સોળે કળાએ સંધ્યા ખીલેલી હતી, લગભગ સાંજનો સાત, સાડાસાત વાગ્યાનો સમય હતો, પક્ષીઓ પોતાના માળામાં પાછા વળી રહ્યા હતાં, પક્ષીઓના મીઠા કલરવથી આખુંય વાતાવરણ ગુંજી રહ્યું હતું, ફુલોથી સુશોભિત બગીચો અને અદમ્ય ઠંડક પોતાની તરફ સૌને આકર્ષી રહ્યા હતાં, એકબાજુ નાના બાળકો રમી રહ્યાં હતાં અને ત્યાં શ્રી રમણિકલાલ શેઠ અને તેમના ચાર-પાંચ સિનિયર સિટીઝન મિત્રો અચૂક બેસવા આવતાં, ગપ્પા મારતાં પોતાની સુખ-દુખની તેમજ પોતાનાં જીવન દરમિયાન બની ગયેલી ઘટનાઓની વાતો કરતાં, હસી-મજાક કરતાં અને એકાદ કલાક સાથે બેસીને છૂટા પડતાં. તેમનું એક આ સુંદર અને નજર લાગી જાય તેવું "યંગઓલ્ડેજ ગૃપ" હતું.
એક દિવસ રમણિકલાલના એક મિત્ર અને આ ગૃપના જ એક સભ્ય મુકેશભાઈ થોડા ઉદાસ અને અંદરથી દુઃખી દેખાયા એટલે બધાએ તેમને આમ બનવાનું કારણ પૂછ્યું પરંતુ તે પોતાની વાત કોઈને જણાવવા માંગતા ન હતાં કારણ કે દરેકના વારંવાર પુછવા છતાં પણ તેમણે, "ના ના, કંઈ નથી થયું એ તો આજે જરા તબિયત બરાબર નથી" તેવો જ જવાબ આપ્યો હતો.
પરંતુ શેઠ શ્રી રમણિકલાલ થોડા હોંશિયાર હતાં તે જાણી ગયા હતા કે મુકેશ નક્કી કોઈ મુશ્કેલીમાં છે.
તેથી તેમણે બધા એક પછી એક ચાલ્યા ગયા બાદ મુકેશભાઈને તેમના દુઃખનું કારણ પૂછ્યું. મુકેશભાઈએ જે કારણ જણાવ્યું તે સાંભળીને રમણિકલાલ શેઠના મગજનો પારો સાતમે આસમાને પહોંચી ગયો હતો.
મુકેશભાઈના જણાવ્યા પ્રમાણે તેમને સંતાનમાં ફક્ત એક દિકરો જ હતો જેનું નામ જાગૃત હતું. આ જાગૃતે મુકેશભાઈને છેતરીને તેમનો સવા કરોડનો બંગલો પોતાના નામે કરાવી લીધો હતો અને હવે તે અને તેની પત્ની મુકેશભાઈને આ ઘરમાંથી બહાર કાઢી મૂકવા માટે તૈયાર થઈ ગયા હતા. મુકેશભાઈની પત્ની છ મહિના પહેલા જ મૃત્યુ પામ્યા હતાં. મુકેશભાઈએ દિકરાને અને વહુને ખૂબ વિનંતી કરી કે, "મારું તમારા સિવાય આ દુનિયામાં કોઈ નથી, તમે મને કાઢી મુકશો તો હું ક્યાં જઈશ..?? એટલે ડરાવી ધમકાવીને મને ઘરમાં રહેવાની છૂટ આપી છે. "
મુકેશભાઈની આ વાત સાંભળીને શ્રી રમણિકભાઈ ખૂબજ ગુસ્સે થયા અને તેમની સાથે તેમના ઘરે તેમના દિકરા-વહુને મળવા માટે તૈયાર થયા.
પરંતુ સંતાન કુસંતાન થાય પણ માવતર કમાવતર થતું નથી તેમ મુકેશભાઈએ શ્રી રમણિકલાલને પોતાના ઘરે આવીને પોતાના દિકરા-વહુને ખખડાવવાની "ના" પાડી.
શ્રી રમણિકલાલ શેઠ પૈસેટકે ખૂબજ સુખી-સંપન્ન હતા અને હોંશિયારીમાં પણ તેમનો પહેલો નંબર આવે.
તેમણે પોતાની પાસે જે ભંડોળ હતું તે અને બીજું ભંડોળ પોતાના જેવા સુખી-સંપન્ન મિત્રો પાસેથી ઉઘરાવવાનું ચાલુ કર્યું. આ કામમાં તેમના બગીચા વાળા 'યંગઓલ્ડેજ ગૃપ' ગૃપના દરેક સભ્યએ ખૂબજ મદદ કરી અને રાત-દિવસ એક કરીને સારી એવી રકમ ભેગી કરી લીધી.
આ રકમમાંથી શ્રી રમણિકલાલ શેઠે તેમના જેવા નિરાધાર અને વયોવૃદ્ધ સ્ત્રી અને પુરુષ બંને માટે એક મફત રહેવાની અને મફત ખાવા-પીવાની સગવડ થાય તેવું ટ્રસ્ટ બનાવી એક સેન્ટર ઉભું કરવામાં આવ્યું.
આ સેન્ટરનું નામ " વિસામો " આપવામાં આવ્યું. જેવા સુંદર બગીચામાં બધાજ મિત્રો બેસતા હતા તેવોજ સુંદર બગીચો, દવાખાનું અને બીજી ઘણીબધી સગવડો આ સેન્ટરમાં ઉભી કરવામાં આવી.
આજે આ સેન્ટરમાં લાખો રૂપિયાનું ડોનેશન આવે છે.અને ભગવાનની મહેરબાનીથી આ સેન્ટર ખૂબજ સરસ ચાલે છે.
શ્રી રમણિકલાલ શેઠનું પૂતળું આ સેન્ટરમાં વચ્ચોવચ મૂકવામાં આવ્યું છે અને સોનેરી અક્ષરોથી તેમનું નામ આ સેન્ટરના બોર્ડ ઉપર લખાયેલું છે.
ધિક્કાર છે આવા સંતાનોને જેના માતા-પિતાને આવા વૃધ્ધાશ્રમમાં રહેવું પડે છે.
અને સૅલ્યુટ છે શ્રી રમણિકલાલ શેઠ જેવા મહાન માણસોને કે જે પોતાના મિત્રોને પણ દુઃખી નથી રહેવા દેતાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
2/6/2021