ડ્રીમ ગર્લ 26
પ્રિયાના ચિત્કાર અને આક્રંદથી હોસ્પિટલની દિવાલો ગુંજી ઉઠી. પ્રિયાના આક્રંદથી રોહન અને ડૉ.આયંગર દોડી ને આવ્યા. નર્સ અને ડોકટર એમની છેલ્લી કોશિશ કરી રહ્યા હતા. રોહન હતપ્રભ હતો. એનો ભાઈ આ જગત છોડી ચાલ્યો ગયો હતો. મનમાં હજારો વાતો છુપાવીને. રોહન કંઈ પણ વિચારવા શક્તિશાળી ન હતો. એ એક ખૂણામાં ઉભો રહી ગયો હતો. જિગર પ્રિયાને સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો. નિલા માટે આવો પહેલો પ્રસંગ હતો. એને સમજાતું ન હતું કે શું કરવું જોઈએ. એનો ફોન વાઈબ્રેટ થયો. અમીનો ફોન હતો. નિલા ફોન લઈ રૂમની બહાર નીકળી.
" હાય નિલુ, ક્યાં છે ? "
" અમી, મારી વાત ધ્યાનથી સાંભળ. જિગરનો અકસ્માત વાળો વ્યક્તિ મારુતિ હોસ્પિટલમાં એડમિટ છે. એમની દીકરી જોડે હું જિગરની સાથે હોસ્પિટલમાં આવી છું. પણ અહીંતો કંઇક ગજબ થઈ ગયો હોય એવું લાગે છે. કદાચ એ વ્યક્તિ ખૂબ સિરિયસ છે અથવા કદાચ.... એમની દીકરી ખૂબ જ આક્રંદ કરે છે. મને સમજાતું નથી કે હું શું મદદ કરું. તું અહી આવે છે? પલીઝ... "
" નિલુ હું આવું છું. જો તને વાંધો ના હોય તો... નિશિધ અહીં છે. એને પણ લઈ આવું. એ બધા કામમાં એક્સપર્ટ છે."
" ઓ.કે.. કમ સુન. '
** ** ** ** ** ** ** ** ** ** **
લગભગ પચીસ મિનિટમાં નિશિધ અને અમી હોસ્પિટલમાં પહોંચ્યા. નિલાને કંઇક રાહત થઈ. ડોકટરે હાર સ્વીકારી લીધી હતી.
નિલા, નિશિધ અને અમી રૂમમાં આવ્યા. અભિજિતને લગાવેલ તમામ ઈકવિપમેન્ટ કાઢી લેવામાં આવ્યા હતા. અભિજિતને હવે જગતના કોઈ જ ઈકવિપમેન્ટની જરૂર ન હતી. સોનુ, રુપુ, હિરા, ચાંદી, સુખ, દુઃખ, પ્રેમ, વેર, દેશ, વિદેશ, સરહદ તમામ બાબતોથી એ પર થઇ ગયો હતો. એક પરમ શાંતિના લેવલ પર પહોંચી ગયો હતો. પાછળ છોડતો ગયો હતો એક માત્ર લાડલી પુત્રી ને. એના સુખ દુઃખમાં હવે ભાગીદાર થવાને એ શક્તિમાન ન હતો. બાળપણમાં પણ પ્રિયા પિતાની હાજરીની કમી મહેસુસ કરતી હતી, પણ એક આશા રહેતી કે પોતે કોઈપણ તકલીફમાં હશે તો પિતા દોડીને આવી જશે. પણ પ્રિયાના આક્રંદથી હોસ્પિટલની દિવાલો ધ્રૂજતી હતી. પણ એને છાની રાખવાની ફરજ બજાવવા પણ એ પિતા અશક્ત હતો.
રોહન શૂન્યમનસ્ક હતો. દૂર દૂર રહેનારો અભિજિત એનો ભાઈ હતો. બાહોશ, નિડર અને પ્રેમાળ. રોહન ગમે એટલો મોટો ઓફિસર હોય પણ આખરે એ એક માણસ હતો. અંદરથી એ તૂટી ગયો હતો, એ એકલો પડી ગયો હતો. આંખના આંસુ ઓફિસરના રુઆબની પાળ તોડીને ગાલ પર થઇ નીચે સરી રહ્યા હતા. પણ એનું પુરુષપણું એના પર હજુ નિયંત્રણ રાખી રહ્યું હતું. એને પ્રિયાની જેમ આક્રંદ કરવાની છૂટ ન હતી. એનામાં એ કહેવાની છૂટ ન હતી કે હું થાકી ગયો છું... હું હારી ગયો છું.... હું તૂટી ગયો છું...
એક નર્સ આવી.
" મી.રોહન, આપને ડો.આયંગર સર બોલાવે છે. "
એકલા પડેલા રોહને જિગર સામે જોયું. જિગર આગળ વધ્યો. જિગરની નજર નિશિધ પર પડી. જિગરે નિશિધને સાથે આવવા ઈશારો કર્યો.
રોહન, જિગર અને નિશિધ ડો.આયંગરની ચેમ્બરમાં આવ્યા.
" રોહન, આઈ એમ સોરી. હું એમને બચાવી ના શક્યો. "
રોહને આયંગરની સામે જોયું . પણ કંઈ બોલવાની ક્ષમતા રોહનમાં ન હતી.
" રોહન, હું ગમે તેમ કરી ત્રણથી ચાર કલાકમાં તમામ કાગળો તૈયાર કરાવું છું. બોડી.. સોરી તમારા ભાઈને તમે ક્યાં લઈ જવા માંગો છો ? "
" આઈ થિંક, મારા વતન માં. રાજસ્થાન. "
" ઓ.કે.. બોડી માટે હું કોઈ વ્યવસ્થા કરું કે આપ કોઈ વ્યવસ્થા કરશો. કેમકે ડેડબોડી વાનમાં આપ લાંબી મુસાફરી નહિ કરી શકો. "
એક ક્ષણના વિલંબ વગર નિશિધ બોલ્યો.
" ડોકટર એ મારા પર છોડી દો. હું બધી વ્યવસ્થા કરી દઉં છું. "
" આપ કોણ ? "
" હું, જિગરનો દોસ્ત છું. "
" ઓ.કે... "
** ** ** ** ** ** ** ** ** ** **
અભિજિતની ડેડબોડીને વળગીને થતું પ્રિયાનું આક્રંદ જોવા રોહન સક્ષમ ન હતો. એ બહાર જ સોફામાં ફસડાઈ પડ્યો. જિગર અને નિશિધ એક પળ રોકાઈ ગયા. નિશિધે જિગરની સામે જોયું.
" જિગર તું અંદર જા. હું આમને સંભાળું છું અને બધી જ વ્યવસ્થા કરી દઉં છું. "
" ઓ.કે.. "
દુઃખ વ્યક્તિના આપસી સંબંધોની કડવાશ દૂર કરવા તો ભગવાન નહિ આપતો હોય ને ? જિગર અને નિશિધ વચ્ચેની એક અદ્રશ્ય દિવાલ ક્યારે તૂટી ગઈ એ ખબર ના પડી.
જિગર રૂમમાં પ્રવેશ્યો. પ્રિયાનું આક્રંદ યથાવત હતું.
આ આત્માને શસ્ત્રો હણી શકતા નથી....
આ આત્માને અગ્નિ બાળી શકતો નથી...
આ આત્માને પાણી ભિંજવી શકતું નથી....
પણ આપણી ઓળખ તો આપણા શરીર, આપણા ચહેરા, આપણા વ્યવહાર અને પ્રેમના પાયા પર રચાયેલ હોય છે. એને દોરનાર ભલે આત્મા હશે, પણ અમલમાં મુકનાર તો શરીર જ હોય છે ને ? આ સત્ય છે. નહિ તો અભિમન્યુના મૃત્યુનો શોક અર્જુનને થાત?
અર્જુનને આશ્વસ્ત કરવો જો ભગવાન શ્રીકૃષ્ણને આસાન રહ્યું હોત તો અર્જુન કોઈ પ્રતિજ્ઞા લેતો જ નહિ. અથવા ભગવાન શ્રીકૃષ્ણની એના પાછળની બીજી કોઈ ધારણા પણ હોય.
પણ પ્રિયા અર્જુન ન હતી. તો કૃષ્ણતો ક્યાંથી હાજર થાય. નિલાના તમામ પ્રયત્નો નિષફળ જઈ રહ્યા હતો. અમી જિગરની પાસે આવી.
" ડોકટરે શું કહ્યું ?"
" ત્રણ ચાર કલાકમાં ડોકટર તમામ કાનૂની કાગળો તૈયાર કરી દેશે. પણ બોડી ક્યાં લઈ જવી છે એમ પૂછતાં હતા. રોહને કહ્યું એમના વતન લઈ જશે. નિશિધ બધી વ્યવસ્થા કરે છે. "
" ઓ.કે.. "
અમી પ્રિયાની પાસે ગઈ. પ્રિયાના ખભે હાથ મુક્યા અને અમી સ્હેજ નીચે નમી પ્રિયાના કાનમાં બોલી.
" દીદી, પ્લીઝ શાંત થાવ. ડોકટર પૂછે છે અભિજિત સરને ક્યાં લઈ જવા છે ? "
અચાનક પ્રિયા વાસ્તવિકતા તરફ પાછી આવી. હજુ પોતાની પિતા પ્રત્યેની કેટલીક ફરજો બાકી હતી. માનવસહજ પ્રતિક્રિયાઓ સમજવા સ્કૂલોમાં જવાની કે ડિગ્રીઓની જરૂર નથી. ફક્ત એક માનવ તરીકે વિચારવાની જરૂર હોય છે. અમી જાણતી હતી કે પ્રિયાને એના કર્મ પ્રત્યે જાગૃત કરવાની જરૂર છે. સવાલ એ હતો કે કેવી રીતે ? અને અમી એ સહજતાથી કરી દીધું. પ્રિયા એ અમી તરફ જોયું અને પૂછ્યું.
" અંકલ ક્યાં છે? "
(ક્રમશ:)
16 ફેબ્રુઆરી 2021