Punjanm - 7 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 7

પુનર્જન્મ 07

બપોરના ચાર વાગવા આવ્યા હતા. અનિકેતનો આખો દિવસ જરૂરી ચીજવસ્તુની ખરીદીમાં ગયો હતો. ફોર બાય ફોર જીપ સરળતાથી શહેરથી દુર સરકી રહી હતી. એ એના ગામ તરફ જઈ રહ્યો હતો.એના ઘર તરફ. જ્યાં એનું હદય ઘાયલ થયું હતું એ તરફ. પોતાના અસ્તિત્વને પ્રસ્થાપિત કરવા. પોતાના માતા પિતાના ઋણને ચૂકવવાની કોશિશ કરવા.
જેમ જેમ ગામ નજીક આવતું ગયું એમ એમ એના હદયમાં એક અજબ સંવેદન થતું ગયું. અઘરું હતું. પોતાના અસ્તિત્વને પ્રથાપિત કરવાનું. મન થયું પાછો વળી જાઉં. કોઈ અજ્ઞાત સ્થળે જતો રહું. પણ એમ ભાગવા થી કામ ચાલે એમ ન હતું. આ એનું યુધ્ધ હતું. જે એણે લડવાનું હતું.
ગામમાં એ પ્રવેશ્યો. જીપ સાથે એને પ્રવેશતો જોઈ લોકો કુતુહલથી એને જોઈ રહ્યા. એને એવું લાગ્યું કે લોકો એની હાંસી ઉડાવી રહ્યા છે. માનવ મનની આ વિશેષતા છે કે એ જેવું વિચારે એવું જ જગત એને લાગે છે. ભલે પછી વાસ્તવિક પરિસ્થિતિ એવી ના હોય. છતાં એ સમજતો હતો કે એ કોઈ સંતની પ્રતિભા લઈને ગામમાં નથી આવી રહ્યો કે ગામ વાળા એને પૂજયભાવે જુએ. એ એક ગુન્હેગાર હતો. જેલ માંથી મુક્ત થયેલ કેદી હતો.
એ હસ્યો. એણે મન મક્કમ કર્યું અને ચહેરા પર બેફિકરાઈના ભાવ ધારણ કર્યા. જીપ ઘર આગળ ઉભી રાખી. ઘરના મુખ્ય દરવાજાનું તાળું ખોલ્યું. ખુલ્લું આંગણું વટાવી ઘરના દરવાજાનું તાળું ખોલ્યું. જીપમાં મુકેલી વસ્તુઓ એક પછી એક લઈ આવી ઘરમાં મૂકી. મુખ્ય દરવાજો આડો કર્યો. રૂપિયાની બેગ સાચવીને ગાદલાની પાછળ મૂકી. ઘર પહેલાં કરતાં થોડું વ્યવસ્થિત લાગતું હતું. ઘરની લાઈટ ચાલુ થઈ ગઈ હતી. એ નવા પંખા લાવ્યો હતો. કુકર , ઇન્ડેક્શન સ્ટવ , ઘરવખરીની ઘણી ચીજો એ લાવ્યો હતો. જેલ માં એ ઇલેક્ટ્રિક અને ફર્નિચરને લાગતું ઘણું કામ શીખ્યો હતો. જે આજે એને કામ લાગવાનું હતું. ખરીદેલી વસ્તુઓ એ ગોઠવતો હતો અને એક અવાજ આવ્યો.
એણે જોયું. બાજુના કાકાના મકાન અને એના મકાનના આંગણની દિવાલ પર થી કાકાનો દીકરો મગન દિવાલ પર ડોકું કાઢી હસતો હતો. અનિકેત ઉભો થઇ ત્યાં ગયો.
' કેમ છો ભાઈ ? '
' મઝા માં , તું અને માસી ? '
' અમે પણ મઝા માં , બા એ ચ્હા બનાવી છે , લો '
એણે એક ગ્લાસ ધર્યો. અનિકેતને પોતાની ચિંતા કરનાર કોઈ હોવાનો અહેસાસ થયો. એણે હાથ લાંબો કરી ગ્લાસ લઈ લીધો.
' ભાઈ , હવે અહીં જ રહેશો ને ? '
' હા. '
મગનના ચહેરા પર આનન્દ આવી ગયો.
' કામ હોય તો હું આવું. '
' કામ તો નથી અને કાકા જોશે તો તને બોલશે. '
' એ તો છેક રાત્રે આવશે. '
' આવ. '
મગન અને જમના માસી બન્ને આવ્યા. માં ની પ્રતિકૃતિ સમાન માસી ઓવારણાં લઈ થોડી વાર પછી ચાલી ગઈ. રાતનું જમવાનું મોકલવાનો એમણે ખૂબ આગ્રહ કર્યો પરંતુ અનિકેતે ના પાડી. અનિકેત હવે સ્વાવલંબી બનવા માંગતો હતો.

*************************

વર્ષો પછી એ ઘર માં ચૂલો પ્રગટ્યો. ઘરમાં જીવંતતા આવી. જમીને વાસણો ચોખ્ખા કરી રાતના નવ વાગે એ આંગણામાં ખાટલા પર મચ્છરદાની બાંધી , હાથમાં મોબાઈલ લઈ એ આડો પડ્યો.
આજુબાજુમાં ટી.વી.ના અસ્પષ્ટ મિક્સ અવાજો આવતાં હતાં. વર્ષો પહેલાં જ્યારે એ નાનો હતો ત્યારે ટી.વી. નહોતા , અરે લાઇટો પણ ન હતી. ત્યારે સંધ્યા ટાણે જમીને જલ્દી નવરા થઈ જતા. મા આંગણામાં ખાટલા ઢાળતી અને પોતે મા ને જલ્દી વાર્તા કહેવા બોલાવતો. નાની બહેન સુરભિ પણ મા ને બોલાવતી. પોતાને રાજાઓની લડાઈ અને યુદ્ધની વાતો ગમતી. પણ સુરભિ ને એવી વાતો નહોતી ગમતી. પણ માતા અનિકેત નો પક્ષ લઈ રાજાઓના લડાઈની વાતો કહેતી. સુરભિ નારાજ થઈ પડખું ફરી સુઈ જતી.
આખા ગામમાં સૌથી રૂપાળી સ્ત્રી એની મા હતી. અને વારસાગત રીતે અનિકેત અને સુરભિ પણ ખૂબ જ રૂપાળા હતા. રૂપની સાથે એક આગવી છટા પણ બન્ને માં હતી.
એ ચોથા ધોરણમાં હતો ત્યારે એના પિતાજીનું અવસાન થયું હતું. ઘરમાં બે ભેંસ અને એક ગાય હતી. કાકા થી અલગ ચાર વિઘા જમીન હતી. જે મંગાજીને વાવવા આપી હતી. એની આવક માંથી ઘર ચાલતું હતું.

સુરભિ , મા અને એનું જીવન , એના ગામ માં , એના મિત્રો સાથે આનન્દ થી વીતી રહ્યું હતું.
અને એ નવમા ધોરણ માં આવ્યો. ગામમાં સાત ધોરણ સુધીની જ સ્કૂલ જ હતી. આઠમા ધોરણથી આગળના અભ્યાસ માટે બાજુના ગામ જવું પડતું. આઠમા ધોરણ પછીની સ્કૂલ આજુબાજુના પાંચ ગામ વચ્ચે એક જ ગામમાં હતી. આજુબાજુના બધા બાળકો ભણવા ત્યાં આવતા. પુરા ચૌદ વર્ષનો થયો હતો એ. હલકી મૂછોનો દોરો ફૂટવા લાગ્યો હતો. યુવાનીના પહેલા પગથિયે એણે પગ મૂક્યો હતો.
***************************

હોળીના આગલા દિવસે સ્કૂલ માં , સ્કૂલ છૂટ્યા પછી બધા રંગો થી હોળીના પર્વ ને મનાવી રહ્યા હતા. હજુ છોકરા છોકરી સાથે હોળી રમે એવો સમય ત્યાં આવ્યો ન હતો. ધુળેટીના દિવસે નહિ મળી શકનારા , અલગ અલગ ગામના મિત્રો આજે રંગનો આનન્દ મનાવતા હતા. અનિકેત પણ એના મિત્રો સાથે રંગાઈ રહ્યો હતો. સામે છોકરી ઓ એક અલગ ગ્રુપમાં રમી રહી હતી.
રંગ લગાવી ઘર તરફ જવાનો સમય થયો. પણ અનિકેતની આંખો બળતી હતી. એ મ્હોં ધોવા એક ખૂણામાં બનાવેલી પાણી ની ટાંકી તરફ ગયો. એ નીચો નમીને મ્હોં ધોઈ ઉભો થયો અને કોઈના કોમળ હાથ એના બન્ને ગાલને ઝડપ થી કલર લગાવી રહ્યા. અને એક મૃદુલ અવાજ આવ્યો.
' હેપી હોલી. '
અનિકેતે પાછળ વળી ને જોયું અને એ હજુ કંઈ વિચારે એ પહેલાં એ વીજળીની જેમ ચાલી ગઈ. પરંતુ મુક્તી ગઈ એક અજબ સંવેદન.
મિત્રો સાથે એ ઘર તરફ ચાલ્યો. પણ જાણે એનું આખું જીવન બદલાઈ ગયું હતું. રંગ ગાલ પર લાગ્યો હતો પરંતુ રંગનો કલર હદય પર ચડ્યો હતો. ગામની છોકરીઓ આગળ ચાલતી હતી. એક સ્કૂલ કે એક ગામ ના છોકરા છોકરી ઓ વાત કરે એ સહજ હતું. અને એમાંથી અનિકેત નું ગામ કે સ્કૂલ પણ બાકાત ન હતું.
અનિકેતનું ગામ આવ્યું. અને અનિકેતની નજર એના તરફ ગઈ. એ એની બહેનપણી સાથે વાત કરતી હતી. અનિકેતને એ દિવસે પહેલી વખત લાગ્યું કે સૌથી સારી ટેલિપથી કદાચ પ્રેમમાં થતી હશે. અને એણે અનિકેતની સામે જોયું અને આંખોમાં એક અજબ ચમક સાથે સ્માઈલ કરી એ એના ઘર તરફ વળી ગઈ.
બે દિવસ સ્કૂલ માં રજા હતી. એ રાત્રે એ આ જ આંગણા માં આવા જ ખાટલા ઉપર સૂતો હતો. આંખો માં સુંદર સ્વપ્ના લઈ ને , યુવાનીના પહેલા પગથિયે હદયમાં એક રોમાંચ લઈ ને.
અનિકેત બેઠો થયો. મોબાઈલ માં જોયું. રાતના બાર વાગ્યા હતા. એ ઉભો થયો. પાણી પી , ખાટલા માં ફરી આડો પડ્યો.
એ રાત્રે પણ એ આ આંગણામાં એના સ્વપ્ના લઈ ને સૂતો હતો. ફરક એટલો હતો કે આજે એ એકલો છે. કોઈ સ્વપ્ન વગર અને એ રાત્રે એ એની મા અને બહેન સાથે હતો. સુંદર જીવનના સોહામણા સ્વપ્ન સાથે.

( ક્રમશ : )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED