તડપ - ફિલ્મ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તડપ - ફિલ્મ

તડપ

- રાકેશ ઠક્કર

બૉલિવૂડની દર બીજી ફિલ્મ દક્ષિણની રીમેક હોય છે. તેલુગુની ૨૦૧૮ ની 'આરએક્સ ૧૦૦' જેણે યુટ્યુબ પર જોઇ નથી એને તેની રીમેક 'તડપ' જોવી ગમશે. શરૂઆતમાં એક ગરીબ યુવાન અને અમીર યુવતીની લવસ્ટોરી લાગતી આ ફિલ્મમાં અનેક બાબતો છુપાયેલી નીકળે છે. બીજા ભાગમાં ફિલ્મનો ટ્રેક બદલાય છે. પણ અપેક્ષા મુજબ ઝડપથી આગળ વધતી નથી. ૨ કલાક ૧૦ મિનિટની ફિલ્મ જોતાં થાક લાગે છે. નિર્દેશક મિલન લુથરીયાએ સુનીલ શેટ્ટીના પુત્ર અહાનને ચમકાવવા જ રીમેક બનાવી છે. તેને એક્શન અને રોમાંસના હીરો તરીકે રજૂ કર્યો છે. અહાન શેટ્ટીની 'તડપ' ના નિર્માણ પછી નવાઇની વાત એ છે કે જ્યારે કોઇ નવોદિત હિન્દી ફિલ્મોનો સ્ટાર બનવા માગે છે ત્યારે અન્ય ભાષાની રીમેકની શરણમાં જાય છે. 'તડપ' માં સુનીલ શેટ્ટીના પુત્ર અહાનનો અભિનય જોઇને કોઇપણ કહેશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જેટલા સ્ટારપુત્ર લોન્ચ થયા છે એમાં અહાન સૌથી શ્રેષ્ઠ છે. અભિનયથી જ નહીં લુકથી પણ પ્રભાવિત કરે છે. તેણે તેલુગુની 'આરએક્સ ૧૦૦' ની રીમેકથી શરૂઆત તો કરી છે પણ લાંબા સમય સુધી બૉલિવૂડમાં ટકી રહેવા ફિલ્મની પસંદગીમાં સાવધાની રાખવી પડશે. તેણે 'હીરોપંતી' અને 'કબીર સિંઘ' પ્રકારની ફિલ્મોથી દૂર રહેવું પડશે. અહાનની સાથે તારા સુતારિયાની કેમેસ્ટ્રી જબરદસ્ત છે. તારાએ સાબિત કર્યું છે કે તે માત્ર ગ્લેમર ગર્લ બનીને રહેવાની નથી. અભિનેત્રી તરીકે સારું નામ કમાશે. તેણે છેલ્લી બે ફિલ્મોથી અલગ ભૂમિકા કરી છે. તેના માટે સૌથી પડકારરૂપ ભૂમિકા હતી. કેમકે 'આરએક્સ ૧૦૦' ની હીરોઇનને તેની સફળતાની ક્રેડિટ મળી હતી. અહાનના પિતાની ભૂમિકામાં સૌરભ શુક્લાનો જવાબ નથી. તારાના પિતા તરીકે કુમુદ મિશ્રા પણ છાપ છોડી જાય છે.

ફિલ્મમાં ઇશાના (અહાન શેટ્ટી) પોતાના પિતા (સૌરભ શુક્લા) સાથે રહે છે. અને રાજકારણી દામોદર (કુમુદ મિશ્રા) ના તે નજીકના સાથી હોય છે. તે ચૂંટણી લડતા હોય છે. તેમની લંડનથી આવેલી પુત્રી રમીસા (તારા સુતારિયા) સાથે ઇશાનાને પ્રેમ થઇ જાય છે. બંને એકબીજાને ઝનૂનથી પ્રેમ કરે છે. રમીસાના પરિવારને આ વાતની ખબર પડે છે ત્યારે ગરીબ ઇશાનાને બદલે બીજા યુવાન સાથે લગ્ન કરાવે છે અને લંડન મોકલી આપે છે. પરંતુ ઇશાના રમીસાને ભૂલાવી શકતો નથી અને એ ગુસ્સો તેના પરિવાર પર ઉતારે છે. તે પોતાનો પ્રેમ મેળવવા કોઇપણ હદ સુધી જઇ શકે છે. પણ એમના પ્રેમમાં એક જબરદસ્ત વળાંક આવે છે અને ઇશાનાની જિંદગી બદલાઇ જાય છે.

નિર્દેશકે વાર્તા અને પટકથા કરતાં હિંસાના દ્રશ્યોને વધુ લોહિયાળ બનાવવા પર ધ્યાન આપ્યું છે. જોકે મૂળ તેલુગુ ફિલ્મથી હિંસા ઓછી છે. અલબત્ત ગીત-સંગીત રાહત આપે છે. ઘણા સમય પછી અરિજિત સિંઘ અને ઝુબિન નોટિયાલના અવાજને સાંભળવા તડપતા તેના ચાહકો ખુશ થઇ જશે. તુમ સે ભી જ્યાદા, તેરે શિવ જગ મેં વગેરે ચારેય રોમેન્ટિક ગીત સાંભળવા ગમે છે. છેલ્લા થોડા સમયમાં આવેલી આ એક એવી ફિલ્મ છે જેના ગીતો વાર્તામાં અવરોધરૂપ બનતા નથી. બલ્કે વાર્તાની સ્થિતિનું પણ બયાન કરે છે.

ફિલ્મમાં 'નમક કા દાના મુંહ મેં રખેગા તો હર ચીજ ખારી લગેગી' અને બેટા કાબૂ મેં નહીં, કાબિલ હોના ચાહીએ' જેવા સંવાદ રંગ જમાવે છે. મસૂરીના કુદરતી સૌંદર્યને સિનેમેટોગ્રાફરે સરસ રીતે કેદ કર્યું છે. ફિલ્મના સૌથી મોટા માઇનસ પોઇન્ટમાં વાર્તા જૂની લાગે છે. ફિલ્મ દર્શકોને ભાવનાત્મક રીતે જોડી શકતી નથી. આજના જમાનામાં કોઇ છોકરો કોઇ છોકરી માટે આ હદ સુધી જઇ શકે એ માનવું મુશ્કેલ છે. નિર્દેશકે તારા પાસે 'જમાના બદલ ચુકા હૈ, અબ ઐસા નહીં હોતા...' સંવાદ બોલાવ્યો છે પણ પોતે જ એનો અમલ કર્યો હોય એવું લાગતું નથી. અને અંત દિલચસ્પ હોવા છતાં ઝડપથી પૂરો કરી દીધો હોવાથી અસર મૂકી જતો નથી. અહાન અને તારાની જોડી માટે એક વખત જરૂર જોઇ શકાય એવી ફિલ્મ છે.

('ચિત્રલેખા' મેગેઝીનની વેબસાઇટ પર બૉલિવૂડના કલાકારોના જીવનની ઓછી જાણીતી અને રસપ્રદ વાતો વાંચવા માટે લેખક રાકેશ ઠક્કરની કોલમ 'બૉલિવૂડ કી બાતેં' આપ વાંચી શકો છો.)