ડ્રીમ ગર્લ - 27 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 27

ડ્રીમ ગર્લ 27

નિશિધે થોડા સમયમાં બધી જ વ્યવસ્થા કરી દીધી. એક ફૂલ સાઈઝનું કોફીન હોસ્પિટલમાં આવી ગયું હતું. એક ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે અભિજિતની બોડીને કોફીનમાં પાથરેલા પુષ્પો પર મુકવામાં આવી. ઉપર પણ ફૂલ મુકવામાં આવ્યા. અભિજિતના નાક, કાનમાં રૂ ભરાવવામાં આવ્યું હતું. અભિજિતનું મ્હો અને આંખો બંધ હતા. કોઈ તપસ્વીના મ્હોની જેમ એનું મ્હો ચમકતું હતું. કોફીન બંધ કરવામાં આવ્યું અને કોફીન એક મોટી મેટાડોરમાં મુકવામાં આવ્યું.
ડો.આયંગર કેટલાક કાગળો લઈ બહાર આવ્યા.
" મી.રોહન, આ ડોક્ટરી સર્ટીફીકેટ અને પોલીસનું નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ છે. રસ્તામાં કોઈ તકલીફ ના પડે. એન્ડ દોસ્ત, આઈ એમ અગેઇન સોરી. "
રોહને કાગળો હાથમાં લીધા. રોહન કે પ્રિયા એકલા પોતાના વતન સુધી જઇ શકે એ શક્ય ન હતું. જિગર આગળ આવ્યો. એણે રોહનના હાથમાંથી કાગળો પોતાની પાસે લીધા. અને જિગરે નિશિધ સામે જોયું. નિશિધ આખી પરિસ્થિતિ સમજતો હતો.
" અમી, તું અને નિલા ઘરે જાવ. હું અને રોહન સર મેટાડોરમાં આવીએ છીએ. અને જિગર, તું અને પ્રિયા તારી જીપમાં આવો. "
એક જીવંત વ્યક્તિ સાથે મુસાફરી કરવી અને એક મૃત વ્યકિત સાથે મુસાફરી કરવી એ બન્નેમાં આસમાન જમીનનો તફાવત છે. સ્મશાનની ચાર દિવાલોની અંદરનું અને બહારનું વાતાવરણ અલગ હોય છે. અને એ અલગ કરનાર સ્મશાનની ચાર દિવાલ નહિ પણ માનવ સહજ માનસિકતા છે. મનમાં રચાયેલ દિવાલ એક અલગ જ વાતાવરણ ઉભું કરે છે અને અત્યારે એ બધા જ સ્મશાનની અંદરના વાતાવરણમાં હતા. એક જીવંત વ્યક્તિ બધાને છોડીને ચાલ્યો ગયો હતો... હંમેશા માટે.
જિગરના કાને હજુ એના શબ્દો ગુંજતા હતા...
" માય સન... હેલ્પ મી માય સન.... "
તો એક સન તરીકે એણે એના કેટલાક કર્તવ્યો હજુ પુરા કરવાના હતા. જિગરને ચિંતા પેલી પોસ્ટની હતી.. કોઈ માણસો એના ઉપર વોચ રાખી રહ્યા હતા. અગર એ પોસ્ટ એમના હાથમાં પહોંચી ગઈ તો ? એક પળ જિગરને વિચાર આવ્યો કે એ પ્રિયાની સાથે ના જાય. એ અહીં જ રોકાઈ જાય. પણ એનામાં ના પાડવાની હિંમત ન હતી.
નિલા અને અમી રિક્ષા કરી ઘર તરફ ગયા. રોહન અને નિશિધ મેટાડોરમાં બેઠા. પ્રિયા અને જિગર જીપમાં રવાના થયા.

** ** ** ** ** ** ** ** ** ** **

અભિજિતના પૈતૃક ગામમાં આજે એક અજંપો હતો. એમનો સાવજ વીરગતિ પામ્યો હતો. અભિજિત અને રોહન ગામનું ગૌરવ હતા. ગામના ગરીબ કે જરૂરિયાતમંદના કામમાં એ હરહંમેશ તૈયાર રહેતા.
અભિજિતના ઘરમાં અને ઘર બહાર માણસોનો જમેલો હતો. અભિજિતને વૈદિક મંત્રોની વચ્ચે તૈયાર કરવામાં આવ્યો. રોહન અને એમના કુટુંબીઓએ અભિજિતને ખભે લીધો. આ ગામ હતું અને ગામના નિયમો પાળવા જરૂરી હતા. પ્રિયાના અતિ આગ્રહ પછી પણ એને સ્મશાને જવાની પરમિશન ન મળી. પણ એણે આગળ આવી દોણી જિગરના હાથમાં પકડાવી. એને હજુ પિતાના મ્હોએ થી જિગર માટે નીકળેલા શબ્દો યાદ હતા. અને પોતાના પિતાની જીદંગી બચાવવા પોતાની જાન પર ખેલી જનારને આટલો અધિકાર તો જરૂર હતો. રોહન પણ આ વાત સમજતો હતો. નિશિધને આજે એ સમજાતું હતું કે પોતે બધી રીતે વધુ યોગ્ય હોવા છતાં જિગરમાં પોતાના કરતા વિશેષ શું હતું ?
જિગરની સાથે, જિગરને દોરતા એક ગ્રામજન ચાલ્યા. પાછળ પ્રિયાનું આક્રંદ જિગરના હદયને વલોવતું હતું. જિગરને અફસોસ થતો હતો કે પોતાના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. પણ કર્મ જ મનુષ્યના હાથમાં છે. ફળ ઈશ્વર આધીન છે. આ સત્ય છે... એને સહજતાથી સ્વીકારવું જ જોઈએ.
પ્રિયાના આક્રંદને પાછળ મૂકી જિગર આગળ વધી ગયો.

** ** ** ** ** ** ** ** ** ** **

રોહન એ પળને વાગોળી રહ્યો જ્યારે એના પિતાનું મૃત્યુ થયું હતું. હજુ બન્ને ભાઈઓનો અભ્યાસ પૂરો થયો ન હતો. એ વરસાદનો સમય હતો. અને વરસાદમાં ખુલ્લા આસમાન નીચે અગ્નિસંસ્કાર કરવું કેટલું અઘરું હોય છે એ જેના પર વીત્યું હોય એ જ જાણે. અને અભિજીતે એની બચત માંથી પહેલું કામ એના વતનમાં 50×50ની છત વાળું અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવાનું કામ કર્યું હતું. અને એ છતની નીચે લોખંડની એન્ગલનું સ્ટેન્ડ બનાવડાવ્યું હતું. અને એ જ છત અને એ જ સ્ટેન્ડ પર આજે અભિજિતની બોડીને મુકવામાં આવી હતી.
રોહને ભારે હદયે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભાઈને મુખાગ્નિ આપ્યો. જિગર, નિશિધ અને ગ્રામજનો એ પ્રદક્ષિણા કરી. માનવ માત્રનો આ જ અંત છે. મુઠ્ઠીભર રાખમાં પરિવર્તિત થવાનું... છતાં કેટલો મોહ ? અને એ ક્ષણવારના આનન્દ માટે કેટલા પ્રપંચ? એ પોતાની વ્હાલી દીકરીને ઈશ્વર ભરોશે મૂકીને ચાલ્યો ગયો. માનવમાત્ર એમ જ ચાલ્યો જાય છે. તો એ ઈશ્વરને સાક્ષિ માની સતકર્મ કેમ નથી કરતો ? શા માટે જુઠ, પ્રપંચ, કાવાદાવાની માયાજાળ ઉભી કરે છે ? કોઈની પાસે એનો જવાબ ન હતો. રોહન એક પાંચ ફૂટ આઠ ઇન્ચની કાયા લઈને ગયો હતો. અને એક નાનકડી મટકીમાં મુઠ્ઠીભર હાડકાં લઈને પાછો ફર્યો... પ્રિયાને આપવા...

** ** ** ** ** ** ** ** ** **

નિહાર માખીજાની સામે સુલ્તાનસિંહની વાતો ઘુમતી હતી. જિગર એકમાત્ર એનો ટાર્ગેટ હતો. અભિજિત હવે આ દુનિયામાં ન હતો અને એ જિગરનો નિલા, અમી કે પ્રિયા સાથે કોઈ સોફ્ટ સબંધ જરૂર હતો. મેના ને પીંજરામાં બંધ કરો.. એટલે તોતો જરૂર આવશે. અને મેના ને તકલીફ પડશે તો તોતો એની જીભ જરૂર ખોલશે. પણ એ જાણવું જરૂરી હતું કે એના તોતાની મેના કોણ છે? અને સુલ્તાનસિંહની બીજી એક વાત પર પણ માખીજાનું ફોક્સ હતું. કોઈ ફ્રૂટવાળો પણ કંઇક નજર રાખી રહ્યો છે. એનો મતલબ એ થાય કે બીજું કોઈ પણ આ વાત પર નજર રાખી રહ્યું છે. પણ કોણ? એ જાણવું પણ જરૂરી છે. વેઇટ.. વેઇટ.. હજુ એકદમ નિર્ણય લેવો નથી... વેઇટ...

(ક્રમશ:)

18 ફેબ્રુઆરી 2021