પનોતી..... વાર્તા... દિનેશ પરમાર 'નજર '
****************************************
ઈચ્છાઓ ફરી ફરી આવશો નહીં
સપનાઓ નાહકના લાવશો નહીં
પહેલેથી ઢાંકી છે હસ્ત-રેખાની તિરાડ
મારી મુઠ્ઠી છે લાખની ખોલાવશો નહીં
-દિનેશ પરમાર' નજર '
****************************************
જેવી પની ડોસી ગામના ચોરામાં દાખલ થઈ, દલીચંદ શેઠના ઘરની સામેની તરફ આવેલા ઓટલાને ખૂણે, અનાજ વીણવાને બહાને ભેગી થઈ ગામ પંચાત કરતી આજુબાજુના ઘરની વહુઆરુઓમાંથી દલીચંદના છોકરાની વહુ ધીરે રહીને બોલી, "પનોતી ની પધરામણી થઈ રહી છે..."
બીજી બધીઓએ અનાજ વિણતા વિણતા , ઉઘાડા પગે લંઘાતી ચાલી આવતી પની ડોસી ને જોઈ નીચી મુંડી કરી ખિખિયાટા કરવા લાગી.
દલીચંદ શેઠના ઘરની બહાર સામેની તરફની ખુલ્લી જગ્યાને અગાઉ તેમના દાદાએ ગામ લોકોના સાર્વજનિક ઉપયોગ માટે દાન આપી હતી.
આ જમીન પર ફંડફાળાથી બનાવેલા ચબુતરાની બાજુમાં ગામલોકોને બેસવા મોટો ઓટલો પણ બનાવેલો. અને બાજુમાં નાનકડી માતાજીની દેરી......
પની ડોસી રોજના ક્રમ મુજબ દેરી પાસે આવી બે હાથ જોડીને મનમાં કઇંક બબડી અને ઘર તરફ ચાલવા લાગી.
**********
ગામની સામેની તરફ નદી ઓળંગતા જ જે ગામ આવે તે ગામના સરપંચ ના ઘરે તેનો જન્મ, આજથી ચાલીસ વર્ષ પહેલાં ત્યાં જાનમાં આવેલા મુખીબાપાની આંખમાં, જુવાન પુનિતા પોતાના એક ના એક દિકરા ભીમા માટે ગમી ગઈ હતી.
પછી તો બંને તરફના નાત આગેવાનો દ્વારા વાત મુકી. અને વાત બન્ને તરફથી અનુકૂળ જણાતા, ભીમા સાથે વસંત-પંચમી ના શુભ મુરતમાં પુનિતાના લગ્ન લેવાણા.
લગ્નનો શરુઆતનો સમયગાળો સારો હતો. પરંતુ બે વર્ષ પછીના શિયાળે અનરાધાર વરસતા માવઠે ઊભો પાક નિષ્ફળ કરી નાંખતા ખુબ જ નુકશાન થયું.
પછીનુ વરસ માંડ સારુ ગયુ ત્યાં મુખીબાપાને પેરાલીસીસ થયો અને વરસમાં તો ઉકલી ગયા.
આખી જિંદગી સુખ ભાળી કાયમ હરખાતી ભીમાની મા પરિસ્થિતિથી અકળાઈ ઉઠી. અને ના બોલવા જેવા શબ્દોનુ વિષ વમન કરવા લાગી.
" આ મૂઈ ક્યા મુરતમાં આવી ગઈ છે..? આ ઘર જ નહીં આખુ ગામ ફનાફાતિયા થવા બેઠું છે."
અધુરામાં પૂરુ લગ્ન જીવન ને ચાર વર્ષ થવા છતાં પુનિતાએ પેટ માંડ્યું નહોતુ. એટલે ભીમાની મા જીવતી ડોશીને ઝઘડવા માટે એક વધુ કારણ શોધવા જવું પડે તેમ નહોતું..
" આ ડાકણ આવી ત્યારથી જ લા'ય મંડાણી છે. છોકરો જણતા જણશે પણ એ પે'લા મારા છોકરાનો જીવ લઈ ને જશે આ પનોતી... "
જોકે આ બુમરાણ ગામ ખોબા જેવડું હોઈ જેતે સમયે ફેલાઈ ગઈ હતી અને પુનિતાને લોકો ખાનગીમાં' પનોતી ' કહેવા લાગ્યા હતા.
પુનિતાને સાસુના મેણાટોણાથી રોમેરોમ જાણે દિવાસળી ચંપાતી....
પણ.... ભીમજી તેને ખુબ સાચવતો અને માની વાત ને ગંભીરતાથી ન લેવા સમજાવતો. પણ પુનિતા છેવટે તો સ્ત્રી હતી. પોતાની કુખ ભરવા, સવારે નાહીધોઈ ગામમાં જેટલી દેરીઓ આવેલી હતી એ બઘી દેરીઓના દર્શન ઉઘાડા પગે કરીને પછી જ મોંમા જળ મુકવાની બાધા લઈ લીધી હતી.
જોકે તે પછીના જ વરસે પુનિતાએ પેટ માંડ્યું પણ તેના વારસને જોવા જીવતી ડોસી, જીવતી ના રહી.
બાળક માટે પુનિતાએ પથ્થર એટલા દેવ પૂજેલા અને પેટ દિકરો આવ્યો એટલે તેનુ માન વધ્યુ. પણ ભીમજી એકનો એક, વળી આવેલું બાળક પણ એકનુ એક હોઇ ગામના ઈર્ષાખોર બૈરાઓની નજર ના લાગે એટલે તેનુ નામ રાખ્યું કાળુ ...
પણ....કાળુના જન્મ પછી તે માંદો જ રહેતો એટલે એને સાજોસમો રાખવા વળી પાછી આખી જિંદગી કેરી નહીં ખાવાની બાધા રાખી.
પરંતુ કાળના ખાતામાં તો પુનિતા માટે જાણે સુખની સિલકનુ ખાનુ જ નહોતુ....!!
એક દિવસ લોકાચારે ગામના ભાઈઓ સાથે બીજે ગામ જવાનું થયુ ત્યારે જે ઘરધણી હતો તેણે ગામભાઈઓની સુવિધા માટે ટ્રેકટર કરેલું, તે ટ્રેકટર પાછુ ફરતા પલટી ખાઈ જતાં બે જણ માર્યા ગયા તેમાં ભીમજીનો નંબર લાગી જતા પુનિતા વિધવા બાઈઓની નાતમાં ભળી ગઈ, ત્યારે કાળુ માંડ દશ વર્ષનો હતો.
ફરી પાછુ , ગામ પનોતીનુ લેબલ તેના ભુસાયેલા કપાળ પર ફરી લાગી ગયુ.
પોતાની પાછળ ગુસપુસ કરી બોલાતા, 'એ પનોતી જાય...અથવા 'એ પનોતી આવી રહી છે સંભાળજો'
જેવા હૈયાને વિંધી નાખતા કે વિંછીના ડંખ જેવા આ શબ્દો, જીવનમાં આવી પડેલા મસમોટા દુઃખો સામે સાવ વામણા લાગતા હતા અને એટલે જ પુનિતા આ બધુ નજર અંદાજ કરતી રહી...
સમયચક્ર ફરતુ રહ્યું.....
કાળક્રમે કાળુ પણ મોટો થયો અને ઘરની જવાબદારી સંભાળી લીધી. પુનિતાએ એક ના એક દિકરાને પોતાના વગમાં સારુ ઘર જોઈ પરણાવ્યો.
સમુસુતરુ બધુ ચાલતુ હતુ, પણ કાળુના લગનને પાંચ પાંચ વરસના વાણાં થવા છતાં તેની વહુ સુમિત્રાએ જ્યારે પેટ ન માંડ્યું ત્યારે ફરી પુનિતાના માથે પનોતીના મેહણા વરસવા લાગ્યા.
પુનિતા હવે પિસ્તાલીસની હોવા છતાં સમયના અસહ્ય ઘા પડવાથી પાંસઠ વરસની ડોસી જણાતી હતી. એટલે હવે તે પુનિતામાંથી પની ડોસીમાં તબદીલ થઇ ગઇ હતી.
સુમિત્રાનો ખોળો ભરાય માટે પોતાની ઢળતી ઉંમરે ગામના નવાજુના બધા મંદિરો અને દેરીઓ પર પની ડોસીને ઉઘાડા પગે ફરતી લોકો જોવા લાગ્યા.
આશરે દોઢેક વરસ પછી જ્યારે પની ડોસીને ખબર પડી કે સુમિત્રાને દા'ડા રહ્યા છે. ત્યારે તે દિવસે જ ગામના રામજી મંદિરથી પરત ફરતા, તેના ઉઘાડા પગમાં ઊંડે સુધી ઘૂસી ગયેલા લોખંડના સળીયાનુ દરદ પળવાર માટે ભુલી ગયેલી.
ગામના વૈદરાજે પગમાં બાંધેલો પાટો જોતા ચિંતાથી કાળુ બોલી ઊઠેલો, " બા... આ શું થઈ ગયું?"
" કંઈ નથી થયુ બેટા.. એ તો દર્શન કરવા ગયેલી તે બાવળનો કાંટો.. વાગ્યો છે." કાળુ ચિંતા ન કરે માટે પની ડોસી જુઠુ બોલી.
એવા ને એવા લંગડાતા પગે આનંદમાં ને આનંદમાં જીવનના પાછલા પરોઢના અંતિમ ઉજાસની રાહ જોતી પની ડોસી ગામના મંદિરો-દેરીઓ ફરતી રહી.
સાડાસાત મહિને અચાનક સુમિત્રાને દરદ ઉપડતા તાત્કાલિક સારવાર માટે તાલુકાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવી...
********
બીજે દિવસે ગામમાં બૈરાઓમાં ચોરેને ચૌટે એક જ ગુસપુસ થતી હતી.
" સાંભળ્યું કંઇ....? પનોતી ગઈ...?"
"હા...પની ડોસીની ઉઘાડપગી બાધા રંગ લાવી. સુમિત્રાએ અધૂરા મહિને ચેલૈયા જેવા કુંવરને જન્મ આપ્યો હવે બાપડીને કોઈ પનોતી કહેશે નહી..."
"અરે... એતો ખરુ.. પણ.. બીજી તમને કંઈ ખબર પડી લાગતી નથી... આશરે સાડા સાત મહિના અગાઉ પની ડોસીને પગમાં સળિયો વાગેલો તેની જોઇએ તેવી દરકાર ન કરતા ગઈ કાલે ધનૂર ઉપડતા પની ડોસી સાડાસાતી પનોતીની જેમ જ આ જગતમાંથી ચાલી નીકળી છે. "
જે જે આ જાણતા ગયા તેઓના મોંઢા" હેં....શુ વાત કરો છો..!!! " કહેતા ખુલ્લા રહી ગયા...
*********************************