જાદુઈ પુસ્તક અને શિવાંશ - 6 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 6

6

મગધ સમ્રાટ જરાસંઘે ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપવા માટે નરમેઘ યજ્ઞ કરવા વિચાર્યું. એમાં તેણે સો નરની બલિ આપવી પડે અને એ માટે તેણે નરની બલિ આપવા એક પછી એક રાજાઓને જેલ ભેગા કરવા લાગ્યો. જયારે કોઈ રાજા તેની સામે બાથ ભીડવા તૈયાર નહોતા એટલે ભીમે બ્રાહ્મણ બનીને તેને મળવા ગયો અને પડકાર ફેંક્યો કે,

"મારી સાથે મલ્લયુધ્ધ કર..."

જરાસંઘે બ્રાહ્મણ મને કંઈ ના કરી શકે, મારી સામે ટકી નહીં શકે સમજી તેની સાથે મલ્લયુધ્ધ કર્યું. ભીમે તેને હરાવીને ૮૬ રાજાઓને મુક્ત કરીને, તેમનું રાજય તેમને પાછું આપ્યું.

શિવાંશ પણ પોતાની બહેન પરીને આ કાળા જાદુમાં થી મુક્ત કરવા તાંત્રિક જોડે પણ બાથ ભીડવા તૈયાર થઈ ગયો.

પરીને બાજુમાં રહેલા કાકીને ભળાવી પરેશ, સારિકા અને શિવાંશ મંદિરે પહોંચ્યા. પરેશ અને સારિકા ગઈકાલની ઘટનાથી દુઃખી હતા પણ સાધુ ધ્યાનમાં બેઠેલા હોવાથી તે ચૂપચાપ બેસી રહ્યા હતા.

શિવદાસ મહારાજે આંખો ખોલી અને બોલ્યા કે,

"પરીએ કાલે એક વ્યક્તિને મારી નાખ્યો છે ને, એ માટે તમે દુઃખી છો?"

"હા બાપજી... તે..."

"બસ બેટા, બોલીશ નહીં."

"બાપજી પરીને રોકી શકાય એવી કોઈ વિધિ નથી."

"ના, દરેક કાળા જાદુનો તોડ તાંત્રિક જોડે જ હોય, અને એ પણ જાદુ કરનાર જોડે જ, બીજા પાસે નહીં.'

"દરેક જાદુના ભોગ બનનાર વ્યક્તિ માટે હત્યા પણ એક નક્કી રીતે જ થાય છે. પહેલા યુવાન સ્ત્રી, નાનકડી બાળકી, બલવાન પુરુષ, બાળક અને છેલ્લે એક વૃદ્ધ કે યુવાન વ્યક્તિ. પછી ભોગ બનનાર વ્યક્તિને મારી નાંખવામાં આવે છે. અને નવા વ્યક્તિ પર વિધિ કરીને કાબૂમાં લેવામાં આવે.'

"આવા સો વ્યક્તિ થવા જોઈએ, આ દિકરી ૯૯મી વ્યક્તિ છે. અને તેને આ ત્રીજી હત્યા કરી દીધી છે. માટે બને એટલી જલ્દી ઉપાય કરવો પડશે, નહીંતર તો તેનો જીવ જોખમમાં છે."

આ સાંભળીને પરેશે કહ્યું કે,

"તો બાપજી મને આર્શીવાદ આપો, હું આજે જ પ્રયત્ન કરવા જઈ રહ્યો છું."

"પણ શિવાંશ જવાનો હતો."

"એ તો બાળક કહેવાય, અને એના જીવને હું જોખમમાં મૂકવા નથી માંગતો. માટે હું જ પ્રયત્ન કરીશ."

પરેશ સામે સાધુ જોઈ રહ્યા, પછી મહારાજે કંઈ કહ્યા વગર આર્શીવાદ આપતા કહ્યું કે,

"જલ્દી જા બેટા, અને તેમની નજરમાં ના આવી જાય તેનું ધ્યાન રાખજે."

"હા, બાપજી..."

પરેશે ભગવાનનો પ્રસાદ લઈને મહેલ જવા નીકળ્યો. મહેલની બહાર સુધી તો આરામથી તે પહોંચી ગયો, પણ આગળ કેમ વધવું તે ખબર નહોતી પડી રહી. એટલે તે અસમંજસમાં બહાર જ ઊભો હતો ત્યાં જ અંદરથી એક માણસ મગન આવ્યો અને પૂછ્યું કે,

"શ્યામ છે તું?...."

પરેશ કંઈપણ બોલ્યા વગર તેની સામે જોઈ જ રહ્યો એટલે મગન અકળાઈ ગયો અને તેને હલાવીને પૂછ્યું કે,

"શ્યામ છે ને તારું નામ? બા એ તને જ બોલાવ્યો છે ને?"

પરેશે માથું હલાવ્યું તો મગન બોલ્યો કે,

"તો પછી બોલતો કેમ નહીં? મ્હોંમા મગ ભર્યા છે? ચાલ ઝટ કર, બા એ તને સાફસફાઈ કરવા બોલાવ્યો છે તો પછી...."

પરેશ ચૂપચાપ અંદર ગયો. તેને બતાવેલો શેઠનો અને શેઠાણીનો ઓરડો સાફ કરવા લાગ્યો. આમને આમ બપોર પડી, પરેશ પણ અકળાઈને આમતેમ જોયા કરતો હતો.

બપોરનું જમણ જમ્યા પછી જયંતી શેઠાણીએ કહ્યું કે,

" એ ભાઈ, જા બગીચામાં થોડીવાર આરામ કર. પછી ભંડારિયું અને કોઠારરૂમ સાફ કરજે."

પરેશે માથું હલાવીને હા તો પાડી પણ મનમાં વિચારતો હતો કે,

"મારે તો પુસ્તકાલય શોધવું છે, પણ શોધવું કેવી રીતે?"

થોડીવાર રહીને મગને કોઠારરૂમ બતાવ્યો અને કહ્યું કે,

"આ સાફ કરી નાખ, પછી કાલે આવજે."

પરેશ પણ આમતેમ નજર ફેરવીને પુસ્તકાલય શોધતો રહ્યો અને કોઠારરૂમ સાફ કર્યો. જયંતી શેઠાણીએ તેને બોલાવ્યો અને કહ્યું કે,

"કામ તો બરાબર છે તારું, કાલે આવીશ. હું તને સાફ સફાઈના દિવસના ૫૦૦ ભરી દઈશ, ચાલશે?"

"હા, શેઠાણી..."

"તો કાલે આવી જજે."

"સારું..."

કહીને ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે પાછો આવ્યો તો તેને ઉપરના માળના ઓરડા સાફ કરાવવા લાગ્યા. જયંતી બરાબર ધ્યાન રાખી રહી હતી. પરેશ મનથી અકળાઈ રહ્યો હતો પણ તેને જો એ પુસ્તક જોઈતું હોય તો આ અકળામણ વેઠવી પડે એવી હોવાથી તે કામ કરી રહ્યો હતો. બપોર પછી જયંતીએ તેને કહ્યું કે,

"જા પુસ્તકાલય સાફ કરી દે, મગન અને પુસ્તકાલય બતાવજે."

"એ હા બા..."

પરેશ મનમાં તો ખુશ થયો અને તે મગનની પાછળ ચાલ્યો. પણ તે વખતે શેઠ ત્યાં જ બેઠા હતા, એટલે પરેશ અને મગન ગભરાઈ ગયા. ત્યાં જ જયંતી શેઠાણી આવ્યા અને શેઠને કહ્યું કે,

"સાંભળો...."

"હા, બોલો... બોલીએ તો જ સંભળાયને."

"હા એ તો હું કહેતી હતી કે તમે તમારા ઓરડે બેસો તો પુસ્તકાલયમાં સફાઈ કરાવી દઉં."

"હમમ... આ છોકરો કોણ છે? નવો આવ્યો છે કે શું?"

"હા, દરેક વખતે લીલા કરી દેતી, પણ આ વખતે તે નથી તો તેની જગ્યાએ આવ્યો છે."

"સારું, ધ્યાન રાખીને કરાવજો. હું જાઉં છું મારા ઓરડામાં.'

"અને હા, પાછા ચા મોકલાવજોને આ છોકરા જોડે."

"હા, મોકલાવું છું."

"મગન ચા મૂક તો..."

મગને ચા બનાવીને આપી તો તે લઈને પરેશ શેઠની ઓરડામાં ગયો. શેઠે ચા લેતા પૂછ્યું કે,

"શું નામ તારું લ્યા..."

"શ્યા... શ્યામ... શેઠજી"

"હમમ... હકલાય છે કે શું?"

"ના, શેઠજી..."

એકદમ જ ચા પીતા. તેના પર થૂંકી દીધી અને તાડૂકીને બોલ્યા કે,

"મગન... ઓ મગન.... એ સાંભળો છો?"

મગનની જોડે જોડે જયંતી શેઠાણી પણ આવ્યા.

"આ ચા કોને બનાવી?"

શેઠ ગુસ્સામાં બોલ્યા. મગન નીચું જોઈ ગયો.

"ચા એ બનાવતાં નથી આવડતી."

જયંતીએ સમજાવટના સૂરમાં કહ્યું કે,

"કદાચ ભૂલ થઈ ગઈ હશે..."

આટલું બોલે ત્યાં સુધીમાં તો જયંતીના મ્હોં પર છૂટો કપ ફેંકયો. મગન પરેશને લઈને બહાર જતો રહ્યો. જયંતીએ ચાના કપ રકાબીના ટુકડા ભેગા કરીને બહાર નીકળ્યા.

પરેશના મનમાં શેઠાણી માટે દયા આવી, પણ પોતાના કામમાં મન પરોવ્યું.

પુસ્તકાલયમાં એક પછી એક કરીને બધા જ પુસ્તકોને તે ફેંદી વળ્યો, પણ તેને કયાંય પણ.તાંત્રિક વિધિ નું પુસ્તક મળી નહોતું રહ્યું.

તે નિરાશ થઈ ગયો પણ પરીને યાદ કરીને પોતાના મનને શાંત કર્યું. સાધુ મહારાજના શબ્દો યાદ કર્યા કે,

"જે પુસ્તક ઉપર તને એવું લાગે ને કે સોનેરી આભા છે, તો તે લઈ લેજે. એ જ તાંત્રિક વિધિનું પુસ્તક હશે."

ફરીથી પુસ્તકાલયમાં એક પછી એક પુસ્તક હાથમાં લઈને જોતો અને મૂકતો. આખું પુસ્તકાલય ફેંદી વળતા એક ખૂણામાં દબાયેલું પુસ્તક દેખાયું, જે સાધુ મહારાજે કહેલા શબ્દો મુજબ સોનેરી આભાવાળું હતું. ત્યાં જ મગન આવતા તેણે પાછું મૂકી દીધું. મગન બોલ્યો કે,

"પતી નથી તારી સાફસફાઈ, કેટલી વાર કરી? ઝડપ કર, નહીંતર શેઠ ગુસ્સે થશે. એ તેમના મોટા ભાગનો સમય અહીં જ પસાર કરે છે."

"હા, કરી દઉં ભાઈ સાહેબ, મારો હાથ નહોતો પહોંચાતોને એટલે, પણ હવે વાર નહીં લાગે."

"સારું છું કે તારા નસીબ સારા એટલે જ શેઠને કામ હોવાથી બહાર ગયા છે. ઝપાટો બોલાવ અને કામ પતાવ."

મગન ગયો તેવું જ તે સોનેરી આભાવાળું પુસ્તક તેને પોતાના કપડામાં સંતાડી દીધું અને શેઠાણી જોડે બે દિવસનો પગાર લેવા ગયો. પગાર લઈને તે ફટાફટ ઘરે પહોંચ્યો ત્યાં જ....