પુનર્જન્મ - 52 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 52



પુનર્જન્મ 52



વૃંદાની એડ કમ્પલિટ થઈ ગઈ. મોનિકા જોતી હતી કે વૃંદાને એકટિગમાં તકલીફ પડતી હતી. પણ અમોલ એને ખૂબ સપોર્ટ કરતો હતો. પહેલી મુલાકાત ગાઢ થતી જતી હતી. વૃંદાની સરખામણીમાં અમોલ એટલો રૂપાળો નહતો, પણ મોનિકા એમાં કંઈ પડવા નહોતી માંગતી. વૃંદા મોડે સુધી ચેટ કરતી. મોનિકા એના ભાવ સમજી શકતી હતી.
મોનિકાનો યુ.એસ.એનો પ્રોગ્રામ હીટ રહ્યો. આયોજકો બીજા દસ પ્રોગ્રામની ઓફર લઈને આવ્યા. ફક્ત મોનિકાએ થોડા દિવસ વધારે રોકાવું પડે એમ હતું. પણ મોનિકાએ સ્પષ્ટ ના પાડી દીધી. ડેટ્સનો પ્રૉબ્લેમ બતાવ્યો. આયોજકોએ વળતર વધારે આપવાની ઓફર મૂકી પણ મોનિકા ન માની. આયોજકોને મોનિકાનું વર્તન અજબ લાગતું હતું. મોનિકાને હવે ઘરે જવું હતું. એને અનિકેતની ચિંતા થતી હતી.

** ** ** ** ** ** **

કેનેડાના મોંટ્રિયલ શહેરના એરપોર્ટ પર ફલાઇટ ઉતરી. હોટલ એડવેન્ચર ઇનમાંથી ગાડી મોનિકાને લેવા આવી હતી. મોનિકા અને વૃંદા ગાડીમાં બેઠા. વૃંદા મોનિકાને અને આ શહેરોની જાકમઝોળને જોઈ રહી હતી. એ વિચારતી હતી પૈસામાં ખરેખર આટલી તાકાત છે? મોનિકાના લીધે એને આખું યુ.એસ.એ. ફરવા મળ્યું. મોનિકાએ સાથે રહીને એને બધે ફેરવી હતી. મોનિકાના લીધે એ ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ. અને મોનિકાને લીધે એને બધે સ્પેશિયલ ટ્રિટમેન્ટ મળી. પણ એ જ પૈસો મોનિકાને ખુશ કેમ નથી રાખતો. મોનિકા વારંવાર ક્યાં ખોવાઈ જાય છે?

હોટલના બારમા માળે બન્ને પ્રવેશ્યા. મોનિકાએ મોબાઈલમાં સેવ કરેલા, રોયે આપેલા એડ્રેસ પર નજર નાખી. મોનિકા થાકી હતી. એ બેડમાં આડી પડી. એને ઉંઘ આવી ગઈ. વૃંદાના ફોન પર અમોલનો મેસેજ આવતો હતો. એ ગેલેરીમાં ગઈ. એણે સામો મેસેજ કર્યો. સામેથી અમોલનો કોલ આવ્યો.
" આઈ એમ ઓલસો ઇન મોંટ્રિયલ, ક્યારે મળે છે. "
" દીદીની પરમિશન વગર હું નહિ મળું. "
" તારી દીદી કોઈ દિવસ રામ નહિ બોલે. જડસુ. "
" જો મારી દીદી વિશે એક પણ વાક્ય, સોરી એક પણ શબ્દ આડોઅવળો કહ્યો તો હું તમારી સાથે ક્યારેય વાત નહિ કરું. આઈ લવ માય દીદી. "
" ઓ.કે...ઓ.કે... આઈ એમ રિયલી સોરી. પણ ટ્રાય તો કરીશ ને? "
" હા, ચોક્કસ.. "
" ખોટું ના લગાડતી, એક વાત કહું? "
" બોલો. "
" આઈ લવ યુ. "
" બાય. "
વૃંદાએ ફોન કાપ્યો. એનું હદય જોર જોરથી ધડકતું હતું.

** ** ** ** ** ** ** **

એક દસ વર્ષનો છોકરો અડાબીડ ઘનઘોર જંગલમાં ભૂલો પડ્યો હતો. આડી અવળી પથરીલી કેડી પર એ આગળ વધતો હતો. રસ્તો ખબર નહતો, બસ કેડીએ કેડીએ એ ચાલ્યો જતો હતો.
ઘનઘોર જંગલના પિચાશી જંગલી પ્રાણીઓને માનવ લોહી માંસની સુગંધ આવતી હતી. એ પ્રાણીઓ ઉભા થયા. પરસ્પર સંપ કરી એ આગળ વધ્યા.
અચાનક એ છોકરો ઉભો રહી ગયો. સામે મોત ઉભું હતું. એ છોકરો પાછો પડ્યો. પાછળ એક ઘરઘરાટી થઈ. એ છોકરાએ પાછળ જોયું. ચારે તરફ જંગલી પ્રાણીઓ હતા. એ ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો. એના હાથ પગ કાંપતા હતા. એના ગળામાં શોષ પડતો હતો. એને એક જ નામ યાદ આવ્યું.

" દીદી ........ દીદી..... મોનિકા.... "
" અનિકેત ..... હું આવું છું વીરા .... "
મોનિકાની આંખ ખુલી ગઈ. એનું આખું શરીર પસીનાથી તરબતર હતું. એ કાંપતી હતી. વૃંદા બાજુમાં સૂતી હતી. રાતનો દોઢ થયો હતો. એને અનિકેતની ખૂબ ચિંતા થતી હતી. એને કેટલું વાગ્યું હશે? ફરી કોઈ મગજમારી તો નહિ થાય ને? સ્નેહા કેમ ગુસ્સામાં ચાલી ગઈ? અનિકેત કંઈ આડુંઅવળું તો નહિ કરે ને ? ના... ના... એ ઉભી થઇ. બહાર ગેલેરીમાં જઇ ચેર પર બેઠી. બહાર ખૂબ જ અવરજવર હતી. ચકાચૌન્ધ લાઇટો દિવસનો અહેસાસ કરાવતી હતી. એ આજે જમી ન હતી. એને ભૂખ લાગી હતી. પણ એને મન નહતું. એ વિચારોમાં ખોવાયેલી ત્યાં ચેર પર જ સુઈ ગઈ.

** ** ** ** ** ** **

સવારે વૃંદા ઉઠી ત્યારે મોનિકા બહાર ચેર પર સૂતી હતી. મોનિકા એ રાત્રે ખાધું ન હતું. વૃંદાને સમજાતું નહતું કે શું ચાલી રહ્યું છે.
સાડા આઠની આસપાસ મોનિકા ઉઠી. મોનિકા ચહેરા પરથી બીમાર લાગતી હતી.
" દીદી, તબિયત સારી છે ને ? "
" હા, સારી છે. "
" રાત્રે કંઈ ખાધું નથી, નાસ્તો કરી લો. "
" વૃંદા આજે મન નથી. એક કામ કરજે. હું આજે થોડા કામથી બહાર જાઉં છું. તું અહીં જ રહેજે. "
" દીદી, જિજુ એ કહ્યું છે તમને એકલા નથી મુકવાના. "
મોનિકા વૃંદા તરફ જોઈ રહી.
" આજનો દિવસ. એક કામ છે. તું ચિંતા ના કરતી. "
" દીદી, એક વાત કરવી હતી. "
" બોલ. "
" અમોલ અહીં જ છે. મને મળવા માંગે છે. જો તમે હા પાડો તો હું જાઉં. "
" વૃંદા, તું પુખ્ત છે. સારું ખોટું સમજી શકે છે. તારું ધ્યાન રાખજે. "
વૃંદાના સાઈલન્ટ ફોનની સ્ક્રીન લાઈટ વારંવાર ચમકતી હતી.
" અમોલનો ફોન આવતો લાગે છે. વાત કરી લે. "
વૃંદા શરમાઈ ગઈ. એ ફોન લઈ ગેલેરીમાં ગઈ.
** ** ** ** ** ** ** ** **

અગિયાર વાગે અમોલ આવ્યો. વૃંદા સરસ તૈયાર થઈ હતી. મોનિકાની હાજરીમાં એ લજાતી હતી. મોનિકાને પોતાની માતા યાદ આવી. મોનિકાને એવું લાગ્યું પોતે એક માતાના રોલમાં છે. મોનિકાના બહેન હોવું વૃંદા માટે ગૌરવપ્રદ હતું.
મોનિકાએ અમોલને નાસ્તો કરીને જવાનું કહ્યું, પણ અમોલ જલ્દી વૃંદાને લઈ બહાર જવા માંગતો હતો. એણે કહ્યું.
" અત્યારે ભૂખ નથી. અમે બહાર જમી લઈશું. "
મોનિકા વૃંદાને દરવાજા સુધી મુકવા આવી.
જે સ્નેહાના કારણે વૃંદાને અનિકેતની ઓળખાણ થઈ, અનિકેતના કારણે મોનિકાની ઓળખાણ થઈ અને અહીં આવવા મળ્યું એ સ્નેહા ક્યાંક ગુમનામ હતી. અને પોતે...
સમય જ કદાચ બળવાન રહેતો હશે.
(ક્રમશ:)
01 નવેમ્બર 2020