ડ્રીમ ગર્લ - 32 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 32

ડ્રીમ ગર્લ 32

જિગર નિલુ તરફ આગળ વધ્યો. નિલુનું હદય જોર જોરથી ધડકતું હતું. અને એ ધબકારા નિલુ સ્પષ્ટ રીતે અનુભવી શક્તિ હતી. નિલુને એવું લાગ્યું કે એનો વિશ્વાસ ખોટો પડશે. જિગરને રોકવા માટે કોઈ શબ્દો કે શક્તિ નિલુમાં રહી ન હતી. છતાં એ હસતી હતી. એણે એક વિશ્વાસ મૂકી દીધો હતો. હવે તો હાર કે જીત જે મળે એ સાચું. જિગર નિલુની સામે આવીને ઉભો રહ્યો. નિલુના ચહેરા તરફ જોઈ રહ્યો. નિલુના ચહેરા પર હાસ્ય હતું અને એ હાસ્યમાં એ અદ્વિતીય લાગતી હતી.
જિગર હજુ આગળ કંઈ વિચારે ત્યાં જ ડોર બેલ વાગી. જિગર એકદમ વાસ્તવિકતામાં પાછો આવ્યો. પોતે આ શું કરી રહ્યો હતો ? નિલુ ખડખડાટ હસી પડી.
" અત્યારે કોણ આવ્યું હશે ? "
" ઈશ્વર, મેં કહ્યું હતું ને કે તમે કંઈ નહિ કરી શકો. "
" તારા એ ઈશ્વર પાસે જ મેં તને માંગી છે અને એમણે તને આપી છે. જોઉં છું ક્યાં સુધી તું દૂર રહે છે. "
ડોર બેલ ફરી વાગી. નિલુએ જીભડો કાઢી લહેકો કર્યો.
" નિલુડી, હું તને જોઈ લઈશ. "
" જાવ, અત્યારે દરવાજો ખોલો. "
જિગર દરવાજા પાસે ગયો. એક પળ વિચાર આવ્યો કે કોણ હશે ? પોતાની પર હુમલો કરનાર તો નહિ હોય ને ? જિગરે દરવાજામાં સેફ્ટી ચેઇન લગાવી અને દરવાજો ખોલ્યો.
દરવાજામાં બહાર અંધારું હતું. પણ રૂમની લાઈટ એ વ્યક્તિ ઉપર પડતી હતી.
" યસ, હુ આર યુ ? "
" આઈ એમ હેમંત, હેમંત ચેટરજી. એ.સી.પી. ક્રાઇમ બ્રાન્ચ. "
જિગરને યાદ આવ્યું. યસ.. આ એ જ વ્યક્તિ છે જેણે એની પૂછપરછ કરી હતી. સાદા કપડાંમાં હેમંતને ઓળખવામાં થોડી વાર થઈ.
" યસ, વોટ કેન આઈ ડુ? "
" મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હું અંદર આવી શકું છું ? "
" યસ, કમ ઇન. "
જિગરે દરવાજો ખોલ્યો અને હેમંત અંદર આવ્યો. જિગરે દરવાજો બંધ કર્યો. જિગર અને હેમંતની નજર નિલુ પર પડી.
" ઓહ મિસ. નિલા તમે હજુ અહીં જ છો ? "
જિગરને આશ્ચર્ય થયું.
" અહીં જ છો મતલબ.. ? "
" મતલબ કંઈ નહીં, આ તો મોડું થઈ ગયું છે અને મારે તમારી સાથે એકાંતમાં વાત કરવી છે. "
નિલુ ઉભી થઇ.
" ઓ.કે.. જિગર હું જાઉં છું. પછી મલીએ.. "
જિગરે નિલુ તરફ જોયું. નિલુના ચહેરા પર એક શરારતી હાસ્ય હતું. જિગર નીલુને દરવાજા સુધી મુકવા આવ્યો. નિલુએ એક લહેકા સાથે જિગરને બાય કહ્યું. જિગરે નિલુના ગાલે ચૂંટલો ભર્યો.
" લુચ્ચી, હું આનો બદલો જરૂર લઈશ. "
" બદલો આ આવનાર માણસ જોડે લો. મારો શું વાંક છે ? "
" તારે જ દૂર ભાગવું હતું. "
" તમારા નસીબ જ ખરાબ લાગે છે. "
" બહુ ડાહી. લુચ્ચી.. "

** ** ** ** ** ** ** ** ** **

" સર, શું લેશો? કોફી કે ચ્હા કે કંઇક ઠંડુ? "
" નો ફોર્માંલિટી. આમ પણ તમે થાક્યા હશો. મિસ. નિલા સાથે આખો દિવસ ફરી ને. પહેલાં જીપમાં ફિલ્મ.. પછી વૈષ્ણવદેવી, બુલેટ પર લોન્ગ દ્રાઈવ અને પછી ભોજન. "
" જાસૂસી સારી કરો છો. ભારતમાં નાગરિકોને છૂટથી ફરવાનો અધિકાર પણ નથી ? "
" નો... નો... મિસ્ટર જિગર. જાસૂસી નહિ, પણ નાગરિકોની હિફાજત એ અમારી ફરજ છે. અને એટલા માટે જ બધા નિયમો બાજુ પર મૂકી તમને મળવા આવ્યો છું. "
" ઓહ તો એ પીળા શર્ટ વાળો વ્યક્તિ તમારો માણસ હતો. "
" નો. એ કોણ હતો એ તપાસ ચાલુ છે. "
" પણ મને કોનાથી ખતરો છે કે મારી હિફાજત કરવી પડે ? "
" મી.જિગર, તમે જે કામ કર્યું એ પ્રશંસાને પાત્ર છે. પણ તમારો પીછો થઈ રહ્યો છે એ હકીકત છે. એનું કંઇક તો કારણ હશે ને ? શું કારણ હોઈ શકે ? તમે કંઈ કહી શકો છો ? "
" મારો પીછો. પણ શા માટે અને કોણ કરે ? "
હેમંત એક ધ્યાનથી જિગરને જોઈ રહ્યો અને શબ્દો ગોઠવતા બોલ્યો.
" જે વ્યક્તિઓએ અભિજિત પર હુમલો કર્યો એ લોકો તમારો પીછો કરે છે. કદાચ... એમને શંકા હશે કે કોઈ અગત્યની વાત કે વસ્તુ અભિજીતે તમને આપી છે. "
જિગરને બાથરૂમમાં જેકેટમાં પડેલું કવર યાદ આવ્યું. એ અંદરથી ધ્રુજી ઉઠ્યો.
" સર, તમે શું માનો છો ? "
" જિગર કદાચ એ લોકો સાચા હોય. માટે જ હું અહીં આવ્યો છું. તમેં કંઈ પણ જાણતા હોય તો કહી દો. "
જિગરને ઇચ્છા થઈ કે એ કવર આમને આપી દઉં. પણ કોણ જાણે અંતરમન ના કહેતું હતું. એક વાર પોતે જોઈ લે. પછી વિચારીશ કે શું કરવું.
" સર, રિયલી હું કંઈ નથી જાણતો. "
" ઓ.કે.. એઝ યુ વીશ. પણ કંઈ મદદની જરૂર હોય તો મારો ફોન નમ્બર લખી લો. મને ડાયરેકટ રીંગ કરજો. "
" ઓ.કે... "
" મી.જિગર તમને ચારેતરફથી ઘેરવાની કોશિશ થઈ રહી છે. "
" વોટ ડુ યુ મીન ? "
" તમારો પીછો કરનાર વ્યક્તિ અને સામે રોડ પર બેઠેલા બે વ્યક્તિઓ તમારી પર નજર રાખે છે. "
" તો તમે એમને એરેસ્ટ કેમ નથી કરતા ? "
" એમને એરેસ્ટ કરવા કોઈ ઠોસ સબુત જોઈએ. જે નથી. અને આમ પણ અમે એમની બધી માહિતી જાણી લઈશું. ડોન્ટ વરી. ઓ.કે.. હું રજા લઉં. "
" ઓ.કે સર. "
હેમંત અને જિગર દરવાજા પાસે ગયા. હેમંત એક પળ રોકાયો અને બોલ્યો.
" થઈ શકે તો હમણાં મિસ. નિલુને તમારાથી દુર રાખો. "
" કેમ ? "
" તમે આજે આખો દિવસ સાથે ફરીને તમારા દુશ્મનને તમારી નબળી કડી જણાવી દીધી છે. પણ હું માનું છું કે તમે મિસ.નિલુને કોઈ જોખમમાં નહિ નાખો. એ લોકો તમારા સુધી પહોંચવા મિસ.નિલુ સાથે કંઈ પણ કરી શકે છે. "
અચાનક જિગરને લાગ્યું કે કોઈએ એના માથા પર કોઈ બૉમ્બ ફોડ્યો છે.

(ક્રમશ:)

05 માર્ચ 2021