મન સાથે વાત Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અપહરણ - 11

    11. બાજી પલટાઈ   અંધારું સંપૂર્ણપણે ઊતરી આવ્યું હતું. હું, થ...

  • રેડ સુરત - 3

      2024, મે 17, સુરત         ચાર પ્લૅટફોર્મ ધરાવતા સુરત રૅલ્વ...

  • લવ યુ યાર - ભાગ 72

    સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહી...

  • એક અનુભવ - પાર્ટ 3

    સેકન્ડ વિચારી હું પૈસા પાછા લઈ ચાલવા લાગી તે પાછળ પાછળ દોડી...

  • ઉર્મિલા - ભાગ 6

    અંબિકા ગઢના મહેલથી પરત ફર્યા પછી, ઉર્મિલા અને આર્યનના જીવનમા...

શ્રેણી
શેયર કરો

મન સાથે વાત

મન સાથે વાત

- રાકેશ ઠક્કર

પ્રિય મન,

આમ તો તને પત્ર લખવાની જરૂર જ નથી. પરંતુ તું મારી પાસે તારા વિશે પત્ર લખાવી રહ્યું છે. કેમકે આ પત્ર બધાં વાચકો વાંચવાના છે. અને એમાંથી તારા વિશે- મન વિશે એમને જાણવા મળવાનું છે. અમારા સુખ- દુ:ખ, આનંદ- ઉદાસી બધાનું ઉદગમસ્થાન અને આધાર તું જ છે. માણસ સફળતા પ્રથમ તારી પાસેથી મેળવે છે. મનમાં જો એ હકારાત્મક વિચારો કરતો હોય અને જીતનો વિશ્વાસ રાખતો હોય તો એને સફળ થતાં કોઇ અટકાવી શકતું નથી. તારા વિશે દરેક ભાષાઓમાં પ્રેરણાત્મક વાક્ય અને કહેવતો છે. કહ્યું છે કે 'મન ચંગા તો કથરોટમેં ગંગા' અથવા 'મન હોય તો માળવે જવાય.' મન સ્વસ્થ અને તૈયાર હોય તો કશું જ અશક્ય નથી. યાર, તને સાચવવું બહુ પડે છે. તારા કારણે માણસ વાતે વાતે રીસાઇ જાય છે કે હતાશ થઇ જાય છે. કહ્યું છે કે,'મન, મોતી અને કાચ, ભાંગ્યા સંધાય નહીં.' તું એવું અવળચંડુ છે કે કંઇક લોચો થઇ જ જાય છે. તારી એક વાત મને ગમતી નથી! તું વાનર જેવું છે. માણસને જરા પણ ઝંપીને બેસવા દેતું નથી. એ બેસે છે તો પણ વિચારોમાં એ ક્યાંનો ક્યાં ફરતો રહે છે.

તારી એક વાત મને બહુ ગમે છે. પેલી કહેવત છે ને કે,'મનમાં પરણવું અને મનમાં રંડાવું' એમ મનમાં ખુશ થવાનું ગમે છે. અમે ક્યારેક મનમાં ખોટી કલ્પના કરીને હેરાન પણ થઇએ છીએ. હું તો એવો પ્રયત્ન કરું છું કે તું મોટું રહે. મન મોટું રાખીને જીવવાથી શાંતિ વધુ મળે છે. કોઇ વાતે ખોટું નહીં લગાડવાનું, ઓછું નહીં આણવાનું તો વાંધો આવશે નહીં. મનમાં જેવું વિચારીએ છીએ એવી શરીર પર અસર થાય છે. જેવો મનમાં વિચાર આવે કે મને 'આ રોગ તો થયો નહીં હોય ને?" અને તારા પર મોટો બોજો આવી જાય છે. જો એવું વિચારીએ કે 'મને શું રોગ થવાનો હતો' તો એ બોજ હલકો થઇ જાય છે.

મન, તારા પર કાબૂ રાખવાનું કામ સહેલું તો નથી એ સૌ કોઇ જાણે છે. જો પ્રયત્ન કરવામાં આવે તો મુશ્કેલ પણ ક્યાં છે? જોકે, હું તને આ પત્રમાં તને વશમાં કરાવની બહુ તરકીબો બતાવીશ નહીં. તું જાણી જશે તો વશમાં થશે નહીં. મને ખબર છે કે તું ઘણી વખત લોકોને પજવે છે. એમાં વાંક માણસનો જ હોય છે. તું એને ગુંચવે છે અને એ વધારે ગુંચવાય છે. તું જે કોયડામાં ડૂબી ગયું હોય તેનો ઉકેલ લાવી દેવાથી એ વિચારથી મુક્ત થઇ શકાય છે. અમને ખબર છે કે તને બાંધી શકાતું નથી. પરંતુ જ્ઞાનીઓ કહી ગયા છે કે જેમ પાણીને બાંધી રાખવા વાસણ જરૂરી છે એમ તને બાંધવા જ્ઞાન જોઇએ. તારું સ્વરૂપ સમજવાનો સંતનો એક વિચાર મેં વાંચ્યો છે. તે કહે છે કે મન અસંખ્ય ગાંઠોથી બંધાયેલું છે. એના સ્વરૂપને ઓળખવા માટે એક મહિના સુધી મનનો ગ્રાફ દોરવો જોઇએ. દરરોજ જેના સૌથી વધારે વિચારો આવે છે એની નોંધ કરવાની. આમ એક-એક કરીને ગાંઠ પકડાતી જશે.

ઓ મન! મોટા મોટા મુનિઓને તું વિચલિત કરી દેતું હોય છે ત્યારે અમારા જેવા પામર મનુષ્યની તો શું વિસાત? પરંતુ હું તો ડૉ. હરિવંશરાય બચ્ચનની પંક્તિ 'મન કા હો તો અચ્છા, ના હો તો ઔર ભી અચ્છા' ને આદર્શ માનીને જીવું છું. એ કારણે બહુ દુ:ખી થવાનો સમય આવતો નથી. આ પંક્તિએ મને શીખવ્યું છે કે આપણા મનનું થઇ રહ્યું હોય તો એ સારું જ છે. પણ જો મનનું થઇ રહ્યું ના હોય તો વધુ સારું એટલા માટે છે કે એમાં ઇશ્વરે આપણી કોઇને કોઇ ભલાઇ જોઇ હશે.

આ બધી 'મનની વાત' મેં તને કરી છે! એમાંની મોટાભાગની તું જાણે જ છે. છતાં અમારા વાચકોના મનન માટે આ વાતો કરી છે. મારી પ્રાર્થના છે કે તું શાંત, ધીર અને ગંભીર રહેજે.

તારો માલિક માણસ, પરંતુ જે હંમેશા તારો ગુલામ જ હોય છે.