ડ્રીમ ગર્લ 25
" ઓહ, તમને ડિસ્ટર્બ કરવા બદલ સોરી. "
એકધારી ગતિથી ચાલતા વાહનને અચાનક બ્રેક મારવામાં આવે અને વાહનમાં શાંતિથી સૂતો વ્યક્તિ સફાળો, કોઈ અઘટિત ઘટનાના ડર સાથે જાગે એવી એ પરિસ્થિતિ હતી. કોઈ શાંત સરોવરમાં કોઈએ અચાનક નાખેલ પથ્થરથી સર્જાતા તરંગો જેવી સ્થિતિ હતી. નિલાનું આમ અચાનક આગમન જિગરની કલ્પના બહારનું હતું. પણ જિગર સ્વસ્થ હતો. કેમકે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી હવાની લહેર સરખી એ આવી હતી. રણમાં ભુલા પડેલ, તરસ્યા વટેમાર્ગુને માટે મીઠા પાણીની વિરડી સમાન હતી એ.
" ઓહ નિલુ, આવ. એમાં સોરી શું ? કેટલા દિવસે દર્શન આપ્યા તેં. "
" તમને સમય જ ક્યાં છે. અને તમને ડિસ્ટર્બ કર્યા, એ બદલ સોરી તો કહેવું જ પડે ને. "
" અરે કંઈ ડિસ્ટર્બ નથી કર્યા. આવ ઓળખાણ કરાવું. આ છે પ્રિયા. પ્રિયા રહાણે. જે અકસ્માત થયો હતો, એ અભિજિત રહાણેની દીકરી. અને પ્રિયા, આ છે નિલા. મારી નિલુ..."
જિગર એક પળ નિલા સામે જોઈ રહ્યો અને પછી આગળ ચલાવ્યું.
" નિલુ... માય ડ્રીમ ગર્લ... મારી સ્વપ્નસુંદરી... નાનપણથી જેનું સ્વપ્ન જોયું હતું એ સદેહે મને મળી. બસ હવે એટલું જ જોવાનું છે કે એ મને મળે છે કે એ પણ મારા કમનસીબનું સ્વપ્ન બની રહે છે. "
નિલા એક પળ મુંઝાઈ ગઈ. કોઈ અજાણી વ્યક્તિ સામે જિગર આવો બફાટ કરશે એની એને કલ્પના ન હતી. એણે વાત ફેરવવાની કોશિશ કરી.
" મારો પરિચય તો આપ્યો પણ તમારો આ મેમ સાથેનો સબંધ પણ સમજાવો. "
જિગર હસી પડ્યો. એને આ વાતનો અર્થ સમજાતો હતો.
" નિલુ, કદાચ હું આ સંબંધને કોઈ નામ આપી નહિ શકું. કદાચ મિત્ર કહી શકું. એમના પિતાને મેં મદદ કરી. અને એમને આજે ફ્રેશ થવું હતું, આરામ કરવો હતો. એમને મારું ઘર સૌથી વધુ યોગ્ય લાગ્યું. બસ, મારી ફરજ હતી. માનવતાને નાતે એમના પિતાને મદદ કરવાની, જે મેં કરી. અને નિલુ, તું આજે અહીં રોકાઈ જા, એમને કંપની રહેશે. અને એ બહાને તું રોકાય તો એ મને પણ ગમશે. "
નિલા પ્રિયાની બાજુમાં બેઠી. પ્રિયા એક અહોભાવથી નિલાને જોઈ રહી. કેટલી નસીબદાર છે નિલા. જિગર જેવા સંનિષ્ઠ વ્યક્તિને પામવો એ અહોભાગ્યની વાત હતી. ડ્રીમ ગર્લ.. માય ડ્રીમ ગર્લ... મારી સ્વપ્નસુંદરી.... પ્રિયાના કાને જિગરના શબ્દો ગુંજતા હતા. નિલા કોઈ અહોભાવથી પ્રિયાને જોઈ રહી હતી. કેટલી સુંદર. અપ્રિતમ.. અદભુત.. કોઈ અપ્સરા સમી... પ્રભુ એ બધા ને કેમ સુંદર ના બનાવ્યા ? કેમ અલગ અલગ બનાવ્યા હશે ?
માણસો ત્રણ પ્રકારના હોય છે. એક તો આત્મપ્રશંશા કે આત્મશ્લાધામાં માનનારા. જેમને પોતાના રૂપ, રંગ, વર્ણ કે તાકાતનું ગૌરવ હોય છે. એ પોતાને બીજાનાથી શ્રેષ્ઠ જ માને છે અને આવા લોકો ગુરુતાગ્રંથી થી પીડાય છે. બીજા લોકો કંઈક અંશે અલ્પસંતોષી હોય છે. જેમને પોતાના રૂપ, રંગ, વર્ણ, તાકાતથી સંતોષ હોતો નથી. એ પોતાને બીજાથી ઓછા આંકે છે. એ લોકો લઘુતાગ્રંથિથી પીડાય છે. અને ત્રીજા પ્રકારના લોકો પોતાની ખામીઓથી જાગૃત હોય છે, છતાં પોતાને જે મળ્યું છે એનો એમને સંતોષ હોય છે. માટે જ એ લોકો સૌથી વધુ સુખી હોય છે. જિગર આ ત્રીજા પ્રકારનો માણસ હતો. એણે એકવાર નિલાને પસંદ કરી, પછી બીજી કોઈ પણ સ્ત્રીની સુંદરતાથી એને કોઈ લેવાદેવા ન હતી. અમી કે પ્રિયા, ગમે તેટલા સુંદર હોય. જિગરને મન નિલાની સુંદરતા સામે એ લોકો ટકી ના શકે.
" જાડી ના શું ખબર છે ? "
" મ્હો સંભાળી ને બોલો. એ કંઈ જાડી નથી. તમારા નસીબ ક્યાં કે એટલી સુંદર યુવતી તમને મળે? "
નિલા એ એના મોબાઈલમાં અમીનો ફોટો પ્રિયા ને બતાવ્યો.
" જુઓ તો, આ મારી બહેન કોઈ એન્ગલથી જાડી લાગે છે ? "
પ્રિયાએ અમી ના ફોટો જોયા. સુંદર, પણ સ્હેજ ભરાવદાર.
" આ તો સુંદર જ છે ને. "
" તો મેં ક્યાં કહ્યું કે સુંદર નથી, પણ જાડીને જાડી ના કહું તો શું કહું ? "
" તમારે શું લેવાદેવા એની જોડે ? "
" કાલે ઉઠી ને થોડી વધારે જાડી થાય તો લોકો મને કહે કે જુઓ જિગરની સાળી કેટલી જાડી છે. "
" એને સાળી બનાવવાનો મોકો તો ઉભો થવા દો. છાશ છાગોળેને ભેંસ ભાગોળે. "
" હા, એ પણ છે . "
જિગરને એક આછી નિરાશા થઈ. હજુ નિલાએ હા ક્યાં પાડી છે ? પ્રિયાને આ વાત આછી આછી સમજાઈ ગઈ. એ બોલી...
" નિલા, જિગરને પામનાર ભાગ્યશાળી હશે. "
પ્રિયાના મોબાઈલમાં રીંગ વાગી. હોસ્પિટલમાંથી રોહનનો ફોન હતો.
" પ્રિયા, કમ સુન. હી ઇઝ સિરિયસ. "
પ્રિયાના મ્હોનો રંગ ઉડી ગયો. જિગરને સમજાઈ ગયું કે કંઈક ખોટું થયું છે.
" પ્રિયા, વોટ હેપન્નડ. "
" ડેડ ઇઝ સિરિયસ. હું હોસ્પિટલ જાઉં છું."
" વન મિનિટ પ્રિયા, હું આવું છું. નિલા તું પણ ચલ. "
જિગર એક જ મિનીટમાં માથું ઓળી જીપની ચાવી લઈ બહાર આવ્યો.
જિગરે જીપ બહાર કાઢી. નિલાએ ઘરને તાળું માર્યું. નિલા આજે પહેલીવાર એવું અનુભવી રહી હતી કે એ આ ઘરની માલિક છે. ઘર ને તાળું લગાવી ચાવી નિલા એ એના પર્સમાં મૂકી.
જિગર, નિલા અને પ્રિયા જીપમાં રવાના થયા અને સામે બેઠેલા મોચીએ ફોન લગાવ્યો.
" માખીજા સ્પીકિંગ.... "
** ** ** ** ** ** ** ** ** ** ** **
રોડના છેડે ઉભેલા ફ્રુટની લારી વાળાએ એક ફોન ડાયલ કર્યો.
" હેમંત હિયર.... "
** ** ** ** ** ** ** ** ** ** ** **
જિગરે જીપ હોસ્પિટલના આંગણમાં પાર્ક કરી. પ્રિયા દોડીને અંદર જતી રહી. નિલા જિગરની પાસે રહી. જિગરને એવું લાગ્યું કે એ આજે સજોડે આવ્યો છે.
ડો.આયંગર રૂમની બહાર રોહન સાથે કંઇક વાત કરી રહ્યા હતા. જિગર, નિલાની સાથે રૂમમાં પ્રવેશ્યો. સામાન્ય રીતે આઈ.સી.યુ.માં આવી રીતે પ્રવેશ શક્ય ન હતો, પણ જિગરને કોઈએ રોક્યો નહિ. જિગર રૂમમાં આવ્યો. પ્રિયા ડેડને માથે હાથ ફેરવી રહી હતી. અભિજિતની પલ્સ ધીમી પડતી જતી હતી. એક ડોકટર અને નર્સ એમની શક્ય તમામ મહેનત કરી રહ્યા હતા. અભિજિતની આંખો ચકળવકળ ફરી રહી હતી. એ કોઈને શોધી રહી હતી. જિગર આગળ વધ્યો. અભિજીતે જિગરને જોયો અને એમની આંખો ફરતી અટકી. એની આંખોમાં એક સંતોષ દેખાયો. ચહેરા પર આછું હાસ્ય આવ્યું. અભિજિતની આંખો બંધ થતી હતી. સાગરને પેલે પાર સાગરમાં ડૂબકી લગાવવાની સૂર્ય તૈયારી કરી રહ્યો હતો. અભિજીતે આંખો ખુલ્લી રાખવા તમામ પ્રયત્નો કરી જોયા. પણ વ્યર્થ... એના તમામ પ્રયત્નો નિષફળ ગયા. અભિજિતની આંખો મીચાઈ ગઈ. હંમેશા માટે.....
(ક્રમશ:)
14 ફેબ્રુઆરી 2021