ek hata kaka books and stories free download online pdf in Gujarati

એક હતા કાકા

પતિ પત્ની નો સંબંધ કંઇક એવો હોય છે જે ક્યારેય પુરે પુરો સમજી શકાતો નથી. થોડો ખાટો તો થોડો મીઠો, થોડો ગળ્યો તો થોડો કડવો, પણ આ બંને જીવો ને એકબીજા વિના ક્યારેય ના ચાલે, એકબીજા સાથે લડતા ઝગડતા ક્યારેક હાસ્યની છોળો ઉડાડતા બંનેના જીવનયાત્રા રૂપી રથ અવિરત આગળ વધતો રહે છે. એવાજ એક દંપતીની હું અહીં એક વાત રજૂ કરવા જઇ રહી છું.

અરે કહું છું સાંભળે છે ક્યાં ગુડાઈ ગઈ છું, ક્યારની બૂમો પાડી રહ્યો છું પણ સાંભળતી જ નથી, ઉમંર ની સાથે સાથે તારા કાન પણ ઘરડા થઇ ગયા લાગે છે,આંખના ચશ્માં સરખા કરતા લાકડીના સહારે ઘર ની બહાર નીકળતા નીકળતા ચંપક કાકા એ એમની અર્ધાંગિની સમી ચંપા કાકીને બૂમો પાડતા કહી રહ્યા હતા, તો આ છે આપડી કહાની ના હીરો હિરોઈન ચંપક કાકા અને ચંપા કાકી.

ચોંકી ગયા ને, શું હીરો હિરોઈન બનવાનો અધિકાર યુવાનોને જ છે, પ્રેમ અને ઉંમર ને કઈ લેવાદેવા નથી હોતો મિત્રો, પ્રેમ તો માત્ર દિલમાં વસે છે.

ચંપા કાકી પોતાના વાળ અને સાડી સરખી કરતાં બહાર નીકળે છે એ જોઈ ચંપક કાકા પાછું બોલ્યા, અરે ચાલ ને ભાઈ જલ્દી આ ઉંમરે પણ તને સજવા ધજવા નો શું શોખ છે વળી.
ચંપા કાકી: અરે પણ સાંભળો તો ખરા, હુંતો ખાલી...

ચંપક કાકા: બસ હવે બહુ બોલી તું, આખો દિવસ બોલ બોલ ને બોલ, મારી તો કોઈ વાત જ નથી સાંભળતી, મારી તો કોઈ કિંમત જ નથી તને.

ચંપા કાકી: પણ મને બોલવાતો દો..

ચંપક કાકા: બસ બોલતા જ તો આવડે છે તને બીજું કઈ કામ છે તારે ઘર માં.
આજે કેટલા સમય પછી આપડે રેસ્ટોરન્ટ માં જઈ રહ્યા છીએ અને તને સમય ની કોઈ કિંમત જ નથી.

ચંપા કાકી: ના જોયા હોય મોટા કેટલો ઝગડો કર્યો તમારી સાથે ત્યારે જઈને આજે તૈયાર થયા તમે ક્યાંક બહાર લઇ જવા. અને એ પણ આપડી લગ્ન ની વર્ષગાંઠ છે માટે, બાકી ક્યારે લઇ ગયા છો મને, આપડા દીકરાઓ અને વહુ કેવા દર રવિવાર ફરવા જાય છે અને એક તમે, તમને યાદ પણ છે છેલ્લે ક્યારે ગયા હતા આપડે રેસ્ટોરાં માં.

ચંપક કાકા: જોઈ મોટી રેસ્ટોરન્ટ જવા વળી, પૂરું નામ પણ બોલી શકતી નથી ને નીકળી પડી રેસ્ટોરન્ટ જવા.
ચાલ હવે મોડું થઈ જશે રેસ્ટોરન્ટ બંદ થઈ જશે અને ઘરે આઇને ખીચડી ખાવી પડશે આપડે. તને તો ક્યારે સમયસર પહોંચવાની આવડત જ નથી.

ચંપા કાકી: અરે પણ સાંભળો તો ખરા મને કેમ મોડું થયું, હું તો ખાલી....

ચંપા કાકી ની વાત સાંભળ્યા વગર જ ચંપક કાકા પોતાનું બજાંજ સ્કૂટર નીકાળે છે.

ચંપા કાકી: આ બળ્યું તમારું ફટફટિયું, મને તો ભૈસાબ સરખું બેસતા પણ નથી ફાવતું, એના કરતાં કહું છું રિક્ષા જ કરી લઇ એ.

ચંપક કાકા: લઇ તો હું તને મારા આ ચેતક પર જ લઇ જઈશ, યાદ નથી નવા નવા પરણેલા હતા ત્યારે કેવા આ ચેતક પર ફરતા હતા આપડે, મજાના એ હાથો માં હાથ નાખી ને નદી કિનારે ફરવા જતા હતા અને તું મને કેવી કમરે વીંટળાઈ ને આજ સ્કૂટર પર બેસતી હતી..

લાજો હવે નથી સારા લાગતા આ ઉંમરે, ચંપા કાકી શરમાતા શરમાતા બોલે છે, અને સ્કૂટર પર બેસી જાય છે.

અને કાકા અને કાકી ની આ સવારી નીકળી પડે છે, પોતાની લગ્ન ની વર્ષગાંઠ માણવા.

શહેર ના એક સરસ રેસ્ટોરન્ટ પાસે આવી ને બંને ની સવારી ઊભી રે છે.
કાકા અને કાકી બંને એક બીજાનો હાથ પકડી એકબીજાના સહારે રેસ્ટોરન્ટમાં પ્રવેશે છે.

કાકા એ એક સરસ ટેબલ રિઝર્વ કરાવી રાખ્યું હોય છે જે સુંદર ફૂલો થી સજાવેલું હોય છે, અને વચ્ચે સરસ નાની હાર્ટ શેપ કેક હોય છે, ચંપા કાકી આ જોઈ ને બહુ જ ખુશ થઈ જાય છે અને ચંપક કાકા ને જોઈ રહે છે, કાકા ધીરે ધીરે મુસ્કુરાઇ રહ્યા હતા.

કાકી ને હાથ પકડી ચંપક કાકા ખુરશી પર બેસાડી દીધા અને સામેની ખુરશી માં પોતે બેઠા. સરસ મજાની કાકી ની પસંદ ની વાનગી નો ઓર્ડર પણ આવી જાય છે, ત્યાંજ કાકાનું ધ્યાન ખિસ્સા માં જાય છે, ત્યાં એમના ચોકઠાંની ડબ્બી ના હતી, કાકા બધા ખિસ્સા તપાસી જોવે છે પણ એ ક્યાંય નથી મળતું.

ત્યાંજ એમની નજર ચંપા કાકી પર જાય છે, એ ચંપક કાકા સામે જોઈ મરમરક હસી રહ્યા હતા. અને કાકી પોતાના પર્સ માંથી કાકા ની ચોકઠાંની ડબ્બી નીકાળે છે, અને હસતા હસતા બોલી ઊઠે છે અરે મારા વહાલા હું તમને ક્યારની એ જ તો સમજાવવા માંગતી હતી કે મને ઘરે મોડું કેમ થઈ ગયું, મને ખબર હતી તમે ચોક્કસ ચોકઠાં ની ડબ્બી ભૂલી ગયા હતા, હું એ જ તો લેવા પાછી ગઈ હતી. સમજ્યા મારા પ્રાણ પ્રિય.

આ સાંભળી કાકા બોલી ઉઠ્યા તો તારે મને પહેલા કેવું જોઈતું હતું ને...

અને બંને ખડખડાટ હસી પડ્યા.

કેવી લાગી મારી આ સ્ટોરી, તમારા પ્રતિભાવ જરૂર થી આપશો.



***********************

Dhruti Mehta (અસમંજસ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED