જાદુઈ પુસ્તક અને શિવાંશ - 7 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 7

7

ડૂબતો માણસ પોતાની જાતને બચાવવા ઘણા હવાતિયાં મારે એને માટે તેને તણખલું પકડવું પડે તો તે તૈયાર જ હોય. તે પોતાની જાતને બચાવવા માટે ના કરવાના કામ પણ કરે.

આવું જ તાંત્રિક ગોરખનાથ કરી રહ્યો હતો, અને પરેશે પણ કર્યું. જયારે પરીને આ કાળા જાદુથી બચાવવા માટે તાંત્રિકના જીવ સમાન પુસ્તક લઈ આવવાનું જોખમ ખેડયું, એ પણ આની અસર શું થશે સમજયા વગર? તે તાંત્રિકને ખબર પડી જાય તો જીવને જોખમ થાય તે વિચાર્યા વગર?

'કાલે સવારે મંદિરે જઈને આ પુસ્તક સાધુ મહારાજને આપીશ' એમ વિચારી પરેશ તે પુસ્તક લઈને ઘરે આવ્યો. હજી ઘરમાં જઈને બેઠો પણ નહોતો ને, તો કોઈએ દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલ્યો તો સામે રામલાલ ઊભો હતો.

પરેશે તેની સામે આશ્ચર્યથી જોયું તો તે બોલ્યો કે,

"રામલાલ... તમે શેઠના ઘરેથી જે પુસ્તક ચોરી લાવ્યા છો, તે લેવા આવ્યો છું તો તે તમે મને આપી દો."

પરેશ 'કેમ કરીને ખબર પડી' તે વિચારમાં તો પડયો છતાંય પણ તે ખોટું બોલ્યો.

"મેં તો કોઈ પુસ્તક ચોરી કરી નથી."

"કેમ શેઠના ઘરેથી લાલ રંગનું પૂંઠુ છે, જે પુસ્તકાલયમાં હતું અને તે હમણાં જ લીધું છે તે."

આટલું બોલતા જતે પરેશની નજીક ગયો. અને કાનમાં બોલ્યો કે,

"તે જે તાંત્રિક વિધિનું પુસ્તક લીધું છે ને તે આપી દે, નહીંતર તાંત્રિક મહારાજનો કોપ જો તારા પર ઉતરશે તો તું અને તારો પરિવાર ભસ્મ થઈ જશો."

પરેશ ચૂપચાપ તેમની સામે જોઈ જ રહ્યો અને રામલાલની આંખમાં એવો તો શું જાદુ હતો કે પરેશે તે પુસ્તક પોતાના શર્ટમાં થી બહાર કાઢીને આપી દીધું. રામલાલે તે લઈ લીધું અને જતા પહેલા તેના કાનમાં કહ્યું કે,

"તારી દિકરી પર જાદુ કર્યો છે માટે તાંત્રિક મહારાજે જવા દીધો. પણ હવેથી જો મહેલ બાજુ દેખાય તો તારા પર જ વશીકરણ કરી દઈશું. તારી અને તારા પરિવારની સલામતી જોઈતી હોય તો તાંત્રિક મહારાજની આડે ના પડતો, સમજયો."

શિવાંશ, સારિકા અને પરેશ કંઈ જ ના બોલી શકયા અને ચૂપચાપ તે પુસ્તક વગરનો ખાલી હાથ અને નાનકડી પરી ડરેલીને જોઈ જ રહ્યા.

રામલાલ દેખાતા બંધ થયા પછી ભાન આવ્યું હોય તેમ પરેશ અને સારિકા મંદિરે સાધુ મહારાજને મળવા ગયા.

સાધુ મહારાજને મળી બધી બનેલી વાત કરી, શિવદાસ મહારાજ વિચારમાં પડી ગયા અને આંખો બંધ કરીને આવું કેમ અને કેવી રીતે બન્યું તે જાણવાનો પ્રયત્ન કર્યો. તેમાં

'પરેશ પુસ્તકાલયમાં સાફ સફાઈનું કામ કરી રહ્યો હતો, પછી શેઠને ચા આપવી, ફરી પાછું તેનું પુસ્તકાલયમાં આવું અને જેવું તેને પુસ્તક ઉઠાવ્યું તેવું જ તાંત્રિક ગોરખનાથ, જે ધ્યાનમાં બેઠેલ હતા તેમનું ધ્યાન ભંગ થયું. તેમને રામલાલને બોલાવ્યો અને કહ્યું કે,

"પરેશ નામના બાળકના ઘરે જા, અને મારું પુસ્તક પાછું લઈ આવ."

રામલાલ જઈ રહ્યો હતો, તેને પાછો બોલાવ્યો અને,

"તારું બાળક છે, તું તેનો પિતા છે માટે જવા દઉં છું. બીજી વાર નહીં જવા દઈએ, જોડે આટલું કહીને પણ આવજે."

"જી મહારાજ..."

અને રામલાલ ઘરે પહોંચી ગયો.'

આંખો ખોલીને શિવદાસ મહારાજે કહ્યું કે,

"આ સારું નથી થયું, પણ હવે સાવધાની ખૂબ રાખવી પડશે અને હા, પરેશ તમે હમણાં એ બાજુ ના જતા. બીજું કંઈક વિચારવું પડશે. હાલ તો તમે સાવચેત રહેજો અને પરીનું પણ ધ્યાન રાખજો. આજની રાત તેના માટે સારી ના પણ હોય, માટે મંદિરમાં દર્શન કરીને માતા પાસે હિંમત માંગતા જાવ અને પરેશ.... તમે મને છેલ્લે જરા મળજો."

પરેશ જયારે શિવદાસ મહારાજને મળવા ગયો, ત્યારે તેના હાથમાં કંઈક પકડાવીને કાનમાં કહ્યું. પરેશે તે વસ્તુ પોતાના ખીસામાં મૂકી દીધી અને રાત કયારે પડે તેની રાહ જોઈ

રહ્યો. આ બાજુ સાધુ શિવદાસ મહારાજ પણ જાપ કરી રહ્યા હતા.

તાંત્રિક ગોરખનાથે સાડા દસ વાગ્યે પાછી અઘોરી સાધના ચાલુ થઈ અને પરી જાગીને ઊભી થઈ ને ચાલવા લાગી. પરેશ અને સારિકા પણ તેની પાછળ પાછળ ગયા.

આ વખતે તેને એક નાનકડો બે વર્ષનો બાળક ઘરની બહાર બેસીને રડી રહ્યો હતો, એ જોયો. પરી તેને જોઈ રહી હતી, તે બાળક પણ પરીને જોઈ રહ્યો હતો. પણ ખબર નહીં કેમ, તેનાંથી બાળકને ડર લાગવાથી તે રડતું અને ભોખાડિયે ચાલતું ઘર તરફ જવા લાગ્યું. અચાનકથી જ પરી મુખ્ય દરવાજે આવી ગઈ, તે જોઈ ડરનું માર્યું બીજી તરફ રડતું રડતું ભોખડિયા ભરતું દોડવા લાગ્યું. પરી તેની પાછળ શાંતિથી ચાલી રહી હતી.

ઘરમાંથી માનો અવાજ પણ આવી રહ્યો હતો કે,

"રામ... ચૂપ થઈ જા... ઘરમાં આવ બેટા...."

અવાજ સાંભળ્યો ના સાંભળ્યો કરીને પરી તેની પાછળ ચાલતી ચાલતી મુખ્ય રસ્તા પરના ઓટલા સુધી લાવી.

હવે પરી એકદમ જ નજીક આવી ગઈ. તે જોઈ ડરનું માર્યું એ બાળક રડવા લાગ્યું. તે બાળકને પરી ઊંચકવા જાય તે પહેલાં જ પરેશે હિંમત કરીને પરીના ગળામાં સાધુ મહારાજે આપેલો લાલ દોરો ગળામાં નાખી દીધો. પરી એકદમ જ બૂમો પાડવા લાગી અને ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગઈ.

પરીને પરેશે ઊંચકી લીધી અને પેલા બાળકને સારિકાએ તેડી લીધો. બાળકને એના ઘર આગળ મૂકીને તેઓ પોતાના ઘરે પાછા આવી ગયા. પરેશે પરીને તેની પથારીમાં સૂવાડી દીધી. સારિકા તેની સામે આશ્ચર્યથી જોવા લાગી અને બોલી કે,

"આ બધું...."

પરેશ ના બોલાયેલો પ્રશ્ન સમજી ગયો અને કહ્યું કે,

"મહારાજે આજે તમને મંદિર મોકલી અને મને બોલાવ્યો હતો, ત્યારે જ કહ્યું હતું કે,

'પરેશ તમારા પ્રયત્ન ભલે નિષ્ફળ ગયો અને તમને જવા દીધા. પણ પરી પર જોખમ છે જ, વધી પણ શકે છે અને કદાચ તેનો જીવ પણ જઈ શકે છે."

"તો પછી..."

"ચિંતા ના કરો, હું તમને એક આ મંત્રેલો દોરો આપું છું. પરી કોઈને પણ મારવા જાય ત્યારે તેના ગળામાં નાખી દેજો અને તે બેભાન થઈ જશે. તે પણ બચી જશે અને મરનાર વ્યક્તિ પણ."

"અને હા, આ બધું પતી જાય પછી પરીને મારી જોડે લઈ આવજો.'

પરેશ આટલું બોલીને કહ્યું કે,

"ચાલ તું ઘરમાં શિવાંશનું ધ્યાન રાખ, હું પરીને લઈ મંદિરે જાવ છું."

"ઊભા રહો, હું પણ તમારી જોડે આવું."

"સારું... ચાલ..."

પરેશ અને સારિકા શિવદાસ મહારાજ જોડે પરીને લઈ પહોંચ્યા ત્યારે તેમને જાપ કરેલો દોરો તેને પહેરાવ્યો અને કહ્યું કે,

"આને એકલી ના મૂકતા."

સારિકાએ પૂછ્યું કે,

"બાપજી આનાથી તે જાદુ અસર નહીં કરે?"

"ના, આ કાયમી ઉપાય નથી, તે તો પેલો જ છે. પણ હાલ પૂરતું તે કોઈનો પણ જીવ ના લઈ શકે એ માટે છે, બાકી આગળ તો ભગવાનની મરજી."

"એ માટે શિવાંશને તે પુસ્તક લાવવું જ પડે, શકય છે."

પરેશે કહ્યું કે,

"બાપજી એની જગ્યાએ ફરીથી હું જાવું તો...."

"ના, તારો આત્મા શિવાંશની જેમ ઉચ્ચ કોટીનો નથી. એકવાર તે જોયુંને કે શું થાય છે? માટે રહેવા દે. મા જ આપણને રસ્તો દેખાડશે. જય મહાકાળી... જય અંબે.

રેટ કરો અને રિવ્યુ આપો

Vijay

Vijay 7 માસ પહેલા

Krupa Dave

Krupa Dave 7 માસ પહેલા

Rajni Dhami

Rajni Dhami 7 માસ પહેલા

વષૉ અમીત

વષૉ અમીત 8 માસ પહેલા

Jaydeep R Shah

Jaydeep R Shah 8 માસ પહેલા