પ્રિય ભાઈ માઁ,
સાદર પ્રણામ.
તમને જ્યારે મારો આ પત્ર મળશે, ત્યારે હું તમારાથી ઘણી દૂર ચાલી ગઈ હોઈશ, મારી એક સપનાની દુનિયામાં, મારા પ્રેમની દુનિયામાં.
સાચું કહું તમને છોડીને જવાની ઇચ્છા નથી થતી. પણ શું કરું દિલના હાથો મજબૂર છું, વિનય તમને જરા પણ પસંદ નથી, ખબર નથી કેમ? પણ એનામાં મારું હૃદય વસી ગયું છે, તમે જો મારી ધડકન છો, તો એ મારો શ્વાસ બની ગયો છે.
આજે હું ખૂબ કશ્મકશમાં આ ડગલુ ભરી રહી છું કેમકે તમે કોઈપણ સંજોગોમાં વિનય અને મારા લગ્ન માટે માનવા તૈયાર નથી અને હું વિનય વગર હવે નહીં જીવી શકું.
આ મા-બાપ વગરની બહેનને તમે એક દીકરીથી પણ વિશેષ ઉછેરી છે માટે જ હું તમને હંમેશા ભાઈ માઁ કહીને જ બોલાવું છું, તમારો મારા પ્રતિ અઢળક પ્રેમ મને હવે ક્યારેક ગૂંગળામણ આપે છે. મને મુક્ત ગગનમાં વિહારવાની પાબંધી આપે છે માટે તમને દુઃખી હૃદયથી છોડી જઈ રહી છું, બની શકે તો મને માફ કરશો અને હા તમારી તબિયતનું ધ્યાન આપશો. તમને વિનંતી કરું છું કે મારા સંસાર માં ક્યારે તમારી દખલ કરતા નહિ.
-----------------------
એ જ તમારી લાડલી
શ્રુતિ
શ્રવણ છેલ્લા પાંચ વર્ષોથી પોતાની લાડલી બહેને લખેલો આ પત્ર હજારો વખત વાંચી ચૂક્યો હતો.
આજે એ જ બહેન નો જન્મદિવસ હોવાથી પોતાના માતા પિતાની છબી આગળ ફરીથી એ જ પત્ર વાંચતો શ્રવણ ભૂતકાળનો એ દિવસ યાદ કરી રહ્યો, જ્યારે એની માતાએ છેલ્લા શ્વાસ લેતા સમયે નાનકડી બે વર્ષની બહેનનો હાથ દસ વર્ષના શ્રવણના હાથમાં આપતા કહ્યું હતું, દીકરા આ અમૂલ્ય જણસ તને સોંપીને જાઉં છું તેનું જાન થી પણ વધારે જતન કરજે. તેના પિતાનું અવસાન તો 1 વર્ષ પહેલા જ થઈ ગયું હતું.
માતા પછી શ્રવણે જ પોતાની નાનકડી ઢીંગલી નો ઉછેર માતાથી પણ વિશેષ પ્રેમપૂર્વક કર્યો હતો, શ્રાવણ નું જીવન હવે માત્ર એની બહેનની આસપાસ જ સીમિત રહી ગયું હતું એટલે જ ક્યારે એ બહેન મોટી થઈ ગઈ એનું ને ભાન ત્યારે જ થયું જ્યારે એની બહેન પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવા માંગે છે તેમ એક દિવસ શ્રવણને આવી કહ્યું.
પણ શ્રવણ ને વિનય કોઈપણ રીતે પોતાની બહેનના યોગ્ય ના લાગતા એણે લગ્ન માટે ચોખ્ખી ના પાડી, અને એક દિવસ પોતાની જાનથી પણ વહાલી બહેન, એને કોઈ પણ પરવા કર્યા વગર છોડીને ચાલી ગઈ, અને એના ગયા પછી ક્યારે પણ એણે પોતાના ભાઈ માઁ સામે પાછા ફરી કદી ના જોયું.
આંખોમાં છવાયેલા આંસુ ના અંધારા ને લૂછતો શ્રવણ પોતાના માતા-પિતા સમક્ષ આજે બહેનના જન્મદિવસ માટે શુભકામના કરતો બોલી ઊઠે છે, માઁ પાપા હું કઈ જગ્યા વામણો સાબિત થયો? મારી બહેનના ઉછેરમાં મારાથી શું કમી રહી ગઈ? તમે કેમ મને છોડીને જતા રહ્યા, હું આપણી દીકરીનું ધ્યાન ના રાખી શક્યો, કોને જઈને મારા દિલના ઘાવ કહું? મારી લાડલી જ્યાં પણ હોય ત્યાં, એના આ ભાઈ માઁ ના આશીર્વાદ સદાય એની સાથે રહે, જન્મદિન મુબારક મારી લાડલી, બોલતા જ શ્રવણ ની આંખો વરસી પડી.
ત્યાં શ્રવણના મોબાઇલની રિંગ વાગતા શ્રવણ આંસુ લુંછતો વર્તમાનમાં આવે છે, ફોન ઉપાડી સામેવાળાની વાત સાંભળતા જ શ્રવણ નું હૃદય જાણે થંભી ગયું, પાછળ પડેલી ખુરશીમાં બેસવા જતા એ જમીન પર ફસડાઇ પડ્યો એ સાથે એનો મોબાઈલ પણ નીચે પડી ગયો, મોબાઈલ માં સામે છેડેથી અવાજ પડઘાઈ રહ્યો, સાંભળો છો ને શ્રવણભાઈ તમારી બહેન શ્રુતિ એ સાસરિયાઓના ત્રાસથી આગ ચાપી આત્મહત્યા કરી છે.
આ સાથે જ એક ભાઈ માઁ એ પોતાના દિલના ધબકારા ગુમાવી દીધા. 🙏🙏
ભાઈ ને વહાલી એની બહેના,
બંધન મા અમિ પામતા વિર અને બહેના,
એક એક રુદન પણ હૈયે વસે એ ભાઈ બહેના,
એક સૂતર ના તાંતણે આંખુ જીવન ઠંડક પ્રસરે એ ભાઈ બહેના...
******************
Dhruti Mehta (અસમંજસ)