ડ્રીમ ગર્લ - 37 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 37

ડ્રીમ ગર્લ 37

જિગર અને અમી ઘરે આવ્યા ત્યારે રાતના સાડા દસ થયા હતા. જિગરના ઘર તરફ વળતા રસ્તા પછી અવરજવર બહુ નહિવત હતી. જિગરે ઘર તરફ વળ્યા પછી મિરરમાં જોયું. બ્લ્યુ ટી શર્ટ વાળો વ્યક્તિ સીધો જતો રહ્યો હતો. જિગરે ઘરના ઝાંપા આગળ બુલેટ ઉભી રાખી. અમીએ ઝાંપો ખોલ્યો. આજે એને આ ઘરની માલકણ હોવાની અનુભૂતિ થતી હતી.
બાઇક ગેરેજમાં પાર્ક કરી જિગર બહાર આવ્યો.
" જિગર, હું જાઉં? મોડું થઈ ગયું છે. "
" થેન્ક્સ અમી, એન્ડ આઈ એમ રિયલી સોરી. તારા હદયની ભાવના હું સમજુ છું. બટ, હું શું કરું ? "
" કંઈ નહીં, મારી બહેનને ખુશ રાખજો. "
" ચોક્કસ, અને ઈશ્વર તને એનાથી બમણી ખુશી આપે. "
અમી આજે નિલુના ઘરે રોકાવાની હતી.
" અમી, તારી ઇચ્છા હોય તો ઘરે આવી શકે છે. "
" જિગર, હવે તારા લગ્ન પછી નિલુને મળવા આવીશ. "
જિગર એનું દર્દ સમજતો હતો. અમી વિચારતી હતી, કાશ કાયમ તારા ઘરમાં સ્થાન મલત. અમી જિગરને બાય કહી નિલુના ઘરે ગઈ. અમીની પાંપણે આંસુના તોરણ હતા. એ સમજી ના શકી કે એ આંસુ આજે મળેલી ખુશીના હતા કે મિલન પછીની જુદાઈના હતા.

** ** ** ** ** ** ** ** ** **
અમી ઘરે આવી ત્યારે નિલુ જાગતી હતી. અમીના ચહેરા પર ખુશી અને દર્દના મિશ્ર ભાવ હતા. નિલુ એ સમજતી હતી. વોશરૂમ જઇ કપડાં બદલી અમી પાછી આવી અને નિલુ સાથે વાતે વળગી. અમી અને નિલુ વચ્ચે એક અદ્રશ્ય દિવાલ આવી ગઈ હતી. અમી હદય પર એક અપરાધ ભાવનો બોજ અનુભવતી હતી. હવે એને એવું લાગતું હતું કે એણે જિગર સાથે જવું જોઈતું ન હતું.
" નિલુ, મને એમ લાગે છે કે મારે જિગર સાથે જવું જોઈતું ન હતું. "
" કેમ, જિગરે કોઈ અસભ્ય વર્તન કર્યું? "
" ના, પણ હું તારો હક ના છીનવી શકું. "
" અમી, આ તો મારા પરની શક્ય આફતનો રસ્તો કરવાનો તમે પ્રયત્ન કર્યો છે. એમાં ખોટું શું છે? "
" નિલુ, તારા પર આફત આવે તો હું પ્રેમિકાના રૂપમાં તારા બદલે મરવામાં ધન્યતા અનુભવીશ. "
" અમી, એવું કંઈ નહીં થાય. તારા જેવી બહેન પામીને હું ધન્ય થઈ ગઈ છું. આજે મેં એક કસમ ખાધી છે. "
" કઈ ? "
" જ્યાં સુધી મારી અમીના સારા પાત્ર સાથે લગ્ન નહિ થાય, ત્યાં સુધી હું લગ્ન નહિ કરું. "
" એ ગાંડી, જે વાત આપણા હાથમાં ના હોય એની કસમ ના ખવાય. મારા લાયક પાત્ર જ ના મળ્યું તો? "
" તો હું પણ લગ્ન નહિ કરું. "
" ગાંડી ગાંડી વાત ના કર, જિગરનો તો વિચાર કર. ચલ સુઈ જા હવે. "
અમી પડખું ફરી ને સુઈ ગઈ. નિલુ રાતના ત્રણ વાગ્યા સુધી જાગતી રહી. સમાજના કેટલાય ઘર નજર સમક્ષ આવી ગયા. પણ કોઈ અમીને લાયક છોકરો ના દેખાયો.

** ** ** ** ** ** ** ** ** ** ** **

મોહન સાવંત, નિહાર માખીજાની સામે ઉભો હતો. મોહને પાડેલા ફોટા અને વીડિયો માખીજા જોઈ રહ્યો હતો. જિગરનો આખા દિવસનો રિપોર્ટ માખીજાની સામે હતો.
" સર, એક નમ્બરનો ચાલુ છોકરો છે. એક દિવસ એક છોકરી અને બીજા દિવસે બીજી. "
" સાવંત મૂર્ખ છો તમે લોકો. આ છોકરો મને મહાચાલાક લાગે છે. બન્ને છોકરીઓ જુદી જુદી જગ્યાની હોત તો અલગ વાત હતી. પણ બન્ને છોકરીઓ બહેનો છે, સમજ્યો. આ છોકરો આપણને રવાડે ચડાવવા માંગે છે. એને ખબર પડી ગઈ લાગે છે કે કોઈ એનો પીછો કરે છે. પણ એને ખબર નથી કે એનો પાલો માખીજા સાથે પડ્યો છે. પણ સાવંત એક વાત સમજમાં ના આવી. "
" કઈ? "
" આ એ.સી.પી. એકલો આ છોકરાને કેમ મળવા ગયો હશે ? "
" હમ્મ.. "
" કોઈ વાત નહિ, એના પર નજર રાખવાનું ચાલુ રાખો. "
" યસ સર. "

** ** ** ** ** ** ** ** ** **

કામ કરીને રાતના બે વાગે જિગર ઉભો થયો. એણે વિશિતાની ગાડીને રીનોવેટ કરવાના ચાર અલગ અલગ લુક તૈયાર કર્યા હતા. જિગરનું માથું દુઃખતું હતું. એણે એક પેઇન કિલર લીધી અને કોફી બનાવી સોફા પર બેઠો. કોફી પીતા પીતા એણે ઘણા વિચાર કર્યા, પછી એક નિર્ણય પર એ આવ્યો.
જિગરે બારીની તિરાડ માંથી બહાર જોયું. બહાર શાંતિ હતી. કંઈ અજુગતું લાગ્યું નહિ. જિગરે પ્લાસ્ટીકનું સંતાડેલું કવર કાઢ્યું. જિગરનું હદય ધડકતું હતું. મેમરી કાર્ડ અને ડાયરીતો જિગરને સમજમાં આવી ગયા હતા, પણ નકશામાં કંઈ ખબર પડતી નહતી. મેમરી કાર્ડમાં એ નકશાનો આછો ઉલ્લેખ હતો. એ નકશો જ વધુ સંવેદનશીલ લાગ્યો. જિગરે લેપટોપ સાથે સ્કેનર લગાવ્યું અને આખી ડાયરી સ્કેન કરી. બીજા બે મેમરી કાર્ડમાં ઓરિજિનલ મેમરી કાર્ડ અને સ્કેન કરેલ ડાયરીના પાના સેવ કર્યા. નકશાને પણ સ્કેન કરીએ નવા મેમરી કાર્ડમાં લઇ લીધા. એક મેમરી કાર્ડ જિગરે પોતાના બુટમાં એક પ્લાસ્ટીકમાં વીંટી ગમ થી ચોંટાડી દીધું. નકશાની સાઈઝનો જ એક કાગળ લીધો અને ઓરિજિનલ નકશા જેવો બીજો નકશો બનાવ્યો. પણ નવા નકશામાં નિશાનીઓ અને તેની સાથે લખેલ નમ્બરમાં ફેરફાર કરી દીધા. એક કવરમાં ઓરિજિનલ ડાયરી, મેમરીકાર્ડ અને ડુપલીકેટ નકશો મૂકી, પ્લાસ્ટીકમાં વીંટી પાછું બાથરૂમમાં સંતાડી દીધું. અને બીજા એક કવરમાં નવું કોપી કરેલ મેમરીકાર્ડ અને ઓરિજિનલ નકશો મુકી સિલ કરી, પોતાની સહી કરેલ કાગળ ચોંટાડી સોફાની સીટ નીચે સંતાડયું. જિગર ઉભો થયો. ઘડિયાળમાં જોયું, સવારના પાંચ વાગ્યા હતા. જિગરે મોબાઈલમાં સાડા સાતનું એલાર્મ મુક્યું અને સોફા માં લંબાવ્યું ....

(ક્રમશ:)

13 માર્ચ 2021