છૂદણું........ વાર્તા... દિનેશ પરમાર 'નજર '
**************************************
માછલી સાથે જ દરિયો નીકળ્યો
લ્યો રૂણાનુંબંધ પાછો નીકળ્યો
- ધૂની માંડલિયા
**************************************
અમદાવાદથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે પર આવેલા ' જીવન આનંદ' વૃદ્ધાશ્રમમાં આજે પંદરમી ઓગસ્ટના રોજ ધ્વજ વંદનનો કાર્યક્રમ હોઈ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો.
આજે ખાસ બાબત એ હતી કે, અગત્યના કામથી, અમેરિકાથી ભારત આવેલા એન. આર. આઈ. લલિતકુમાર શેઠના વરદ હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો.
લલિતકુમાર પોતે મુળ અમદાવાદના, પણ વર્ષોથી અમેરિકા જઈ વસી ગયા હતા. ત્યાં પોતાની માલિકીની મોટેલ્સ હતી. તેઓને ત્યાં જરુરીયાત કરતા વધુ આવક થતી હોઈ, તેઓ વરસે દહાડે ગુજરાતની જરુરીયાતમંદ, કલ્યાણકારી સંસ્થાઓમાં સારુ એવુ દાન કરતા હતા.
આ વખતે ' જીવન આનંદ' વૃદ્ધાશ્રમના ટસ્ટ્રીઓ દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમમાં પધારવા ખુબ આગ્રહ કરવામાં આવતા, આવા કાર્યક્રમોથી કાયમ દુર રહેતા લલિતકુમાર, તેમના ભાવભર્યા આગ્રહ આગળ ના પાડી ન શક્યા.
' જીવન આનંદ' વૃદ્ધાશ્રમના પટાંગણમાં એક તરફ પુરુષો અને બીજી તરફ મહિલાઓ પોતાની જગ્યા મેળવી બેસી ગયા હતા.
થોડીવારમાં ટસ્ટ્રીઓ, મેનેજર અને અન્ય સ્ટાફ, આમંત્રિત મહેમાન લલિતકુમાર સાથે આવી પહોંચ્યા.
લોકોએ તાળીઓથી તેઓનું અભિવાદન કર્યું. થોડીવારમાં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.
શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવી. પછી વૃધ્ધ પુરુષો અને મહિલાઓ વચ્ચે, અંતાક્ષરી, સંગીત ખુરશી, જુના ફિલ્મી ગીતો ગાવાનો વિગેરે કાર્યક્રમ ચાલ્યો....
પણ.....
એક વાતની નોંધ લલિતકુમારે લીધી, લોકો આવા ઉત્સવપૂર્ણ કાર્યક્રમ હોવા છતાં ચહેરા પર થોડી ઉદાસી જણાઈ આવતી હતી.
શું... કારણ હશે...?
આ વિચાર મગજમાંથી ખંખેરી લલિત કુમાર પોતાના ભુતકાળમાં સરી પડ્યા........
*********
લલિતકુમારનો જન્મ ખાડિયાની મથુરદાસની પોળમાં થયેલો. પિતા વસંતલાલ રતનપોળમાં સાડીઓની દુકાનમાં નોકરી કરતા હતા. બા દેવીબેન ભક્તિભાવ વાળા સવાર સાંજ બે વખત દેવદર્શને જતા.
લલિત નાનો હતો ત્યારે, મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શાળામાં ભણ્યો હતો. તેની બા તેને સારુ ભણાવવા ક્યારેક ખખડાવતી...
પણ....
તેના ઘરથી શરુ થતી પોળના છેવાડે આવેલા મકાનમાં રહેતા નંદુપ્રસાદ તે વસંતલાલના ખાસ મિત્ર, તેમની પત્ની જસુબેનને લલિત બહુ ગમતો. સ્કુલ જતા રસ્તામાં જસુબેનનું ઘર આવે, તે જેવો નીકળે કે જસુબેન, ચોકલેટ, પિપરમિંટ કે બિસ્કિટનુ પડીકું લઈ ઉભા જ હોય. તે દોડીને ઘરમાં જાય અને જસુબેનને બાઝી પડે.
જસુબેનની આંખ અને હૈયુ છલકાઈ જાય.
કારણ એ પણ ખરું.. કે
પંદર-પંદર વર્ષના દામ્પત્ય જીવન દરમિયાન તેમનો બાળક ઝંખતો ખોળો ખાલીને ખાલી રહ્યો હતો.
લલિતને તેની બા ધમકાવતીતો તે જસીબેન પાસે દોડી જતોને કાલી કાલી ભાષામાં ફરિયાદ કરતો. જસીબેન પણ બનાવટી ગુસ્સો કરતા, "એમ...! મારી બહેનપણી દેવી તારી પર ગુસ્સે થાય છે? આજે એની ખેર નથી."
અને કાલ્પનિક આનંદ સાથે લલિત સ્કુલે દોડી જતો.
લલિત જ્યારે આઠમાં ધોરણમાં આવ્યો ત્યારે તેની બા કમળામાંથી કમળી થતાં, ડોક્ટરો બચાવી ન શક્યા અને મોટે ગામતરે ચાલી નીકળી.
પછી તો સ્કુલ સિવાયના સમયમાં, લલિત જસુબેનના ઘરે જ રહેતો ખાતો પીતો, રમતો અને ભણતો. જસુબેન પણ લલિત ને વ્હાલથી " મારો લાલો.. મારો લાલિયો" કહેતા તેમના અંગે અંગમાં સ્નેહની સરવાણી ફૂટતી. સાંજે લલિત, તેના બાપુજી ઘરે આવે તે પહેલાં ઘરે આવી જતો.
પણ....
સાંજે ઘરે આવતા વસંતલાલને, દેવીબેન વગર ઘર ખાવા ઘાતુ.. ઘરમાં અને આસપાસ તેની વેરાયેલી યાદો વસંતલાલ ને ઘેરી વળતી.આખરે થાકી હારીને તે દુર દુર બાપુનગર વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયા.
તેમના ખાસ મિત્ર નંદુપ્રસાદ અને તેમના પત્ની જસુબેને ઘણું સમજાવ્યા, કરગર્યા પણ વસંતલાલ ન માન્યા.
બાપુનગરની સ્કુલમાં બારમાં ધોરણ સુધી ભણ્યા પછી, લલિત આગળ ભણવા બેંગ્લોર ગયો. ત્યાં ગ્રેજ્યુએટ થયા પછી માસ્ટર ડિગ્રી મેળવી લેતા, ત્યાંની કંપની દ્વારા સારુ પેકેજ આપતા ત્યાંજ નોકરી લાગી ગયો.
બાપુજીએ આખી જિંદગી સંઘર્ષ કર્યો હોઈ તેમને હવે આરામ આપવા માટે, બેંગલોર લઈ આવવા જ્યારે તે અમદાવાદ ગયો, ત્યારે તે જેને સતત યાદ કરતો તે જસુબાને મળવાની ઈચ્છા રોકી ન શક્યો.
પરંતુ...
મથુરદાસની પોળની સિકલ દશ વર્ષમાં ફરી ગઈ હતી.જાણવા મળ્યું કે નંદુપ્રસાદને ડાયાબીટીસને કારણે બેઉ કીડની ખલાસ થઇ જતા ગઈ સાલ ગુજરી ગયા છે અને તેમની દવાદારુ પાછળ વધારે ખરચ થઈ જતા, પોતાનું સઘળુ વેચી અને જસુબેન વરસ દાડા પહેલા ક્યાંય ચાલ્યા ગયા છે. , પોતાની માનેલી માને મળવાની ઉત્તેજના, આવેગનો લલિતમાં આવેલ ઉભરો, માના ઘરે લટકતા તાળા પર અથડાઈને વેરવિખેર થઈ ગયો. નાના બાળકની જેમ જ ત્યાં ઘરના પગથિયા પર બેસી ખુબ રડયો.
બાપુજીને બેંગ્લોર લઈ ગયા પછી લગભગ ત્રણેક વર્ષ તેઓ જીવ્યા. એકલા પડેલા લલિતને કંપની તરફથી ત્રણ વર્ષ માટે અમેરિકા મોકલતા,અને ત્રણ વર્ષ પછી ભારત પરત બોલાવતા તે, ત્યાંજ અન્ય કંપનીમાં લાગી ગયો અને સારી એવી કમાણી કરી તે પૈસાથી મોટેલ્સ ખોલી... આ સમય દરમિયાન તે રેણુકા નામની છોકરીના સંપર્કમાં આવતા પરણી ગયો. પરિણામ સ્વરૂપ તે બે દીકરીઓના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
********
ધ્વજ વંદનના કાર્યક્રમ પછી બે શબ્દ બોલવા વિનંતી કરતા, લલિતકુમાર ઉભા થયા અને માઈક પાસે જઈ આજના દિવસના મહત્વ વિષે ત્થા ઉંમર થયા પછી પડતી તકલીફ, પ્રશ્ર્નો વિગેરે બાબતે બોલતા બોલતા અચાનક જ સામે બેઠેલા વૃધ્ધો તરફ જોયું, તે ગુજરાતના બીજા વૃધ્ધાશ્રમોની મુલાકાતે જતા ત્યારે તેમની વ્યાકુળ આંખો જસુબાને શોધ્યા કરતી, અત્યારે પણ એજ રીતે વૃધ્ધો તરફ અને ત્યારબાદ હરોળમાં બેઠેલા ટ્રસ્ટીઓ તરફ ફરી બોલ્યા, "મને એક વાત સમજાઈ નૈ, આજે આપણો રાષ્ટ્રીય તહેવાર છે, પણ આપ લોકોના ચહેરા પર એક પ્રકારની ઉદાસીનતા કેમ છે?"
આટલુ સાંભળતાની સાથે સામે બેઠેલા વૃધ્ધોની આંખમાં આંસુ આવી ગયા. ટ્રસ્ટીઓ પણ ગળગળા થઈ ગયા.
એટલામાં મેનેજર લલિતકુમારની નજીક આવી કાનમાં બોલ્યા, "સાહેબ, આજે સવારે છ વાગે વૃધ્ધાશ્રમના એક વૃધ્ધા ગુજરી ગયા છે. પણ આ કાર્યક્રમ હોઈ ત્થા આપ આવવાના હોઈ, કાર્યક્રમ પછી અંતિમ વિધિ કરવાનુ નક્કી કર્યુ હતુ."
"ઓહ... કંઈ વાંધો નહીં, ચાલો આપણે સાથે મળી તે પુણ્ય કામને પુરુ કરીએ."
******
અંતિમ ધામ પહોંચ્યા પછી લોકોએ, વૃધ્ધાના નિશ્ર્ચેતન શરીરને અંતિમ સંસ્કાર માટે ચિતા પર ગોઠવી, ત્યાર બાદ એક પછી એક, પ્રદક્ષિણા કરી, દર્શન કરી એક તરફ જવા લાગ્યા. એક તરફ ઉભેલા લલિત કુમાર, છેલ્લે પ્રદક્ષિણા કરવા નનામી પાસે આવ્યા, પ્રદક્ષિણા કરતા તેમનુ ધ્યાન જેવુ નનામી ના જમણા હાથ ઉપર ગયુ ત્યાં તે ચમક્યા અને ઉભા રહી ગયા. તેમના મોંઢામાંથી શબ્દો સરી પડ્યા,
" જસુ.......બા…….. ?"
ત્યાં હાજર બધા આશ્ચર્યમાં પડી ગયા. મેનેજર નજીક આવી એટલું બોલ્યા, " હા..આ જ જસુ બા છે.. પણ.. તમે ક્યાંથી ઓળખો એમને..?"
લલિતકુમારને ડૂમો ભરાઈ ગયો. માંડ માંડ એટલું બોલ્યા, " એ મારી જ... બા.. જસુ.."
નાનપણમાં ચોકલેટ, પિપરમીંટ કે બિસ્કિટ ખાતા ખાતા જસુબાના હાથ પર ત્રોફેલા બાલક્રષ્ણના છુંદણાંને જોઈ કાલાઘેલા સવાલો પુછતા , અને વળી માથાપર નાનપણમાં જે હાથ ફર્યો હતો તે જશુબાની નનામીના હાથપર વ્હાલથી હાથ ફેરવતા ફેરવતા બાલક્રષ્ણના ત્રોફેલા છુંદણાંને જોતા લલિતકુમાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા..
જસુબાના પાર્થિવ શરીરને એક દિકરા તરીકે મુખાગ્નિ આપી જ્યારે લલિતકુમાર એક તરફ ઉદાસ ચહેરે ઉભા રહ્યા ત્યારે વૃધ્ધાશ્રમના હાજર લોકો આ અલૌકિક સબંધને મનોમન વંદી રહ્યા...
***********************************