" સૂરજમુખી "
વેકેશન પડ્યું નથી કે જ્હાનવી પોતાની માસીને ઘરે રહેવા માટે ગઈ નથી.
જ્હાનવી અને પરિતા બંને માસી માસીની દીકરીઓ બંને ઉંમરમાં એક સરખી એટલે બંનેને બહેનો કરતાં બહેનપણીઓ જેવું બને અને તેથીજ જ્હાનવીને માસીના ઘરે રહેવું ખૂબ ગમે.
પરિતા થોડી ઘંઉવર્ણી અને બોલવા-ચાલવામાં થોડી શાંત અને ધીર ગંભીર પરંતુ જ્હાનવી બોલવામાં એકદમ એક્સપર્ટ, તેને બધાની સાથે ખૂબજ બોલવા અને હસી-મજાક કરવા જોઈએ.
જ્હાનવી દેખાવમાં પણ ખૂબજ રૂપાળી, કોઈને પણ ગમી જાય તેવી અને પાછી બોલવામાં મીઠી એટલે સૌને વ્હાલી લાગે તેવી હતી. કોઈપણ છોકરો તેને જૂએ એટલે તેને એમજ થાય કે, જ્હાનવી સાથે વાત કરવા મને ક્યારે મળશે..??
જ્હાનવી જેમ જેમ ઉંમરમાં મોટી થતી ગઈ તેમ તેમ વધુ ને વધુ સુંદર દેખાતી હતી.કોઈ પણ છોકરીને તેની ઈર્ષ્યા આવે, પરિતાને પણ તેની ઈર્ષા આવતી અને તે અવાર-નવાર પોતાની મમ્મીને સુંદર દેખાવા માટેના નુસખા પૂછ્યા કરતી અને અપનાવ્યા કરતી.
જ્હાનવી કૉલેજના પહેલા વર્ષમાં હતી અને વેકેશનમાં દર વખતની જેમ જ પોતાના માસીને ત્યાં રહેવા માટે આવી હતી.
માસીના ઘરની બાજુમાં જ એક રિકેન નામનો છોકરો રહેતો હતો તેને જ્હાનવી ખૂબજ ગમતી હતી તેણે પરિતાને જ્હાનવી પોતાની સાથે લગ્ન કરશે કે કેમ તે પૂછ્યું પરંતુ જ્હાનવીએ "અત્યારે મને આવી કોઈ વાતમાં રસ નથી કહી વાતને ટાળી દીધી."
કૉલેજના બીજા વર્ષથી જ્હાનવીએ પોતાના માસીને ત્યાં રહેવા માટે આવવાનું જ બંધ કરી દીધું.પણ રિકેન એમ કંઈ હાર માને તેમ ન હતો. તે જ્હાનવીને ખરા હ્રદયથી ચાહતો હતો અને તેની સાથે જ લગ્ન કરવા ઈચ્છતો હતો તેથી તેણે પોતાનું ભણવાનું પૂરું થઈ જાય અને જ્હાનવી પણ ગ્રેજ્યુએટ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાનું પસંદ કર્યું.
પોતાનો અભ્યાસ પૂરો કરી લીધા બાદ તેણે જ્હાનવી જે શહેરમાં રહેતી હતી તે જ શહેરમાં જોબ શોધી લીધી અને તે સેટલ થઈ ગયો અને સારું એવું કમાવા પણ લાગ્યો.
જ્હાનવીના ઘરનું સરનામું અને જ્હાનવી વિશેની બધીજ માહિતી તેને પરિતા પાસેથી મળી રહેતી હતી.
પછી એક દિવસ રિકેને પોતાના મમ્મી-પપ્પાને પોતાની આ ઈચ્છા જણાવી, મમ્મી-પપ્પા રિકેનનું માંગુ લઈને જ્હાનવીને ત્યાં ગયા.
છોકરો અને ફેમિલી વેલસેટ હતું એટલે "ના" પાડવાનો કોઈ પ્રશ્ન જ ન હતો.
જ્હાનવીના મમ્મી-પપ્પાએ સહર્ષ માંગુ સ્વિકારી લીધું અને બંનેના ધામધૂમથી લગ્ન લેવાયા.
લગ્નના એક વર્ષ બાદ જ્હાનવીને છાતીના ભાગમાં એક નાની ગાંઠ જેવું લાગતાં બધી તપાસ અને રિપોર્ટ્સ કરાવ્યા તો ખબર પડી કે જ્હાનવીને ચેસ્ટ કેન્સર થયું છે.
તાત્કાલિક તેની સારવાર ચાલુ કરવામાં આવી પણ જ્હાનવી રિકેનને એમ જ કહ્યા કરતી હતી કે, "મને હવે સારું નહીં થાય તો તમે બીજે ક્યાંક લગ્ન કરી લો."
પણ રિકેનને પોતાના સાચા પ્રેમ ઉપર અને ભગવાન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે, "મારી જ્હાનવીને મેં ઈશ્વર પાસેથી માંગીને લીધી છે તેને કંઈજ નહીં થાય." અને તે ઈશ્વરને સતત પ્રાર્થના કરતો રહેતો હતો.
સમય પસાર થતો ગયો અને ધીમે ધીમે જ્હાનવીને સારું થવા લાગ્યું.
જ્હાનવી એક દિવસ રિકેનને કહેતી હતી કે, " તું મારા માટે સૂરજ સમાન છે અને હું તારી સૂરજમુખી. તારા પ્રેમરૂપી પ્રકાશથી મારા જીવનમાં છવાયેલો અંધકાર પણ ઉજાસમાં છવાઈ ગયો અને હું જીવંત રહી શકી. હર જનમમાં તું મારો બનજે અને હું તારી સૂરજમુખી બનીને રહીશ. "
અને બંને એકબીજાને ભેટી પડ્યા. જ્હાનવીની આંખમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી.
સાચા પ્રેમનો હંમેશા વિજય થાય છે.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22/5/2021