Sajan se juth mat bolo - 26 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 26

પ્રકરણ છવીસમું/૨૬

‘દિવસ રાત તમે જેના માટે આકાશ પાતાળ એક કરી રહ્યાં છો એ, સપનાનું સરનામું મારી પાસે છે...પણ મારી એક આકરી શર્ત છે.. ..અને શબ્દશ મારી શર્ત મંજૂર હોય તો આપણે સંવાદ સત્સંગ સળંગ રાખીએ.’

સૂર્યદેવ અને દિલાવર બન્નેના શાતિર દિમાગમાં બિછાવેલી શતરંજના ચાલની બિસાતને ઉખાડીને ફેંકી દેવા માટે અજાણ્યાં વ્યક્તિનો કોલ કાફી હતો.

છતાં સ્હેજ પણ વિચલિત થયાં વગર બાહોશ અને નીડર સૂર્યદેવ પૂછ્યું..
‘તમે માત્ર મારા નામથી જ વાકેફ છો કે કામથી પણ ?
‘ના.. માત્ર કામથી નહીં પણ તમારી કર્તવ્યનિષ્ઠ ન્યાયિક કાર્યપ્રણાલીથી પરિચિત છું, એટલે જ પરિણામની પરવા કર્યા વગર ભડકે બળતી હોળીનું નારિયળ બનવા જીવ હથેળીમાં લઈ, કિસ્સાનો હિસ્સો બનવા આવ્યો છું.’

યુવકની સરળ અને સચોટ રજૂઆતથી સૂર્યદેવ આંશિક પ્રભાવિત થયો. છતાં ઉલટી ચાલ ચાલતાં પૂછ્યું..
‘તમારી શર્ત સાંભળ્યા પછી હું ના કહું તો ?’

‘તો..મારી ધારણા મુજબ સદ્દગત સાહિલના મૃત્યુ પાછળના અર્ધ છતાં, પૂર્ણ સત્ય જેવા સબળ સબબથી આપ કાયમ માટે વંચિત રહી જશો. ખ્યાલ રાખજો.. કયાંય આપની જલ્દબાજીમાં ભભૂકી ઉઠેલી અંધાધૂન પ્રતિશોધની અગનજવાળામાં કશું સૂકા ભેગું લીલું ન સળગી જાય... સાહિલની માફક.’

ગર્ભિત વાક્ય રચના સાથે એક તીર જેવા પ્રત્યુતરથી યુવકે સૂર્યદેવના શાતિર દિમાગના અનેક તાર ઝણઝણાવી નાખ્યાં. યુવકની ઠોસ અને મક્કમતાથી સૂર્યદેવને અંદાજ આવ્યો કે, હાલ તો આ યુવક સપનાના સગડનું કેન્દ્રબિંદુ છે. એટલે ફરી એકવાર ખાત્રી કરવા ખૂંચતો પ્રશ્ન પૂછ્યો..
‘પડદા પાછળ રહી આ નકાબપોશ ભૂમિકા ભજવવાની તમે કેટલી કિંમત આંકી છે ?

સ્હેજ હસતાં સામે છેડેથી યુવક બોલ્યો..
‘તમારી સોચ પર મને તરસ આવે છે, મિ. સૂર્યદેવ ચૌહાણ. આઈ થીંક તમારી કાબેલિયતના ઓવર કોન્ફિડન્સની ભૂલથી સાહિલ માફક ફરી કોઈ બેકસૂર જીવ ન ગુમાવી દે, એવાં અનુમાનથી મેં તમને કોલ કર્યો છે, ઇન્સ્પેક્ટર નહીં પણ ઈન્સાનિયતને ધ્યાનમાં રાખીને માત્ર માનવતાના દ્રષ્ટિકોણથી થોડીવાર શાંત દિમાગે વિચારશો તો શક્ય છે, કે તમારો પાયાવિહોણો કલ્પનાનો કિલ્લો વાસ્તવમાં પોકળ અને સાવ કાટમાળ પણ સાબિત થાય.’

યુવકના એક એક શબ્દનું તેની કુશાર્ગ બુદ્ધિથી અનુમાન લગાવતાં તરત જ સૂર્યદેવ બોલ્યો.
‘અચ્છા, હવે તમારી શર્ત કહો.’
એ પછી આશરે ત્રીસથી પાંત્રીસેક મિનીટ સુધી સૂર્યદેવ અને અજાણ્યાં યુવક વચ્ચેના સળંગ વાર્તાલાપના અંતે યુવકની પુરાવા સાથેની સચોટ અને ધારદાર રજૂઆતની અસરનું રેખાચિત્ર સૂર્યદેવના ચહેરા પર ઉપસી આવ્યું. તે જોઇને બે ઘડી દિલાવર પણ અચરજ સાથે ચુપચાપ સૂર્યદેવને જોતો રહ્યો.

‘હવે બોલો... ‘હા’ કે ‘ના’ ? ’ વિનાશક વાવાઝોડા જેવી વાર્તાલાપના અંતે ઓસરી ગયેલાં પૂરના શાંત જળપ્રવાહની માફક ધીમેકથી યુવકે સૂર્યદેવને પૂછ્યું.

દૂરંદેશી સૂર્યદેવે પ્રત્યુતર આપતાં કહ્યું.
‘તમે નક્કર પુરાવા સાથે પ્રસ્તાવનાની પેશકશ, પ્રશ્નાર્થ સાથે કરી, પણ અફસોસ કે મોહરાના સાથે કરી, ચહેરા સાથે નહીં. એટલે હવે તમને ઉત્તર પણ મોહરા મારફતે જ મળશે. વેઇટ એન્ડ વોચ.’ એમ કહી સૂર્યદેવે કોલ કટ કર્યો.

બીજી જ ક્ષ્રણે સૂર્યદેવે સાયબર ક્રાઈમના હેડ કવાટર્ર પર કોલ કરીને યુવકના નંબર અને લોકેશનની જાણકારી મેળવી અરજન્ટ કોલ બેક કરવાની સુચના આપી.

અત્યંત ગહન અને ગંભીર ચર્ચા પર નરોવા કુંજરોવા જેવા પ્રત્યુતર સાથે અચાનક જ વિકટ અટકળ જેવું અલ્પવિરામ મૂકી, સૂર્યદેવે નિરાકરણનો છેદ ઉડાડી દેતા યુવક અતિ આશ્ચર્ય સાથે ઊંડી અસમંજસમાં અટવાઈ ગયો.

કોલ કટ કર્યા પછી સાવ શાંત અને ચુપ થઇ ગયેલાં સૂર્યદેવને ક્યારના અકળાયેલા દિલાવરે આતુરતાથી પૂછ્યું..
‘ક્યા હુઆ ?’ કૌન થા ?

‘એક મિનીટ.’ માત્ર આટલું બોલી ફરી સૂર્યદેવ ગરકાવ થયો ઊંડાં વિચારવમળમાં.

હજુ’યે સૂર્યદેવ યુવકની ચકડોળ જેવી ચર્ચાના ચકારાવામાંથી બહાર નહતો આવી શક્યો. અર્ધસત્ય જેવી પુરાવાની વાત વાંસના ફાંસની માફક સૂર્યદેવના દિમાગમાં ખુપી ગઈ. સાહિલના મૃત્યુ વિષે મજનુના સ્ફોટક નિવેદનમાં ખૂટતી કડીનું અનુસંધાન મહદ્દઅંશે યુવકની કથા સાથે હુબહુ મળતું આવતું હતું. ,,

વિપુલ વેદના સાથે સાહિલ તેના અંનત શૂન્ય અવકાશ પાછળ કંઇક ગૂઢ પ્રશ્નાર્થની વણજાર મૂકતો ગયો હતો. અર્ધ છતાં અફર સત્ય જાણ્યાં પછી સૂર્યદેવ હવે એ દ્વિધામાં હતો કે, માસૂમ સાહિલના મૌત માટે જવાબદાર સામે કઈ હદે પ્રતિશોધ લઉં કે, જેથી સાહિલની અંતિમ ચીસની વેદના તેના કત્લ માટે કારણભૂત કાતિલ ખુદ મૌતની ભીખ માંગે.

એ પછી યુવક સાથેનો વાર્તાલાપ સૂર્યદેવે દિલાવરને કહી સંભળાવતા દિલાવરે પૂછ્યું..
‘કિતના યકીન હૈ, ઇસ અજનબી છોરે કી બાતોં પર ?
‘પુરા.. ભરોસા હૈ, કયું કી સાહિલ કે મૌત સે પહેલે જહાં સે મજનુ કી બાત ખત્મ હોતી હૈ, વહીં સે સપના કી બાત શુરુ હોતી હૈ.’

‘અબ ક્યા કરોગે ? ઇસકી શર્ત માનોગે ? દિલાવરે પૂછ્યું..
‘કુછ નહીં. અબ કુછ નહીં કરના દિલાવર.’
સ્હેજ નિરાશાના સુર સાથે સૂર્યદેવ બોલ્યો.

અતિ આશ્ચર્ય સાથે દિલાવરે પૂછ્યું..
‘યે આપ બોલ રહે હૈ સાબ જી ? ઇતની દેર મેં ઐસી કૌન સી બાત હો ગઈ જો આપ ઇતને માયૂસ હો ગયે ? ઔર કુછ નહીં કરના, ઇસકા મતલબ ? ’

‘મતલબ..’ હજુ સૂર્યદેવ આગળ બોલવા જાય ત્યાં સાયબર ક્રાઈમની બ્રાંચમાંથી કોલ આવ્યો..
‘યે કિસી એક્સપર્ટ સાયબર ક્રિમીનલ, યા હેકર કા કોલ લગતા હૈ, સોરી સર હમ ટ્રેસ નહીં કર પા રહે હૈ.’
ઠીક હૈ કોશિષ જારી રખ્ખો.’ કોલ કટ કરી સૂર્યદેવ આગળ બોલ્યો..

‘મતલબ કી બાત મેં બહોત જલ્દ કરુંગા, અચ્છા દિલાવર અબ કૈસે ભી કર કે સિર્ફ ઇસ લડકી કી તફ્તીશ કરો.’ સૂર્યદેવ બોલ્યો.

‘પર સાબ યે લડકા તો આપ કો સામને સે ઉસ લડકી કા પત્તા દે રહા હૈ, ફિર ઇતના લંબા ચક્કર કયું કાટના હૈ ? સૂર્યદેવની ગર્ભિત ચાલનો અંદાજ ન આવતાં દિલાવરે અચરજ સાથે પૂછ્યું..
‘કયું કી અબ ઇસ કહાની કો મેં અપની શર્તો સે અંજામ દેના ચાહતા હૂં, મુજે કિસીકી જાન નહીં લેની પર સિર્ફ બેકસૂર સાહિલ કી મૌત કા અહેસાસ દિલાના હૈ. ઔર યે ચક્કર કાફી લંબા હૈ, દિલાવર. ચલ અબ કાફી વક્ત હો ચુકા હૈ. ફિર મિલેંગે.’

સકારત્મક છતાં નિરાશાવાદી લાગતાં સૂર્યદેવના અંતિમ વાક્ય સાથે બંને છુટ્ટા પડ્યા.

‘કુછ ઐસી બાત હૈ, જો સાબ જી મુજસે છુપા રહે હૈ.’
એવું મનોમન બોલ્યા પછી દિલાવર રવાના થયો તેના ઘર તરફ.

બીજા દિવસે વહેલી સવારે આઠ વાગ્યે બિલ્લુએ કોલ જોડ્યો સમીરને
‘ક્યા બોલી તેરી ભીગી બિલ્લી ?
‘બિલ્લુભૈયા ગહેરે સદમે મેં હૈ સપના, ઉસે નોર્મલ હોને મેં કાફી વક્ત લગેલા. અબ વો ખુદ કિસી સે મિલના નહીં ચાહતી. ઔર ઇસ તરફ યે મીડિયા વાલે સાહિલ કી મૌત પર સૂર્યદેવ કી તફ્તીસ કો ઇશ્તેહાર કી તરહ બેચ રહે હૈ. અબ સપના કો સૂર્યદેવ કી નજરો સે કૈસે બચાયા જાયે , ઔર કબ તક ? ’
સતત સતાવતો સવાલ સમીરે બિલ્લુને પૂછ્યો.

‘તું ફિકર મત કર શાણે, મેં ઇસી સિલસિલે મેં આજ દિલ્હી જા રહા હૂં. કલ તક કોઈના કોઈ નતીજા નીકલ આયેગા. ક્યોં કી સબ સે પહેલે સૂર્યદેવ કો રોકના હમારે લિયે કાફી જરૂરી હૈ. ઔર સપના કે બારે મેં સોચના બંધ કર દે. ખુદ્દારી કા બુખાર ઉતર જાયેગા તો અપને આપ ઉસકી અક્કલ ઠીકાને આ જાયેગી. અચ્છા મેં તુજે કલ કોલ કરતાં હૂં.’

બેલગામ સૂર્યદેવને નાથવા માટે શોર્ટકટ અપનાવવા બિલ્લુએ વાટ પકડી, દિલ્હી હોમ મીનીસ્ટ્રી તરફ,.

બીજા દિવસે સાંજે સાતેક વાગ્યાની આસપાસ સૂર્યદેવનો ફોન રણક્યો..
ગુપ્તચર વિભાગના ઉચ્ચ અધિકારીનું નામ સ્ક્રીન પર વાંચતાં સૂર્યદેવ બોલ્યો.
‘જય હિન્દ સર.’
‘કમ ટૂ માય ઓફીસ, એઝ સૂન એઝ પોસિબલ.’
‘યસ સર.’ ચહેરા પર આશ્ચર્યના ભાવ સાથે સૂર્યદેવે કોલ કટ કર્યો.

ઠીક પાંત્રીસ મિનીટ બાદ સૂર્યદેવ વડા અધિકારીની ચેમ્બરમાં આવી
સેલ્યુટ કરતાં અધિકારી બોલ્યાં..
‘ગૂડ ટૂ સી યુ. પ્લીઝ સીટ ડાઉન.’
આરામદાયક ચેર પર આસન જમાવતાં અધિકારી બોલ્યા,.
‘યંગ મેન, સાહિલ મર્ડર કેસ કી ગૂંજ તો દિલ્હી હોમ મીનીસ્ટ્રી તક પહોંચ ગઈ.’
‘ક્યા રીએકશન હૈ. તારીફ યા તબાબલા ?
ગર્ભિત શબ્દોમાં અમંગળના સંકેતનો અણસાર આવતાં સૂર્યદેવે સચોટ સવાલ કર્યો.

‘લીસન કેરફુલી....’ એમ કહી અધિકારીએ આશરે દસેક મિનીટમાં દિલ્હીના રાજનેતાઓની મેલી મુરાદના મનસુબા સૂર્યદેવ સમક્ષ રજુ કર્યા પછી પુછ્યું..

‘અબ.. બોલો, હમ ક્યા કર શકતે હૈ ?’
‘સર આપ કે સવાલ મેં મુજે એક શબ્દ બહોત અચ્છા લગા.’ સૂર્યદેવ બોલ્યો
‘કૌન સા.’
‘‘હમ’ યે શબ્દ.’ સ્હેજ હસતાં સૂર્યદેવે જવાબ આપ્યો.
‘અફકોર્સ સૂર્યદેવ ક્યોં કી આજ હમારે ડીપાર્ટમેન્ટ કો તુમ્હારે જૈસે હોનહાર, બહાદુર ઔર નીડર અફસર કી જરૂરત હૈ, ઔર તુમ તો જંગ કે સેનાપતિ હો.’
હસતાં હસતાં અધિકારી બોલ્યાં

એક મીનીટના વિચાર મંથન પછી સૂર્યદેવ બોલ્યો..
‘સર આપ જો ઓર્ડર દેગે વો મેં ફોલો કરુંગા.’

ફરી પાંચથી સાત મીનીટની ઘનિષ્ટ અને ગંભીર ચર્ચા વિચારણાના અંતે અધિકારી બોલ્યાં..

‘સૂર્યદેવ, આઈ એગ્રી વિથ યુ.પર હાલત કો દેખતે હૂએ મેં હોમ મીનીસ્ટર કો નારાજ નહીં કર શકતા. વરના.... યુ બેટર અન્ડરસ્ટેન્ડ. ધેન સી યુ ટુમોરો મોર્નિંગ શાર્પ એટ નાઈન ઓ ક્લોક.’

ગર્મજોશી સાથે હાથ મિલાવી બંને છુટ્ટા પડ્યા.

બીજા દિવસે સવારે ફ્રેશ થઈ, ન્યુઝ પેપર હાથમાં લઇ ફ્રન્ટ પેઇજની હેડ લાઈન વાંચતા સમીરની આંખો પોહળી થઇ ગઈ.

‘શહેરના ચકચારી સાહિલ મર્ડર કેસની શંકાસ્પદ તપાસનો ખુલાસો આપવા માટે ગુપ્તચર ખાતાના વડા સવારે નવ વાગ્યે મીડિયા સમક્ષ અગત્યની પ્રેસ કોન્ફરન્સ કરશે’

સમય જોયો આઠ અને પચાસ મિનીટ થઇ હતી.. તરત જ કોલ જોડ્યો બિલ્લુને.
‘ભૈયાજી... આપકા જમાલગોટા પૂરે ડીપાર્ટમેન્ટ કો ઇતની જલ્દી લોટા લેકે સબ કો લાઈન મેં ખડા કર દેગા, ઐસા તો મૈને સોચા ભી નહીં થા.’
‘શાણે, તું અભી સૂન વો બૂઢા ક્યા બોલતા હૈ.’
બ્રેડ પર બટર લગાવતાં ડાયનીંગ ટેબલ પર બેઠલો બિલ્લુ બોલ્યો..

ઠીક નવ વાગ્યે આશરે ગુપ્તચર વિભાગની કચેરીના કોન્ફરન્સ હોલમાં આશરે ચાળીસથી પચાસેક મીડિયાકર્મીની સામે તેનું સ્ફોટક નિવેદન રજુ કરતાં અધિકારી બોલ્યાં..

‘ગૂડ મોર્નિંગ એવરીબડી...સાહિલ મર્ડર કેસની તટસ્થ તપાસ દરમિયાન નિષ્ણાંતોના ધ્યાનમાં આવેલી શરતચૂક, અસંતોષ અને પક્ષપાતની લાગણીને ધ્યાનમાં રાખીને ખાતાકીય અધિકારીઓની ગુપ્ત મંત્રણા બાદ અંતે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમારા ઓફિસર સૂર્યદેવ ચૌહાણને તાત્કાલિક અસરથી સાહિલ મર્ડર કેસની તપાસમાંથી દૂર કરવામાં આવે છે. નવા અધિકારીનું નામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.’

તરત જ મીડિયામાં હોબાળો મચી ગયો.. ચોતરફથી અસંતોષ અને અન્યાયના સૂરની સાથે સાથે સવાલોની સરવાણી ફૂટી નીકળી. ખાતાકીય વડાએ ગોખેલા ઉત્તરથી મીડિયાકર્મીઓને સમજાવીને રવાના કરી દીધા. પણ એ પ્રેસ કોન્ફરન્સમાં સામેલ એક નખશીખ પ્રમાણિક ફ્રીલાન્સ જર્નાલીસ્ટ દામોદર કાપડિયાએ ભ્રષ્ટ સરકારની વિરુદ્ધ ચોથી જાગીરના પહેરેદાર તરીકે સાહિલ હત્યાકાંડમાં સપનાની નિર્દોષ સંડોવણીને કલીનચીટ આપવાં મનોમન પ્રણ લઇ લીધું હતું.

હરખ ઘેલો થઇ ગયેલો સમીર તરત જ બિલ્લુને કોલ લગાવતા બોલ્યો..

‘ઇતના બોલને કે લિયે કિતને રૂપિયે મેં તોલા હૈ મીનીસ્ટર કો ?
‘સિર્ફ પચાસ પેટી.’ બિલ્લુ બોલ્યો..
‘એક બાત પૂછુ બિલ્લુભૈયા ? ક્યા રિશ્તા હૈ, ઇસ અંજાન ઔર મામૂલી લડકી કે સાથ ?’ સમીરે પૂછ્યું

‘જિંદગી મેં પહેલી બાર કિસી લડકી કી સોચ, તહેજીબ, ઔર આંખો કી મર્યાદા મેં મુજે બિલ્લુ ઔર ભૈયા કા ફર્ક નજર આયા હૈ. ઔર વો સચમુચ બેકસૂર હૈ. જિસ તરહ સાહિલ કી મૌત કો વો બરદાસ્ત નહીં કર પાતી, વૈસે મેં ઇસે બરબાદ હોતે નહીં દેખ શકતા.’
આટલું બોલતા વર્ષો બાદ બિલ્લુભૈયાની આંખોની કોર ભીની થઇ ગઈ.
ફરજ પરથી હટાવ્યા બાદ સૂર્યદેવ લાંબી રજા પર ઉતરી ગયો. દિલાવરને ઘણું દુઃખ થયું.

પોપટ ભૂખ્યો નથી... પોપટ તરસ્યો નથી.. એવું મનોમન ગાણું ગાતી એકાન્તવાસ અને અંધકારમાં સપના દિવસો પસાર કરવા લાગી.

સમયાન્તરે લોકો સાહિલને પણ ભૂલી ગયાં...
ભ્રષ્ટાચારના ભોરીંગ તળે તપાસનો ધમધમાટ પણ દટાઈ ગયો.

ચાળીસ દિવસની સઘન તપાસના અંતે અચાનક એક દિવસ બિલ્લુના સાગરીતો ઉત્તર પ્રદેશના આઝમગઢ જીલ્લામાંથી ઝડપીને લાવેલાં અધમૂવા જેવી હાલતના ખુર્શીદ લાલા તરફ પાંચ કલાકની પીડાદાયક પૂછપરછ પછી અકળાયેલા બિલ્લુએ રિવોલ્વરનું નાળચું ખુર્શીદ સામે ધરતાં પૂછ્યું..

‘કમીને, આખરી બાર પૂછ રહા હૂં... સાહિલ કો ક્યું મારા ? સચ બતા દે વરના તેરે ખૂન મેં યે લોહા પીઘલતે દેર નહીં લગેગી.’

અસહ્ય મારની પીડાથી કણસતાં બિલ્લુના પગ પકડી હાથ જોડી રડીને કરગરતા ખુર્શીદ બોલ્યો..

‘મેરે બીબી બચ્ચો કી કસમ, બિલ્લુભૈયા... મૈને સાહિલ કો નહીં મારા... નહીં મારા... નહીં મારા..મુજે તો યે ભી નહીં માલૂમ થા કી ઉસકા નામ સાહિલ હૈ.’


‘સચ મેં તુને નહીં મારા.. ?’ બરાડીને બિલ્લુ બોલ્યો..
‘નહીં... નહીં... નહીં... મૈને નહીં મારા નહીં મારા.. મૈને.......’
અને ધડ...ધડ... ધડ.. ધડના ધડાકા સાથે ખુર્શીદનો સ્વર શાંત પડી ગયો.

બીજા દિવસે વાયુ માફક બ્રેકીંગ ન્યુઝ વાઈરલ થયાં..
‘શહેરથી ત્રીસેક કીલોમીટર દૂર અવવારું જંગલમાંથી સાહિલ હત્યા કેસના શકમંદ હત્યારા ખુર્શીદ લાલાની વિકૃત લાશ મળી આવી.’

રાતોતર ફરાર થઈને પાકિસ્તાનમાં ભરાઈ બેઠેલાં ઇકબાલ મીર્ચીને આ મેસેજ મળતાં પરસેવા સાથે મૂત્ર વિસર્જન થઇ ગયું.

આશરે બે મહિના બાદ... બિલ્લુની ધાક, ધમકી અને ધનથી બધું જ શાંત પડી ગયું હતું.. પણ સૌની જાણ બહાર ભીતરનો સુષુપ્ત જવાળામુખી દહેકતો હતો.... દામોદર કાપડીયાની કલમ દ્વ્રારા.

અંતે કલમના છાંટા ઉડ્યા સપના સૂધી. દામોદરની કલમ સપના માટે જાણે કે આશાના નવોદયની કિરણ બની ગઈ. બિલ્લુ સપનાનો સહારો હતો તો દામોદરની સપના તરફી નિષ્પક્ષ ધારદાર રજૂઆત બેદાગ હોવાના સિક્કાની મહોર હતી.



એક દિવસ...
યેનકેન પ્રકારે છટક બારી શોધીને સપનાએ અજાણ્યાં ત્રાહિત વ્યક્તિના ફોન પરથી દામોદર કાપડિયાના સંપર્ક નંબર પર ડરતાં ડરતાં કોલ લગાવ્યો..

‘હેલ્લો...’ ધીમા સ્વરમાં સપના બોલી..

‘એએએએએએએએએ....ય ને પરવીન બોલતો છું, પરવીન પાલખીવાલા.’

‘જી આ નંબર દામોદર કાપડિયાનો..’
સપના આગળ બોલે ત્યાં સામે છેડેથી અવાજ આવ્યો..

‘એ કામ ચોટો અજુ લગન સુટો પયરો છે, પઠારીમા. ઉઠહે ટવાર કઈ દેવા. શું નામ ટારુ પોયરી ? પ્રવીણ પાલખીવાલા બોલ્યો
‘જી, સપના.’

ખડખડાટ હસતાં પ્રવીણ બોલ્યો..

‘એ ઘેલસફો પટ્રકાર પઠારીમાં ઉંઢો પરીને સપનામાં ડૂબકી માયરા કરે, અને સપના તેના ફોનમાં બોલતી છે, લે બોલ. હવે હું ટારી જોડે હું કરવાનો હુટો ?’

-વધુ આવતાં અંકે.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED