રતના ઓ રતના ...મોંઘીમાં ની બૂમ સાંભળી ને અંદર થી એક માંડ ચૌદ પંદર વર્ષ ની દીકરી બહાર આવી.તેને કથ્થઈ કલર નું ગોઠણ સુધી નું ફ્રોક પહેરેલું હતું,બે ચોટલા વાળેલા હતા,એક હાથ થી પોતાનું ફ્રોક ખેંચતી એ મોંઘીમાં સામે હસતી હતી.પોતાની આ રાડ નો કોઈ જ પ્રત્યુત્તર મળવાનો નથી એ મોંઘીમાં ને ખબર જ હતી,પણ ફક્ત આ દીકરી ની ખુશી માટે તે કાયમ આમ જ બૂમ પડતા.અને એ પણ પોતાના નામ ની બૂમ સાંભળી બસ બહાર દોડી આવતી.
નાનું એવું ગામ ને ગામ ને પાદર ચોરો.એ ચોરા ની નજીક મા જ ખેમાબાપા નું ઘર.ખેમાબાપ એટલે ગામ ના સરપંચ.તેમના ઘર ની બાજુ મા જ જૂનો ઘેઘુર વડીલ જેવો વડલો,જેની વડવાઈ છેક ઘર ના આંગણા માં ઝૂલે.વડલા થી આગળ વધો એટલે એક મોટો લાકડાનો ડેલો.અંદર પ્રવેશતા જ થોડી કિનારી તૂટેલી લાદી વાળું ફળિયું.જેની એક તરફ તુલસી અને બીજી તરફ ગુલાબ અને મોગરા ના છોડ હતા.એક ઓસરીએ ત્રણ લાઈનબદ્ધ ઓરડા,અને સામે જ સીધું રસોડું,જેના પાણીયારા માંથી આખું ઘર દેખાય.
આજ ઘર માં મોંઘીમાં પરણી ને આવ્યા હતા,અને પેલા કંકુ પગલાં અહીં પાડ્યા હતા.અને પછી તો તેમનું સીમંત,બાળકો નો જન્મ અને તેમનું બાળપણ બધું અહીં જ.અને એ પછી તો આખું ઘર જાણે મોંઘીમાં ની કલા અને આવડત ની છાંટ બની ગયું હતું. મોંઘીમાં પહેલે થી જ સૂઝ વાળા એટલે ઘર ને પણ ખૂબ જ શણગાર્યું હતું.પહેલા બંને ઓરડા ની કાંધી પર પિતળ અને તાંબા ના વાસણો,એ પણ એકદમ ચોખ્ખા અને કલાઈ કરેલા.અને ત્રીજા રૂમ ની કાંધી પર સ્ટીલ ના વાસણો.ઓસરી ની કોરે પોતાની જાતે ભરેલા તોરણ અને ટોડલીયા.પાછા દર દિવાળી એ નવા અને ભાત ભાત ના અલગ બનાવી ને સજાવે.દર દિવાળી એ આખા ઘર ને જાતે જ ચુના થી ઘોળે અને પછી તેમાં ચકલાં અને પોપટ પણ જાતે જ ચીતરે.અને ઉંબરો તો કાયમ કંકુવર્ણ જ હોઈ.
રસોડા ની સજાવટ ની તો વાત જ ના પૂછો,એમના જેવું ચોખ્ખું અને વ્યવસ્થિત તો ગામ આખા માં કોઈ નું રસોડું ના હોઈ.પાછું એક દીવાલ પર ગણપતિ,અને અન્નપૂર્ણા નો ફોટો ચિતરાવેલો.કેમ કે મોંઘીમાં માનતા કે રસોડા માં દેવ નો વાસ હોય તો વિચારો સારા આવે અને રસોઈ પણ સારી બને.અને પાક કલા માં પણ એવા નિપુણ.સાથોસાથ દરેક જાત ની રસોઈ માટે અલગ વાસણો પણ રાખે. માટીના,લોઢા ના,તાંબા ના અને કાસા ના પણ.
ઘર નો એકપણ ખૂણો એમની કલા થી અછૂત નહતો. એમને તો માટી ના કુંડા પર પણ સરસ મજાના ચિત્રો બનાવ્યા હતા.દિવાળી ના દિવા પણ જાતે રંગતા,અને ઘર ના ઉંબરા મા જ પાકા કલર થી રંગોળી પણ કરી હતી.ઘર ના દરવાજા અને બારીઓ પણ એમને ચિત્રો થી સજાવી હતી.
પણ મોંઘીમાં ને આખા ઘર માં કોઈ પ્રિય હોઈ તો એ એમના રૂમ માં રાખેલો પટારો,જેની માથે પોતે જાતે ભરેલી ચાદર ઢાંકી ને રાખી હતી,અને એની માથે વચ્ચોવચ પિતળ ના ઇંઢોંણી નાળિયેર રાખ્યા હતા.આખા દિવસ માં કામ કરતા દસ વાર તેના પર હાથ ફેરવી,અને પિયર ની યાદ વાગોળી લેતા.મોંઘીમાં ના બાળકો ના લગ્ન પણ અહીં આજ ઘર માં થયા હતા.આજ ઘર માં બે રૂમઝુમતી વહુ આવી હતી.
મોંઘીમાં ને બે દીકરા,મોટો રામો અને નાનો ભીખો.રામા ને એક દીકરો અને ભીખા ને દીકરી અને દીકરો બંને.આ રતના તે ભીખા ની જ દીકરી.મોંઘીમાં ને પોતાને પેટ દીકરી નહિ.એટલે આ રતના તેમને બહુ વહાલી,અને રતના હતી પણ એવી મીઠડી અને સમજુ.આખો દિવસ દાદી ની સાથે ને સાથે જ રહે,મોંઘીમાં એ પોતાની બધી આવડત અને સૂઝ આ છોકરી ને નાનપણથી જ શીખવેલા.અને રતના પણ દાદી ની બધી કલા એક જ વખત માં શીખી ગઈ.કેમ કે એ પહેલેથી આવી નહતી.
મોંઘીમાં ને આજે પણ એ ગોઝારો દિવસ યાદ છે, જ્યારે ખેમબાપા અને મોંઘીમાં પોતાના આખા પરિવાર સાથે સતી ના દર્શને જતા હતા.અને રસ્તા માં અકસ્માત નડ્યો,જેમાં ફક્ત મોંઘીમાં અને રતના બે જ બચ્યા.પણ એ અકસ્માત મોંઘીમાં ના જીવન કરતા પણ મન ને વધારે નડી ગયો.બે દીકરા, વહુ,પોત્રો અને પોતાના ધણી ને ગુમાવવાનું દુઃખ ઓછું હોય,એમ આ છોકરી એક એવા આઘાત માં સરી પડી કે જેનો ઈલાજ કોઈ પાસે નહતો.આ અકસ્માત મા જ રતના મૂંગી થઈ ગઈ,અને તેના મગજ પર ની અસરે તેની ઉમર તો વધતી પણ મન અને મગજ નહિ.ખેમબાપા નું ઘર આમ પૈસાપાત્ર એટલે મોંઘીમાં ને એની કોઈ ઉપાધિ નહતી,પણ વર્ષ થવા આવ્યું છતાં રતના ના મગજ માંથી એ અકસ્માત ની અસર ઓછી ના થઇ.ડોક્ટરો એ કીધું હતું,કે એ અચાનક જ એવી રીતે સારી થઈ જશે,જેમ તેની તબિયત બગડી છે.બસ એમને એ જ ચિંતા દિવસ રાત કોરી ખાતી.કેમ કે રતના હવે મોટી થવા લાગી હતી, અને પોતે પણ..
બસ આજ ચિંતા માં એકદિવસ મોંઘીમાં નું અવસાન થયું.રતના ને જીભ તો હતી નહિ,નતો સમજ હતી.એ તો બાઘા ની જેમ ઘર માં ફરતી હતી,પણ ઘણો સમય થવા છતા એની બા ઉઠી નહિ,એટલે ઘર ની બહાર ઉભા ઉભા રોવા લાગી.ગામ ના કોઈ એ પૂછ્યું,તો એને હાથ ખેંચી ને અંદર લઈ ગઈ.અને ત્યારે બધા ને ખબર પડી કે મોંઘીમાં આ દુનિયા માંથી વિદાય લઈ ચુક્યા છે.ખેમાબાપા ની શાખ અને મોંઘીમાં ના સારા વ્યવહાર ને લીધે આખું ગામ અત્યારે એમને ત્યાં હાજર હતું.રતના આમ તો કોઈ ને કઈ
નુકશાન પહોંચડતી નહિ,પણ આજે જ્યારે આટલા માણસો તેના ઘર માં હાજર હતા,તે મુંજાતી હતી,અને એમાં પણ કોઈ મોંઘીમાં એ કરેલી વસ્તુ ને ભૂલ થી પણ હાથ અડાળે તો રાડો પાડતી.
જ્યારે મોંઘીમાં ની અંતિમયાત્રા નો સમય થયો,અને એમને લઈ જવા મા આવી રહ્યા હતા,ત્યારે રતના એ ખૂબ ધમપછાડા કર્યા,એની હૃદયદ્રાવક ચીસો થી શેરીઓ થથરતી હતી,અને એ મૂંગી બા....બા...એવું બોલવા મથતી હતી.પણ જેવા મોંઘીમાં ને ફળિયા માંથી બહાર લઈ જવા માં આવી રહ્યા હતા,ત્યાં જ બા......એક જોરદાર ચીસ પાડી ને રતના બેહોશ થઈ ગઈ.બધા એ પહેલાં તેને સંભાળી,જોગાનુજોગ ગામ ના વૈદ્ય પણ ત્યાં જ હતા,એમને તરત જ નાડ જોઈ ને એક પડીકી આપી. અને જરાવર મા જ રતના ઉભી થઇ ગઇ,પહેલા તો ગામ ના બધા ને જોઈ ને વિચાર માં પડી ગઈ,પણ પછી આંગણા માં રહેલા તેની બાના નશ્વર દેહ ને જોઈ ને જાને ભાન મા આવી હોય તેમ હિબકે ચડી.
બા તમે મને કોના આશરે મૂકી ને જાવ છો?ના જાવ બા.બાપુજી દાદા માં ભાઈ કાકા અને કાકી બધા મને મૂકી ને વયા ગયા.બા હું કોને આશરે રહીશ હવે મારું કોણ બા.મને કોણ કોળિયા ખવડાવસે,મને કોણ બાથ માં લઇ ને સુવડાવશે બા પાછા આવી જાવ બા.આમ કહી ને એને પોક મૂકી.અને એની સાથે આખું ગામ હિબકે ચડ્યું.
પછી તો રતના એ જ તેની બા ને અંતિમ સંસ્કાર કર્યા. અને એ પછી એનું એ ઘર ગામ ની તેના જેવડી છોકરીઓ ને નવું ભરતગૂંથણ અને ચિત્રકામ શીખવવા માટે પ્રખ્યાત થઈ ગયું.રતના એ તેની બાની કલા ને આખા પંથક ની દીકરીઓ મારફત જીવતી રાખી.અને આજીવન એની બા ના એ જ ઘર માં રહી...
એક સ્ત્રી માટે તેનું ઘર એટલે તેની આવડત નો અરીસો તેની કલા નો કુંભમેળો,સ્ત્રી નું હૃદય ઘર ના દરેક અંશ માં ધબકતું હોઈ.જેમ શરીર મા આત્મા,એવી જ રીતે સ્ત્રી વગર નું ઘર પણ નિર્જીવ લાગે છે.
આરતી ગેરીયા....