પુનર્જન્મ 33
અનિકેત એક પળ સ્તબ્ધ થઈ ગયો હતો. આ ગામની વચ્ચે એ એક વાર હડધૂત થઈ જેલમાં ગયો હતો. આજે ફરી વાર તો એવું કંઇક નહી થાય ને ? એણે ઉભા થવાનો પ્રયત્ન કર્યો.. પણ મન, શરીર કોઈ સાથ આપવા તૈયાર ન હતું. અહીં આવવા બદલ એને અફસોસ થતો હતો. પોતાને અને મોનિકાને શું લેવાદેવા ? પોતે એક કામ લીધું હતું અને એ પૂરું કરવાનું હતું.. બસ.. શું મોનિકાને બચાવીને એણે ભૂલ કરી હતી ? મોનિકા એ ફરી અનિકેતના નામનું એનાઉન્સ કર્યું. એ મન મક્કમ કરી ઉભો થયો.
ટોળાંમાંથી સ્ટેજ પર ઉભેલાને જોવા અલગ વાત હતી અને સ્ટેજ પરથી લોકોને જોવા એ અલગ વાત હતી. અનિકેતને લાગ્યું, તમામ લોકોની નજર એના ઉપર છે. અને એ ખોટો પણ ન હતો. બધાની નજર એના તરફ જ હતી. એ મોનિકાની પાસે જઈ ઉભો રહ્યો...
મોનિકાએ અનિકેતની સામે જોયું અને પોતાના હાથમાં પકડેલી રાખડી અનિકેત તરફ ધરી.
' અનિકેત, બંધાવીશ ને ? '
અનિકેતે મોનિકા સામે જોયું. અનિકેતના ચહેરા પર આનન્દના ભાવ આવ્યા. અનિકેતે મોનિકા તરફ હાથ લાંબો કર્યો. આખા ગામની સાક્ષિએ મોનિકાએ અનિકેતના જમણા હાથે રાખડી બાંધી. અનિકેતે ગજવામાં હાથ નાંખ્યો અને એક પાંચસોની નોટ મોનિકાના હાથમાં મૂકી. મોનિકાની આંખમાં ભીનાશ આવી. મોનિકાએ, એ નોટ આંખે લગાડી અને માઇક હાથમાં લીધું. મોનિકાએ બાજુમાં મુકેલા કવર અનિકેતને આપ્યા.
અનિકેત કવર લઈ ખુરશીમાં બેઠો. ઓપશન નમ્બર 1 નું કવર ખુલ્લું હતું. અનિકેતે એમાં રાખડી મૂકી હતી.. કવર નમ્બર 2 હજુ સીલબંધ હતું.. એમાં અનિકેતે એક કાગળમાં લખ્યું હતું. એક નિસ્વાર્થ મિત્ર માત્ર. પણ મોનિકાએ ઓપશન નમ્બર 2નું કવર ખોલ્યું જ ન હતું.
' વડીલો, મિત્રો અને બહેનો.. આજે હું આપ સૌની સામે અનિકેતને ભાઈ બનાવું છું. આ સંબંધે હું આપના ગામની દીકરી થઈ. મને અપનાવશો ને ? '
આખા ગામે એને એક અવાજે વધાવી લીધી..
' તો મને પિયરમાં ગરબા ગવડાવશો ને ? '
ફરી આખા ગામે એને વધાવી લીધી. વૃંદા અને છોકરીઓનું આખું ટોળું સ્ટેજ પર આવ્યું અને મોનિકાને હાથ પકડી નીચે લઈ ગયું. મોનિકા આજે મન મૂકીને ગરબા ગાતી હતી...
અનિકેત હાથની રાખડીને જોઈ રહ્યો. એને બહેન યાદ આવી. સુરભિ... સુખી તો હશે ને ? એ રાત્રે ગરબાની રમઝટ જામી. આયોજકોએ પરાણે સાડા અગિયાર વાગે ગરબા બંધ કરાવ્યા. બધાની ડિમાન્ડતો હતી કે ગરબા ચાલુ રાખો. પણ બીજા દિવસે નવા વર્ષનો આરંભ હતો. બેસતું વર્ષ હતું.. વેપારીઓને મુહૂર્ત સાચવવાના હતા...
*****************************
મોનિકા, અનિકેત, માસી, મગન, વૃંદા વગેરે ઘર તરફ વળ્યા. મોનિકાના બોડીગાર્ડ બહાર જ ઉભા હતા. મોનિકાએ એમને ગાડી લઈ ઘરે જવા કહ્યું. અને સૂચના આપી કે એ એની રીતે આવી જશે. મોનિકા રોકાવાની છે એ જાણી વૃંદા ખુશ થઈ. અને એણે માસીને ફોન કરી કહી દીધું કે એ જમનામાસીના ઘરે મોનિકાની સાથે રોકાશે. સાથે અનિતા પણ રોકાવાની છે..
ફરી એકવાર અનિકેતનું ઘર માણસોથી ભરાઈ ગયું... અનિકેત, મોનિકા, જમનામાસી, મગન, વૃંદા, અનિતા...
બધી છોકરીઓ ફટાકડા ફોડવા મગનની સાથે બહાર ગઈ. અનિકેતે ફટાફટ ગુજરાતી શાક, એક પંજાબી શાક, દાલ ફ્રાય, જીરા રાઇસ બનાવ્યા. મોટા ભાગની તૈયારી તો અનિકેતે પહેલા જ કરી રાખી હતી. સાથે જમનામાસી પણ હતા. માસીએ રોટલા બનાવ્યા. પોણો કલાકમાં બધા જમવા બેઠા. મોનિકા જાણે આ ઘરની સદસ્ય હોય એવું લાગતું હતું. જમનામાસી રમણકાકા માટે થાળી આપી આવ્યા.
મોનિકા ઘરમાં આંટો મારવા ગઈ. મોનિકા,સુરભિ, માતા અને પિતાની તસવીરને એ જોઈ રહી.
' અનિકેત હું જઈશ ત્યારે આ તસવીર લઈને જઈશ.'
' ઓકે.. મોનિકાજી.. '
' જી નહિ. ખાલી મોનિકા. અને તમે પણ નહિ. માત્ર તું. '
' જી. '
' અને મારી વ્હાલી ભાભીનો ફોટો ક્યાં ? '
અનિકેતે કપડાંની પાછળ મુકેલો ફોટો કાઢી મોનિકા ને આપ્યો. મોનિકા એને જોઈ રહી. સેઇમ વૃંદા.. હાથમાં મુકેલી મહેંદી વાળો હાથ સ્ટાઇલથી ગાલે મુક્યો હતો. અનિકેતે એ ફોટો અરીસા સામે ધર્યો. મોનિકા જોઈ રહી. મહેંદીમાં અનિકેતનું નામ લખ્યું હતું. મોનિકાએ ફોટો હાથમાં લઇ ચૂમી લીધો.
બહાર આંગણામાં બધાના ખાટલા ઢાળ્યા. અનિકેતને આજે સુરભિ ખૂબ યાદ આવતી હતી. એ બહેન સાથે એ આ ઘરમાં એ મોટો થયો હતો. બહુ મોડે એને ઉંઘ આવી...
***************************
કોઈ એને જગાડતું હતું. સવારનો તડકો ઉપર આવી ગયો હતો.
' ઉઠો, આજે બેસતું વર્ષ છે. '
અનિકેતે જોયું, મોનિકા સ્નાન કરી તૈયાર થઈ, ચ્હાનો કપ લઈને ઉભી હતી. અનિકેત બેઠો થયો. ચ્હાનો કપ હાથમાં લીધો.
' સોરી, આજે મોડું થઈ ગયું. પણ તું આટલી વહેલી ? અને બધા ક્યાં ગયા ? '
' બધા પોતપોતાના ઘરે તૈયાર થવા ગયા. અને આ ઘરની દીકરી તરીકે મારી ફરજ છે, વહેલા ઉઠવાની. '
અનિકેત મોનિકાને જોઈ રહ્યો. એ આજે ખૂબ ખુશ લાગતી હતી. સાહ્યબીમાં ઉછરેલી આ છોકરી મોડે ઉઠવા ટેવાયેલી હતી. એની જગ્યાએ આજે આ આટલી વહેલી ? મોનિકા અનિકેતની સામે ખાટલામાં બેઠી..
' અનિકેત તને ખબર છે. મા મરી ગઈ પછી હું એકલી પડી ગઈ હતી. પપ્પા ધંધામાં રચ્યા પચ્યા રહેતા હતા. હું એકલી પડતી હતી. ત્યારે વિચાર આવતો હતો. મારે પણ ભાઈ કે બહેન હોત તો કેટલું સારું? જ્યારે તું મને બચાવવા દોડ્યો, એ વિડીયો મેં જોયો ત્યારે જ મને લાગ્યું હતું કે મારો ભાઈ હોત તો એ આમ જ મને બચાવવા દોડત. અનિકેત આજે હું ખૂબ ખુશ છું. ભાઈ ન હતો. મનમાં રંજ હતો. એ આજે પૂરો થયો. કાકી, કાકા, મગન બધા મળ્યા.. '
' હજુ સુરભિ બાકી છે. '
' અનિકેત, સુરભિ અને સ્નેહા. બન્ને આ ઘરમાં આવશે. મને ઈશ્વર પર વિશ્વાસ છે. તું હવે તૈયાર થા. આપણે મંદિર જવાનું છે. આજે બેસતું વર્ષ છે.. '
**************************
અનિકેત પોણો કલાકમાં તૈયાર થઈ ગયો. મોનિકા ઘરમાં ન હતી. માસી એ કહ્યું એ મગનની સાથે આંટો મારવા ગઈ છે. એક દિવસમાં મોનિકાને આખું ગામ ઓળખતું હતું.
મોનિકા અને મગન આવ્યા. અનિકેત, મોનિકા, માસી, મગન, વૃંદા અને અનિતા બધા મંદિર જઇ આવ્યા. પાછા આવી અનિકેત અને માસી રસોઈમાં પરોવાયા. મોનિકા એ રસોઈ બનાવવાનું બહુ કહ્યું પણ માસી એ એને ના પાડી. મોનિકા માસીના ઘરે ગઈ. એક કલાક એ રમણકાકા સાથે રહી. પાછી આવી ત્યારે એ ખૂબ ખુશ હતી. અનિકેતને એનું કારણ સમજાયું નહીં. એણે પૂછ્યું, પણ મોનિકા એ હસીને વાત ટાળી દીધી.
મોનિકા એ દિવસે જવાની હતી. પણ કોઈ અકળ કારણસર એ રોકાઈ ગઈ. રમણકાકા દોડધામ કરતા હતા. અનિકેતને એ રહસ્ય કંઈ સમજાયું નહી.
( ક્રમશ : )
29 સપ્ટેમ્બર 2020