જાદુઈ પુસ્તક અને શિવાંશ - 5 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 5

5

કંસનો લોકો પર, પ્રજા પર અત્યાચાર વધવા લાગ્યો હતો અને લોકો ત્રાહીમામ ત્રાહીમામ પોકરી રહ્યા હતા. તે વખતે દેવો અને લોકોએ પ્રાર્થનામાં ભગવાન પાસે એક એવો ઉધ્ધારક માંગી રહ્યા હતા કે જે કંસનો વિનાશ કરે અને એના ત્રાસમાંથી છોડાવે. જે સમાજને શાંતિ પ્રદાન કરે. ત્યારે ભગવાન વિષ્ણુએ આ ધરતી પર જન્મ લેવાનું નક્કી કર્યું, તો લક્ષ્મીજી એ કહ્યું કે,

"તમે શું કામ ધરતી પર જાવ છો. તમારા કોઈ દૂત કે અહીંથી સુદર્શન ચક્રને જ મોકલી દો. આપોઆપ સમાજમાં બધે જ શાંતિ થઈ જશે અને રાક્ષસોનો સંહાર પણ થઈ જશે, તો એ માટે તમારે સાહસ ખેડવાની જરૂરત શું કામ?"

ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે,

"દેવી જયારે દુનિયામાં ક્રૂરતા વધી જાય કે પાપ વધી જાય. કોઈને કોઈએ તો તેમને બચાવવા માટે સાહસ ખેડવું જ રહ્યું. દરેક યુગમાં મારે આ કામ કરવું જ પડે છે અને પડશે. જેમ રાવણને મારવા માટે રામને કરવું પડયું, એમ હવે કૃષ્ણનો વારો છે."

એમ જ રીતે આ તાંત્રિક ગોરખનાથનો નાશ કરવા માટે શિવાંશને સાહસ કેળવવું જ રહ્યું. એટલે સાધુ અને પરેશ તેના જવાબ માટે તેની સામે જોયું તો શિવાંશ બોલ્યો કે,

"હું તૈયાર છું મહારાજ, મારી બહેનને બચાવવા... તમે ઉપાય કહો."

શિવદાસ મહારાજે ખુશ થઈને તેના માથે હાથ મૂકયો.

"બસ આ જ જરૂરી છે, બેટા. તો સાંભળ...."

કહીને તે બોલ્યા કે,

"તારી બહેન પરી પર એક એવી તાંત્રિક વિધિ કરવામાં આવી છે સામે કોઈપણ હોય, ગમે તેટલો બળવાન હોય પણ તેની અસરથી તે મારી શકે છે. પહાડને પણ ચીરી શકે. અને એ જાદુ વગર તે ડરપોક બની જાય. પાછું તેને એ વાતનું વિસ્મરણ થઈ જાય એટલે તેને કંઈ યાદ પણ નથી હોતું. આમ તમે તેને કાળો જાદુ પણ કહી શકો.'

"હવે રહી વાત કોને કર્યો... એ એક તાંત્રિક છે, જેને આ દુનિયામાં અમરત્વ પ્રાપ્ત કરી ભગવાન બનવું છે. એટલે તે આવો કાળો જાદુ લોકો પર કરે છે. તે જાદુ ફકત એક સમયે એક જ વ્યક્તિ પર કરી શકાય. તે વ્યક્તિના મોત પછી જ બીજા પર જાદુ કરી શકાય. આના પહેલા એક પુરુષ, સ્ત્રી અને કિન્નર પર જાદુ થયો હતો પછી તે મરી ગયા.'

"હવે તેનો ઉપાય..."

"હા બાપજી ... શું છે? અમારે શું કરવાનું છે તે કહો?"

પરેશે અધીરાઈથી કહ્યું,

"હા બેટા, તો સાંભળ... આ તાંત્રિક ગોરખ સોમલાલનો શિષ્ય હતો. સોમલાલે પોતાની બધી જ વિદ્યા શીખવાડી સાથે સાથે અનેક ગૂઢ તાંત્રિક રહસ્યો પણ જણાવ્યા. ગોરખનાથ અઘોરીના રવાડે ચડયો પણ તે સમર્થ અઘોરી નહોતો એટલે સાધના કેવી રીતે કરવી તે તેને ખબર નહોતી. અમુક વર્ષો પછી તાંત્રિક સોમલાલે પોતાની જીવનલીલા સંકેલી દીધી, ત્યાં સુધી બધું ઢીક હતું. પણ સોમલાલના મોત પછી એક તાંત્રિક વિધિનું પુસ્તક તેને મળ્યું અને તેમાંથી તેને અમર થવાના રસ્તા મળ્યા. અને અમર થવા માટે તેને કાળા જાદુના પ્રયોગ ચાલુ કર્યા. આ કાળો જાદુ તોડવા માટે તે તાંત્રિકનો નાશ કરવો પડે."

તે સાંભળીને પરેશે કહ્યું કે,

"તો તાંત્રિકને જ મારી નાખીએ."

"ના, ભૂલેચૂકે પણ એવું ના કરતાં, તે તો ફકત ખોળિયું જ છે. તેને પોતાનો જીવ પુસ્તકમાં પૂર્યો છે. અને આ પુસ્તક શેઠ ગોરખનાથના પુસ્તકાલયમાં સલામત છે. અને જો તે પુસ્તકનો નાશ થાય તો જ તાંત્રિક ગોરખનો નાશ થાય અને આ કાળો જાદુ પણ તૂટે."

"તો એ પુસ્તક હાલ જ લઈ આવીએ."

"એમ એ પુસ્તક લાવું આટલું સહેલું નથી, કારણ કે પોતાના જીવ બચાવવા માટે તેમને કંઈક તો સુરક્ષા કે ઉપાય વિચાર્યો જ હશે."

બધી વાતો સાંભળી રહેલો શિવાંશ બોલ્યો કે,

"સારું, તો આ પુસ્તક લાવવું કેવી રીતે? હું જોવું છું. એ માટે કાલે જ હું મહેલમાં જઈને પ્રયત્ન કરી જોઉં."

"યશસ્વી ભવ: વિજયી ભવ:.... હિંમત રાખીને અને કોઈની નજરે ના ચડાય તેવી રીતે કામ કરજે."

"જી બાપજી...."

બોલીને શિવાંશ અને પરેશ ઘરે ગયા. સારિકા ઉપાય શો કહ્યો તેની રાહ જોઈ રહી હતી, પરેશે તેને બધું જણાવ્યું. તેઓ કાલની રાહ જોઈ રહ્યા.

જયંતી શેઠાણી પોતાની રૂમમાં સૂઈ રહ્યા હતા, ત્યાં જ લીલા આવી. લીલાને જોઈને તે બોલ્યા કે,

"લીલા શું કામ હતું? કેમ આવી?"

'બા કાલથી હું મહિના સુધી નહીં આવું."

"સારું, અહીં આવ. લે તારા માટે એક જોડ કપડાં, ઘરેણાં અને આ સોનાનો દોરો. ગમ્યું કે નહીં..."

"બા, આટલું બધું?...."

"હાસ્તો, આ તો મારી દિકરી માટે આટલું એ ઓછું કહેવાય... ચૂપચાપ લઈ લે, મા છું તારી અને આ તારો બે મહિનાનો પગાર પણ..." લીલાની આંખમાં આંસુ આવી ગયા.

"બા તમે મને આટલું આપ્યું છે, જો તમારી દિકરી હોત તો તમે કેટલુંય આપત."

જયંતી અસહજ થઈ ગઈ છતાંય બોલી કે,

" બસ હવે, મારા માથે ઊભી રહીશ કે પછી... જા જલદી જઈને કામ પતાવ."

"બા તમે લગ્નમાં આવશો તો ખરાને? આવજો મને આર્શીવાદ દેવા..."

"સારું, આવીશ જા..."

લીલા ખુશ થતા કામ પતાવવા લાગી. તેને તો રામલાલને આ બધું બતાવવાની અને કહેવાની ઉતાવળ હતી, પણ રામલાલ હજી આવ્યો નહોતો. તેણે મગનને પૂછ્યું પણ ખરું કે,

" એ કયારે આવશે? હજી કેમ આવ્યો નથી. દસ વાગવા પણ આવ્યા?"

"તું તારે ઘરે જા, લીલા. રામલાલને તો શેઠે કંઈક કામ માટે બીજે ગામ મોકલ્યો છે માટે તેને તો મોડું થશે."

લીલાના પેટમાં ફાળ પડેલી જ હતી. એમાં પણ તેને એકલાએ ઘરે જવાનું છે, તે સાંભળીને તો તેના પગ પાણી પાણી થઈ ગયા.

તે જવા નીકળીને તો તેને બલદેવ સિંહ જે ગામનો પહેલવાન હતો. તે દોડી રહ્યો હતો અને તેની આંખોમાં ભય હતો. એ જોઈ લીલા તેને રોકવા જાય તે પહેલાં જ પરીને તેની પાછળ દોડતી જોઈ. તેની ભયાનક આંખો અને તેની અંદર રહેલી ક્રૂરતા જોઈને તે ડરી ગઈ અને સંતાઈ ગઈ.

બલદેવ સિંહ ઘણું દોડયો પણ વચ્ચે શ્વાસ ચડી જતાં કે થાક ખાવા જતા, તે એક ઘરની ઓથે છૂપાઈ ગયો. તો ખબર નહીં કયાંથી પણ, અચાનક જ પરી તેમની આગળ આવીને ઊભી થઈ ગઈ.

બલદેવ સિંહ ગભરાઈને પાછો દોડવા લાગ્યો, આમને આમ તે થાકી ગયો પણ પરી નહીં. આખરે તે પરીના પકડમાં આવ્યો. દુપટ્ટાની ફાંદ બનાવી તેને ગળે વળગાડી ટૂંપો દેવા લાગી. આ ટૂંપાથી જયાં સુધી બલદેવ સિંહનું પ્રાણપંખેરુ ઉડી ના ગયું ત્યાં સુધી તે દુપટ્ટાને ગળામાં આમળતી જ રહી.

બલદેવ સિંહ મરી જતા જ તે બેભાન થઈને પડી અને લીલા ડરની મારી બેહોશ થઈ ગઈ. તે વખતે સંતાઈ રહેલા પરીના મા બાપ તેને લઈ જતા રહ્યા. તેમના ગયા પછી રામલાલ અને તેનો બીજો સાગરિત બલદેવ સિંહ જોડે આવ્યો અને તેનો જીવ ગયો છે કે નહીં તે ચકાસણી કરી. પછી લાશ પર હાથ રાખી મંત્રજાપ કરીને ગુફામાં પહોંચ્યા.

ફરી એ જ વિધિ ચાલી રહી હતી. ફરીથી એ જ રીતે બલિ ચડાવ્યો અને પછી ગીધના ખોરાક માટે ખીણમાં લાશ ફેંકી દીધી.

લીલા જયારે પવનથી ભાનમાં આવી ત્યારે ત્યાં લાશ નહોતી, એટલે તે ડરની મારી ઘરભેગી થઈ ગઈ.

રેટ કરો અને રિવ્યુ આપો

Vijay

Vijay 8 માસ પહેલા

Krupa Dave

Krupa Dave 8 માસ પહેલા

Rajni Dhami

Rajni Dhami 8 માસ પહેલા

વષૉ અમીત

વષૉ અમીત 9 માસ પહેલા

Kismis

Kismis 9 માસ પહેલા