Punjanm - 50 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 50


પુનર્જન્મ 50





અનિકેત જીપ લઈને નીકળ્યો. સિટી ગોલ્ડ આગળથી એણે સાવંતને પીકઅપ કર્યો. દસ વાગે વિશ્વજીતની એપોઇન્ટમેન્ટ હતી. બહુ જહેમત પછી એપોઇન્ટમેન્ટ મળી હતી.
હાઈ હીલ કોમ્પલેક્ષના સાતમા માળે એની ઓફીસ હતી. અનિકેત જીપ પાર્ક કરી લિફ્ટમાં ઉપર ગયો. તદ્દન સાદી પણ સુંદર, સ્વચ્છ જગ્યા હતી. એ.સી.ની ઠંડકથી ઓફીસનું વાતાવરણ ઠંડુ હતું. રીસેપ્શન કાઉન્ટર પર એક યુવક બેઠો હતો. એ એક આશ્ચર્યની વાત હતી. મોટે ભાગે રીસેપ્શન કાઉન્ટર પર યુવતીઓ જ હોય છે. રાઉન્ડ સેઈપમાં સોફા મુકેલ હતો. અનિકેત અને સાવંત ત્યાં બેઠા. પ્યુન પાણી મૂકી ગયો. દિવાલો પર વિશ્વજીતની ડાયરેકટ કરેલી ફિલ્મોના ફોટોગ્રાફ હતા. એમાં ક્યાંક મોનિકા પણ હતી. ટેબલ પર કેટલાક મેગેઝીન અને છાપા પડ્યા હતા. હજુ દસ વાગવામાં દસ મિનિટની વાર હતી. શાર્પ દસ વાગે અનિકેતને અંદર બોલાવવામાં આવ્યો. અનિકેત, વિશાલ સાવંત સાથે અંદર ગયો. એક દિવાલ પર મોનિકાનું સુંદર ચિત્ર હતું. મોનિકા એક સેલિબ્રિટી હતી.. એના ચિત્રો કોઈ પણ રાખી શકે, એટલે એ સવાલ પૂછવો અસ્થાને હતો કે આ ચિત્ર અહીં ક્યાંથી? એક સાઈડમાં એક સરસ માછલીઘર હતું. અંદરનું એ.સી. બંધ હતું અને બારી ખુલ્લી હતી. કદાચ વિશ્વજીતને નેચરલ હવા વધુ પસંદ હશે.

અનિકેત વિશ્વજીતનું નિરીક્ષણ કરતો રહ્યો. સાવંતે અનિકેતની શોર્ટ ફિલ્મની વાત રજૂ કરી. વિશ્વજીત પાંચ ફૂટ નવ ઈચ ઉંચો, મજબૂત બાંધાનો વ્યક્તિ હતો. ચહેરા પર એક નિર્મળ હાસ્ય હતું. થોડી ઘઉંવર્ણી સ્કીન. દાઢી થોડી વધારેલ હતી. કદાચ જીમમાં જતો હશે એવું અનિકેતને લાગ્યું. છતાં સુધીરની આગળ દેખાવમાં એ કંઈ ના કહેવાય. છતાં એક વસ્તુ એનામાં સરસ હતી અને એ એનું નિખાલસ હાસ્ય.
" જુઓ, મેં હમણાં બધા કામ બંધ રાખ્યા છે. આઈ એમ સોરી. "
અનિકેતે સાવંતને બહાર મોકલ્યો અને વાતનો દોર પોતાના હાથમાં લીધો. લગભગ અગિયાર વાગે અનિકેત વિશ્વજીત સાથે કોન્ટ્રાક્ટ સાઈન કરી બહાર નીકળ્યો. રૂપિયા, ફિલ્મની કમાણી પછી આપવાના હતા. ઉપરથી કેટલીક વ્યવસ્થા વિશ્વજીતે કરવાની હતી. પણ વિશ્વજીત માટે આનન્દનો વિષય એ હતો કે એમાં મોનિકા કામ કરવાની હતી. અને વાર્તાનો પ્લોટ એને પસંદ આવ્યો હતો. વિશ્વજીતની શર્ત હતી કે મોનિકા કામ કરશે તો જ એ ફિલ્મ ડાયરેકટ કરશે. અનિકેતે એની શર્ત સ્વીકારી લીધી.
અનિકેત સાવંતને ઉતારી બળવંતરાયને મળવા હોસ્પિટલ તરફ રવાના થયો.

*** *** *** *** *** *** ***

હોસ્પિટલની બહાર બંદોબસ્ત યથાવત હતો. અનિકેતની જીપ ચેક કરી અનિકેતને અંદર જવા દીધો. અનિકેત જીપ પાર્ક કરી હોસ્પિટલમાં ગયો. બળવંતરાયના રૂમ પહેલાં પોલીસ બંદોબસ્ત હતો. અનિકેતે એની ઓળખાણ આપી. પોલીસે બળવંતરાયને ફોન કરી એમની પરમિશન લીધી. અનિકેતને અંદર જવાની પરમિશન મળી. અનિકેત બળવંતરાયના રૂમમાં ગયો.
બળવંતરાય ગઈ કાલ કરતાં આજે થોડા વધુ સ્વસ્થ લાગતા હતા. ગ્લુકોઝનો બાટલો બંધ હતો. માથા પર અને પગમાં પાટો યથાવત હતો. એમણે મ્હો પર આંગળી મૂકી અનિકેતને ચૂપ રહેવા ઈશારો કર્યો.
અનિકેતનું મન, હદય મહેંકી રહ્યું હતું. સાત વર્ષ પહેલાં અનુભવેલી અનુભૂતિ એ અનુભવી રહયો હતો. બળવંતરાયે એને પોતાની એક બાજુ ટેબલ પર બેસવા ઈશારો કર્યો. અનિકેત એમની પાસે ટેબલ પર બેઠો. બીજી બાજુ કોઈ યુવતી પીઠ બળવંતરાય તરફ કરી કોઈ કામ કરતી હતી. એના લાંબા, કાળા, ભરાવદાર વાળ જમીન પર પડ્યા હતા. અનિકેતનું મન કહેતું હતું એ જ છે. સ્નેહા જ.... એને કાળમીંઢ અંધકારમાં પણ એ ઓળખી શકે એમ હતો.
બળવંતરાયે અનિકેતનો હાથ પોતાના હાથમાં લીધો. મહામહેનતે, અચાનક વૃધ્ધ થઈ ગયેલા બળવંતરાય બોલ્યા. " દીકરી "
અને એ યુવતી ઉભી થઇ. બળવંતરાયે એનો હાથ પોતાના હાથમાં લીધો અને દીકરીનો હાથ અનિકેતના હાથમાં મુક્યો. એક પળ બન્નેની આંખો એક થઈ. અનિકેતે આંખો બંધ કરી દીધી. એક પળમાં એના જીવનનો તમામ થાક જાણે ઉતરી ગયો. એક પળ.. બસ... એક પળ...

બીજી પળે સ્નેહા પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને થોડી દૂર ઉભી થઇ ગઇ. અનિકેતે આંખો ખોલી. સ્નેહા દૂર ઉભી હતી. એવી જ હતી, જ્યારે છેલ્લી વાર રેસ્ટોરન્ટમાં સામેના ટેબલ પર બેઠી હતી. બસ થોડી સુકાઈ હતી. ચહેરા પરનું અલ્લડપણ ગાયબ હતું. અત્યારે એ ગુસ્સામાં હતી... પારાવાર ગુસ્સામાં હતી... ગુસ્સાથી એનું શરીર કાંપતું હતું.
" દીકરી, પ્રાયશ્ચિત કરવાનો મોકો નહિ આપે? "
" કઈ વાતનું પ્રાયશ્ચિત? "
" તારી સાથે, અનિકેત સાથે મેં અન્યાય કર્યો છે એનું પ્રાયશ્ચિત. "
" શા માટે તમારે પ્રાયશ્ચિત કરવું છે? તમે તો તમારું ધારેલું જ કરો છો ને, ક્યારેય કોઈનો વિચાર કર્યો છે. જાવ કરી લો એકલા પ્રાયશ્ચિત. "
" દીકરી તમારી માફી વગર એ શક્ય નથી. મને માફ કરી દે બેટા. "
" હું કોણ છું તમને માફ કરનાર. એક મા મરી ગઈ, હદય પર પુત્રના દોષનો ભાર લઈ, પુત્રના હાથે અગ્નિસંસ્કાર પણ નસીબ ના થયા. એક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી ના શકી. ભાઈના ખભે માથું મૂકી રડ્યા વગર એ વિદાય થઈ. તમારે માફી માંગવી છે ને ? જાવ એ સાત વર્ષ સુધારીને આવો. તમે એમના ગુન્હેગાર છો. માફ કરશે તો એ લોકો કરશે. કેમકે યાતના એમણે વેઠી છે. તમારા કારણે. ફક્ત તમારા કારણે. "
બળવંતરાય પાસે કંઈ બોલવાની ક્ષમતા નહતી. એ આંખો બંધ કરી પડી રહ્યા હતા. એમની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા.
" બે દિવસમાં આટલી વેદના થાય છે? વિચાર કરો એ માને દેહ છોડતા કેટલી તકલીફ પડી હશે. એ બહેને સાત વર્ષ કેવી રીતે કાઢ્યા હશે. હું તો ઈચ્છું કે તમે સો વર્ષ જીવો, આ વેદનાનો ભાર ઉઠાવી ને. "
" સ્ટોપ સ્નેહા સ્ટોપ.. તું તારા પિતા પ્રત્યે આટલી નિષ્ઠુર કેવી રીતે થઈ શકે છે? "
" તમને હું આ જ પૂછવા માગું છું. તમે તમારી માતા અને બહેન માટે આટલા નિષ્ઠુર કેવી રીતે થઈ ગયા? કે એમને યાતના આપનારને તમે માફ કરી દીધા. મારા યુવાન શરીરનો એટલો મોહ હતો કે માતા અને બહેનની યાતનાને ભૂલી ગયા. આ નાશવંત શરીરની લાલચમાં માની મમતા ભૂલી ગયા. માની વેદના ભૂલી ગયા. "
" સ્ટોપ.. સ્નેહા સ્ટોપ. "
" જો તમારી માતા અને બહેનને પ્રેમ કરતા હોવ તો ક્યારેય મારું મ્હો ના જોતા. તમારી ગુન્હેગાર હું છું. હોળીનો પહેલો ગુલાલ મેં તમને લગાવ્યો હતો. તમે મને લગાવ્યો નહતો. જો મારામાં મારા બાપની સામે થવાની તાકાત નહતી તો મારે તમને ગુલાલ લગાવવો જોઈતો ન હતો. મારા ગુન્હાનું પ્રાયશ્ચિત હજુ બાકી છે. અને કોઈ એમાં મને ડિસ્ટર્બ ના કરતાં. અને બાપુ તમારું ધ્યાન રાખવાવાળા ખૂબ છે. હું જાઉં છું. "
ખૂણામાં પડેલા ચપ્પલ પહેરી, પોતાનું પર્સ લઈ એ સડસડાટ બહાર નીકળી ગઈ. અનિકેત સ્તબ્ધ હતો. સ્નેહા સાચી હતી? પોતે ક્યારેય આવું વિચાર્યું ન હતું. બળવંતરાયની આંખમાં આંસુ હતા...
" કાશ એની મા પર ગઈ હોત, જીદમાં તો એના બાપ પર ગઈ છે. જીદ્દી... "
" હું જાઉં છું... "
" સોરી અનિકેત, પણ એક વાત યાદ રાખજે, એક બાપ તરફથી દીકરી તારી થઈ. અને માફીની વાત છે તો હું આખા જગત સામે માફી માગીશ. "
" જ્યાં સુધી સ્નેહા તમને માફ ના કરે ત્યાં સુધી આખું જગત તમને માફ કરે એનો કોઈ અર્થ નથી. "
" અનિકેત, ક્યારેક આવતો રહેજે. "
" ચોક્કસ. "
અને અનિકેત બહાર નીકળ્યો....
(ક્રમશ:)

29 ઓક્ટોબર 2020


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED