પુનર્જન્મ 35
આજે આ મહિનાના એક લાખ રૂપિયા સચદેવા પાસે લેવાના હતા. નેશનલ હાઇવે પર હોટલ આશીર્વાદની બહાર સાંજે પાંચ વાગે મળવાનું હતું. અનિકેત જીપ લઈને સમયસર પહોંચી ગયો હતો. હોટલમાં ખાસ્સી ભીડ હતી. અનિકેત હોટલમાં ચ્હા પીને જીપ લઈ હોટલથી સો મીટર આગળ હાઇવે પર ઉભો રહ્યો. થોડીવારમાં એક લીમોઝન ગાડી આવી અને જીપની બાજુમાં ઉભી રહી.
ડ્રાયવર ઉતરીને અનિકેત પાસે આવ્યો. અનિકેત એની સામે જોઈ રહ્યો.
'સર, તમારે પેલી ગાડી લઈ જવાની છે. હું જીપ લઈને તમારી પાછળ આવું છું.'
અનિકેત એ ગાડી પાસે ગયો અને દરવાજો ખોલ્યો. અંદર સચદેવાની સાથે સુધીર પણ હતો.
' વેલકમ મી. અનિકેત... '
અનિકેત ગાડીમાં બેઠો. સચદેવા એ કહ્યું, ગાડી સ્ટાર્ટ કર...
અનિકેતે ગાડી સ્ટાર્ટ કરી. પાણીના રેલાની જેમ ગાડી સ્ટાર્ટ થઈ. જીપ અને લીમોઝનમાં ફરક હતો. અનિકેત વિચારતો હતો, રૂપિયામાં કેટલી તાકાત છે. સચદેવા એ એક લાખ રૂપિયા અનિકેતની બાજુમાં મુક્યા. અનિકેતે એક હાથે રૂપિયા ઉઠાવ્યા અને જેકેટના ગજવામાં મુક્યા..
સુધીર: ' મી.અનિકેત, મોનિકા બે દિવસ તમારા ઘરે રોકાઈ હતી. '
અનિકેતના ચહેરા પર હાસ્ય આવ્યું.
અનિકેત: ' કેમ તમને ઈર્ષા થાય છે. '
સુધીર: ' એનામાં ઈર્ષા કરવા જેવું કંઈ હોત તો હું એને છોડવા તૈયાર ના થાત. સાંભળ્યું છે કે તમે બે ભાઈ બહેન બન્યા છો. '
અનિકેત: ' એણે મને રાખડી બાંધી છે. એ એની મરજી છે. મને એનાથી કોઈ ફરક પડતો નથી. '
સચદેવા: ' મેં તમને ફોટો આપ્યો હતો એ યાદ હશે. '
અનિકેતે મિરર સચદેવા અને સુધીર તરફ સેટ કર્યો. અનિકેતના ચહેરા પર એક કુટિલ હાસ્ય હતું. મિરરમાં એ બન્ને તરફ જોતા અનિકેત બોલ્યો....
' તમારી મેમની સાથે એ ફોટા વાળીનું પણ કામ કરી દઉં ? ફોટાવાળીના ત્રણ કરોડ અલગ લઈશ. મી. સચદેવા.. મને હવે પ્રેમ કરવાનો શોખ રહ્યો નથી. છ કરોડમાં તો હું મસ્ત જીદંગી જીવીશ. જીપ અને લીમોઝનમાં ફરક છે. હું એ વેદિયાવેડાથી કંટાળ્યો છું. મારે પણ હવે જિંદગી માણવી છે. '
અનિકેતે ગાડી ઉભી રાખી. અને દરવાજો ખોલી એ નીચે ઉતર્યો. અનિકેત ખુલ્લા દરવાજામાંથી સુધીર તરફ જોતા બોલ્યો.
' ત્રણ કરોડમાં એક લેખે જેટલા કામ કરવા હોય એટલા કહેજો. મોનિકા ની જોડે પેલી ફોટાવાળી સ્નેહાનું કામ પણ કરી દઈશ, એડવાન્સ રૂપિયા તૈયાર રાખજો. '
અનિકેત પાછળ આવીને ઊભી રહેલી પોતાની જીપ તરફ ગયો અને ડ્રાયવરને ઉતારી જીપ લઈને રવાના થઈ ગયો. સુધીર અને સચદેવા એને આશ્ચર્ય થી જોઈ રહ્યા.
' સચદેવા, શું લાગે છે? '
' બોસ, ડોન્ટ વરી. કદાચ એ સાચે જ પૈસાને પ્રેમ કરે છે. જેલમાં જઈ આવ્યા પછી અચ્છા અચ્છાના વિચારો બદલાઈ જાય છે. પૈસા હશે તો એક એકથી ચઢિયાતી મળશે. અને જો એ નાટક કરતો હશે, તો હું પ્લાન B અમલમાં મુકીશ. એણે મોનિકા સાથે સંબધ વધાર્યો, બહેન બનાવી ફસાવી અને રેપ કરી મર્ડર કર્યું. એના ઘણા વિડીયો આપણી પાસે છે. પોલીસને મર્ડર કરનાર મળશે એટલે તપાસ પૂરી. '
' આ બધું કોણ કરશે ? '
' તમે પરમિશન આપો તો હું કરીશ, નહિ તો માણસ શોધીશું. '
સુધીર સચદેવા સામે જોઈ રહ્યો. સચદેવાના ચહેરા પર કુટિલ હાસ્ય હતું...
******************************
અનિકેતને યાદ નહોતું આવતું કે વૃંદાને એણે ક્યાં ઉતારી હતી. વૃંદાના ઘરના અનુમાનિત એરિયામાં આવી અનિકેત દસ મિનિટ ફર્યો, ત્યારે એ ફ્લેટ દેખાયા. અનિકેત એક સાઈડમાં દૂર ઉભો રહ્યો. લગભગ પોણો કલાક રાહ જોયા પછી એ એક ટેકસીમાં આવી. સોસાયટીના દરવાજે ગાડી ઉભી રખાવી, ભાડું ચૂકવી એ અંદર ચાલી ગઈ.
સોસાયટીની આછી લાઇટોમાં પણ એ મોહક લાગતી હતી. ટાઈટ જીન્સના પેન્ટ પર ટાઈટ ટી શર્ટમાં એ આકર્ષક લાગતી હતી. એ ગઈ ત્યાં સુધી અનિકેત એને જતી જોઈ રહ્યો. કોઈ પણ પુરુષને આકર્ષવા એ સક્ષમ હતી. વાત કરવાનો કોઈ મોકો ના મળ્યો. ફરી વાર આવવાના નિશ્ચય સાથે અનિકેત ઘર તરફ નીકળ્યો.
******************************
મોનિકા સામાન્ય રીતે મોડામાં મોડી છ વાગે ઘરે જવા નીકળી જતી. અને એના ગયા પછી જ ફાલ્ગુની ઘરે જવા નીકળતી હતી. હમણાં ફાલ્ગુની ખુશ હતી. એણે નવો ફ્લેટ બુક કરાવ્યો હતો. અને સુધીર સર, માય ગોડ... કેટલા હેન્ડસમ. પોતાની તરફ આકર્ષાયા હતા. ફાલ્ગુની જાણતી હતી કે આ સંબધને કોઈ નામ મળવાનું નથી. અને એ આજીવન ચાલવાનો પણ નથી. પણ... પણ સુધીરસરમાં ગજબનું ચુંબકીય આકર્ષણ હતું. પોતે એમાં ખેંચાતી જતી હતી. એ સુધીર સરનો જેટલો સાથ મળે એટલો મેળવવા માંગતી હતી. અને સુધીર એનું ફાઈનાનસીયલ ધ્યાન પણ રાખતો હતો.
પણ આજે મોનિકા મોડે સુધી રોકાઈ હતી. ખબર નહી શું કરતી હતી. આખરે ફાલ્ગુની એક ફાઇલ લઈને ઉભી થઇ. સુધીર, સચદેવા વગેરે નીકળી ગયા હતા. ફાલ્ગુની, મોનિકાની ચેમ્બરની બહાર મુકેલી બેલ વગાડી ઉભી રહી. મોનિકાએ સ્ક્રીન પર જોયું. ફાલ્ગુની એ જોયું. બેલની બાજુમાં એક ગ્રીન લાઈટ થઈ. અને ફાલ્ગુની અંદર ગઈ....
' ગુડ ઇવનિંગ મેમ... '
' ગુડ ઇવનિંગ.. '
મોનિકા જ્યારે ફાલ્ગુની ને જોતી ત્યારે એના મન માં એક કડવાશ આવતી.. પણ એ જાણતી હતી.. સુધીર ને મન ફાલ્ગુની એક રમકડું છે... થોડા સમય પછી બીજું કઈક મળશે. મૂળ વાંક તો સુધીર નો છે.. '
' મેમ, આ એક ફાઇલ આપના માટે છે. મેં ચેક કરી લીધી છે. આપનું એપૃવલ અને સિગ્નેચર બાકી છે. '
' ઓ.કે. મૂકી દે અહી. હું પછી જોઈ લઈશ. '
' ઓ.કે.. મેમ.., મેમ સોરી, પણ મોડે સુધી રોકાવાનું છે? '
' નો, તું જઇ શકે છે. હું આજે આ ફાઇલ જોઈ ને નીકળું છું. '
' ઓ.કે.. મેમ... '
ફાલ્ગુની બહાર નીકળી. મોનિકા એને જતી જોઈ રહી. હવે ઓફીસમાં મોનિકા અને એક પ્યુન અને સિક્યુરિટી ગાર્ડ જ રહ્યા. આશરે પોણા આઠ વાગે એક માણસ આવ્યો. માથે કેપ, આંખો પર ગોગલ્સ, જીન્સ પેન્ટ, ટી શર્ટ. મોનિકાની પરમિશન લઈ એ મોંનિકાની ચેમ્બરમાં મોનિકાની સામે બેઠો..
પ્યુન પાણી અને કોફી મૂકી ગયો....
' બોલો મેમ... શું કામ હતું ? '
' મી.રોય, એક કામ હતું. પણ ખૂબ જ ગુપ્ત. કોઈને ખબર ના પડવી જોઈએ. '
' મેમ, એક વાત યાદ રાખજો. તમે કદાચ કોઈને કહેશો. પણ મારા તરફથી વાત બહાર નહિ જાય. અને મારા માણસોને તો એ પણ ખબર નહિ હોય કે મને કામ કોણે સોંપ્યું છે. '
' ઓ.કે.. હું તમને ફોટા આપું છું. મારે એમની બધી વિગત જોઈએ... '
' ઓ.કે... '
મોનિકા એ ટેબલ પર ફોટા મુક્યા અને એક પ્રિન્ટ કરેલો કાગળ મુક્યો. રોય એ ફોટા લઈ ધ્યાન થી જોઈ રહ્યો....
' મેમ. ફિસ.. '
' એડવાન્સ બોલો. '
' પચાસ હજાર. '
મોનિકા એ પચાસ હજારનું એક બંડલ ટેબલ પર મુક્યું. દસ હજાર બીજા મુક્યા.
' મારે કામ વ્યવસ્થિત જોઈએ. '
' યસ, મેમ. '
રોય રૂપિયા પર્સમાં મૂકી બહાર નીકળ્યો. રોય બહાર નીકળ્યો. અને સામેના બિલ્ડીંગના દરવાજેથી એક બીજો માણસ બહાર નીકળ્યો અને રોયની પાછળ ચાલ્યો....
(ક્રમશ:)
03 ઓક્ટોબર 2020