પુનર્જન્મ - 34 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પુનર્જન્મ - 34
                          પુનર્જન્મ 34


     બીજા દિવસે સાંજે મોનિકા તૈયાર થઈ. આજે એણે સાડી પહેરી હતી. કપાળે નાની બિંદી લગાવી હતી. વાળને સરસ રીતે ઓળયા હતા. હાથમાં રંગીન બંગડીઓ પહેરી હતી. સાડીમાં એ સુંદર લાગતી હતી.  અનિકેતની ગાડીમાં અનિકેત એને મુકવા જવાનો હતો. અનિકેત અને મગનને ભાઈબીજનું જમવાનું મોનિકાના ઘરે હતું.
    ' અનિકેત, દસ દિવસ પછી હું એક મહિના માટે વિદેશ જાઉં છું. મન તો નથી, પણ અગાઉનું એગ્રીમેન્ટ છે એટલે જવું પડશે. તું તારું ધ્યાન રાખજે. '
    ' મોનિકા, મારી ચિંતા ના કરતી. તું તારું ધ્યાન રાખજે. અને કંઈ પણ કામ હોય તો બેઝિઝક યાદ કરજો. '
     ' હવે મને કંઈ ચિંતા નથી. વિદેશથી પાછી આવીશ એટલે થોડા દિવસ અહીં રહેવા આવીશ.'
     ' ચોક્કસ, જ્યારે મન થાય ત્યારે આવજે. આ તારું જ ઘર છે. '
      ' હા, અને ભાભીની વ્યવસ્થા પણ કરીશ. મારે પણ ઘરમાં કોઈ તો જોઈએ ને. તું તો આખો દિવસ બહાર રહીશ. '
      ' હા, તું આવ તો ખરી, પછી જોઈશું. '
      ' હા, પછી હું ય ભાભી પર હુકમ ચલાવતી આરામ કરીશ. '
      ' ચોક્કસ, પણ એટલો હુકમ ના ચલાવતી કે પેલી ઘર છોડીને જતી રહે. '
      ' અત્યારથી જ વહુ ઘેલો થઈ ગયો. યાદ રાખજે હું કંઈ પણ કરીશ, એ મારી ફરિયાદ લઈ ને તારી પાસે તો જ નહિ આવે. પણ તમારા ઝગડા થશે તો એ મારી પાસે આવશે. પછી આવજે મારી પાસે મને કગરવા કે દીદી આને સમજાવો ને. '
     મોનિકા પહેલી વાર સંબધોના મીઠા સરોવરમાં ડૂબકીઓ મારી રહી હતી.
     કાયમ જેના માણસો બેગ ઉંચકતા એ આજે સામાન્ય થેલો હાથમાં લઇ ઉભી હતી. થેલામાં યાદ રાખી એણે બા, બાપુ અને સુરભિની છબી લીધી હતી. જતા પહેલાં એણે અનિકેત જોડે ફોટા પડાવ્યા. મગન, માસી અને કાકા જોડે પણ ફોટા પડાવ્યા. અને પિયરના ઘરના દરવાજે  નીચે નમી ભૂમિને પગે લાગી એ ઉભી રહી. એની આંખમાં આંસુ આવી ગયા. એ અનિકેતને વળગી પડી. પિયર માંથી બહાર પગ મુકવાની વેદના આજે પહેલી વાર એ અનુભવતી હતી. અનિકેતે એને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા : ' હંમેશા ખુશ રહે... ' સદાસુહાગણના આશીર્વાદ આપવાની શક્તિ  અનિકેતમાં  ન હતી. મોનિકા, જમનામાસી અને રમણકાકાને પગે લાગી. એ બન્નેએ આશીર્વાદ આપ્યા અને મોનિકાના હાથમાં સો સો રૂપિયા આપ્યા...
     અનિકેતે એક હજાર રૂપિયા મોનિકાના હાથમાં મુક્યા....
     ' બહેન, પિયરમાંથી ખાલી હાથે ના જવાય. ફૂલ નહી તો ફૂલની પાંખડી. '
     ' અનિકેત, મારે મન તો આ એક આખો બગીચો છે. પ્રેમને સંપત્તિથી નથી તોલાતો. ' મોનિકા વિચારતી હતી આ પિયર હોય છે ? કાશ માતા પિતા અને સુરભિ પણ હોત. એક ભાઈ કે પિયરનો પ્રેમ શુ હોય એ આજે એને ખબર પડી. 
     મોનિકાએ એનો થેલો જીપમાં મુક્યો. એ અને મગન જીપમાં બેઠા. અનિકેતે ખડકી બંધ કરી. માસી અને રમણકાકા મોનિકાને વિદાય આપવા ઉભા હતા....

****************************

     વિશાળ ફાર્મ હાઉસમાં અનિકેતની જીપ પ્રવેશી. મોનિકાને આજે એ પોતાનું ઘર થોડું અતડું લાગ્યું. પિતા વગરની એ દિવાલો, પૈસાના અભિમાનમાં કડક થઇને ઉભી હતી. ઘરમાં સુધીરની ઐયાશીની ગંધ આવતી હતી. સુધીર અને ફાલ્ગુનીના ગંદા સંબધોના ઓળા દિવાલો પર નૃત્ય કરતા હતા....
       મોનિકા એ એડવાન્સ માં જ સુધીરને અનિકેતના જમવા આવવાની વાત કરી હતી. સુધીરને આ બધામાં કોઈ રસ ન હતો. અને મોનિકા પણ ઇચ્છતી હતી કે એ હાજર ના રહે. સુધીરે એક પાર્ટીમાં જવાની પરમિશન માંગી. મોનિકા એ કોઈ દલીલ વગર પરમિશન આપી દીધી હતી. મોનિકા જાણતી હતી કે એની પાર્ટીનો અર્થ શું છે.

    પોતાની માલકણને આવી સાદી જીપમાં આવેલી જોઈ સિક્યુરિટી ગાર્ડને આશ્ચર્ય થયું. પણ મોનિકા  આખરે આ સંપત્તિની માલિક હતી. એને પૂછવાની કોઈની હિંમત ન હતી. પણ બધાને મોનિકાના સરળ સ્વભાવની માહિતી હતી. બધા નોકરોના સુખ દુઃખમાં મદદ કરનારી મોનિકા કોઈ ખોટું કામ કરે એ શક્ય નહતું, એ વિશ્વાસ એ તમામ નોકરોને હતો. મગન આવડા મોટા મકાનને આશ્ચર્ય થી જોઈ રહ્યો હતો.

     મોનિકા મગનને હાથ પકડીને લઈ ગઈ અને આખું  મકાન બતાવ્યું. મગનના મન એ કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છે. મોનિકા બન્નેને પોતાના રૂમમાં લઈ ગઈ. જે રૂમમાં સુધીર સિવાય કોઈ આવતા દસ વાર વિચાર કરે એ રૂમમાં અનિકેત અને મગન સહજતાથી બેઠા હતા. મોનિકા વોશરૂમમાં ગઈ અને કપડાં બદલીને આવી. સાદા કપડાંમાં પણ એ સુંદર લાગતી હતી. એ એના વિશાળ, આલિશાન બેડ પર બેઠી. મગનને એણે હાથ પકડી પોતાની પાસે બેસાડ્યો. કોફી આવી ગઈ હતી, અનિકેત અને મગન કોફી પીતા મોનિકાના બેડરૂમમાં બેઠા હતા. ટી.વી. ચાલુ કરી મોનિકા રસોઈ ઘરમાં ગઈ. મગન આવડું મોટું ટી.વી. જોઈ ચકરાઈ ગયો... 

     મોનિકાને રસોઈઘરમાં આવેલી જોઈ બધા ચકરાઈ ગયા. મોનિકાને રસોઈ બનાવતા આવડતી ન હતી. પણ આજે માથે ઉભા રહી વાનગીઓ બનાવડાતી હતી. અનિકેત અને મગનને શું ભાવશે ? એણે એટલી બધી વાનગીઓ બનાવડાવી હતી કે એ લોકો ચાખે તો પણ પેટ ભરાઈ જાય. બધા કુક જોઈ રહ્યા હતા, એમની મેમને આટલી ખુશ ક્યારેય જોઈ ન હતી.
     સાડા આઠ વાગે એ અનિકેત અને મગનને નીચે બોલાવી ગઈ. મોનિકા એ આજે જાતે રસોઈ પીરસી. આજે એના ભાઈ આવ્યા હતા. અનિકેતે આગ્રહ કર્યો પણ એ જમવા બેસવા તૈયાર ના થઇ. પછી મગને પણ ખૂબ આગ્રહ કર્યો ત્યારે એ જમવા બેઠી. બધું ટેબલ પર મૂકી દીધું હતું. એ ખાતી જતી હતી અને પીરસતી જતી હતી. મગન હવે મોનિકા સાથે ભળી ગયો હતો. વાનગીઓ જોઈને જ મગન ચકરાઈ ગયો હતો. આટલી વાનગી માંથી પોણા ભાગની વાનગી એણે ક્યારેય જોઈ ન હતી.
     અનિકેત અને મગન ઘરે જવા નીકળ્યા. અનિકેતે મોનિકાના હાથમાં ફરી પૈસા મુક્યા. મોનિકાએ જીદ કરી પૈસા લેવાની ના પાડી. અનિકેતે એને મુશ્કેલીથી સમજાવી કે ભાઈ, બહેનના ઘરે જમ્યા પછી કંઈ ના આપે એ ના ચાલે. મોનિકા એ શરત કરી, આ છેલ્લી વાર.. ફરી હું અગિયાર રૂપિયાથી વધારે નહિ લઉં. અનિકેતે શરત મંજુર રાખી.

      મોનિકા છેક મેઈન ગેટ સુધી મુકવા ગઈ. સિક્યુરિટી ગાર્ડને આ મહેમાન ખૂબ મહત્વના લાગ્યા. જેમના માટે એમની માલકણ પહેલી વાર મેઈન દરવાજે ચાલતી આવી હતી.

    મોનિકા અનિકેતને જતો જોઈ રહી હતી. એના જીવનમાં આજે બહાર આવી હતી. આજે એને એના ફાર્મ હાઉસ કરતાં અનિકેતનું ઘર બહુ બહાલું લાગ્યું હતું.  એની આંખમાં ભીનાશ આવી. એ ભારે પગલે ઘરમાં પાછી ફરી...

*****************************

    અનિકેત ઘરના આંગણમાં આડો પડ્યો હતો. આકાશ ના તારાની ડિઝાઇન નવા નવા આભાસ કરાવતા હતા.  બે દિવસના કિસ્સા મગજમાં ઘુમરાતા હતા. મોનિકાની રાખડી અને એના ચહેરા પરની ખુશી.. સુધીર... સ્નેહા... વૃંદા.... ત્રણ કરોડ રૂપિયા.... ગરબે રમતી મોનિકા અને વૃંદા.... 
     જીવનમાં કેટલું સેન્ટીમેન્ટલ થવાનું. કંઇક પોતાનું પણ વિચારવું જોઈએ ને. હા, ફક્ત સંવેદનશીલ થવાથી જીવન જતું નથી. એને  ગુસ્સો આવતો હતો. ભગવાન ઉપર.. શા માટે આવી દુનિયા બનાવી? એણે પ્રેમ કર્યો અને એને સજા મળી, કોઈ કારણ વગર. મોનિકાએ પ્રેમ કર્યો, એને પણ સજા.. એણે ઓશિકામાં મ્હો દબાવ્યું. વિચારોને ખંખેરવાની કોશિશ કરી, પણ એ વિચારો અટ્ટહાસ્ય હાસ્ય કરતા વધારે પ્રબળ થયા. કદાચ વિચાર નામના રાક્ષસે ભગવાનની સાધના કરી વરદાન મેળવ્યું હશે કે જે એનાથી છટકવાની કોશિશ કરે, ત્યાં એ વિચારો વધારે મજબૂત, વધારે પ્રબળ, વધારે ઘાતક બની શકે. આનો એક જ રસ્તો છે... સંવેદનહીન બની જવું. સુધીર ની જેમ, સ્નેહાના પિતાની જેમ... હા, હવે સંવેદનહીન થઈ જાઉં. મોડી રાતે એને ઉંઘ આવી....

*****************************

     હોટલ સાનિધ્યના એસી એરિયામાં અનિકેત બેઠો હતો. બાબુ મોર્ય આવી ગયો હતો. વિશાલ સાવંત આવવાનો બાકી હતો. અનિકેત મોબાઈલમાં કંઇક સર્ચ કરી રહ્યો હતો.
     બાબુ મોબાઈલમાં કંઇક સાંભળતો હતો. આ બધા ક્યારેક ગુનો કરી જેલમાં ગયા હતા. માટે ધીરજ શું છે એ જાણતા હતા. જેલમાંથી છૂટવા કેટલી ધીરજ ધરી હતી...
     વિશાલ સાવંત આવ્યો. એ જ સ્ટાઇલ, સ્હેજ મોટા પેટ પર કેમેરો ઝૂલતો હતો. અને એ જ હાસ્ય.
     ' બોસ, નાસ્તામાં શું મંગાવ્યું છે ?
     બેરર વડાપાઉં અને કોફી મૂકી ગયો. અનિકેત વિશાલને જોઈ રહ્યો... 
     ' બોસ, તમે જાણકાર માણસ છો. નાસ્તો તૈયાર જ રાખ્યો છે.. વાહ... '
     બાબુ હસવા લાગ્યો.
     ' બોસ, આમાં હસવા જેવું શું છે. હું હોટલમાં પગ મુકું એટલે ખબર નહિ મને શું થાય છે. '
     ' ઓ.કે.., ઓ.કે...  '
      સાવંત નાસ્તો કરી તૈયાર થયો. એટલે અનિકેતે વાતની શરૂઆત કરી. અનિકેતે બન્નેના મોબાઈલમાં વૃંદા, સુધીર, સચદેવા, મોનિકા, ફાલ્ગુની, રવિના ફોટા મોકલ્યા. સાથે એમના ઘર, કામની થોડી વિગતો હતી...
      ' આજથી તમારી નોકરી ચાલુ થાય છે. આ ફોટાવાળા બધાની નાની નાની પણ તમામ વિગતો મારે જોઈએ. '
      ' પણ બોસ, આ મોનિકા અને સુધીરની માહિતી તો મેં તમને આપી હતી. '
      ' ફરી ચેક કરો, કોઈ વિગત રહી તો નથી જતી ને. રિપોર્ટ આપવામાં કેટલા દિવસ થશે ? '
      ' સાત દિવસમાં પહેલો રિપોર્ટ આપીશું. જોઈએ કેટલું બાકી રહી જાય છે. '
      ' ઓ.કે.. બેસ્ટ લક... '
      અનિકેતે  રૂપિયાના બે કવર ટેબલ પર મુકયા....

                                     (ક્રમશ:)

01 ઓક્ટોબર 2020

  રેટ કરો અને રિવ્યુ આપો

Nipa Upadhyaya

Nipa Upadhyaya 2 માસ પહેલા

Vilas Dosi

Vilas Dosi 2 માસ પહેલા

Sheetal

Sheetal 2 માસ પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 3 માસ પહેલા

Aniruddhsinh Vaghela Vasan Mahadev

Aniruddhsinh Vaghela Vasan Mahadev 3 માસ પહેલા