journy to different love... - 31 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 31

(આગળના ભાગમાં આપણે જોયું કે અભિજિતભાઈ અને હેતવી બહેન આલોક સમક્ષ નીયા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે આ સાંભળી આલોક મૂંઝાઈ જાય છે. તેની સામે એક બાજુ પ્રિયંકા છે તો બીજી બાજુ નીયા હવે તેને કોઈ એક બાજુ જવાનું છે...)

આલોક ગાર્ડનમાં પોતાના બન્ને હાથ માથા પર રાખી અને માથું નીચે રાખીને બાંકડા પર બેઠો હતો. તેને કઈ સમજાતું નહતું, મગજ જાણે બંધ પડી ગયો હતો. તેને અચાનક કંઈક સૂઝ્યું અને તેણે પોકેટમાંથી પોતાનો ફોન કાઢ્યો અને પ્રિયંકાને ફોન કર્યો. પ્રિયંકા કૉલ રિસીવ કરતા જ બોલી, "હેલ્લો, માય ડિયર, હજુ તો આપણે હમણાં જ મળ્યા હતા અને તને આટલી જલ્દી મારી યાદ આવી ગઈ ?" અને પછી હસતા-હસતા બોલી, "સોરી, બોલ શું કામ પડી ગયું મારું ?"

આલોક ગંભીરતાપૂર્વક બોલ્યો, "પ્રિયંકા અત્યારે મજાક નો સમય નથી. આપણે હમણાં થોડાક સમય પહેલા જે ગાર્ડને મળ્યા હતા ત્યાં તું જલ્દીથી પહોંચી જા."

આલોક આવું બોલ્યો એટલે પ્રિયંકા ડરી ગઈ. તે ગંભીરતાપૂર્વક બોલી, "આલોક ! આર યું ઓક્કે? શું થયું છે ?"

"તુ અત્યારે ગાર્ડને આવી જાને, પ્લીઝ." આલોક સાવ રડમસ અવાજે બોલ્યો.

"ઓકે, હું આવું જ છું." પ્રિયંકા આલોકનો રડમસ અવાજ સાંભળી અને ફટાફટ બોલી અને કોલ કટ કરીને ગાર્ડને પહોંચી. તેણે આમ-તેમ નજર ફેરવી પણ આલોક ક્યાંય દેખાયો નહીં પછી તે પોતે થોડા સમય પહેલા જે બાંકડા પર બેઠા હતા તે બાજુ ગઈ. ત્યાં તેણે બાંકડા પર આલોકને બેઠેલો જોયો. તે આલોકની બાજુમાં જઈને બેસી ગઈ પણ વિચારોના દરિયામાં તરતાં આલોકને ખબર પણ ના પડી કે પ્રિયંકા આવીને તેની બાજુમાં બેસી ગઈ છે એટલે પ્રિયંકા ધીમા સ્વરે બોલી, "આલોક...!"
પણ વિચારોના દરિયામાં દૂર સુધી તરતા આલોકને પ્રિયંકાનો ધીમો અવાજ ના સંભળાયો એટલે પ્રિયંકા થોડા ઊંચા સ્વરે બોલી, "આલોક...!"

આલોક ઝબકયો તેણે પ્રિયંકા સામું જોયું, પ્રિયંકાએ તેના ખભા પર હાથ રાખી અને પૂછ્યું, "આલોક શું થયું છે? તારુ મોં આમ શા માટે ઉતરી ગયું છે ?"

આલોકે પ્રિયંકાને તેના મમ્મી-પપ્પાએ 'તેના સમક્ષ નિયા સાથેના લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો' તેના વિશે અને 'નિયા કેવી રીતે આટલા વર્ષોથી તેની રાહ જોતી હતી' તે વિશે પણ કહ્યું. આલોકે પોતાની વાત પૂરી કરી ત્યાં સુધી પ્રિયંકા કોઈ પણ પ્રતિભાવ આપ્યા વગર શાંતિથી બધુ સાંભળી રહી હતી. આલોકે પોતાની વાત પૂરી કરી અને પ્રિયંકાનો હાથ પોતાના હાથમાં લેતાં બોલ્યો, "હવે તું જ કહે કે હું શું કરું? ક્યાં જાવ? કઇ સમજાતું નથી."
પ્રિયંકા એક હળવા સ્મિત સાથે બોલી, "ક્યાંય જવાની જરૂર નથી, અહીં જ રહે અને એમાં આટલું વિચારવાનું શું હોય ?! તારી નજર સામે બધું સ્પષ્ટ તો છે ? તારે નિયા સાથે જ લગ્ન કરવા જોઈએ."
આ સાંભળી આલોક ઉભો થઇ ગયો એના ચહેરા પર આશ્ચર્યના ભાવ આવી ગયા તે બોલ્યો "પ્રિયંકા તને કંઈ ભાન છે ?! કે તો શું બોલી રહી છે?!"
પ્રિયંકા પણ ઉભી થઇ અને સહજતાથી બોલી, "હા મને પૂરે-પૂરી ભાન છે કે હું શું બોલી રહી છું."
"પ્રિયંકા આ બધું બોલવું તારા માટે શક્ય હશે મારા માટે નહીં. હું તને અનહદ પ્રેમ કરું છું." આલોક ગુસ્સા અને આશ્ચર્યના મિશ્ર ભાવો સાથે બોલ્યો.

" આલોક હું પણ તને અનહદ પ્રેમ કરુ છું. આટલી મોટી વાત આમ સહજતાથી બોલતા મારા દિલમાં પણ ખૂબ દર્દ થાય છે પણ હું નથી ઈચ્છતી કે આપણા લગ્ન તારા મમ્મી-પપ્પાની ઈચ્છા વિરુદ્ધ થાય. માની લઈએ કે હું તારા મમ્મી પપ્પાને પસંદ પણ આવી ગઈ પણ તેઓ તારા ખાતર મને પસંદ કરશે બાકી તેમણે તો નીયામેમને ક્યારના પોતાના વહુ તરીકે જોઈ લીધો હશે." પ્રિયંકા બોલી.

"મમ્મી-પપ્પાને એવું કાંઈ નથી પ્રિયંકા. તેને આપણા લગ્નથી કાંઈ વાંધો નહીં આવે." આલોક પ્રિયંકાને સમજાવતા બોલ્યો.

"ચાલ તારા મમ્મી-પપ્પા મને સ્વીકારી લે પણ નીયામેમ ? તેમને કેટલું હર્ટ થશે ? તારા મમ્મી-પપ્પાએ નીયામેમના તારા પ્રત્યેના પ્રેમ વિશે જે કહ્યું તું તેના પર તો વિચાર ! તું એ તો જો કે આપણે બંને એક-બીજાને થોડાક મહિનાઓથી જ ઓળખીએ છીએ છતાં એક-બીજાને કેટલો પ્રેમ કરીએ છીએ, જ્યારે નીયામેમ ! એ તો તને આટલા વર્ષોથી પ્રેમ કરે છે એ પણ એક તરફથી... તેને ખબર હતી કે પોતે જેને ખૂબજ ચાહે છે તેના જીવનમાંથી પોતાનું અસ્તિત્વ ભૂંસાય ચૂકયુ છે છતાં તે તને પ્રેમ કરતા હતા અને જ્યારે આટલા વર્ષોની તપસ્યા બાદ તું તેને મળ્યો તેથી તે કેટલા ખુશ છે અને તું તેની સાથે લગ્ન કરવાની ના પાડે તો તેને કેટલું દુઃખ લાગશે ? જો હું તમારા બંનેના ભૂતકાળ વિશે પહેલાથી જાણતી હોત તો હું તમારા બંનેની વચ્ચે આવેત જ નહિ." પ્રિયંકા એકી શ્વાસે બોલી ગઇ.

આલોક ગુસ્સા સાથે બોલ્યો, "વ્હોટ ? તું અમારી વચ્ચે ? આ તું શું બોલે છે ? લિસન પ્રિયંકા, નીયા મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને તું મારો પ્રેમ. હું તનેજ મારી લાઈફ પાર્ટનર બનાવી શકુ. બીજા કોઈને નહીં. નીયા ફક્ત મારી ફ્રેન્ડ છે એમાં તું ક્યાંથી વચમાં આવી ?"
"હું સાચું જ કહું છું, જો હું તારી લાઇફમાં જ ન આવી હોત તો ફક્ત તું અને નીયામેમજ હોત, બીજું કોઈ નહીં." પ્રિયંકા આલોકને સમજાવતા બોલી.

" એકઝેકટલી, હું એમ જ કહેવા માંગું છું કે આપણા નસીબમાં જ એક-બીજાને મળવાનું લખ્યું હતું ને, તો જ આપણે મળ્યા ને ? એટલે ભગવાન પણ ઈચ્છે છે તું જ મારી લાઈફ પાર્ટનર બને." આલોક પ્રિયંકાને સમજાવતા બોલ્યો પણ તેણે જોયું કે પ્રિયંકા નીચું જોઈ રહી હતી, જાણે તે તેની વાત સાંભળવા કે સમજવા માગતી ન હતી, તેથી આલોક પ્રિયંકાના બંને ખભા પર પોતાના હાથ મૂકી તેની સામું જોઈને દ્રઢતા પૂર્વક બોલ્યો, "લિસન પ્રિયંકા, મે તારી સાથે જ પ્રેમ કર્યો છે અને હું તારી સાથે જ લગ્ન કરીશ."

પ્રિયંકા પોતાના ખભા પરથી આલોકના હાથ હટાવી ઉપર આકાશ તરફ જોતા બોલી, "તું મારી સમક્ષ દઢતાપૂર્વક એમ કહી રહ્યો છે કે લગ્ન તો તારી સાથે જ કરીશ પણ તું એ તો વિચાર કર કે ખુદ ભગવાન પણ પોતાના પ્રેમ સાથે લગ્ન નહોતા કરી શક્યા તેમણે પણ રાધા ને પ્રેમ કર્યો હતો પણ શું તે તેમની સાથે આજીવન રહી શક્યા ? તેની સાથે લગ્ન કરી શક્યા ? તે સાચું કહ્યું કે આપણા નસીબમાં એકબીજાને મળવાનું લખ્યું હતું પણ થોડાક સમય માટે જ..."
" ભગવાનના લગ્ન પોતાના પ્રેમ સાથે ન થઈ શક્યા એનો મતલબ એ તો નથી ને કે મારા પણ ના થાય ?" આલોક પ્રિયંકા સાથે દલીલ કરતાં બોલ્યો.

" હા, તારી વાત સો ટકા સાચી છે. ભલે, ભગવાન તેના પ્રેમ સાથે લગ્ન ના કરી શક્યા. પણ કદાચ તું તારા પ્રેમ સાથે લગ્ન કરી શક. પણ જરૂરી તો નથીને કે એ પ્રેમ હું જ હોઉં ? તું નીયા સાથે ટાઇમ સ્પેન્ડ કર. શું ખબર તું મને ભૂલીને તેને પ્રેમ કરવા માંડ ?"
પ્રિયંકા બોલી.
" પ્રિયંકા, મે નીયા સાથે ટાઇમ સ્પેન્ડ કરેલો છે. મને તેના પ્રત્યે તેવી કોઈ લાગણી જન્મી જ નથી અને મને તો એવું જ લાગે છે કે તેને પણ મારા પ્રત્યે એવું જ હશે એટલે જ તો અમારા બંનેની દુરી વધતી ગઈ અને હું તારી સાથે વધુ નજીક આવ્યો અને હું તારા સિવાય બીજા કોઈને પ્રેમ નહીં કરી શકું." આલોક બોલ્યો.

" તારે મારા સીવાય બીજા કોઈને નહીં પણ ફક્ત નીયામેમને જ પ્રેમ કરવાનો છે અને એ તો તારે કરવો પડશે, તેમની ખુશીને ખાતર...." પ્રિયંકાએ કહ્યું.

આલોક પ્રિયંકાની આવી વાતો સાંભળી સાવ ચૂપ થઈ ગયો તે સામે રહેલા ઝાડ ને જોઈ રહ્યો, ઝાડવા માંથી એક પાન ખરીને નીચે પડ્યું, તે ઝાડવું જાણે આલોક ને કહી રહ્યું હતું, " મારા પરથી આ પાંદડું જેવી રીતે ખર્યું તેવી રીતે તારે પણ તારા જીવનરૂપી ઝાડવામાંથી નીયા અથવા પ્રિયંકા બન્નેમાંથી કોઇ એક પાંદડાને ખેરવવું જ પડશે.' તેની આંખો અને ચહેરા પરની મૂંઝવણ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. તે ફરીથી બાંકડા પર બેસી ગયો, માથે હાથ રાખી દીધા. તેનો મગજ ફરીથી સુન્ન થઈ ગયો.

પ્રિયંકા તેની સામે ઉભીને બોલી, "જો આલોક, તું આમાં બહુ બહુ મૂંઝા નહી. તારી પાસે અત્યારે એક બાજુ 'હું છું કે જે તારા પ્રેમને મેળવે છે અને સામે તને પ્રેમ કરે છે અને બીજી બાજુ છે નીયા મેમ કે જેને તારી પાસેથી પ્રેમ મળતો ન હોવા છતા આટલા વર્ષોથી તને અનહદ પ્રેમ કરે છે, મારા કરતા પણ વધુ.' આ બન્ને બાજુમાંથી તારે કોઈ એક બાજુ જવાનું છે, ચોઇઝ તારી છે..."

આટલું બોલી પ્રિયંકા ત્યાં બાજુમાં ચૂપ-ચાપ ઊભી રહી ગઈ. પણ આલોક હજુ તે જ સ્થિતિમાં હતો. થોડાક સમય બાદ તે ઊભો થયો અને પ્રિયંકા સામું જોઈને બોલ્યો, "હું ખરેખર નસીબદાર છું કે મને મારી લાઈફમાં તું મળી, તું પોતાની વાતોથી કોઈના પણ દિલ જીતી લે છે. સામેવાળી વ્યક્તિ તારી વાત માની જ લે. તારું દિલ પણ બહુ મોટું છે. હું આજે જ મમ્મી-પપ્પાને નીયા સાથે વાત કરવાનું કહીશ." પ્રિયંકા પણ આ સાંભળીને ખુશ થઈ ગઈ.

આલોક આગળ બોલ્યો, "પણ પ્રિયંકા એ વાત યાદ રાખજે કે હું તને જ પ્રેમ કરું છું અને તને જ પ્રેમ કરતો રહીશ. હું કદી નીયાને એ વાતનો અહેસાસ પણ નહીં થવા દઉં અને તેની અને મમ્મી-પપ્પાને ખુશી માટેજ હું તેની સાથે લગ્ન કરીશ. આઇ લવ યુ પ્રિયંકા."
"આઇ લવ યુ ટુ આલોક." પ્રિયંકા ભીની આંખોએ આટલું બોલી અને બન્ને એક-બીજાને ભેટી પડ્યા. બંન્નેની આંખોમાંથી આંસુ નીકળવા માંડ્યા. થોડા સમય માટે બન્ને એમ જ રહ્યા પછી અચાનક પ્રિયંકા આલોકથી અળગી થઇને દોડીને ત્યાંથી નીકળવા માંડી. આલોક પોતાની આસુ ભરેલી આંખોએ પ્રિયંકાને તેના આંસુ લૂછતી દોડીને ત્યાંથી નીકળતી જોઈ રહ્યો.... અને ત્યાંજ નીચે ઘાસવાળી લીલીછમ જમીન પર બેસી ગયો, હજુ તેના આખો રૂપી વાદળ આસુ રૂપી વરસાદને ચહેરા રૂપી જમીન પર વરસાવી રહ્યા હતા....

થોડીકવારે સ્વસ્થ થતાં તે ઘરે પહોંચ્યો. તેણે ડોરબેલ વગાડી તો નોકરે દરવાજો ખોલ્યો. તેણે જોયું કે હોલમાં કોઇ હતું નહીં એટલે તે ફટાફટ પોતાના રૂમમાં ચાલ્યો ગયો, મોં સાફ કરી, કપડાં ચેન્જ કરી અને તે સહજતાથી રસોડામાં જઇ અને પોતાના પેટ પર હાથ ફેરવતા બોલ્યો, "મમ્મી, કેટલી વાર ? મને બહુ ભૂખ લાગી છે."

"બસ, બેટા જમવાનું બની જ ગયું છે. એક કામ કર અમારા રૂમમાંથી તું તારા પપ્પાને બોલાવી લાવ એટલે આપણે જમવા બેસી જઈએ." હેત્વીબહેન રોટલી શેકતા બોલ્યા.

આલોક અભિજીતભાઈને બોલાવી લાવ્યો પછી ત્રણેય જમવા બેઠા. છેલ્લો કોળિયો ખાઈ આલોક બોલ્યો, "મમ્મી-પપ્પા મેં નિર્ણય લઈ લીધો છે."

"શું નિર્ણય લીધો છે બેટા ?"હેત્વીબહેન ઉત્સુકતાથી બોલ્યા.

"હું નીયા સાથે લગ્ન કરવા તૈયાર છું, જો તેની હા હોય તો." આલોક પાણી પીતા બોલ્યો.

"તેની તો હા જ સમજી લે,બેટા." અભિજીત ભાઈ ખુશ થતા બોલ્યા.

"પપ્પા, તમે રીતેશઅંકલને કહી દે જો કે તે નીયાને એક વાર પૂછી લે, તેનો જવાબ જાણવો મારા માટે જરૂરી છે." આલોક નેપકીનથી હાથ લૂછી રૂમમાં જતા બોલ્યો.

તેનું આવું વર્તન અભિજીતભાઈ અને હેત્વીબહેન બન્નેને નવાઈ પમાડે તેવું તો હતું. પણ તેઓ કાંઈ બોલ્યા નહીં. થોડીવારની ચૂપકીદી બાદ હેત્વીબહેન બોલ્યા, "તમે રીતેશભાઈને કોલ કરોને, આપણે વાત તો કરીએ."

અભિજીતભાઈએ રીતેશભાઈને કોલ કર્યો. સામેથી કોલ રિસીવ થયો. અભિજીતભાઈએ ફોન સ્પીકર પર કર્યો જેથી હેત્વીબહેન પણ સાંભળી શકે.

રીતેશભાઈ : હેલ્લો, અભિજીત, શું કરે છે ? બધું બરાબર તો છે ને ?
અભિજીત ભાઈ : હા બધુ બરાબર છે. મેં તને એક જરૂરી વાત કહેવા માટે ફોન કર્યો છે.

રીતેશભાઈ : હા, બોલને.
અભિજીત ભાઈ : અમેં આલોક સાથે તેના અને નીયાના લગ્નની વાતચીત કરી છે. આલોક તરફથી હા છે.

રીતેશભાઈ : (ખુશીથી) વાહ, એ તો સારી વાત કહેવાય. હવે નીયાનો મંતવ્ય પણ જાણી લઈએ.
અભિજીત ભાઈ : હા, આલોકનું અને અમારું પણ એમ જ કહેવું છે કે હવે તમે નીયાના વિચાર જાણી લો પછી આગળ વાત વધારીએ.

રીતેશભાઈ : હું હમણાં તેની સાથે આ વિશે વાતચીત કરી લઉ છું.

અભિજીતભાઈ : હા, કોઈ ઉતાવળ નથી. શાંતિથી વાત કરી લેજે.

રીતેશભાઈ : ઓકે જય શ્રી કૃષ્ણ.
અભિજીત ભાઈ : જય શ્રી કૃષ્ણ.

ફોન પર વાતચીત પુરી થઈ એટલે હેત્વીબહેન બોલ્યા, "તમે આલોકને કહી દો કે રીતેશભાઈ સાથે વાત થઈ ગઈ છે."
"હા એ બરોબર, હું હમણાં કહી દઉં છુ." અભિજીત ભાઈ આટલું બોલી અને આલોકના રૂમમાં ગયા અને હેત્વીબહેન પોતાના કામમાં પરોવાયા.

આલોક પોતાના રૂમમાં બેઠો હતો અને વિચારોમાં ડૂબેલો હતો. ત્યાં અભિજીતભાઈ આવીને તેની બાજુમાં બેઠા અને બોલ્યા, "આલોક, મેં રિતેશ સાથે ફોન પર વાતચીત કરી લીધી છે, તેઓ તારો નિર્ણય સાંભળીને ખુશ થયા છે અને તેઓ આજે જ નીયા સાથે પણ આ વિશે વાતચીત કરી અને તેનો નિર્ણય કહેશે."

"ઓક્કે પપ્પા." આલોક બસ આટલું જ બોલ્યો. અભિજીતભાઈ ત્યાંથી નીકળી ગયા પછી આલોક બેડ પર રહેલા ઓશિકાને પોતાના બંને હાથો વડે દાબતો રડી પડ્યો.

આ બાજુ પ્રિયંકા પણ આંખોમાંથી નીકળતા આસું સાથે ઘરે પહોંચી અને ઘરે પહોંચીને દરવાજો ખોલીને સોફાની બાજુમાં પડી અને પોક મૂકીને રડવા માંડી. પોતાના પ્રેમને બીજાનો થવાનો પોતાના મોઢેથી અને એ પણ સહજતાથી કહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તે રાત્રે તો બંનેમાંથી કોઈને નીંદર ન આવી. તેનું કારણ કદાચ તો નીયાનો નિર્ણય શું હશે ? તે આલોક સાથે લગ્ન કરવાની હા પાડશે ? તે આલોકને આટલો ગાઢ પ્રેમ કરતી હશે ? આવા સવાલો હોઈ, એ તો એ બંનેના મન જાણે પણ તેમની સાથે કદાચ તમારા મનમાં પણ આવા જ બધા સવાલો ઉદભવતા હશે તો તેનો જવાબ જાણવા માટે વાંચતા રહો સફર-એક અનોખા પ્રેમની...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED