ડ્રીમ ગર્લ - 36 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 36

ડ્રીમ ગર્લ 36

ટાઈટ બ્લ્યુ જીન્સ ઉપર ગુલાબી છાંટ વાળા સફેદ ટી શર્ટમાં અમી ખૂબ જ સુંદર લાગતી હતી. આછા મેકઅપમાં એનો ગુલાબી ચહેરો વધુ ગુલાબી લાગતો હતો. જિગરે બુલેટ બહાર કાઢી અને અમી જિગરની પાછળ બેઠી. નિલુ એની ગેલેરીમાંથી અમીના ચહેરાની ખુશીને જોઈ રહી હતી.
કેટલું અઘરું હોય છે આ. પણ પ્રેમની પૂર્ણતા કે ચરમસીમા આ જ છે. વિશ્વાસ... એક વિશ્વાસ પર જ બધા સંબંધો ટકે છે. નિલુને એના જિગર અને અમી પર વિશ્વાસ હતો અને એટલે અંશે જિગર નબળો હતો. એ નિશિધ વખતે નિલુ પર વિશ્વાસ રાખી શક્યો ન હતો.
અમી માટે આજનો દિવસ ધન્યતાનો દિવસ હતો. જેને ચાહિયે એનું એક પળનું સાનિધ્ય પણ પૂર્ણતા અર્પે છે તો આ તો આખો દિવસ સાથે રહેવા મળ્યું હતું. અમી વિચારતી હતી કે ધન્ય છે નિલુ, જેણે પોતાના પર વિશ્વાસ મુક્યો. અને આ મોકો આપવા બદલ એ દુશ્મનોને જાન પણ આપવી પડે તો અમી તૈયાર હતી. જિગરે બુલેટના મિરરમાં જોયું. દૂર એક બ્લ્યુ ટીશર્ટ વાળો વ્યક્તિ બાઇક લઈને આવતો હતો.
" અમી, ઇફ યુ ડોન્ટ માઈન્ડ, એવી રીતે બેસજે કે જોનારને એવું લાગે કે આપણે બન્ને ભાઈ બહેન નહિ પણ પ્રેમી છીએ. "
અમી જિગરની નજીક આવી અને જિગરની કમર ફરતે હાથ વીંટાળીને, જિગરના ખભે માથું મૂકીને બેઠી. આજે અમી આકાશમાં વિરહતી હતી...

** ** ** ** ** ** ** ** ** ** **

રિવરફ્રન્ટની બાજુમાં બુલેટ પાર્ક કરી જિગર ઉભો હતો. બ્લ્યુ ટીશર્ટ વાળો વ્યક્તિ સ્હેજ દૂર રોડની સામેની બાજુ, મ્હોમાં સિગારેટ મૂકી મોબાઈલમાં કંઇક કરતો હતો. અમી બુલેટની સીટ પર બેઠી હતી. જિગર અમીની પાસે આવ્યો..
" અમી, આઈ એમ રિયલી સોરી, મારા કારણે તને ખૂબ તકલીફ પડી. "
" કોણે કહ્યું કે મને કોઈ તકલીફ પડી છે ? "
" અમી, મેં પણ પ્રેમ કર્યો છે અને હું બધું સમજુ છું. બટ, અમી. ઈશ્વરે આવી રચના શા માટે કરી? એ જ આ દુનિયામાં થતા અન્યાય, દુઃખ અને અત્યાચારનો જવાબદાર છે. "
" કેમ એ જવાબદાર છે ? "
" કેમકે એ આવું કેમ થવા દે છે કે નિશિધ નિલુ ને ચાહે, હું નિલુ ને ચાહું, નિલુ મને ચાહે અને તું... "
" કેમ અટકી ગયો, બોલ. "
" તું બીજા કોઈને ચાહે. "
" બીજા કોને ? "
જિગર અમીની આંખમાં આંખ પરોવી જોઈ રહ્યો. એ આંખોમાં અગાધ પ્રેમ હતો.
" મને. "
" જિગર આટલું સમજવા બદલ આભાર. "
" અમી, પણ તારા માટે કેટલું કઠિન હશે એ હું સમજી શકું છું. એક વાત કહું અમી ? "
" બોલ. "
" હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારી અમીને કોઈ સારું પાત્ર મળી જાય અને એ ખૂબ સુખી રહે. "
" મારી અમી ? આવું માનવા બદલ આભાર. "
" અમી મઝાક નહિ. "
" જિગર, તમે રાધા કૃષ્ણનો પ્રેમ કદાચ સમજી શકશો, પણ મીરાંનો પ્રેમ સમજી નહિ શકો. ઈશ્વર તારી અને નિલુની જોડી સલામત રાખે. "
" બહુ ડાહી. મારી દાદી ના બનીશ. "
હજુ બ્લ્યુ ટીશર્ટ વાળો વ્યક્તિ સામે જ હતો.

** ** ** ** ** ** ** ** ** **

સિટીપલ્સના સિલ્વરસ્ક્રીન પર ચાલતી ફિલ્મમાં અમીને કોઈ રસ ન હતો. બસ એક દિવસ એને ઉધાર મળ્યો હતો, અને એ એની એક એક પળને માણી લેવા માંગતી હતી. એ જિગરના ખભે માથું મૂકીને સુઈ ગઈ હતી. સુઈ તો નહતી ગઈ, પણ સુવાનો ડોળ કરતી હતી.

અડધું થિયેટર ખાલી હતું. જિગરે શરૂમાં જ જોયું હતું કે એનાથી પાછળ ચોથી રોમાં પેલો બ્લ્યુ ટીશર્ટ વાળો વ્યક્તિ બેઠો હતો. જિગરે અમીના ગળે હાથ વીંટાળી દીધો.
ફિલ્મ આગળ વધતી હતી. થિયેટરમાં કમ સે કમ આ ત્રણ વ્યક્તિનું ધ્યાન તો ફિલ્મમાં હતું જ નહિ.

** ** ** ** ** ** ** ** ** **

આજનો દિવસ અમી માટે ધન્યતાનો દિવસ હતો. જિગરનું એક દિવસનું સાનિધ્ય એને આજીવન જીવવાનું બળ આપી રહ્યું હતું. સાનિધ્યના કેટલાં અર્થ વ્યક્તિ કાઢી શકે છે. પણ સાચા પ્રેમી માટે સાનિધ્યનો અર્થ વાસનાથી ક્યાંય ઉપર હોય છે. હોટલ મનોર ઇનના એરકન્ડિશનમાં અમી જિગર સાથેનું પહેલું અને કદાચ છેલ્લું ભોજન એક પ્રેમિકાના રૂપમાં લઇ રહી હતી. પણ ભાવિના ગર્ભમાં શું છે એ જાણવું કેટલું અઘરું છે ? બ્લ્યુ ટી શર્ટ વાળો વ્યક્તિ બરાબર પીછો કરી રહ્યો હતો. અહીં પણ એ દરવાજાની પાસે જ ટેબલ પર ભોજન લઈ રહ્યો હતો. જ્યાંથી જિગર પર એ બરાબર નજર રાખી રહ્યો હતો. જિગરને એ વાત બરાબર ખબર હતી. જિગરે અમીનો હાથ પોતાના હાથમાં લીધો.
જિગરે અમીનો એક હાથ પોતાના હાથમાં જ રાખ્યો હતો. અમીનું મન કહેતું હતું આ પળ અહીં જ થંભી જાય. માનવ મન પણ કેટલું અજબ હોય છે. ખુશીની પળ વ્યક્તિની ઇચ્છાથી ત્યાં જ અટકી જાય તો ? તો સ્વર્ગની ખેવના રાખવાની જરૂર જ ના પડે. પણ એવું થતું નથી. સુખ ઓછું અને દુઃખ વધારે, મિલનની પળ ઓછી ને જુદાઈ વધારે. અમી આ સત્ય જાણતી હતી અને આ સત્યને એણે સહજતાથી સ્વીકાર્યું હતું. માટે જ એ ખુશ હતી. આજની દરેક પળ એ માણી લેવા માંગતી હતી અને એ પળને પાલવના છેડે, હદયના ખૂણે બાંધી લેવા માંગતી હતી.
જમ્યા પછી જિગર અને અમી બહાર નીકળ્યા. જિગરે બુલેટ જ્યારે બુલેટ બહાર કાઢી ત્યારે બ્લ્યુ ટીશર્ટ વાળો વ્યક્તિ રેસ્ટોરન્ટની બહાર નીકળતો હતો.

(ક્રમશ:)

11 માર્ચ 2021