અંધારું પીંજરું... આઝાદી અજવાળાના છળથી Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અંધારું પીંજરું... આઝાદી અજવાળાના છળથી

જૂની ઢબની બસની બારીની જેમ ક્યારની ખટખટ કરતી, એવી રૂમની બારીના અવાજથી દીપકનું માથું ફાટી રહ્યું હતું. બિચારી બારીને તો ગુલામીની સાંકળોમાં જકડી રાખનાર પેલી અટકણની પકડમાંથી છૂટવું હતું, પણ બારીની તે પીડાથી અજાણ એવો દીપક તેના ઉપર ખૂબ ગુસ્સે ભરાયો હતો.

"દીપક મીઠ્ઠઠું, દીપક મીઠ્ઠઠું" નો અવાજ કાને અથડાતા જ તેના મનમાં વ્યાપેલ વ્યગ્રતાનું સ્થાન શાંતિએ ગ્રહણ કરી લીધું. પોતાનો માનીતો પોપટ મીઠ્ઠઠું સુરીલા અવાજથી દીપકને બોલાવી જો રહ્યો હતો. આ એક મીઠ્ઠઠું જ તો છે જેની સાથે દીપક પોતાના દિલની દરેક વાત અને મૂંઝવણ રજૂ કરી શકતો હતો.

દીપકની વ્હાલી બહેન જ્યારે પરણીને સાસરે ગઈ ત્યારે તેણે નવા જન્મેલા મીઠ્ઠઠુંને પોતના ભાઈની એકલતા પૂરવા માટે સોંપ્યો હતો. મીઠ્ઠઠું અને દીપક વચ્ચે જાણે જન્મોનો નાતો જોડાયેલ હોય તેમ મીઠ્ઠઠું દીપકનો સાથ છોડી ક્યાંય બહાર જતો નહિ અને એટલે જ તેને ક્યારે પાંજરારૂપી જંજીરોમાં જકડવાની જરૂર પડી નહોતી.

દીપક છેલ્લા થોડાક દિવસથી આ રૂમમાં પોતાના પ્રિય મીઠ્ઠઠું સાથે રહેતો હતો, અને આખો દિવસ ધમધમી રહેલ અવાજની દિશામાં જોયા કરતો. મીઠ્ઠઠુંનું કામ પણ દીપકની જેમજ રૂમમાં આવેલ તે બંધ બારી સામે ટીકી ટીકીને જોવાનું અને સાથે બસ આખો દિવસ દીપક અને પોતાનું નામ બોલ્યા કરવાનું હતું. બંનેનું કામ અને દિલમાં ઉઠતાં ઉમંગો આમતો એકસમાન જ હતા. એકને બારીની બહાર રહેલી પોતાની દુનિયામાં મુક્ત મને ગગનમાં ઉડાન ભરવી હતી તો એકને આ અંધારાની ગુલામીમાંથી નીકળી બારીમાંથી ડોકાતી ઉજાશભરી દુનિયામાં વિહરવું હતું.

આખરે વર્ષોની રાહ જોયા બાદ આજે દીપકને તેની આઝાદી મળવાની હતી. દીપકની ખુશી સમાતી નહોતી તે વાત વિચારીને કે હવે અંધારા ઉપર અજવાળાનું સામ્રાજ્ય સ્થાપિત થવાનું હતું.

"બસ હવે થોડા જ કલાકોની વાર છે", દીપક હળવેકથી આંખો ઉપર હાથ ફેરવતાં વિચારવા લાગ્યો.

બારી અને અટકણ વચ્ચે ખરાખરીનો જંગ છેડાયો હતો. બાહરી દુનિયામાંથી સમીરે બળવો પોકાર્યો હોય તેમ જોરદાર પવનની થપાટો લાગી રહી હતી અને તેની સામે અટકણનું જોર ધીરે ધીરે ઓસરી રહ્યું હતું. છેવટે એક જોરથી ઝટકો વાગ્યો અને અટકણની જંજીર તૂટતાં જ, બારી કેટલાય યુગોના બંધનમાંથી આઝાદ થઈ હોય એમ જાણે વિજય પતાકાની જેમ લહેરાવા લાગી. બારીના બંને બારણાં જાણે રણસંગ્રામમાં વિરતા બતાવી આવ્યા હોય એમ વિજયનાદ કરવા લાગ્યા.

દીપક આ અવાજ સાંભળી લથડાતો ઊભો થયો અને સીધી દિશામાં પૂરા પંદર ડગલાં ચાલીને ઉભો રહ્યો. હવાની એક શીતળ લહેરખી આવી અને તેના મનને ઠંડકથી ભરી ગઈ. બસ હવે થોડી ક્ષણો અને આ દુનિયાની બહાર રહેલું અજવાળું તેના જીવનમાં પણ પથરાઈ જવાનું હતું.

કેટલી સુંદર છે આ દુનિયા. દીપક આજે તેને પોતાની આંખોમાં ભરી લેવા માંગતો હતો. કેટલા અદભુત રંગોની રંગોળી પૂરી કુદરતે આ દુનિયાને સુંદર એવી પ્રકૃતિના વિવિધ રૂપોથી સજાવી છે. દીપક સૃષ્ટિના તે અદભુત રંગો અને મહેકથી પૂરો રંગાઈ જવા માંગતો હતો.

ઘડીક દીપક તરફ તો ઘડીક ઉઘાડી બારી તરફ જોતો મીઠ્ઠઠું "દીપક, મીઠ્ઠઠું"નાં નામની માળા જપતો આજે અસમંજસમાં પડ્યો હતો અને રૂમમાં આમથી તેમ ઉડી રહ્યો હતો. આજે અંધારા અને અજવાળાં વચ્ચેનું ધમાસાણ તેના મનમાં મચ્યું હતું.

મીઠ્ઠઠુંનાં મધુરા અવાજમાં જાણે પોતાની વ્હાલી બહેનનો અવાજ ભળી રહ્યો હતો. દીપકને અચાનક લાગી રહ્યું હતું જાણે તે પોતાને કઈ કહેવા માંગતી હતી અને સાદ પાડી રહી હતી.

"એતો એય ને હિલોળા લેતી હશે પોતાના સુખોથી છલકાતા સંસારરૂપી દરિયામાં", ક્ષણભર તો દીપક પોતાના ખ્યાલો ઉપર જ હસી ઉઠ્યો.

આ બહેન દીપકને ક્યારેક ગાંડી લાગતી, જ્યારે તે કોઈવાર પોતાને મળવા આવતી અને હંમેશ મુજબ તેને પડતી અઢળક અગવડતા અને મુસીબતોની કથા લઈને બેસી જતી.

ખરેખર જેને બધું જ મળ્યું હોય તેને તે વસ્તુની જરાપણ કિંમત હોતી નથી. અરે તને શું ખબર આ દુનિયા કેટલી સુંદર છે એવું વિચારતો દીપક ક્યારે બહેનની વાતો પૂરી સાંભળતો નહિ.

ત્યાંજ ફરરરરર અવાજ કરતું કઈક તેના એકદમ નજીકથી જરાક અથડાતું પસાર થયું અને દીપક બહેનના ખયાલોમાંથી બહાર આવ્યો.

થોડી ક્ષણોમાં વિરામબાદ બારી બહાર આવતા વિચિત્ર અવાજને સમજવામાં દીપકને મુશ્કેલી પડી રહી હતી જાણે કોઈ ફરર કરતું કોઈ જીવ મુશ્કેલીથી બચવા હવાતિયાં મારી રહ્યું હોય તેવો આભાસ દીપકને લાગી રહ્યો.

"મીઠ્ઠઠું મીઠ્ઠઠું", દીપક પોકારી રહ્યો પણ રૂમમાં કોઈ હલચલ ન જણાતાં દીપક પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યો. ત્યાં જ દીપકના હાથમાં રહેલ મોબાઈલ રણકી ઉઠ્યો.

"એજ હું વિચારતો હતો આ પાગલ આજે મારા આટલા અગત્યના દિવસે હજુ સુધી કેમ નથી આવી", બહેનના મોબાઈલ નંબર સાથેની સેટ કરેલી રીંગટોન સંભાળી દીપકના ચહેરા ઉપર ખુશી ઝળકી ઊઠી.

મોબાઇલ ઉઠાવતા જ સામે છેડેથી બોલાયેલ શબ્દો સાંભળી તે ધબ્બ કરતો બારી આગળ જ ફસડાઈ પડ્યો. બારી બહારથી આવતા કોઈ પક્ષીના ધીમા પડી રહેલ કણસવાનાં અવાજો અને હાથમાંથી પડી ગયેલ મોબાઈલમાંથી હજુ પણ આવી રહેલ અવાજ બંને એકબીજામાં ભળી રહ્યા હતા.

****** થોડા કલાકો બાદ.......

"તો મિસ્ટર દીપક, તમારી આંખોની પટ્ટી નીકાળી દેવામાં આવી છે, હવે ધીમે ધીમે તમારી આંખો ખોલો. જોજો સંભાળીને હો, તમારી આંખો ઉપર બિલકુલ જોર ન પડવું જોઈએ." ડોક્ટરનો અવાજ દીપકના કાને પડ્યો.

પ્રજ્ઞાચક્ષુ એવા દીપકની આંખોના સફળ ઓપરેશન બાદ આજે પહેલીવાર તેની આંખોની પટ્ટી ખોલી નાખવામાં આવી હતી.

કેટલાય દિવસોથી દીપક આ પળની રાહ જોઈ રહ્યો હતો. આ અંધારાએ તેના પૂરા જીવનને પોતાની ગુલામીમાં કેદ કરી લીધો હતો, પણ આજે તે પરમતેજ સ્વરૂપને પામી આ સુંદર દુનિયામાં આઝાદ બની ફરવા સુસજ્જ થવાને યોગ્ય થયો હતો.

વર્ષોબાદ અંધારા ઉપર અજવાળાનો વિજય થયો અને દીપકની આંખો હજુ ખુલી ત્યાં જ તેની સમક્ષ થોડા કલાકો પહેલા બનેલ ઘટનાઓનો તીવ્ર પ્રકાશ છવાઈ ગયો. તેમાં દીપકને હજુ હમણાં જ ઉઘડેલી બારીમાંથી પોતાને અથડાઈને બહાર ખુલ્લા ગગનમાં ઉડાન ભરવા મથતો મીઠ્ઠઠું દેખાયો. તે બિચારો હજુ મળેલી આઝાદીની ખુશી મનાવે તે પહેલા જ તેની ડોક કોઈ દોરીમાં ફસાઇ અને જીવ બચાવવા હવામાં હવાતિયાં મારતો મીઠ્ઠઠું ફડફડી રહ્યો હતો. ત્યારે ઉપરથી નીચે પડતાં મીઠ્ઠઠુંને નોચી ખાવા કેટલાય જીવો આંખો તાકીને રાહ જોઈ નીચે ઉભા હતા.

"આ દુનિયા તને દેખાય એટલી સુંદર નથી ભૈલું. સારું છે તું દેખી નથી શકતો, એટલે તેનો કદરૂપો અને કેટલીય ગંદકીથી ખદબદી રહેલો ચહેરો તને દેખાતો નથી. આ દુનિયા કોઈને શાંતિથી નથી જીવવા દેતી. તેના અત્યાચારોથી તારી આ બહેનનું અંગે અંગ ઘવાઈ ચૂક્યું છે." બીજી તરફ પોતાની વ્હાલી બહેનનો ચહેરો દીપકને કહી રહ્યો હતો.

આજે દીપકને પોતાની બહેને કહેલી એક એક વાત સંભળાઈ અને સમજાઈ રહી હતી, પણ તે વાત કહેનારી પોતાની બહેન આ બેરહેમ દુનિયાના પંજામાં પિંખાતી આખરે મીઠ્ઠઠુંની જેમ, ક્ષણભંગુર આઝાદીમાંથી મુક્ત થઈ દૂર અલગ જ દુનિયામાં પહોંચી ચૂકી હતી. ત્યાં ન કોઈ ભેદભાવ હતા ન કોઈ સુખ દુઃખની લાગણીઓ. ત્યાં ન હતી ગુલામી કે આઝાદીની વેદના.

"શું આટલી નિષ્ઠુર છે અહીંની દુનિયા? પોતે ત્યાં રહેલી બારીને પ્રકાશરૂપી આઝાદી માની રહ્યો હતો તે એક છળ માત્ર હતું. જે તેના જેવા કહેવાતા અંધ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી જીવનભર ગુલામીની બેડીઓમાં જકડી લે છે અને ત્યારબાદ કઈ કેટલીય યાતનાઓ ગુજારે છે. ના ના.... આના કરતાં મારું અંધારું સારું છે, તે ન કોઈ છળ કરે છે ન કોઈ ખોટા રંગો બતાવે છે."

"મને કંઇ જ નથી દેખાઈ રહ્યું ડોક્ટર, દૂર કરો આ તીવ્ર રોશની, બંધ કરો આ બારી. મને નથી જોવી આ બહારની દુનિયા, મારે નથી જોઇતી આ આઝાદી", આટલું બોલતો દીપક પોતાની આંખો ઉપર બંને હાથ દાબી દે છે અને અંધકારની એક નવી આઝાદ દુનિયાના પીંજરામાં પ્રવેશી જાય છે.

🍁 અજવાળામાં આંખોને આંજતા આ છલાવા કરતા,
નિર્મળ છે ભીતર ધબકતી આ અંધારાની નિખાલસતા...

દેખાતા અંધારાને આ મનરૂપી પંખી સમજી બેસે છે પાંજરું,
તે શું જાણે આઝાદીનું અજવાળું પણ હવે કરે છે અંધારું...🍁

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)