Punjanm - 51 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 51


પુનર્જન્મ 51




ભારતીય સમય પ્રમાણે સવારે આઠ વાગે મી.રોયે એનો રિપોર્ટ તૈયાર કરી ચેક કર્યો. અને મોનિકાને મેઇલ કરી દીધો. મોનિકા એની કાગડોળે રાહ જોતી હતી. ઘટનાનો પૂરો રિપોર્ટ હતો. જે બન્યું હતું એ જ હતું. કેટલીક ઘટનાની અંદર લની વાત પૂરી નહતી. પણ એ સહજ હતું. ડિટેકટિવ માટે ઘટના જાણવી આસાન છે પણ ઘટના કેમ બની એ કહેવું થોડું કઠિન છે. મોનિકાને હાશ થઈ. અનિકેત એની નજરમાં ખરો ઉતર્યો. એને ગૌરવ હતું એના ભાઈ પર. એણે મી.રોયને ફોન લગાવ્યો અને બળવંતરાય અને અનિકેત પર નજર રાખવા સૂચના આપી.
મેઈલ વૃંદાએ વાંચ્યો. એને પણ હાશ થઈ. એને કોઈ રસ્તો નીકળવાની શકયતા દેખાઈ. આજે મોનિકાનો કોઈ પ્રોગ્રામ નહતો. બન્ને ફરવા જવાનું વિચારતા હતા. અનિકેતને સાંજે ફોન કરવાનો હતો.
એટલામાં સર્વીસ ફોન પર રીંગ આવી. વૃંદાએ કોલ રિસીવ કર્યો. એણે મોનિકાને કહ્યું કોઈ અમોલ નામનો વ્યક્તિ મળવા માંગે છે. મોનિકા એ ના પાડી. એ વ્યક્તિ એ કહ્યું એ વિશ્વજીતનો ભાઈ છે. મોનિકાએ ફક્ત દસ મિનિટનો સમય આપ્યો. ફક્ત ત્રણ મિનિટમાં એ હાજર થઈ ગયો. મોનિકા એને જોઈ રહ્યો. રંગ રૂપ બધી રીતે એ વિશ્વજીત જેવો જ હતો. અને હાસ્ય પણ એવું જ નિર્દોષ. એ આવીને બેઠો. પાછળ જ બેરર કોફી અને સેન્ડવીચ મૂકી ગયો.
એણે મોનિકાને જોઈ અને આશ્ચર્યમાં પડી ગયો. એ બોલ્યો.
" અરે મોનિકાજી આપ. મને તો માન્યામાં નથી આવતું. "
" તો તમે અહીં મળવા કોને આવ્યા હતા? "
" ખોટું ના લગાડતા, હું એક્ચ્યુઅલી એક ફિલ્મના શુટિંગ માટે આવ્યો છું. એઝ એ આસીસ્ટન્ટ ડાયરેકટર. મારે એક એડનું શૂટિંગ કરવું હતું. મારા ડાયરેક્શનમાં. મેં ગઈ કાલે આ બહેનને લોંન્જમાં જોયા હતા. મને એ એડ માટે યોગ્ય લાગ્યા. એટલે જો એ હા પાડે તો એમનો સ્ક્રીનટેસ્ટ કરવો હતો. "
મોનિકા વૃંદા સામે જોઈ રહી. વૃંદાને કંઈ સમજ ના પડી.
" વૃંદા, આ તને એડ ફિલ્મમાં લેવા માંગે છે. જવાબ આપ. "
" મને આમાં કાંઈ ખબર ના પડે. તમે જેમ કહો તેમ. "
મોનિકાએ આખી વાત સમજી. કોન્ટ્રાક્ટ, રૂપિયા વગેરેની વાત કરી અને આખરે અમોલને કહ્યું....
" વૃંદા મારી બહેન છે. એને ફિલ્મો કે પૈસાની જરૂર નથી એટલે એની સાથે કોઈ ગેરવર્તન ના થાય. અને એ એકલી નહિ આવે. જ્યારે હું ફ્રી હોઉં એ તારીખ મળશે. "
" ઓ.કે.... મોનિકાજી જો આજે એ સ્ક્રીનટેસ્ટ આપી દે તો તમે કહો એ તારીખ નક્કી કરી લઈએ. મારે ત્રણ દિવસનું જ કામ છે. "

*** *** *** *** *** *** ***
મોનિકા અને વૃંદા ફ્રી થયા. વૃંદા સ્ક્રીનટેસ્ટમાં પાસ થઈ ગઈ હતી. મોનિકાએ યુ.એસ.એ.ના રોકાણના ત્રણ ફ્રી દિવસ અમોલને આપી દીધા હતા.
ભારતીય સમયના સાંજના પાંચ વાગે મી.રોયે બીજો મેઈલ મોનિકાને કર્યો. એમાં સ્નેહા અને અનિકેતની હોસ્પિટલમાં મુલાકાત અને સ્નેહાનું ગુસ્સામાં હોસ્પિટલ છોડી જવાની માહિતી હતી. વાત શું થઈ એ ખબર ના પડી. બીજા મુખ્ય સમાચાર એ હતા કે બળવંતરાયે એક કલાક પહેલાં જ પ્રેસ કોંફરન્સ કરી રાજકારણમાંથી નિવૃત્તિની ઘોષણા કરી છે. એમને પાર્ટી તરફથી આ એક ચૂંટણી લડવા ખૂબ આગ્રહ કરાઈ રહ્યો છે. પણ એ એમની વાતમાં મક્કમ હતા.
મોનિકાએ અનિકેતને વિડીયો કોલ કર્યો. અનિકેતને ખબર હતી વિડ્યો કોલ આવશે જ. કેમકે મોનિકાને આખા ધિંગાણાંની ક્યાંકથી તો ખબર પડશે જ.
" હેલો. "
" યસ, બોલ મોનિકા. "
" કેમ છે ? "
" બસ, મઝામાં છું. "
" બહુ વાગ્યું તો નથીને? "
" ના, આઈ એમ ઓ.કે. "
" સ્નેહા કેમ છે ? "
આ સવાલ અનિકેત માટે અપ્રત્યાશીત હતો.
" જાસૂસી સારી કરે છે. "
" ભાઈ, બહેનથી વાત છુપાવે તો જાસૂસી કરવી પડે. સ્નેહા કેમ છે ? "
" મજામાં. "
" હોસ્પિટલમાંથી એ નીકળી ત્યારે બહુ ગુસ્સે હતી. "
" તું આવ પછી વાત કરીશું. "
" ઓ.કે.. તારા માટે અહીંથી શું લાવું ? "
" તું આવ... બસ એ બહુ છે. હું તારી રાહ જોઉં છું. "
" ઓ.કે. ટેઈક કેર. ગુડ નાઈટ. "
" ગુડ નાઈટ. "

** ** ** ** ** ** ** **

સ્નેહા એ ટી.વી.માં સમાચાર જોયા. એના પિતાએ રાજકારણમાંથી સન્યાસ લઈ લીધો હતો. ટી.વી. પર એમનો એક અલગ જ ચહેરો સ્નેહાએ જોયો. બાકી આવી મારામારીથી એના બાપુ ડરે એમ નહતા. સ્નેહાએ પોતાનો જમણો હાથ જોયો. એ હાથ હજુ અનિકેતના સ્પર્શથી રોમાંચિત હતો. એ હાથમાં અનિકેતના શરીરની સુગંધ આવતી હતી. કેટલા વર્ષ પછી એ સ્પર્શ અનુભવ્યો. એને મહેંદી મુકતા સરસ આવડતું હતું.. એ બધાને મહેંદી મૂકી આપતી હતી. એણે એક મહેંદીનો કોન હાથમાં લીધો. બીજા હાથમાં ઉલટો એ લખ્યો અને દર્પણ સામે ધરી એ જોઈ રહી.

** ** ** ** ** ** ** ** **

અનિકેત માટે હવે ચૂંટણીનું કોઈ મહત્વ રહ્યું ન હતું. અજયસિંહ પણ હવે જીત માટે નિશ્ચિત હતા. અનિકેતના કાનોમાં સ્નેહાના શબ્દો અથડાતા હતા. ચામડીના મોહ એટલા હતા કે માને દુઃખી કરનારને માફ કરી દીધો. માથામાં હથોડા વાગતા હતા. મગજ ફાટ ફાટ થતું હતું. મન થતું હતું કોઈ રેલવે ટ્રેનના પાટા પર ગાડી નીચે માથું મૂકી દઉં......

(ક્રમશ:)

31 ઓક્ટોબર 2020


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED