું રતબાથી ફેરો ભરીને ઇન્ડિયા કોલોની આવતો હતો. હું વસંતનગર છાપરા નજીક પહોંચ્યો ત્યારે એ પુરવેગે રોડ ક્રોસ કરીને આવ્યો, તેની રીક્ષા મારી રીક્ષા સાથે અથડાતા અથડાતા રહી ગઈ હતી. અમારા વચ્ચે થોડી તસલ પણ થઈ હતી. મેં પોલીસ સ્ટેશનને જવાની ધમકી આપી એટલે એણે નમતું મેલ્યું અને રિક્ષામાં બેસીને વસંતનગર છાપરની બાજુની ગલીમાં ઘુસી ગયો”
“એ પહેલાં ક્યારેય એને જોયેલો ?” ચાવડાએ પૂછ્યું.
“ના સાહેબ…નવાણિયો લાગ્યો” પખુએ કહ્યું.
“ચાલ અમારી સાથે…આપણે વસંતનગરનાં છાપરાની બાજુની ગલીમાં જવાનું છે” ચાવડાએ કહ્યું.
“રુકો સાહેબ…હું રીક્ષા પાર્ક કરતો આવું” કહેતાં પખુ પોતાની રીક્ષા તરફ ચાલવા લાગ્યો.
*
રમીલા અને સાગર સામે સોફા પર બંસી બેઠી હતી. બંસીની બાજુમાં તેનાં મમ્મી બેઠા હતા. બાજુમાં સોફા ખુરશી પર બંસીનાં પપ્પા હતાં.
“અમે રમણિક શેઠની હત્યાનાં સિલસીલામાં થોડી પૂછપરછ કરવા આવ્યાં છીએ” રમીલાએ વાતની શરૂઆત કરી. બંસીનાં પપ્પાએ બંસી સામે જોયું, પછી રમીલા સામે જોઇને કહ્યું, “પૂછો..જે પૂછવું હોય એ…”
રમીલાએ એક ઊંડો શ્વાસ લઈને છોડ્યો.
“ઑકે.. તો બંસી, તું અને અવિનાશ કેટલાં સમયથી એકબીજાને ઓળખો છો ?” રમીલાએ પૂછ્યું.
“બાળપણથી જ…અમે ચાઈલ્ડહુડ ફ્રેન્ડ્સ છીએ” બંસીએ જવાબ આપ્યો.
“બરાબર…તો તો અવિનાશનાં સ્વભાવથી તું વાકેફ જ હશે..”
“જી બિલકુલ મેડમ અને હું ખાતરી સાથે કહી શકું કે આ મર્ડર અવિનાશે નથી કર્યું” બંસીએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.
“તું આટલું દૃઢતાથી કેવી રીતે કહી શકે ?, જે રાત્રે ખૂન થયું ત્યારે અવિનાશ એ ઘરમાં હતો. બધા પુરાવા પણ તેનાં વિરુદ્ધમાં છે…પોલીસને તો પુરાવા સાથે જ મતલબ હોય છે ને…”
“અવિનાશને ફસાવવામાં આવે છે….એ રાત્રે અવિનાશ ત્યાં શા માટે ગયો એ મને નથી ખબર પણ અવિનાશ આ મર્ડર ના કરી શકે…” બંસીએ કહ્યું.
“ઠીક છે….” રમીલાએ કહ્યું, “તું છેલ્લે અવિનાશને ક્યારે મળી હતી ?”
“જે રાત્રે મર્ડર થયું, એ દિવસે સવારે અમે કૉલેજ જવા માટે બાપુનગર બસ સ્ટોપ પાસે મળ્યા હતાં. અવિનાશ, તેજસની રાહ જોઇને ઉભો હતો. હું અને મનીષા તેને મળીને કોલેજ જવા નીકળી ગયા હતાં”
“તમે કૉલેજમાં નહોતાં મળ્યાં ?” રમીલાએ પૂછ્યું.
“એ કોલેજ નહોતો આવ્યો”
“સવારે એ કોલેજ જવા જ તેજસની રાહ જોઈને ઉભો હતો ને..!, તો એ કૉલેજ ના આવ્યો તો તે કૉલ કરીને પૂછ્યું નહિ”
“ઘણીવાર એ લોકો બંક કરીને ફરવા ચાલ્યાં જાય છે….એમાં પૂછવાનું શું હોય ?” બંસીએ કહ્યું.
“બરાબર…” રમીલાએ કહ્યું અને સાગર તરફ જોયું, સાગરે ટટ્ટાર થઈને પોતાને પ્રશ્નો પુછવા તૈયાર કર્યો, “છેલ્લાં દસ-પંદર દિવસથી અવિનાશનો સ્વભાવ કેવો હતો ?, એ કોઈ વાતને લઈને પરેશાન હતો ?”
“બિલકુલ નહિ…અવિનાશ શાંત સ્વભાવનો છે.. તેને હું જ્યારે મળતી ત્યારે હંમેશા તેનાં ચહેરા પર શાંતિ છવાયેલી રહેતી. છેલ્લા બે અઠવાડિયામાં અવિનાશે કોઈ એવી વાત કે હરકત નથી કરી જેનાં કારણે તેને આવા કામને અંજામ આપવું પડે”
“રમણિક શેઠ વિશે તમારે કોઈ દિવસ વાત થઈ હતી ?” સાગરે પૂછ્યું.
“હા, રમણિક અંકલની શોપ અવિનાશનાં પપ્પાની શોપની બાજુમાં જ છે તો ઘણીવાર તેઓ સાથે મુલાકાત થતી. તેઓ પણ સારા સ્વભાવનાં હતાં. અમે લોકો ઘણીવાર તેઓને આદર્શ માનીને અંકલ જેવા બનવાની કોશિશ કરતાં”
“ઑકે..” સાગરે કહ્યું, પછી બંસીનાં પપ્પા તરફ નજર ફેરવીને તેણે કહ્યું, “સર બે મિનિટ માટે અમે બંસી સાથે એકાંતમાં વાત કરવા ઇચ્છીએ છીએ”
“ના.. તમારે જે પૂછવું હોય એ મારાં મમ્મી-પપ્પા સામે જ પૂછો, હું તમને બેજીજક જવાબ આપીશ” બંસીએ કહ્યું.
સાગરે રમીલા સામે જોયું. રમીલાએ આંખો પલકાવી.
“અવિનાશ કોઈ છોકરી સાથે રિલેશનમાં હતો ?” રમીલાએ પૂછ્યું.
“ના…એ કોઈ છોકરી સાથે રિલેશનમાં નહોતો. ઈનફેક્ટ અમારાં ગ્રુપની પંક્તિ તેને પસંદ કરે છે તો પણ અવિનાશ તેની સાથે વાતો કરવાનું ટાળતો”
“આ પંક્તિ એમ.એલ.એ.ની છોકરી છે એ જ ને..!” રમીલાએ પૂછ્યું.
“હા.. એ જ..”
“અવિનાશ રિલેશનમાં રહેવા નહોતો માંગતો એનું કોઈ કારણ જણાવ્યું હતું તેણે ?”
“એની મરજી…કારણ જાણીને અમે શું કરવાના હતા..” બંસીએ કહ્યું, “પણ હા, તેણે એક વાત કહી હતી કે તે આવા સંબંધોમાં સમય બરબાદ કરવાને બદલે પોતાનાં કરિયર ઉપર ધ્યાન આપવાનું પસંદ કરશે”
“ઠીક છે…અમારે જે જાણવું હતું એ અમે પૂછી લીધું. સહકાર આપવા બદલ આભાર” કહેતાં રમીલા ઉભી થઈ. તેની સાથે સાગર અને બાકીનાં લોકો પણ ઊભાં થયાં.
“મે’મ, એક રિક્વેસ્ટ હતી” બંસીએ કહ્યું, “હું અવિનાશને મળી શકું ?”
“અમે કોશિશ કરીશું” રમીલા કહ્યું અને બંને કૉન્સ્ટબલ બહાર તરફ ચાલવા લાગ્યા.
*
બીજી તરફ હિંમત તેજસનાં ઘરે પહોંચ્યો હતો. તેજસનાં પપ્પા જોબ પર ગયાં હતાં. તેજસ અને તેનાં મમ્મી ઘરે હતાં.
“તેજસ છે ?” તેજસનાં મમ્મીએ દરવાજો ખોલ્યો એટલે હિંમતે કહ્યું, “અવિનાશનાં સિલસીલામાં થોડી વાત કરવી હતી બેન”
“હા.. તેનાં રૂમમાં બેઠો છે” તેજસનાં મમ્મીએ કહ્યું, “અંદર આવોને”
હિંમત ઘરમાં પ્રવેશ્યો.
“એ દિવસ પછી તેજસ ગુમસુમ થઈ ગયો છે…પૂરો દિવસ રૂમમાં જ પુરાઈને રહે છે…ખબર નહિ તેને શું થયું છે..” તેજસનાં મમ્મીએ કહ્યું.
“ઘણીવાર એક ઘટનાં બધું બદલી નાંખે છે…તમે ચિંતા ના કરો…બધું બરાબર થઈ જશે” હિંમતે ધરપત આપતાં કહ્યું.
“વાત એમ નથી…તમે એને સવાલો પૂછશો તો એ વધુ ગભરાઈ જશે એ વાતનો મને ડર છે…તમારે સવાલ પુછવા હોય તો પૂછી શકો છો પણ થોડી નરમાશથી કામ લેજો સર…” તેજસનાં મમ્મીએ ચિંતાયુક્ત સ્વરે કહ્યું.
“તમે બેફિકર રહો બેન… પોલીસ વિશે લોકોનાં મનમાં ગેરસમજ છે. અમે પણ માણસ જ છીએ, અમારામાં પણ લાગણીઓ હોય છે. તેજસ સાથે હું પોલીસ નહિ એક દોસ્ત બનીને વાત કરીશ” હિંમતે શાંત અવાજે કહ્યું.
“એ ઉપરનાં રૂમમાં બેઠો છે… તમે વાત કરી લો…” તેજસનાં મમ્મી કહ્યું, “હું ચા બનાવીને ઉપર આવું છું”
“ના બહેન…તમારે તકલીફ લેવાની જરૂર નથી. તમે તમારું કામ પતાવો…હું થોડીવાર વાતો કરીને ચાલ્યો જઈશ” કહેતાં હિંમત દાદરા તરફ ચાલ્યો. તેજસનાં મમ્મી પણ પોતાનાં કામમાં પરોવાય ગયાં.
તેજસનાં રૂમ પાસે આવીને હિંમતે દરવાજો નૉક કર્યો.
“કોણ છે ?” અંદરથી તેજસનો અવાજ હિંમતનાં કાને પડ્યો.
“દરવાજો ખોલ તેજસ…હું સબ ઇન્સ્પેક્ટર હિંમત છું” હિંમતે પૂર્વવત શાંત અવાજે કહ્યું.
“શું કામ છે તમારે ?” તેજસે પૂછ્યું.
“અવિનાશ વિશે થોડી વાત કરવી હતી…” હિંમતે કહ્યું.
“મારે કોઈ વાત નથી કરવી…”
“તારે અવિનાશને બચાવવો છે ને…જો તું મારાં સવાલોનાં જવાબ નહિ આપે તો અવિનાશને મુસીબત થશે. જો તું ચાહે તો એને બચાવી શકે છે” હિંમતે તેજસની સમજાવવાની કોશિશ કરી.
થોડીવાર તેજસે કોઈ જવાબ ન આપ્યો. ત્યારબાદ તેણે ધીમેથી દરવાજો ખોલ્યો. હિંમતે તેજસનાં ચહેરા પર નજર ફેરવી. ડરને કારણે તેજસનો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ગયો હતો.
“તું આટલો બધો કેમ ડરે છે તેજસ ?, તને કોઈ કંઈ નહીં કરે” હિંમતે તેજસની આસપાસ સાનુકૂળ વાતાવરણ સર્જવાની હિદાયત હાથ ધરી, “તું અવિનાશનો બેસ્ટ ફ્રેન્ડ છે ને…તને અવિનાશ વિશે બધી જ ખબર હશે…તું મારાં થોડાં સવાલોનાં જવાબ આપી દે. હું અવિનાશને બચાવવાની પુરી કોશિશ કરીશ”
“સર મને મર્ડર વિશે કંઈ ખબર નથી…” તેજસે ડરતા ડરતા કહ્યું.
“મેં તને ક્યાં એવું પૂછ્યું છે…તું પહેલાં ડરવાનું બંધ કરીને શાંત થઈ જા…પછી હું પૂછું એનાં જ જવાબ આપજે” હિંમતે તેજસનો હાથ પકડ્યો અને તેને બેડ તરફ લઈ ગયો. તેજસની બેડ પર બેસારી હિંમત તેની બાજુમાં બેસી ગયો.
“તું અને અવિનાશ છેલ્લે ક્યારે મળ્યા હતાં ?” ગજવામાંથી ડાયરી અને પેન કાઢીને હિંમતે પૂછ્યું.
“મર્ડર થયું એ દિવસે સવારે…” તેજસે કહ્યું.
“ક્યારે અને ક્યાં ?”
“સવારે સાડા નવ વાગ્યે…બાપુનગર બસ સ્ટોપ પાસે…”
“ત્યાં તમે શા માટે મળ્યા હતાં ?”
“રોજ કોલેજ જવા હું અને અવિનાશ બસ સ્ટોપે મળીએ છીએ…એ દિવસે પણ અમે કોલેજ જવા માટે જ મળ્યાં હતાં..”
“પછી કૉલેજમાં નહોતાં મળ્યાં ?” હિંમતે પૂછ્યું.
“અવિનાશ કૉલેજે નહોતો આવ્યો…હું એ દિવસે બસમાં કૉલેજે ગયો હતો..”
“કેમ કૉલેજે નહોતો આવ્યો ?” હિંમતે પૂછ્યું, “તને કારણ કહ્યું હતું ?”
“ના સર…” તેજસ જુઠ્ઠું બોલ્યો.
“તું રમણિક શેઠને ઓળખે છે ?” હિંમતે વાત બદલી.
“હા…અંકલ એટલે કે અવિનાશનાં પપ્પાની શોપની બાજુમાં રમણિક અંકલની જ્વેલરીની શોપ છે. અમે ઘણીવાર તેઓને જનક અંકલની શોપે જોયેલાં”
“અચ્છા આ અવિનાશ અને રમણિક અંકલ વચ્ચે કોઈ દિવસ ઝઘડો થયેલો ?”
“ના…અંકલ તો અમને કરિયર પર ધ્યાન આપવાની શિખામણ આપતાં અને અવિનાશને તો એ પોતાનાં દીકરા જેમ રાખતાં” તેજસે કહ્યું.
“હું તારો મોબાઈલ તપાસી શકું ?” હિંમતે ફરી વાત બદલી.
“સ્યોર સર…” કહેતાં તેજસે પોતાનો મોબાઈલ હિંમતનાં હાથમાં આપ્યો. હિંમતે કૉલ લોગ ચેક કર્યો. તેમાં અવિનાશનું નામ ક્યાંય નહોતું. ત્યારબાદ વોટ્સએપ ચૅક કર્યું, એમાં પણ અવિનાશનો ક્યાંય ઉલ્લેખ નહોતો.
“અવિનાશ મોબાઈલ યુઝ નથી કરતો ?” હિંમતે સહેજ આશ્ચર્ય સાથે પૂછ્યું.
“ના…બે મહિના પહેલાં તેણે મોબાઈલ વેચી દીધો છે” તેજસ ફરી ખોટું બોલ્યો.
“કારણ ?”
“એ કંટાળી ગયો હતો…અને કૉલેજ પુરીને એ પોલિસ ઇન્સ્પેક્ટરની તૈયારી કરવાનો છે એટલે અત્યારથી જ તેણે મોબાઈલનો ઉપયોગ ટાળવાનું નક્કી કર્યું છે” તેજસે કહ્યું.
“ઓહ..તો અવિનાશ પોલીસ ઇન્સ્પેક્ટર બનવા ઈચ્છે છે…” હિંમતે કહ્યું, “પણ તું એક વાત મને જણાવ…જો એ પોલીસને સહકાર નહિ આપે તો પોલીસ ઇન્સ્પેક્ટર બનીને એ શું કરી શકશે ?, એ રાત્રે અવિનાશ રમણિક શેઠનાં ઘરે શા માટે ગયો હતો એ તને ખબર છે ?”
“ના સર… એ બાબતે અમારી વચ્ચે કોઈ વાત નહોતી થઈ” તેજસે કહ્યું.
“અજીબ કહેવાય નહીં…બેસ્ટ ફ્રેન્ડ છે તો પણ એ રમણિક શેઠનું મર્ડર કરવા જવાનો છે એ વાત તને ના જણાવીને બંસીને જણાવી..” હિંમતે વ્યવસ્થિત રીતે જાળ બિછાવ્યુ.
“સર…અવિનાશે કોઈ મર્ડર નથી કર્યું…” તેજસે ગુસ્સામાં કહ્યું, “અને અવિનાશે બંસીને કોઈ વાત જણાવી એ વાત સરાસર જુઠ્ઠી છે…અવિનાશે….” સહસા તેજસ અટકી ગયો.
“બોલ બોલ…અવિનાશે કંઈ વાત જણાવી છે તને…” હિંમત પણ ઉત્સાહમાં આવી ગયો.
“અવિનાશે મને કોઈ વાત જણાવી નથી…તમે મને ફસાવવાની કોશિશ ના કરો…” તેજસે કહ્યું.
“હવે તું જુઠ્ઠું બોલે છે…અવિનાશે તને કોઈ વાત તો જણાવી જ છે અને તું જવાબ નહિ આપે તો અમે કોર્ટની મંજૂરી લઈને અવિનાશનો નાર્કો ટેસ્ટ કરીશું અને અવિનાશનાં મોઢે જ બધી હકીકત ઓકાવીશું. જો એમાં તારું નામ આવ્યું તો હકીકત છુપાવવાનાં કેસમાં તારા પર પણ મુસીબત આવશે. જો આવું ન થાય એવું તું ઇચ્છતો હોય તો હકીકત જણાવી દે… અમે તને અને અવિનાશને બચાવવાની પુરી કોશિશ કરીશું”
તેજસ રડવા લાગ્યો. હિંમત હળવું હસ્યો અને તેજસનાં ખભે હાથ રાખ્યો,
“તેજસ…રડવાથી સમસ્યા દૂર નથી થવાની… તારી અને અવિનાશ વચ્ચે શું વાતચીત થઈ હતી એ જણાવ..”
“ત્રણ દિવસથી અવિનાશ કોઈ છોકરીનો પીછો કરતો હતો…એ છોકરીને અવિનાશ પસંદ કરતો હતો…એ છોકરી વિશે મને કશું જ ખબર નથી…અવિનાશ બસ સ્ટોપે આવતો અને બેસી રહેતો એનાથી વધુ મને કશું નથી ખબર…” તેજસે રડતાં રડતાં કહ્યું.
“એ રાત્રે અવિનાશ રમણિક શેઠનાં બંગલે શા માટે ગયો હતો એ નથી ખબર તને ?” હિંમતે પૂછ્યું.
“ના સર…એ રાત્રે અવિનાશ બાપુનગરમાં આવેલા શિવરંજની એપાર્ટમેન્ટમાં ગયો હતો. ત્યાંથી એ અંકલનાં ઘરે કેવી રીતે પહોંચ્યો એ મને નથી ખબર” તેજસે ધ્રુજતાં ધ્રુજતાં કહ્યું. ડરને કારણે એ સરખું બોલી પણ નહોતો શકતો.
“શિવરંજની એપાર્ટમેન્ટ ?, અવિનાશ ત્યાં શું કામ ગયું હતો ?” હિંમતે પૂછ્યું.
“અમે લોકો ગૃપમાં ટ્રુથ એન્ડ ડેર રમતાં હતાં. અવિનાશને ડેર આવ્યું હતું. અમે લોકોએ તેને શિવરંજની એપાર્ટમેન્ટમાં ચાલતાં સેક્સ રેકેટમાં એક છોકરી સાથે બે કલાક બેસીને વાતો કરવાનું ડેર આપ્યું હતું…એ રાત્રે અવિનાશ પોતાનું ડેર પૂરું કરવા જ ગયો હતો…” તેજસે હવે હાર સ્વીકારી લીધી હતી અને હકીકત જણાવવા લાગ્યો હતો.
“કેટલા વાગ્યે એ શિવરંજની એપાર્ટમેન્ટમાં ગયો હતો ?”
“દસ વાગ્યાની આસપાસ….” તેજસે કહ્યું, “બસ આનાથી આગળ મને નથી ખબર સર…તમે ચાહો તો અવિનાશનો નાર્કો ટેસ્ટ કરાવી શકો છો…મને જેટલી ખબર હતી એટલી માહિતી મેં તમને જણાવી દીધી છે”
“ના…એની કોઈ જરૂર નથી…મને તારા પર વિશ્વાસ છે..” કહેતાં હિંમત ઉભો થયો, “અત્યારે હું જાઉં છું..જરૂર પડે તો તને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવશે. અત્યારે તું જે બોલ્યો છે એ જ વાત તારે ત્યાં સાહેબ સામે બોલવાની રહેશે..”
“જી સર…” તેજસે કહ્યું.
હિંમત દરવાજો ખોલીને બહાર નીકળી ગયો અને બહાર આવી સાગરને ફોન જોડ્યો.
“જી સર…” ફોન રિસીવ થતાં સાગરનો અવાજ હિંમતનાં કાને પડ્યો.
“નવીનમાં કંઈ જાણવા મળ્યું ?” હિંમતે પૂછ્યું.
“કંઈ ખાસ નહિ સર…બંસી અવિનાશને મર્ડર થયું એ દિવસે સવારે સાડા નવ વાગ્યે કોલેજ જવાના સમયે મળી હતી. જો કે અવિનાશ ઘરેથી કૉલેજ જવા માટે નીકળ્યો હતો એવું જનકભાઈએ સ્ટેટમેન્ટ આપેલું પણ અવિનાશ કૉલેજ નહોતો ગયો”
“અવિનાશ એક છોકરીનો પીછો કરતો હતો…” હિંમતે કહ્યું.
“છોકરી અને અવિનાશ ?” સાગરે આશ્ચર્ય સાથે કહ્યું, “બંસીનાં કહેવા મુજબ અવિનાશને એવા રિલેશનમાં રસ જ નથી”
“બંસી ખોટું પણ બોલી શકે છે…એ છોકરી વિશે આપણે પછી જાણીશું પહેલાં મારી વાત સાંભળો…જે રાત્રે રમણિક શેઠનું મર્ડર થયું એ રાત્રે અવિનાશ કોઈ ‘શિવરંજની એપાર્ટમેન્ટ’ ગયો હતો, ત્યાં કોઈ સેક્સ રેકેટ ચાલે છે ?”
“હા સર…ઉષા નામની સ્ત્રી આ રેકેટ ચલાવે છે…”
“ગુડ…તમે લોકો ગેટ બહાર ઉભા રહો…આપણે ઉષાને મળવા જઈએ છીએ..”
“જી સર…”
હિંમતે ફોન કટ કરી દીધો અને જીપ તરફ આગળ વધ્યો. જીપ પાસે પહોંચીને તેણે ફરી મોબાઈલ હાથમાં લીધો અને ચાવડાને ફોન જોડ્યો.
(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED