Pushpa: The Rise books and stories free download online pdf in Gujarati

પુષ્પા: ધ રાઇઝ

પુષ્પા: ધ રાઇઝ

- રાકેશ ઠક્કર

હિન્દીમાં ડબ થયેલી 'પુષ્પા: ધ રાઇઝ' થી બૉલિવૂડમાં એક નવા હીરો અલ્લૂ અર્જુનનો ઉદય થયો છે. ફિલ્મની કમાણી પરથી કહી શકાય કે બૉલિવૂડના સ્ટારને અલ્લૂ ટક્કર આપી શકે છે. દક્ષિણના અલ્લૂની કોઇ ફિલ્મ લાંબા સમય પછી આવી હોવાથી તેને વધુ પસંદ કરવામાં આવી છે. ફિલ્મનો પ્લસ પોઇન્ટ જબરદસ્ત એકશન દ્રશ્યો છે. મારધાડ સાથે રોમાન્સ, દુશ્મની, ગીતો, આઇટમ ગીત વગેરે બધા જ મસાલા યોગ્ય જગ્યાએ છે. નિર્દેશક સુકુમારની એ સફળતા જ કહેવાય કે ત્રણ કલાક સુધી દર્શકોને બેસી રહેવા મજબૂર કરે છે. સુકુમારે અગાઉથી જ ફિલ્મને બે ભાગમાં બનાવવાનું આયોજન કર્યું હોવાથી પહેલા ભાગને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એ જાણવા માટેની આતુરતા વધી જાય છે કે 'પુષ્પા' સાથે શું થશે? હીરો જીતશે કે નહીં એ સાથે એ પણ રહસ્ય રહે છે કે અસલમાં હીરો કોણ છે. એમ કહેવાયું છે કે આજ સુધી ભાગ્યે જ કોઇ ફિલ્મના અંતમાં આટલી સંવેદના અને શક્તિ આવ્યા હશે. કોઇ એક્શન ફિલ્મમાં ઇમોશન નાખવાનું કામ નિર્દેશકે સુપેરે કરી બતાવ્યું છે. આ એક્શન ફિલ્મના અનેક દ્રશ્યો એવા છે જેમાં દર્શકની આંખો ભીની થાય છે.

ફિલ્મમાં પુષ્પા રાજ (અલ્લૂ અર્જુન) એક મજૂર છે. જે પોતાના માલિકો સાથે લાલ ચંદનના લાકડાની ગેરકાયદે ચોરી કરે છે. તેનું દિમાગ તેજ હોય છે. ધીમે ધીમે તેની મહત્વાકાંક્ષા વધે છે. પોતાની અકડ અને કામ કરવાની રીતથી તેનું આ ધંધામાં કદ વધી જાય છે. એ પછી તેનો મુકાબલો મોટી તાકતો સાથે થાય છે. એમાં તે નાજાયઝ સંતાન હોવાની એક પાછલી કહાની છે. અને દૂધ વેચનારી શ્રીવલ્લી (રશ્મિકા મંદાના) સાથેની લવસ્ટોરીનો ટ્રેક પણ છે. એક મજૂરની ગુનાની દુનિયાના બાદશાહ બનવાની વાત નવી નથી. પરંતુ એ વાર્તાને આજના જમાનાના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સામાન્ય રીતે દક્ષિણની ફિલ્મોની હિન્દી ડબિંગ એટલી સારી હોતી નથી. પરંતુ અલ્લૂના સંવાદને શ્રેયસ તલપડેએ પોતાના અવાજમાં ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે.

અલ્લૂએ નિર્દેશક સુકુમારની 'પુષ્પા રાજ' ની ભૂમિકામાં વનમેન આર્મીની જેમ કામ કર્યું છે. પાત્રને તેણે જીવંત બનાવી દીધું છે. ફિલ્મમાં અલ્લૂ નહીં પણ પુષ્પા જ હોય એવો અભિનય છે. તે ગેરકાયદે કામ કરતો હોવા છતાં દર્શકોને પસંદ પડે છે. તેના અભિનયનો જ આ કમાલ કહેવાય કે દર્શકો તે જીતે એવું વિચારે છે. એક મજૂરમાંથી ગેંગ લીડર બનવાની યાત્રામાં તેના હાવભાવ પાત્રને મજબૂત બનાવે છે. કોમેડી, ટ્રેજેડી, ડાન્સ, એક્શન વગેરે બધામાં જ તે નિપુણતા બતાવે છે. તેણે એકશનની સાથે બૉડી લેન્ગ્વેજથી પ્રભાવિત કર્યા છે. 'સામને કોઇ ભી હો, મૈં ઝુકેગા નહીં' અને 'પુષ્પા નામ સુનકર ફ્લાવર સમજે ક્યા..ફ્લાવર નહીં ફાયર હૈ' જેવા સંવાદ સાથે પોતાની આંખોથી જ વાતને દર્શક સુધી પહોંચાડવામાં સક્ષમ છે. એક સંપૂર્ણ અભિનેતા તરીકે તે દર્શકોની અપેક્ષા કરતાં ઘણું વધુ સારું કામ કરી જાય છે. છેલ્લે જેનો પ્રવેશ થાય છે એ વિલન ફહાદ ફાઝિલ થોડા સમયમાં પોતાનો પ્રભાવ છોડી જાય છે. આખી વાર્તા જાણે એના ઇશારે ચાલે છે. પોલીસનું પાત્ર કોઇ ગુંડાની જેમ ભજવવાનું સરળ ન હતું. તે હીરો છે કે વિલન એ નક્કી કરવાનું મુશ્કેલ બને છે. અલ્લૂની પ્રેમિકા તરીકે સુંદર દેખાતી રશ્મિકા મંદાના ઠીક છે. કદાચ બીજા ભાગમાં તેની ભૂમિકા મહત્વની હશે. તલાક પછી ચર્ચામાં રહેલી સામંથા કારકિર્દીના પહેલા આઇટમ ગીતથી દિલ જીતી લે છે. ફિલ્મમાં કોઇ પાત્ર એવું નથી કે જબરદસ્તી ઘૂસાડવામાં આવ્યું હોય.

ફિલ્મની સારી બાબતો સાથે નકારાત્મક બાબતો ઓછી નથી. ત્રણ કલાક લાંબી ફિલ્મને આસાનીથી ટૂંકી કરી શકાઇ હોત. પહેલો ભાગ શાનદાર છે. બીજા ભાગમાં વાર્તાની ગતિ ધીમી પડી જાય છે. ફિલ્મનો બીજો ભાગ બનાવવાનો હોવાથી આમ કર્યું હોય એવું પ્રતિત થાય છે. એક તબક્કે તો એવું લાગે છે કે વાર્તાને એક જ ભાગમાં સમેટી લીધી હોત તો વધુ સારી બની હોત. હિન્દી ગીતો 'ગોરે ગોરે મુખડે પર' અને 'એય બિડ્ડા યે મેરા અડ્ડા' માં જબરદસ્ત ડાન્સ હોવા છતાં તેલુગુ જેટલા લોકપ્રિય બની શક્યા નથી. મોટાભાગના સમીક્ષકોએ 'પુષ્પા: ધ રાઇઝ' ને 'મસાલા ફિલ્મ' કહીને ઉતારી પાડવાને બદલે પાંચમાંથી ચાર સુધી સ્ટાર આપીને જોવા જેવી ફિલ્મ ગણાવી છે. દક્ષિણની ફિલ્મો હવે માત્ર એક્શન પૂરતી જ સીમીત નથી પરંતુ કન્ટેન્ટ હોય છે એ વાતને ધ્યાનમાં રાખીને એક વખત જોઇ શકાય એમ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED