ડ્રીમ ગર્લ 23
રોડ પર એક આદમી દોડતો હતો. કોઇ ઘાયલ સાવજ પાછળ ચાર શિકારી પડ્યા હોય એમ પાછળ માણસો ફાયર કરી રહ્યા હતા. લોહીથી લબથબ એ માણસ રોડ પર ફસડાઈ પડ્યો. પેલા માણસોએ એને ચારે બાજુથી ઘેરી લીધો હતો. એ તમામ માણસોની આંખમાં નફ્ફટ હાસ્ય હતું. રોડ પર એ માણસ તડપતો હતો. એના શરીર માંથી નીકળેલ લોહીના રેલા રોડ પર કોઈ અજીબ ચિત્ર બનાવી રહ્યા હતા. અચાનક ક્યાંકથી જિગર કોઈ હિરોની જેમ આવ્યો અને એના પિતાને બે હાથોમાં ઉંચકીને દોડ્યો. પાછળ એ નફ્ફ્ટ , નાલાયક લોકો હતા. જિગર દોડતો હતો. એનો શ્વાસ ફુલતો હતો છતાં એ દોડતો હતો. એના પિતાના શરીર માંથી નીકળતા લોહીથી એ તરબતર હતો. પેલા ગુંડાઓથી એના પિતાને બચાવવા એ જીવ પર આવીને દોડતો હતો.....
પરસેવાથી રેબઝેબ પ્રિયાની આંખ ખુલી ગઈ. એક અજીબ આક્રોશ એના હદયમાં ઘૂંટાતો હતો. કોણ હશે એ રાસ્કલો. એકવાર.... એકવાર મળી જાય. તો એમને લાઇનસર ઉભા રાખીને ગોળી મારી દઉં. સામાન્ય વ્યક્તિને થતો આ સ્વાભાવિક આક્રોશ હતો. ભલે પોતે કાંઈ કરી ન શકે, પણ દરેક પીડિતના અંતરમનમાં વ્યાપ્ત થતો આ સ્વાભાવિક આક્રોશ હતો.
પ્રિયા એ ઘડિયાળમાં જોયું. સવારના પાંચ વાગ્યા હતા. રાતના અગિયાર વાગ્યા પછી એને ઝોકું આવ્યું હતું. અને પછી ત્રીજી વખત આ સ્વપ્ન એને આવ્યું હતું. એના પિતા, એક દેશભક્ત. રોડ ઉપર આમ ઘવાઈને પડ્યા હશે ? મનમાં વિચાર આવ્યો, પણ જિગરે એના પિતાને બચાવ્યા કેવી રીતે ? એને મન થયું એ જિગરને મળે. એના મનમાં હજારો સવાલો હતા. એણે કાચ માંથી પિતા ને જોયા. ધીમે ધીમે ઊંચી નીચી થતી છાતી એમના જીવંત હોવાની ખાતરી આપતી હતી.
** ** ** ** ** ** ** ** ** ** **
સાત વાગે રોહન આવ્યો. રાતના અગિયાર વાગે એ ડો.આયંગરના ઘરે ગયો હતો. આયંગર એના પરમ મિત્ર હતા. અત્યારે એ બિલકુલ સ્વસ્થ લાગતો હતો. એક તદ્દન સત્ય એ છે કે કોઈની સેવા કરવા માટે સેવા કરનારે સ્વસ્થ રહેવું જરૂરી છે. પેનિક થવાથી, ગભરાઈ જવાથી, ગભરાઈને બધાએ એક સાથે થાકી જવાથી દર્દી સ્વસ્થ થતો નથી. અને રોહન એ વાત સારી રીતે સમજતો હતો.
" હાય પ્રિયા, ગુડ મોર્નિંગ. "
" ગુડ મોર્નિંગ અંકલ. "
" પ્રિયા, હું અહીં બેઠો છું. ડો. આયંગર સાથે મારે વાત થઈ ગઈ છે. તું એમના ઘરે જઈ, સ્વસ્થ થઈ થોડો આરામ કરી લે. "
" અહીં પણ આરામ જ છે ને ? અહીં બીજું શું કામ છે. "
" પ્રિયા, જીદ ના કર. બેઠા બેઠા સુવાથી એટલી સારી ઊંઘ ના આવે. "
" ઓ.કે... "
પ્રિયા ઉભી થઇને ડેડના પલંગ પાસે ગઈ. પિતાજીના માથે હાથ ફેરવ્યો. મહામુસીબતે અભિજીતે આંખ ખોલી. એક ફિક્કું હાસ્ય એમના ચહેરા પર આવ્યું. એમની નજર સ્હેજ આજુબાજુ ફરી. કદાચ એ કોઈને શોધતા હતા. થાકીને એમણે આંખો બંધ કરી. આંખના આંસુ છુપાવી પ્રિયા બહાર નીકળી.
** ** ** ** ** ** ** ** ** ** **
કોઈ બેલ મારી રહ્યું હતું. રાતના સુવામાં મોડું થયું હતું. જિગરની આંખ ખુલતી ન હતી. એ મનમાં જ બબડયો.
" આ મોમ પણ દરવાજો કેમ ખોલતી નથી ? અને આ મારા રૂમનો ડોર બેલ કેમ ચાલુ કર્યો હશે ? "
અચાનક એને યાદ આવ્યું કે મોમ તો ગઈ કાલથી માસીના ઘરે ગઈ છે. એ આંખો ચોળતો ઉભો થયો અને નીચે જઇ દરવાજો ખોલ્યો. સામે પ્રિયા ઉભી હતી.
પ્રિયાની આંખોમાં દુઃખ અને રાતના ઉજાગરાના કારણે લાલાશ આવી હતી. એના રતુંબડા ગાલ વધુ મોહક લાગતા હતા. કોઈ અપ્સરા સમી એ સામે આવીને ઉભી હતી. જિગર વિચારતો હતો કે પ્રિયા સાદામાં આટલી સુંદર દેખાતી હોય તો તૈયાર થાય ત્યારે કેટલી સુંદર દેખાતી હશે ?
" ઓહ, પ્રિયા.... સવાર સવાર માં ? એવરિથિંગ ઇઝ ઓકે ? "
" અંદર આવવા દઈશ કે બહાર ઉભા ઉભા જ બધુ પૂછીશ ? "
" ઓહ, આવ... વેલકમ. દવાખાને કોણ છે ? "
" દવાખાને અંકલ છે. મને પરાણે આરામ કરવા ડૉ.આયંગરના ઘરે મોકલતા હતા. પણ મને મન થયું એટલે અહીં આવી. "
" ઓકે... બટ મોમ ઘરે નથી. હું એકલો જ છું. "
" તો શું થયું ? અને મારે તારું થોડું કામ પણ હતું. "
" ઓ.કે.. તું ફ્રેશ થા. હું તારા માટે કોફી અને સેન્ડવીચ બનાવી લાવું. "
નિલા એના ઘરની બારી માંથી જિગરના દરવાજે ઉભેલી આ રૂપસુંદરીને જોઈ રહી હતી. એના ચહેરા પર કોઈ અજબ ભાવ હતા. એ એક પળ વિચારી રહી અને એણે મનોમન એક નિર્ણય લીધો.
** ** ** ** ** ** ** ** ** ** ** **
સુલતાનસિંહ નીચું મોઢું રાખી એના સર સામે ઉભો હતો.
" સર, મેં એનો ઘરેથી જ બરાબર પીછો કર્યો હતો. પણ એ આગળ જઇ રેલવે લાઈન પાસે અંધારામાં ક્યાં ગાયબ થઈ ગયો એ ખબર ના પડી, પણ પછી એની બરાબર જડતી લીધી પણ કંઈ મળ્યું નહિ. પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. એ સીધો છોકરો લાગે છે. "
" યુ ઇડિયટ બાસ્ટર્ડ. એ કેટલો સીધો છે એ સરટીફીકેટ મેં નથી માગ્યું. એ સીધો હોત તો આ જમેલામાં એ પડ્યો જ ના હોત. ઇડિયટ..... એક કામ કરો. એના પર બરાબર વોચ રાખો. એની એક એક મૂવમેન્ટની ખબર મારે જોઈએ. "
" યસ સર. "
માખીજાને બોસ શબ્દ નહોતો ગમતો. એટલે એના તમામ માણસો એને સર કહીને જ બોલાવતા હતા. માખીજા. નિહાર માખીજા. એક ખ્યાતનામ ગેંગસ્ટર. હિસ્ટ્રિસીટર.
સુલતાનસિંહ મોચીના વેશમાં પોતાની જગ્યા તરફ ચાલ્યો....
(ક્રમશ:)
11 ફેબ્રુઆરી 2021