krishna janmashtami... books and stories free download online pdf in Gujarati

જન્માષ્ટમી....

જન્માષ્ટમી .... વાર્તા... દિનેશ પરમાર ' નજર '
****************************************
માછલી સાથે જ દરિયો નીકળ્યો
લ્યો રૂણાનુંબંધ પાછો નીકળ્યો
હું જ મારા ભારથી થાકી ગયો
હું હતો એ 'હું' જ ખોટો નીકળ્યો
-ધૂની માંડલિયા
****************************************
રાજકોટ જુનાગઢ સ્ટેટ હાઇવે નં ૨૬ પર જતા જેતપુર વિસ્તાર પછી, લીલાછમ વૃક્ષોથી અને હરીયાળા ખેતરોથી લહેરાતા, નૈસર્ગિક વાતાવરણના ગ્રીન પટ્ટા પર આવતી આશ્રમ જેવી સંસ્થા 'વાનપ્રસ્થાશ્રમ' જુદી તરી આવતી હતી.
આજે તે વિશેષ રીતે શોભી ઉઠી હતી.એક તો તે, વૃધ્ધાશ્રમ હોવા છતાં પ્રાથમિક દ્રષ્ટિએ તેની રચના, માવજત અને વાતાવરણ કોઈ વિશાળ કુટુંબના આલય જેવો માહોલ ઉભો કરતી હતી.
અને એમાંય આજે 'જન્માષ્ટમી' હોઈ આગળના દિવસે જ રાજકોટથી ઉત્સવની બધી વ્યવસ્થા કરવામાં આવી હતી.
સવારે પ્રાર્થના પતાવી, ચા-પાણી નાસ્તો કરી, વાનપ્રસ્થાશ્રમના વૃધ્ધો અને વૃધ્ધાઓ, વળી મેનેજર ત્થા બધો સ્ટાફ હરખભેર, આશ્રમના ઓરડાઓના પરશાળની લાકડાની થાંભલીઓ ત્થા આગળના મોભ , છત ઉપરની કોતરણીવાળી પેરાપેટ , આશ્રમમાં આગળના ભાગે આવેલ હરિત લોનના વિશાળપટની ધારે ધારે ઉભેલા વૃક્ષો તેમજ મુખ્ય દ્વાર ને, લાલ, પીળા, નારંગી અને ઘણાં બધા કાગળની રંગીન લહેરાતી પટ્ટીઓ અને પતાકાઓથી શણગારવામાં આવ્યા હતા. તો સ્ટાફની બહેનો અને વૃધ્ધ માતાઓ દ્વારા મુખ્ય દ્વારને અને આશ્રમના આગળના ભાગમાં આવેલા ખુલ્લા પરશાળને રંગબેરંગી ફૂલો અને રંગોળી પૂરી શણગાર્યા હતા. તો મેનેજરના કાર્યાલયને અડીને આવેલા પ્રાર્થના-ખંડને, તેમજ તેની મધ્યમાં લાલાનો હિંડોળો પણ સુશોભિત કરવામાં આવ્યો હતો.
પણ....
આ બધી જ આનંદની પ્રવૃત્તિથી, ગુસ્સામાં નારાજ થઈ ટેરેસ પર જઈ ખુરશી નાખીને બેસી ગયેલા જનાર્દનભાઈ આ આશ્રમમાં લગભગ છ મહિના પહેલા આવેલા એમ કહેવા કરતા, રાજકોટ રહેતો તેમનો એક નો એક પુત્ર વ્રજેશ, મૂકી ગયો હતો એમ કહેવુ ઉચિત રહેશે.
તેમને ખુબ ખોટુ લાગેલું અને પુષ્કળ દુઃખ પણ થયેલુ. રાજકોટમાં સ્ટ્રીટ નંબર પિસ્તાલીસમાં ભવ્ય
જાજરમાન બંગલો ધરાવતા અને મવડી રોડ પર ગાયત્રી જનરલ હોસ્પિટલથી આગળ સુપ્રિમ માર્કેટયાર્ડને અડીને બાળકો માટે એક એકથી ચઢિયાતા રમકડાં બનાવતી 'મેઘધનુષ ટોય્સ ક્રિએટિવ પ્રોડક્શન હાઉસ' નામની ફેકટરીનો માલિક હતો તેમનો દિકરો વ્રજેશ.
તેને શું ખોટ હતી...? આર્થિક કે અન્ય કોઈ પણ જાતની તકલીફ નહતી. વહુ હર્ષદા પણ સંસ્કારી મિલનસાર હતી તો પૌત્ર આલોક તો દાદા જનાર્દન વગર રહેતો નહોતો.
છતાં ફરવાને બહાને વાનપ્રસ્થાશ્રમમાં લાવી નજર ચુકવી તે ચાલ્યો ગયો. અને મેનેજરે જ્યારે કહ્યું કે, " જનાર્દનભાઈ તમને તમારો પુત્ર કાયમ અહી રહેવા માટે મુકી ગયો છે."
ત્યારે તેને વિશ્વાસ ન આવ્યો.
પણ...
આવી રીતે જે દીકરો મુકી ગયો હોય તેના ઘરે ગમે તેટલી સાહ્યબી હોય તો પણ પરત જવા ચરણને મનાવવા કઈ રીતે...?
અને એટલે જ જ્યારે જન્માષ્ટમી માટે આશ્રમના લોકો આનંદપૂર્વક તૈયારીમાં લાગ્યા ત્યારે બચપણમાં જેને લાલાની જેમ જ લાડ પ્યાર કરી ઉછેરેલો ત્થા કૃષ્ણ જન્મદિવસે જેને નાનપણમાં તેવાજ કપડાં પહેરાવી મોટો થયો ત્યાં સુધી લાલો બનાવી આનંદ કરાવ્યો એ વ્રજેશ યાદ આવી જતા, તેના દ્વારા કરવામાં આવેલી ઉપેક્ષાની કડવાશને કટાણા ચહેરાથી વાગોળતા વાગોળતા ગુસ્સામાં નારાજ થઈ ટેરેસ પર જઈ ખુરશી નાખી ને બેસી ગયેલા.

**********

ટેરેસ પર બેઠેલા જનાર્દનભાઈ ખિન્ન હ્રદયથી ભુતકાળ વાગોળતા રહ્યા.
રાજકોટના રૈયા રોડ પર અગાઉ રહેતા ત્યારે તેઓ રેંકડીમાં બાળકોના રમકડાં ગલી ગલીમાં ફેરી કરી વેચતા હતા.
તેમના લગ્ન તેમના સમાજમાં ગોંડલ ખાતે થયા હતા. લગ્ન જીવનમાં વર્ષો વીતવા છતાં તેમની પત્ની ત્રિગુણાબેનને બાળક નહોતું આવ્યું. તેઓ બંને નાના ભૂલકાઓ ને ખૂબ વહાલ કરતા.
ત્રિગુણાબેને ઠેઠ પાંત્રીસ વર્ષે પેટ માંડ્યું અને દિકરાનો જન્મ થયો તો કૃષ્ણ સંદર્ભે નામ પાડ્યું વ્રજેશ.
એક તો મોટી ઉંમરે આવેલો અને દેખાવમાં સુંદર એટલે સોસાયટીમાં બધા ખુબ વ્હાલ કરતા, જન્માષ્ટમીને દિવસે સોસાયટીના મેદાનમાં ઉત્સવ દરમિયાન લોકો પોતાના બાળગોપાલને કનૈયો બનાવી લાવતા અને ગરબે ઘુમતા.
સમય પસાર થતો ગયો. જનાર્દન સિત્તેરના થયા ત્યાં સુધી ભણીગણીને તૈયાર થયેલો વ્રજેશ, બાપુજીની સમયાંતરે લીધેલી નાનકડી રમકડાંની દુકાનમાંથી અનુભવને આધારે ' મેઘધનુષ ટોય્સ ક્રિએટિવ પ્રોડક્શન હાઉસ' નામની ફેકટરીનો માલિક બની ગયેલો.હવે ભવ્ય બંગલો પણ રહેવા હતો.
પત્ની ત્રિગુણાના મરણ પછી ઉદાસ રહેતા
જનાર્દનભાઈના જ્યુબિલી બાગના આંટા વધી ગયા.
ત્યાં સિનિયર સિટીઝન ગ્રુપ હતું.
જેમાં જનાર્દનને જેઓ સાથે ખુબ બનતુ તેવા મુકુંદલાલ શેર બજારના કીડા કહેવાતા, રમણલાલ મિસ્ત્રી ફરસાણના જબરજસ્ત શોખીન. અઠવાડિયામાં બે થી ત્રણ વખત ગાંઠીયા ફાફડા જલેબીનો પોગ્રામ હોય હોય ને હોય. પેઢી પર અગાઉ નામુ લખતો ખુશાલ બટકો જોકસ માસ્ટર હતો તે હસાવી હસાવી ને પેટ દુખાડી દે, ત્રિકોણિયા ખૂણે દરજીકામ કરી સાંજ પડે દેશી પોટલી ઠઠાડી રાજાપાઠમાં આવી જતો દશરથ દીલનો ઉદાર નાસ્તાના પૈસા કોઇ પણ મિત્રોને કાઢવા જ ના દે.આ ગ્રુપમાં વળી મીઠુ વેચતો મનસુખ રાજાણી હોય , ને હનુમાન દેરીના પૂજારી દેવલાના બાપા પૂરુષોત્તમ હોય . ગાર્ડનની આ બેઠકમાં રાજેન્દ્ર ફરાસવાલા ના હોય તો અધૂરુ લાગતુ, તે જુના હિન્દી ફિલ્મી ગીતો ગાઈને મનોરંજન કરતો.
ચાહે કોઈ પણ વાર હોય રવિવાર કે તહેવાર...આ મિત્રોને એક પણ દિવસ ગાર્ડનની હાજરી વગર ચેન પડતું નૈ માનો કે મિત્રો અને ગાર્ડનને એકમેકનુ વ્યસન..હતું.. પરંપરિત..?
પણ...
કાળક્રમે...
દેવુ થઈ જતા સટ્ટાકિંગ કહેવાતા મુકુંદલાલે આપઘાત કર્યો...
ફરસાણ પ્રેમી રમણલાલને એટેક આવતા ગુજરી ગયા.
દશરથનું લિવર કામ કરતુ બંધ થઈ જતા તે પણ ના રહ્યો.
હવે ગાર્ડનમાં પૂરુષોત્તમ સિવાય કોઈ દેખાતુ ન હતું.
નપાવટ દિકરો વાનપ્રસ્થાશ્રમમાં મૂકી ગયો ત્યારે તેને અસહ્ય દુઃખ તો થયુ પરંતુ તેના જેવા હમઉમ્ર લોકો અને ખાસ તો બગીચાના જુના મિત્રોને પણ અહીં જોઈ, તેઓના દિકરાઓ અને પોતાના દિકરા સ્વાર્થમાં સરખા જ છે એમ માની મન મનાવી લીધુ અને અહીં ખુશ રહેવા લાગ્યા.
પરંતુ આજે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી સમયે ભુતકાળ અને પુત્ર યાદ આવી જતા ખિન્ન મનથી આશ્રમના ધોબે ચાલ્યા ગયા.

**********

ધાબે પીઠ ફેરવી બેઠેલા જનાર્દન અવાજ સાંભળીને ચમક્યા.
" દા દા..." પીઠ ફેરવી જોયું તો પૌત્ર આલોક, પુત્રવધુ હર્ષદા અને નપાવટ પુત્ર વ્રજેશ....?
તેની પર નજર પડતાની સાથે જ જાણે કરંટ લાગ્યો હોય તેમ ચમકી પગ પછાડી તેઓ ગુસ્સામાં ટેરેસના પગથિયા ઉતરીને મેનેજરની ચેમ્બરમાં જઈ ભરાઈ ગયા.
ઉદાસ થઈ નીચે આવેલા ત્રણે જણને જનાર્દનના જુના મિત્રોએ આશ્વાસન આપી તેઓને પ્રાર્થના-ખંડમાં મોકલી ચર્ચા કરવા લાગ્યા.
ચર્ચા કરી જનાર્દનના મિત્રો ખુશાલ બટકો, મનસુખ અને રાજેન્દ્ર મેનેજરની ચેમ્બરમાં ગયા. સામે બેસેલા મેનેજરને હાથ જોડીને જનાર્દન પાસે ગયા. મનસુખ જનાર્દનના ખભે હાથ મૂકીને બોલ્યો, "તુ નાહકનો છોકરા પર ગુસ્સે ભરાયો છે."
"તને ખબર નથી? મનસુખીયા..." જનાર્દન બેઠા બેઠા જ બોલ્યા.
"અરે... હું.. જાણુ છુ.. પણ હવે મને લાગે છે કે અમારે ત્રણે જણે સોગન તોડવા જ પડશે..."
"એટલે...? શા.. ના... સોગનની તુ વાત કરે છે?" જનાર્દન હજી ગુસ્સામાં હતા.
ત્રણેય જણે એકબીજા સામે જોયુ પછી ઈશારો કરી મનસુખ બોલ્યો," તો તુ ધ્યાનથી સાંભળ હવે...
તારો દિકરો વરસે દહાડે જુદી જુદી સંસ્થામાં સારુ એવુ દાન કરે છે. અહીં પણ કરે છે. તે આશરે છ એક માસ અગાઉ અહી આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેના બગીચાના મિત્રો અમે અહીં છીએ.
વળી તેણે મેનેજરની કેબિનથી અમને, એક બીજાની ઠઠ્ઠા મશ્કરી કરતા, હસતા ગાતા અને ખુશ જોયા. પછી તે અમને મળ્યો અને જે વાત જણાવી તે અક્ષરશઃ આ પ્રમાણે છે, "મમ્મીના ગયા પછી જ્યુબિલી ગાર્ડન, ત્યાંના તમારા જેવા મિત્રો જ બાપુજીને આ ઉંમરે જીવવા માટે હુંફ અને આનંદનુ ઈંધણ છે.
પરંતુ...
છેલ્લા થોડા દિવસથી જાણે ખાલી બગીચો તેમને કોરી ખાય છે અને તેમના ઓરડામાં પણ ઉદાસ રહે છે અને ઘણીવાર એકલા એકલા બબડ્યા કરે છે.
આખી જિંદગી મને ખુશ રાખનાર બાપુજીની આ હાલતથી હું અને હર્ષદા ખુબ દુઃખી અને પરેશાન છીએ.
એટલે સમાજ અને લોકોને જે મને ગાળો દેવી હોય તે દે ને મારી બદનામી થવી હોય તે થાય. પણ બાપુજી અહીં તમારી વચ્ચે, હુંફ, પ્રેમ, આનંદ અને સથવારો મેળવી ખુશ રહેશે એમ મને લાગે છે.
હું કાલે ગમેતે બહાને તેમને અહીં લઈ આવી, મૂકીને છાનોમાનો જતો રહીશ. "
આગળ રાજેન્દ્ર બોલ્યો," અમને ત્રણેને આ વાત તને ના કરવા વ્રજેશે સોગન આપેલા. "
મેનેજર હવે બોલ્યા," જનાર્દનભાઈ રોજ સવાર સાંજ ફોન કરીને તમારા પુત્ર ખબર અંતર પૂછે છે. "
આ બધી વાતોથી અજાણ જનાર્દનની આંખો અને હૈયુ ભરાઈ ગયુ તે ઉઠ્યા અને મિત્રો તરફ ફરી કરગર્યા," મને મારા વ્રજેશ પાસે લઈ ચાલો મારે માફી માંગવી છે હું એકલો નહીં જઈ શકું. "
બધા પ્રાર્થના-ખંડમાં ગયા. જનાર્દન નાના બાળકની જેમ રોતા રોતા બોલ્યા," બેટા માફ કર હું તને ખોટો સમજતો રહ્યો."
"બાપુજી માફી શા ની? ગમે તેટલો મોટો હોઉ પણ છું તો હું તમારો દીકરો જ ને!"
જનાર્દનને આલોક, હર્ષદા અને વ્રજેશ વિંટળાઈ વળ્યા. ત્યાં આવી ચઢેલા લોકોની આંખો આ જોઈ ભરાઈ ગઈ.
મોડે રાત્રી સુધી લોકો હસતા રમતા આનંદ કરતા રહ્યા. જેવા બારના ટકોરા પડ્યા કે કૃષ્ણ ધૂન ગાતા ગાતા ઝાલર, નગારું અને ઘંટનાદથી પ્રાર્થના-ખંડ ગુંજી ઉઠયો.
આરતી બાદ આગળ આવી લાલાને હિંડોળો નાખી ઝુલાવતાં જનાર્દનને, મરક મરક હસતા લાલાની આંખમાં જાણે અજાણે વ્રજેશ દેખાઈ રહ્યો હતો.

****************************************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED