ડ્રીમ ગર્લ - 31 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 31

ડ્રીમ ગર્લ 31

બુલેટના હળવા આંચકા સાથે નિલુનું શરીર જિગર સાથે અથડાતું હતું. હવામાં થોડી ગરમી જરૂર હતી. પણ બુલેટની ગતિ અને બન્નેનો સાથ, બન્નેને હવા એક મીઠું સ્પંદન આપતી હતી. હવાની સાથે નિલુના લિસ્સા, કાળા, લાંબા વાળની લટો લહેરાતી હતી. બન્નેની ઈચ્છા હતી કે લોન્ગ દ્રાઈવ પર જાય. આ સફર આમ ચાલતી જ રહે.
પણ જિગરે બુલેટ શહેરી ઇલાકા તરફ વાળી. નિલુને આશ્ચર્ય થયું. પણ એ જિગરને પકડી એના ખભે માથું મૂકી સુઈ ગઈ. ભારતીય સ્ત્રીની આ જ વિશેષતા છે. જેને પુરુષે સમજવી જોઈએ. ભારતીય સ્ત્રી જ્યારે કોઈ પુરુષને જીવન સોંપે છે ત્યારે એક વિશ્વાસ સાથે જીવન સોંપે છે. એ જ્યાં લઈ જશે ત્યાં યોગ્ય જગ્યાએ જ લઈ જશે. એ ક્યારેય મારું અહિત ના કરી શકે.
પણ આવા વિશ્વાસ સાથે હાથ પકડી ચાલી નીકળેલી સ્ત્રીને જ્યારે પુરુષ રસ્તામાં તરછોડી દેતો હશે કે કોઈ બજારમાં વેચી દેતો હશે ત્યારે એ સ્ત્રી પર શું વીતતી હશે એ તો એ સ્ત્રીનું મન જ જાણતું હશે. જે પળે એ સ્ત્રીને વિશ્વાસઘાતની ખબર પડતી હશે તે પળે એ સ્ત્રીના પગ તળેથી જમીન ખસી જતી હશે. આવા આઘાતોને ઓછા કરવાની તાકાત આંસુઓમાં હોતી નથી. બજારમાં ભૂખ્યા વરૂઓ વચ્ચે વેચાયેલી એ સ્ત્રીના મનમાં એક જ વિચાર આવતો હશે કે એ નરાધમ જો સામે આવે અને મોકો મળે તો એના ટુકડા ટુકડા કરી ગીધડાઓને ખવડાવી દઉં.
નિલુ એક વિશ્વાસ સાથે જિગરના ખભે માથું મૂકીને બેઠી હતી. જિગરે જાણી જોઈને બુલેટ શહેરી ઇલાકા તરફ વાળી હતી. એ જાણતો હતો કે કોઈ એનો પીછો કરી રહ્યું હતું. એના જેકેટમાં એક વ્યક્તિનું રાઝ પડ્યું હતું અને એનાથી પણ અતિ કિંમતી વસ્તુ એની પાસે હતી. નિલુ.... જિગરને એના પર થયેલો હુમલો યાદ હતો. અને એ નિલુને કોઈ જોખમમાં મુકવા નહતો માંગતો.
ઇવનિંગ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આશરે સાત વાગે જિગર નીલુનો હાથ પકડી પ્રવેશ્યો. દરવાજા પર ઉભેલા સ્ટાફે ઝૂકીને બન્નેને વેલકમ કર્યા. વિશાળ મેદાનમાં લોન પર આશરે 25 જેટલા ટેબલની આસપાસ ખુરશીઓ મુકેલી હતી. લોન પર છાટેલા આછા પાણીને કારણે હવામાં થોડો ભેજ હતો. લાઈટ મ્યુઝિક વાતાવરણને મદહોશ બનાવતું હતું. ગાર્ડનની આજુબાજુ મોગરો અને રાતરાણીના છોડ વાતાવરણમાં પોતાની હાજરી પુરાવતા હતા. જિગર, નિલુના હાથમાં આખા વિશ્વની ધન્યતાનો અનુભવ કરતો આગળ વધતો હતો. નિલુ પણ આજે ખૂબ ખુશ હતી. એના જીવનનો આ પહેલા પુરુષ સાથેનો પહેલો દિવસ હતો.

વોશરૂમમાં જઇ હાથ ધોઈ બન્ને એક ટેબલ પર આમને સામને ગોઠવાયા. ગેટ પરના એન્ટ્રાન્સ પર જિગરની નજર ગઈ. પીળા શર્ટ વાળો વ્યક્તિ રેસ્ટોરન્ટમાં એન્ટર થતો હતો.

** ** ** ** ** ** ** ** ** ** **

પોણા નવ વાગે જિગરે જીપ ગેરેજમાં પાર્ક કરી. જિગરના કમ્પાઉન્ડમાં અંધારું હતું. જિગર ચાહતો હતો કે એ લાઈટ ના કરે, કેમકે એ ઇચ્છતો ન હતો કે નિલુને કોઈ જુએ. રોડની સામેની બાજુ બે ઓળા બેઠા બેઠા વાતો કરતા હતા. જિગર ગેરેજનો દરવાજો બંધ કરી નિલુની પાસે આવ્યો.
" જિગર, હું જાઉં ? "
" વન કપ કોફી. પ્લીઝ.... "
" મોડું થઈ જશે. "
" ફક્ત દસ મિનિટ. "
" ઓ.કે... "
દરવાજો ખોલી બન્ને ઘરમાં આવ્યા . નિલુ કોફી બનાવવા રસોડામાં ગઈ. જિગર વોશરૂમમાં ગયો. જેકેટ કાઢી સાઈડમાં ટીંગાવ્યું. કવર હાથમાં લઇ એને જોયું. જિગરની ઉત્સુકતા ઉછાળા મારતી હતી. જિગરે કવર લટકતા જેકેટમાં મુક્યું અને હાથ પગ ધોઈ બહાર આવ્યો. નિલુ કોફી લઈને આવી અને કોફી ટીપોઈ પર મૂકી.
** ** ** ** ** ** ** ** ** **
નિહાર માખીજાના વિશાળ ફાર્મ હાઉસની કડક સિક્યુરિટી વચ્ચે એ પીળા શર્ટ વાળો વ્યક્તિ.... સાવંત.... મોહન સાવંત પોતાનો રિપોર્ટ આપતો હતો.
" સર, આજે હું બપોરથી એની પાછળ જ હતો. એના કેટલાક ફોટો અને વીડિયો મેં મોબાઈલથી બનાવ્યા છે. આ જિગર મને બદમાશ લાગે છે. આ છોકરી એની ગર્લફ્રેન્ડ લાગે છે. વધુ સુંદર તો પેલી બીજી છોકરીઓ છે, પણ આજે એ જે રીતે આ નિલા નામની યુવતી સાથે ફરતો હતો, એની ભાવભંગીમા જોઈને એવું લાગે છે કે આ જ એની ગર્લફ્રેન્ડ છે. "
સાવંતે એક મેમરી કાર્ડ માખીજાના ટેબલ પર મુક્યું. માખીજા એ ઈશારો કર્યો એટલે રોની ડિકોસ્ટા, માખીજાનો જમણો હાથ હતો એણે મેમરી કાર્ડ લેપટોપના મેમરી કાર્ડના સ્લોટમાં નાખ્યું. લેપટોપ પર ડિસ્પ્લે થયેલી તસવીરો માખીજા જોઈ રહ્યો. પચાસ વર્ષનો માખીજા ગયેલી યુવાની સ્વીકારવા હજુ તૈયાર ન હતો. જિગરના ફોટા જોઈ એને જિગર પ્રત્યેનું વેર, ગુસ્સો કે ધિક્કાર વધતો ગયો. એને વિચાર આવ્યો કે આવા જ નાલાયક છોકરાઓ ભોળી છોકરીઓને ફસાવતા હોય છે. અસંતુષ્ટ વ્યક્તિઓને બીજી વ્યક્તિઓ દુશ્મન લાગે છે. આ એક સાયકોલોજી છે. માટે મનને એટલું અસંતુષ્ટ ના બનાવવું જોઈએ કે સત્ય દેખાય જ નહિ. ઇચ્છાઓ થવી એ સ્વાભાવિક વાત છે પણ એને પૂરી કરવા અપનાવવામાં આવતા રસ્તા મહત્વના છે. ખોટો રસ્તો શાંતિ આપતો નથી.
" સાવંત, રિપોર્ટ એવો છે કે બીજી બે યુવતી પણ આ જિગરના સંપર્કમાં છે. એના ફોટા પણ મારે જોઈએ. "
" સર, બે દિવસમાં આપને એ મળી જશે. "
" ઓ.કે.. તું જઇ શકે છે. "
સાવંત બહાર નીકળ્યો અને માખીજા એ જિગર અને નિલુના ફોટા ધ્યાનથી જોયા.

** ** ** ** ** ** ** ** ** ** **

કોફીનો કપ નિલુ એ ટીપોઈ પર મુક્યો અને બોલી.
" મોડું થઈ ગયું. હું હવે જાઉં.... "
જિગર ઉભો થયો અને દરવાજાને અંદરથી બંધ કરી નિલુ તરફ ફરી દરવાજામાં જ ઉભો રહ્યો. નિલુના ચહેરા પર હાસ્ય હતું. એના હાસ્યમાં એક અજબ સંમોહન હતું.
" શું વિચાર છે ? "
" તારા મહેણાંનો જવાબ આપવાનો વિચાર છે. "
" કયું મહેણું ? "
" શરમાળ નું મહેણું.. "
નિલા ખડખડાટ હસી અને સોફા પર બેઠી.
" તમે કંઈ નહીં કરી શકો. "
" કેમ ? હું પૃરુષ નથી ? હમણાં તારી શંકા દૂર થઈ જશે. "
" તમે ફક્ત પુરુષ માત્ર નથી, તમે પ્રેમી છો. મને પ્રેમ કરો છો. માટે કંઈ નહીં કરી શકો. "
" હું તારી આવી વાતોમાં ફસાવાનો નથી. આજે તને હું જવાબ આપીને જ રહીશ. "
જિગર નિલુ તરફ આગળ વધ્યો. નિલુનું હદય ધડક ધડક થતું હતું. એને ડર લાગ્યો કે ક્યાંક પોતાની મઝાક આજે ભારે તો નહિ પડે ને ?

(ક્રમશ:)

27 ફેબ્રુઆરી 2021