બાળપણ ની એ ધૂંધળી યાદો Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળપણ ની એ ધૂંધળી યાદો

નાનપણ ની ઘણી યાદો હોય છે જે ધૂંધળી ધૂંધળી યાદ હોય છે આપણને, એમાંથી ઘણી યાદો એવી હોય છે જે હંમેશા આપડી સાથે રહે છે એમાંથી જ એક યાદ હું અહીં રજૂ કરવા જઈ રહી છું.

ગુજરાત ના એક નાનકડા ગામ થી મોટા શહેર માં અમે શિફ્ટ થયા, પપ્પા અમને ભાઈ બહેનો ને સારું શિક્ષણ આપવા માંગતા હતા માટે. શહેર ની મોટી શાળા માં એડમીશન પણ થઈ ગયું. બહુ ખુશ હતી હું સાથે ગભરાતી પણ હતી, મોટું શહેર મોટી શાળા કેવું હશે ત્યાંનું વાતાવરણ, શાળાના બાળકો અને શિક્ષકો. શાળાના હાઈ ફાઈ બાળકો મને એક ગામની છોકરી ને કેવી રીતે સ્વીકારશે મને હેરાન તો નઈ કરેને.

બહુજ નાની હતી હું ત્યારે કદાચ બીજા ધોરણ માં, નવી શાળાનો મારો પહેલો દિવસ હતો, થોડી ગભરાતી થોડી ચિંતા કરતી મારા ક્લાસ માં પ્રવેશી હું, ત્યાંજ મે એક માસૂમ નિર્દોષ બે આંખો ને મારા તરફ તાંકતી જોઈ, જાણે મને એના તરફ બોલાઈ ના રહી હોય, હું અજબ ખેંચાણ થી એની તરફ ખેંચાઈ અને એની પાસે જઈ ને બેસી ગઈ. બસ પછી મારી બધી જ ચિંતાઓ સમાપ્ત.

તો એ બન્યો મારો પહેલો દોસ્ત આ અજાણ્યા શહેરમાં. એકદમ ગોળ મટોળ, કર્લી હેર, અને એની એ ગહેરી માસૂમ આંખો, નામ હતું એનું ઋષભ. અમારી દોસ્તી પછી તો એકદમ પાકી થઈ ગઈ, અમે આખી શાળામાં સાથે જ ફરીએ, રીસેસ માં પણ એકબીજાના ડબ્બામાંથી નાસ્તો કરીએ. ક્લાસ માં પણ અમે બંને એકબીજાના પર્યાય બની ગયા, મજાલ છે ક્લાસ માં કોઈની કે અમારા બંને માંથી કોઈ ને પરેશાન કરે? કોઈ સ્ટુડન્ટ ની હિંમત ના ચાલે અમને કઈ બોલવાની એવી અમારી ધાક, હંમેશા એકબીજાની પડખે ઊભા રહીએ.

એ ભણવામાં હતો થોડો ડૂલ અને હું થોડી હોંશિયાર, હી થોડી વધુ હોંશિયાર, પણ મને તો એજ આખા ક્લાસ માં સૌ થી હોંશિયાર લાગે, મને એમ લાગે એના આટલા સારા અક્ષર ટીચર ને કેમ નઈ વાંચાતાં હોય, બસ એ કહે એ સાચું મારા માટે.

આમ હસતા ખેલતા દિવસો પસાર થતા રહ્યા અમારા માટે, અને પછી આવ્યો નવરાત્રી નો સમય. અમે બધા ક્લાસ ના બાળકો બહુ ખુશ હતા, અને કેમ ના હોઈએ અમારી પરિક્ષા ખતમ થઈ ને નવરાત્રિનું નાનું વેકેશન આવી રહ્યું હતું. વેકેશન પડવાના આગળના દિવસે અમે બેઉ દોસ્તો મળી બઉ વાતો કરી જાણે પછી મળવાના ના હોય એમ, અને થોડા ખુશ થતાં થોડા દુઃખી થતા છુટા પડ્યાં કેમ કે એ દિવસોમાં એમ મળી શકવાના નહોતા. પણ અમને ક્યાં ખબર હતી આ વેકેશન અમારા માટે શું દુઃખદ સમાચાર લઇ ને આવાની હતી, અમે બેઉ મિત્રો હવે ક્યારેય નતા મળી શકવાના.

વેકેશન ખુબજ સરસ પસાર થઈ ગયું, સૈાથી પસંદની નવરાત્રિ જો હતી. બસ પછી બીજા દિવસે રોજ કરતા વહેલા તૈયાર થઈ ને સ્કૂલ મા પહોંચી ગઈ હું ? મારા પ્યારા દોસ્ત ને જો મળવાની હતી બઉ દિવસ પછી. કેટલી બધી વાતો કરવાની હતી અમારે, નવરાત્રી ના કિસ્સા એકબીજાને કહેવાના જો હતા. હું રાહ જોતી રહી એની પણ એ માં આવ્યો. વર્ગ શીક્ષક પણ આવી ગયા અને પ્રાથના પણ પૂરી થઈ ગઈ, હવે મારી અધીરાઈ ખૂટી ગઈ એ આવતો કેમ નથી હજી, ત્યાંજ...

ત્યાંજ વર્ગ શિક્ષકે કહ્યું એક જરૂરી સૂચના કરવાની છે તો બધા બાળકો શાંત થઈ જાઓ, અને ટીચર ની એ સૂચના એ મારી દુનિયા બદલી દીધી, ટીચર કહી રહ્યા હતા કે દસેરાં ના દિવસ અમારા વર્ગ માં ભણતા ઋષભ નું એક ગંભીર બિમારીથી મૃત્યુ થઈ ગયું છે, અને હું રડી પડી, મૃત્યુ એટલે શું એ સમજવા હું બહુ નાની હતી પણ એટલું સમજતી હતી કે મારો એ પ્યારો દોસ્ત હવે ક્યારે પાછો નઈ આવે, અમારી બાળપણ ની એ નિર્દોષ દોસ્તી ત્યાંજ ખતમ થઈ ગઈ. એના ઘરે જઈ થોડી તપાસ કરું એટલી મોટી પણ ના હતી હું.

સમય લાગ્યો મને વાપસ નોર્મલ થવામાં, એને ધીરે ધીરે ભૂલી પણ ગઈ, બસ ના ભૂલી શકી એની એ આંખો, ના ભૂલી શકી એની એ હસી જે મને જોઈ એના ચહેરા પર આવી જતી.
ત્યાર પછી બીજા ઘણા મિત્રો આવ્યા મારી લાઇફ માં પણ દરેક માં હું એની એ મુસ્કાન અને આંખોની નિર્દોષતા ઢુંધતી રહી પણ ક્યાંય ના મળી.

મારા એ દોસ્ત નો ચહેરો મને યાદ પણ નથી પણ અમારી એ દોસ્તી ક્યારે નઈ ભૂલી શકું, મારી આ પ્રથમ રચના હું મારા એ વહાલા મિત્ર ને સમર્પિત કરવા માંગુ છું, એનાથી મોટી કઈં ભેટ હોય મિત્રો.