ડ્રીમ ગર્લ 28
સમય પાસે દરેક દુઃખના ઈલાજ છે. મોટા મોટા ઘા સમય આવે રૂઝાઈ જાય છે. પણ એ દુઃખનો સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ હોય છે. આવા સમયે જરૂર હોય છે કોઈ સહારા ની. પ્રિયાને જિગરમાં પોતાના પિતાએ મુકેલ વિશ્વાસની ઝલક દેખાતી હતી. માટે જ એ ઇચ્છતી હતી કે જિગર વિધિ પતે ત્યાં સુધી એની પાસે રહે. જિગર પણ એ વાત સમજતો હતો. પણ એની નજરે પોસ્ટના ડબ્બામાંથી નીકળેલ સામાન હતો. કોઈ પણ ભોગે જિગર જાણવા માંગતો હતો કે એમાં શું હતું ? માટે જ એણે એક દિવસ માટે ઘરે જવાની વાત કરી.
" પ્રિયા, હું સમજુ છું કે મારે અહીં રહેવું જરૂરી છે. પણ એક અગત્યનું કામ છે. બસ એક દિવસ માટે હું જઇ પાછો આવી જઈશ. બસ એક દિવસ. "
" નિલુની ચિંતા થાય છે ? "
" પ્રિયા, હું એને પ્રેમ કરું છું. પણ હું એટલો ઘેલો પણ નથી કે મારી ફરજો ભૂલી જાઉં. અને કંઈ જરૂર હોય તો નિશિધ તો અહીં છે જ. "
" તું તારી વાત કર. પોતાની ફરજો બીજાના માથે ન નાખ. જ્યાં જેની જરૂર હોય એણે જ રહેવું જોઈએ. એમાં બદલે બીજું કોઈ ના ચાલે. "
પ્રિયાના શબ્દોમાં ગુસ્સો હતો. આ સંબંધ સમજવો રોહન કે નિશિધ માટે અઘરું હતું. એક પળ જિગરને મન થયું કે સચ્ચાઈ જણાવી દે. પણ કોણ જાણે કેમ એનું અંતરમન સાચી વાત કરવાની ના પાડતું હતું. એ આગળ વધ્યો. પ્રિયાની સામે જઇ એ ઉભો રહ્યો. જિગરે પ્રિયાની આંખો સાથે આંખ મિલાવી. જિગરની આંખોમાં કોઈ અજીબ તત્વ હતું. જિગરે એનો હાથ પ્રિયાના માથે મુક્યો.
" પ્રિયા તારા ડેડીને બચાવવા જેટલા જ કોઈ અગત્યના કામે મારે જવાનું છે. તારા આશીર્વાદ જોઈએ. કે હું સફળ થાઉં. "
પ્રિયાની આંખો સમક્ષ લોહીથી ખરડાયેલ પિતાને દુશ્મનોની ગોળીઓ વચ્ચેથી લઈ જતો જિગર ઉભો થઇ ગયો. પ્રિયાએ જિગરનો હાથ પોતાના હાથમાં લીધો. એનો ગુસ્સો એક ક્ષણમાં ગાયબ થઈ ગયો હતો.
" જિગર, જા સફળ થા. હું તારી રાહ જોઇશ. પણ જિગર.... "
પ્રિયાના અવાજમાં ભીનાશ હતી...
" પણ જિગર, મેં ડેડને તો ગુમાવ્યા. હું તને ગુમાવવા નથી માંગતી. તારું ધ્યાન રાખજે. "
નિશિધ વિચારતો હતો કે જિગરમાં એવું તો શું ખાસ છે જે એને આટલો શ્રેષ્ઠ બનાવે છે. નિલા, અમી અને હવે પ્રિયા. સુંદરતા જ સર્વસ્વ નથી. વ્યક્તિની બોડીમાં એક આભા હોય છે જે એને શ્રેષ્ઠ બનાવે છે. જે જિગરમાં હતી.
પ્રિયાની રજા લઈ જિગર ઘર તરફ વળ્યો.
** ** ** ** ** ** ** ** ** ** ** **
મમ્મી હજુ માસીના ઘરે જ રોકાઈ હતી. જિગરે ઘરે આવીને સૌથી પહેલાં ઘરમાં ચેક કર્યું. કોઈ ટપાલ ન હતી. જ્યારે ઘરના બધા બહાર જતા ત્યારે બહારના રૂમના દરવાજાની જાળીમાં પોસ્ટમેન ટપાલ નાંખી દેતો. પણ હજુ સુધી કંઈ આવ્યું ન હતું. સવારના નવ વાગ્યા હતા. જિગર ચ્હા બનાવી, પીધા પછી ફ્રેશ થઈ ન્હાવા ચાલ્યો ગયો. એ નહાઈને નીકળ્યો અને ડોર બેલ વાગી. જિગરે દરવાજો ખોલ્યો. માય ગોડ... નિલુ...
" આવ નિલુ. "
નિલુ અંદર આવી. જિગરે દરવાજો બંધ કર્યો. જિગરનું હદય જોર જોરથી ધડકતું હતું. આજે પહેલીવાર એ નિલુની સાથે એકલો હતો...
" હમણાં આવ્યા. "
" હા, તારી પરમિશન લેવા. વિધિ પતે ત્યાં સુધી ત્યાં રોકાવું પડે એમ છે. તું હા પાડે તો રોકાઉં ? "
" આ તો તમે ફોન પર પણ પૂછી શકતા હતા. "
" પણ તું આમ જોવા થોડી મળત... "
" વિડીયો કોલ કરતા. "
" તું નારાજ થઈ જાય એનો ડર લાગે છે. "
" હું શા માટે નારાજ થાઉં. "
" નારાજ નહિ થાય ને ? "
" ના. "
જિગર નિલાને પગ થી માથા સુધી જોઈ રહ્યો. કેટલી મોહક.. તામ્રવર્ણો ચહેરો... ભરેલા ગાલ.... અણિયાળી આંખો.. માદક હોઠ... જિગરની નજર નિલાને નિરખી રહી.
" એ ઇ મિસ્ટર. મેં વિડીયો કોલનું કહ્યું હતું... આમ જોવાનું નહિ. "
જિગર વાસ્તવિકતામાં પાછો આવ્યો.
" નિલા, કેમ તડપાવે છે મને? "
" હું ક્યાં તડપાવું છું. "
" તો આમ દૂર દૂર રહે છે. "
" જેની નજીક જવું હોય એની સાથે લગ્ન કરવા પડે. "
ધડકતા હદયે જિગર બોલ્યો.
" નિલુ, લગ્ન કરીશ મારી સાથે ? "
" પહેલા કમાતા તો થાવ. "
" નિલુ, હું કમાઈશ. સખત મહેનત કરીશ.. તને ખુશ રાખીશ... તને મારા પર વિશ્વાસ નથી ? "
" વિશ્વાસ ના હોત તો આમ તમારા ઘરે આવી ના હોત. "
ઓ તારી... આટલી વાત સમજમાં કેમ ના આવી. જિગરને પોતાની મૂર્ખામી પર હસવું આવ્યું.
" નિલુ, મમ્મી આવે એટલે તરત જ હું તારા ઘરે મોકલું છું. બસ આ પ્રિયાના ડેડીની વિધિ પતી જાય એટલે મારું ગેરેજ ચાલુ. જો હું જોબ બોબ કરવાનો નથી. મારું ગેરેજ સારું. આખો દિવસ તારી જોડે રહેવા તો મળે. થોડું કામ કર્યું અને દોડીને નિલુ પાસે. "
નિલુ હસી પડી. " તમે જોબ કરો કે ગેરેજ, મને શું ફરક પડે. પણ આમ ઘેલા કાઢશો તો લોકો હસશે. "
" નિલુ, ચલ આજે ફિલ્મ જોવા જઈએ. પછી બહાર જમીને આવીશું. "
" પણ ફિલ્મ હું કહું એ. મને મારધાડ વાળી ફિલ્મ નથી ગમતી. "
" ઓ.કે.. બાબા તું કહીશ એ... જા તું તૈયાર થઈને આવ. પછી આપણે નિકળીએ. "
" ઓ.કે.. "
** ** ** ** ** ** ** ** ** ** **
સાડા અગિયાર વાગે નિલા તૈયાર થઈને આવી. ડાર્ક બ્લ્યુ જીન્સ પર એણે આછો ગુલાબી કુરતો પહેર્યો હતો. ચહેરા પર આછો મેકઅપ હતો. હાથમાં બ્રેસલેટ અને કપાળ પર રમતી કાળા લીસા વાળની લટ. એક આછી માદક સુગંધ જિગરને મદહોશ કરતી હતી.
જિગરે ઘરને લોક કર્યું અને જીપ બહાર કાઢવા ગેરેજ તરફ ગયો. પાછળ પાછળ પોસ્ટમેન આવ્યો. જિગર અટકી ગયો. પોસ્ટમેનના હાથમાં એક જાડું કવર હતું. એના પર પોતાના અક્ષર જિગર ઓળખી ગયો. એક આછી ધ્રુજારી જિગરના શરીરમાં આવી ગઈ. પોસ્ટમેન કવર આપી બહાર ગયો. જિગરે જોયું કે રોડને પેલે પાર બેઠેલો મોચી એને જોઈ રહ્યો હતો.
(ક્રમશ:)
20 ફેબ્રુઆરી 2021