શહેર ના પ્રતિષ્ઠિત ગાયનોકોલોજિસ્ટ ગાયત્રી મેમ નો આજે ટીવી પર સ્ત્રી ભ્રુણ હત્યા ને લઈ ને ઇન્ટરવ્યૂ હતો, આટલા ઓછા સમય માં તેમને મેળવેલી પ્રસિદ્ધિ આજે તેમના ઇન્ટરવ્યૂ જોનાર વર્ગ પરથી માલુમ પડતી હતી.દરેક ની નજર ટીવી મોબાઈલ પર તેમના લાઈવ સવાલ જવાબ પર હતી,અને પહેલો પ્રશ્ન પુછાયો.
પત્રકાર :મેમ આપ એક સારા ડોક્ટર ની સાથે એક સારા વ્યક્તિત્વ પણ ધરાવો છો,તો મને જણાવશો સ્ત્રીઓ પ્રત્યે ની આટલી લાગણી પાછળ કોઈ આપના જીવન ને જોડતી વાત છે?
ગાયત્રી જી:જી ના હું બાળપણથી જ દરેક પ્રત્યે લાગણીશીલ હતી,કદાચ એટલે જ હું આ પ્રોફેશન માં આવી,અને અમારા ઘર માં હંમેશા બધા ને એક સરખું ભણતર અને હક આપવામાં આવ્યા છે.એટલે જ હું પણ દરેક ને સમાન હક મળે એ જ માનું છું.
પત્રકાર : મેમ ઘણીવાર એવું જોયું છે કે દીકરી ના જન્મ પાછળ ફક્ત માતા ને જ જવાબદાર ગણવામાં આવે છે.આવા કેસ પણ આપે હેન્ડલ કર્યા જ હશે!
ગાયત્રી જી :હા હજી ઘણા નાના ગામ ના અને અભણ લોકો દીકરી ના જન્મ પાછળ પોતાની પુત્રવધુ ના જ વાંક કાઢે છે,પણ તેઓ એ નથી જાણતા કે સ્ત્રી કરતા વધુ આ બાબત માટે પુરુષો જવાબદાર હોય છે.આવા કેસ માં અમારે તેમને ખૂબ સમજાવવા પડે છે,ઘણીવાર તો એવું પણ થાય છે કે તેઓ અમારી હા માં હા ભણી અને પછી પાછળ થી પોતાની પુત્રવધુ ની ખરાબ હાલત કરે છે.ત્યારે અમે અમારા જ એન જી ઓ માં તે બહેન ને શરણ આપી ને તેમને ન્યાય અપાવીએ છીએ.
પત્રકાર :મેમ સ્ત્રી ભ્રુણ હત્યા રોકવા વિશે આપ પબ્લિક ને શુ સંદેશો આપશો!
ગાયત્રી જી :હું ફકત એટલું જ કહીશ કે જો અનાજ નું બીજ જમીન માં બરાબર જગ્યા એ રોપાશે અને એનું જતન થશે તો જ સારું વૃક્ષ બનશે,બાકી એનો નાશ થશે જ.જો સ્ત્રી જ નહીં હોય તો પ્રજનન કોણ કરશે?સ્ત્રી વગર નું અસ્તિત્વ વિચારવું જ અશક્ય છે.
પત્રકાર :શું ક્યારેય એવું થયું છે કે કોઈ પરિવાર કે સ્ત્રી પોતાના ભ્રુણ ની તપાસ કરવા આવી હોય અને તે બાળકી હોઈ તો પોતે એનો નાશ કરવા ઇચ્છતી હોઈ?આવી પરિસ્થિતિમાં તમે શું કરો?
ગાયત્રી જી :સૌથી પહેલી વાત તો મારા ક્લિનિક માં આવી ગેરકાયદેસર ટ્રીટમેન્ટ થતી નથી,એટલે જો કોઈ આવે તો હું તેમને એ બાબતે સ્પષ્ટ ના જ કહી દવ છું,અને તેમને પણ સમજાવું કે આ તમે ખોટું કરી રહ્યા છો,કોઈ કોઈ વાર તો એવું પણ થાય કે અમને વધુ પૈસા આપવાની લાલચ આપવામાં આવે છે.અને પછી અમારે તેમને અપમાનિત કરી ને બહાર નો રસ્તો પણ દેખાડવો પડ્યો છે.
પત્રકાર : મેમ આપ સ્ત્રીઓ માટે એન જી ઓ પણ ચલાવો છો અને સ્ત્રીઓ પ્રત્યે આપને આટલી સહાનુભૂતિ પણ છે,અને આપના સમાજ પ્રત્યે ના કાર્યો પણ ઉમદા છે.આજ હું આપને તથા આપના કાર્યો ને નમન કરું છું.આપ સમાજ ને કોઈ સંદેશ પાઠવો તો અમને ગમશે.
ગાયત્રી જી:આપનો ખુબ ખુબ આભાર ,હું ફક્ત એટલું જ કહીશ કે મને પુરુષો પ્રત્યે કોઈ રોષ નથી,પણ સ્ત્રી અને પુરુષ આ સૃષ્ટિ નું સુંદર સર્જન છે જે એકમેક વિના અધૂરું છે,તો પછી આવો ભેદભાવ કેમ?સ્ત્રી એ પાલન કરે છે,અને પુરુષ પોષણ.તો તમારા ઘરે ચાહે લક્ષ્મી નો અવતાર આવે કે નારાયણ નો તેને ભગવાન ના આશીર્વાદ સમજી વધાવો અને તમારા ઘર માં રહેલી સ્ત્રી નું પણ સન્માન કરો.
આ સાથે જ ઇન્ટરવ્યૂ પૂરો થયો દરેક ના મોઢા માં ગાયત્રી જી માટે વાહ વાહ નીકળતી હતી,જે ચેનલ પર તેમનો ઇન્ટરવ્યૂ આવતો હતો તેમને ગાયત્રી જી ના સન્માન માટે એક ફૂલો નો બુકે આપવાનું નક્કી કર્યું હતું.ઇન્ટરવ્યૂ પૂર્ણ થતાં જ જે તેમનો ઇન્ટરવ્યૂ લેતી હતી તે પત્રકારે તેમને થોભવા કહ્યું,અને પોતે બુકે લેવા ગઈ.
જ્યારે તે પાછી આવી ત્યારે ગાયત્રી જી નો મોબાઈલ રણક્યો,નંબર જોઈ ને ગાયત્રી જી ના ચેહરા પર થોડી રેખા તંગ થઈ ગઈ.તેમને પેલી પત્રકાર ને હાથ ના ઇશારાથી પોતાને સમય આપવા કહ્યું અને ફોન રિસીવ કર્યો.ફોન તેમની આસિસ્ટન્ટ નો હતો.
હેલો મેમ
હા સ્વાતિ બોલ
મેમ તમારી વહુ નો સોનોગ્રાફી રિપોર્ટ આવી ગયો તેમના ગર્ભ માં ગર્લ ચાઈલ્ડ છે.હવે...
સ્વાતી એ પોતાની વાત અધૂરી છોડી દીધી.
અબોર્ટ ઇટ...ગાયત્રી જી એ જવાબ વાળ્યો.
પેલી પત્રકારે હાથ માં રહેલો બુકે કચરા ટોપલી માં નાખી દીધો.
✍️ આરતી ગેરીયા...