પુનર્જન્મ - 3 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 3

પુનર્જન્મ 03
મહોલ્લાના નવરા લોકો પોતાને દરવાજે આવી અનિકેતને કુતુહલ થી જોઈ રહ્યા હતા.
જે ઘરને મા ગાયના છાણથી લીંપીને સજાવતી હતી , જે ઘરના આંગણામાં એ મા ના ખોળામાં સુતા સુતા વાર્તા સાંભળતો હતો અને મા એનો પ્રેમાળ હાથ માથે ફેરવતી હતી , જે ઘરમાં બહેન જોડે ઝગડો કરી કોઈ ખૂણામાં રિસાઈને એ છુપાઈ જતો હતો , અને બહેન શોધવા નીકળતી હતી ,જે ઘરના આંગણામાં મા દિવાળીમાં દીવા પ્રગટાવતી અને પોતે બહેન સાથે મળીને ફટાકડા ફોડતો. એ ઘર....
એ ઘરના આંગણામાં કોઈ એ ઘાસના પુળા ભર્યા હતા. દિવાલોમાં ઘાસ ઊગી ગયું હતું.. છાણથી લીંપી સજાવેલ આંગણામાં ખાડા પડી ગયા હતા. એ મન કાઠું કરી અંદર પ્રવેશ્યો. અંદર આંગણું પસાર કરી ઘરના દરવાજે આવ્યો. વર્ષોથી કટાયેલું તાળું પોતાની જર્જરિત અવસ્થાની લાચારી વ્યક્ત કરતું લટકતું હતું. એણે ખૂણા માં પડેલ લોખંડના કટાટેલા ટુકડાથી તાળાં પર ઘા કર્યો. અને સમયની થાપટો સામે કમજોર પડેલું એ તાળું તૂટી ગયું.
એ ઘરમાં પ્રવેશ્યો. ઘરની હાલત સાવ બદતર હતી. નીચેનું લીંપણ અને એની દિવાલો પરના લીંપણના પોપડા ઉખડી ગયા હતા. બંધ ઘરના કારણે ઘરની અંદર ભેજની વિચિત્ર વાસ આવતી હતી. ભેજને કારણે મચ્છરો પણ ખૂબ જ હતા..જુના જમાનાના એ ઘરમાં પહેલા રૂમ માં આગળ રસોડાનો ભાગ બનાવેલ હતો. અંદર બીજો એક રૂમ હતો અને પાછળ એક વાડો હતો. બધાની હાલત એવી જ હતી.
પહેલા રૂમમાં એક ફોટો લટકી રહ્યો હતો. એ એકીટશે એ ફોટાને જોઈ રહ્યો. બા , બાપુજી , બહેન અને પોતે... પોતાનું નાનકડું કુટુંબ. બધું જ વિખરાઈ ગયું. એની આંખમાં પાણી આવી ગયા. એક બાજુ નાનકડું મંદિર હતું. એમાં ભગવાન હતા. વર્ષો થી અપુજ. પોતાની જેમ. એરબેગમાં એ કેટલોક સામાન લઈને આવ્યો હતો. એણે મંદિર સાફ કર્યું. એક દિવી પડી હતી. મા જેમાં દીવો કરતી હતી. એણે એ દિવી સાફ કરી. અને દીવો પ્રગટાવ્યો. આંખમાં આંસુ સાથે એ ભગવાનને હાથ જોડીને ઉભો રહ્યો.
પાછળ કોઈની આહટ અનુભવાઈ. એણે પાછળ જોયું. જમના માસી અને મગન આવીને ઉભા હતા. જમના માસી એની બાની સગી બહેન હતી અને અનિકેત ના કાકી પણ થતા હતા. બન્ને બહેનો એક જ ઘરમાં પરણી હતી. મગન એમનો દીકરો હતો. હજુ હવે 18 નો થયો હતો. જમના માસી માટે અનિકેત પુત્રથી વિશેષ હતો. વર્ષો પછી એમણે અનિકેતને જોયો. અને બહેનના વિખરાયેલા ઘરના એક માત્ર અંશને જોઈ એ આઘાત સાથે આનન્દની લાગણી અનુભવતા આગળ વધ્યા.
આંખમાં આંસુ સાથે અનિકેત માસીને વળગી પડ્યો. કોણ કોને આશ્વાસન આપે. હદય પર ઉદાસી અને એકલતાનું ઝાળું આંસુઓથી કદાચ ધોવાતું હશે.
' બેટા , ક્યારે આવ્યો. ' માસી પૂછવા માંગતા હતા કે જેલમાંથી ક્યારે છૂટ્યો. પણ એ એવું પૂછી ના શક્યા.
' માસી , કાલે છૂટ્યો. આજે જ અહીં આવ્યો. '
' સારો તો છે ને ? '
' હા , માસી. પણ માસી આ ઘર... આને સરખું કરવા કોઈ મળશે ? '
' બેટા , એમ સમજજે કે એ લડાઈ તારે એકલાએ લડવાની છે. તારી પડખે હોવા છતાં હું કંઈ કરી નહિ શકું. આખું ગામ એક બાજુ છે. કદાચ તારા કાકા પણ. અને તું સમજી શકે છે મારી મજબૂરી. '
' માસી , કંઈ વાંધો નહિ. તમારા આશીર્વાદ મારી સાથે હશે તો હું બધું ફોડી લઈશ. ઘર માં લાઈટ , પાણી નું કેવું છે ? '
મગન : ' ભાઈ , જૂનું કનેક્શન તો છે જ , પાણીમાં તો નળ જ નવા નાખવા પડશે. લાઈટ માટે કનેક્શન ચાર્જ ભરી દો. ત્યાં મારો મિત્ર જ છે. હું એને કહી લાઈટ ચાલુ કરાવી દઈશ. '
અનિકેત ભાઈ ને જોઈ રહ્યો. અને બહેન યાદ આવી ગઈ.
' ક્યાં મરી ગઈ. ઘરમાં ટાંટિયો ટકતો જ નથી. કેટલી વાર કહ્યું એ કપાતર જોડે આપણો ન્હાવા નિચોવાનો કોઈ સબંધ નથી. એ નાલાયક એ દિવસે જ મરી ગયો હતો જ્યારે એણે ઘરનું નામ બોળ્યું હતું. '
કડવાહટ , તિરસ્કારથી ભરેલો , ગામ વાળા સમક્ષ પોતાનો ઉપહાસ કરતો એ અવાજ અનિકેતના કાકા રમણભાઈ નો હતો.
અનિકેતે 2000 રૂપિયા કાઢ્યા...
' મગન , લાઈટ ચાલુ કરાવી દઈશ. '
યુવાની ને ઉંબરે પગ મુકતો એ યુવાન ભાઈ ની વ્યથા સમજતો હતો.2000 લઈ એણે ગજવામાં મૂકી દીધા.

****************************

કોઈપણ સમાજ કે સોસાયટીમાં કેટલાક સ્થાપિત હિતો હોય છે. એ લોકો પોતાના સ્વાર્થને સાધવા અને પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા એક ટુકડીની રચના કરે છે. જે ભેગા થઈ એ અઘોષિત કબ્જો સમાજ કે સોસાયટી ના લોકો પર જમાવે છે. આ 10 % લોકોને બાકીના નિર્બળ , સ્પાઇનલેસ , ચાપલુસી કરનારા લોકો સરેન્ડર થાય છે. અને પોતાની આ નિર્બળતાને છુપાવવા એને નિષ્ઠા અને વફાદારીનું મહોરું ચડાવે છે. પણ સત્ય તો એ છે કે એ કરોડરજ્જુ વિહીન લોકોમાં એ સ્થાપિત હિતો સામે લડવાની કે ઉભા રહેવાની તાકાત હોતી જ નથી. અને જો કોઈ એકાદ માણસ આ લોકો સામે ઊભા થવાની કોશિશ કરે તો પોતાના સામ્રાજ્યને બચાવવા એનો સામાજિક બહિષ્કાર કરી એને ખતમ કરવાનો રસ્તો આ લોકો અપનાવે છે.
અનિકેત ના કાકા ને બહિષ્કૃત નહોતું થવું. માટે એમણે એ સ્થાપિત હિતોનું વર્ચસ્વ સ્વીકારી લીધું હતું. અને આ આખી લડાઈ અનિકેત ને લડવા ની હતી. એકલા.
***************************
હોટલ પર એ આવ્યો ત્યારે નવ વાગ્યા હતા. એ સીધો ન્હાવા ચાલ્યો ગયો. સ્નાન કરી કપડાં બદલી એ જમવા ગયો. કાઉન્ટર પર માઈકલ બેઠો હતો. થોડી વાર માઈકલ સાથે વાત કરી એ રૂમ માં આવ્યો. રોડ સાઈડ ની ગેલેરી માં જઈને એ બેઠો.
રોડ પરની અવરજવરને એ જોઈ રહ્યો. જીવનમાં ઘટનાઓની અવરજવર પણ આવી રીતે જ થતી હશે. સમાજ.. છી... ધિક્કાર છે એ સમાજ ને. જેનામાં સત્ય સુધી પહોંચવાની શક્તિ કે ઈચ્છા જ નથી. ફક્ત આગળ પડતા લોકોને પોષતા લોકોનું ટોળું એટલે સમાજ. સ્પાઇનલેસ... ખેર.. જોયું જશે. હાલ તો ગામનું ઘર રહેવા લાયક બનાવવું હતું. ત્યાં રહેવું જરૂરી ન હતું. પણ સમાજ માં પોતાને પ્રસ્થાપિત કરવા માટે ત્યાં રહેવું જરૂરી હતું. આજે એણે આખો દિવસ મહેનત કરી આંગણું અને બન્ને રુમ સાફ કરી બધો કચરો પાછળ વાડામાં નાખી દીધો હતો . રસોડું સાફ કરી દીધું હતું. વાડામાં લાકડા પડ્યા હતા. રસોડામાં જુના ચૂલાને ચીકણી માટી થી એણે તૈયાર કરી દીધો હતો. ગાદલામાંથી વાસ આવતી હતી. એ એણે આંગણા માં તડકે સૂકવવા મૂકી દીધા હતા.
એ જેલમાં સુથારી કામ શીખ્યો હતો. બીજા ઘણા કામ શીખ્યો હતો. પરમદિવસે સચદેવાને મળવાનું હતું. પણ ક્યાં મળવાનું એ કહ્યું ન હતું. પછી યાદ આવ્યું કે એણે કાર્ડ આપ્યું હતું. એમાં એનો ફોન નમ્બર હતો. ત્યારે પહેલી વાર એને અહેસાસ થયો કે આજના યુગમાં પોતાની પાસે મોબાઈલ ન હતો.
અત્યારે એની પાસે જે રૂપિયા હતા તે તેની જરૂરિયાતો કરતાં ઓછા હતા. એટલે હાલ સારો મોબાઇલ લેવો શક્ય ન હતો. એણે નક્કી કર્યું કે જોઉં સચદેવા શું કહે છે? પછી નક્કી કરીશ કે કેવો મોબાઈલ લેવો.
એ ગેલેરીનો કાચ નો દરવાજો બંધ કરી રૂમમાં આવ્યો ત્યારે રાતના બાર વાગવા આવ્યા હતા. એણે પાકિટ ખોલ્યું. પાકિટમાં મુકેલા ફોટાને એ જોઈ રહ્યો. એ ફોટાની પાછળ બીજો એક ફોટો એણે કાઢ્યો અને મન માં કડવાશ ઉભરાઈ આવી.

****************************

સચદેવાની મરસિડિઝમાં પાછળની સીટ પર અનિકેત અને સચદેવા બેઠા હતા. અનિકેત એટલું જાણતો હતો કે પોતે જે ગુમાવવાનું હતું એ ગુમાવી ચુક્યો હતો. પણ સચદેવા કે એનો બોસ એ કન્ડિશન માં જરૂર છે કે એમને કંઇક ગુમાવવું પડે. સવાલ એટલો જ હતો કે પોતે એમના ઉપર કેટલો હાવી થઈ શકે છે. માટે જ અનિકેત ના ચહેરા ઉપર બેફિકરાઈના ભાવ તરતા હતા.
ગાડીમાં નવા ફિલ્મોના ગીતો વાગતા હતા. એ સંગીત અનિકેતના માથામાં વાગતું હતું.
' પલીઝ ચેન્જ ધિસ મ્યુઝિક ઓર સ્વિચ ઓફ ધિસ નોનસેન્સ મ્યુઝિક. '
સચદેવા એ સંગીત ચેન્જ કરાવ્યું. ગાડી એક વિશાળ ફાર્મ હાઉસના દરવાજે આવી ઉભી રહી. દરવાજો બંધ હતો. અંદર થી બહાર જોવા માટે એક બારી હતી. દરવાને ત્યાંથી ગાડી જોઈ. સચદેવા એ ઈશારો કર્યો. અને દરવાને દરવાજો ખોલ્યો. દરવાજે એક દરવાન 303 ગન લઈ ઉભો હતો.
દરવાજાથી એક રસ્તો અર્ધ ગોળાકારે આગળ જતો હતો. બન્ને બાજુ લીલોતરી હતી. અવનવા વૃક્ષો ઉગાડેલા હતા. ચાર માળી ત્યાં કામ કરી રહ્યા હતા. લગભગ 600 મીટર આગળ બે માળનો વિશાળ બંગલો હતો. એના પોર્ચમાં જઈ ગાડી ઉભી રહી.
બંગલાની એક બાજુ ગાડીઓ પાર્ક કરવાની સુવિધા હતી. અને બીજી બાજુ પાર્ટી કરી શકાય એવો વિશાળ પાર્ટી પ્લોટ હતો. સચદેવાનો ડ્રાયવર ગાડી નો દરવાજો ખોલી ઉભો રહ્યો.
સચદેવા અનિકેતને લઈ બંગલામાં આવ્યો. અનિકેત સહજતાના ભાવ ધારણ કરી બંગલા ને ધ્યાન થી જોઈ રહ્યો હતો. સચદેવા આ બધું બતાવી અનિકેત ને પ્રભાવિત કરવા માગતો હતો. પરંતુ અનિકેત આ બધું જોઈ સચદેવા સાથેના ડિલની કિંમત નક્કી કરવાની કોશિશ કરતો હતો. અનિકેતને બરાબર યાદ હતું કે જ્યારે એણે રહેવાની વ્યવસ્થા કરવા માટે કહ્યું ત્યારે સચદેવા કેટલો રુક્ષ હતો..
પણ બંગલો ભવ્ય હતો. વિશાળ દરવાજા માંથી અંદર જતાં જ એક વિશાળ રૂમ હતો. જેમાં કમસે કમ ચારસો માણસ આવી શકે. સામે બે સીડી ઉપર જતી હતી. ત્યાં લાઈનસર રૂમો હતી. બે સીડીની નીચે બન્ને બાજુ રૂમો હતી. એની વચ્ચેથી પાછળ જવાતું હતું. ત્યાં કદાચ રસોડું હોય એવું લાગ્યું. મુખ્ય રૂમમાં એક વિશાળ ઝુમ્મર હતું. સાઈડની બધી દિવાલો પર લાઇટો અને મોંઘા પેઇન્ટિંગસ હતા. એક બાજુ વિશાળ ડાઈનીંગ ટેબલ હતું. બીજી બાજુ થોડા સોફા સામસામે મૂકી બેઠક વ્યવસ્થા કરી હતી.
સચદેવા અનિકેતને લઈ સામેની પહોળી આરસની સીડીઓ વટાવી એક વિશાળ રૂમમાં પ્રવેશ્યો.

( ક્રમશ : )

30